Advertisement
Author: નોબત સમાચાર

પ્રેમનો અતિરેક માનવીને ગુંગળાવી નાંખે છે... બી કેરફૂલ...

મેઘરાજા વધારે મહેરબાન થાય, ત્યારે તેને મેઘ તાંડવ કહેવાય... જળબંબાકાર...

જન્માષ્ટમીના તહેવારો આ વખતે જળમગ્ન થઈ ગયા અને મેઘાની વધારે  પડતી મહેરબાની મેઘતાંડવમાં ફેરવાઈ ગઈ. કુદરત સામે માનવી કેટલો  લાચાર છે, તે આપણે જોઈ જ રહ્યા છીએ. મેળાઓની મજા બગડી,  રોડ-રસ્તા તૂટી-ફૂટી ગયા, વાહનવ્યવહાર ખોરવાઈ ગયો અને જનજીવન  વેરવિખેર થઈ ગયું. આ સ્થિતિ જ એ પૂરવાર કરે છે કે કોઈપણ બાબતનો  અતિરેક લાભને નુક્સાન અને મજાને મુશ્કેલીમાં બદલી શકે છે. 'અતિને ગતિ  નહીં અને અતિને સ્વીકૃતિ નહી' જેવા શબ્દો પણ આ સંદર્ભે જ વપરાતા રહ્યા  છે.

મેઘરાજાની મહેરબાની વધી જાય, તે બધાને ગમે, પરંતુ જ્યારે અવિરત  વરસ્યા જ કરે, ત્યારે 'ખમૈયા...રાજા'... 'ખમૈયા કરો' અને 'હવે વિરામ  લ્યો મેઘરાજા' જેવી આજીજી પણ કરવી પડતી હોય છે. તેવું જ કાંઈક પ્રેમનું  હોય છે. પ્રેમનો અતિરેક માનવીને ગુંગળાવી નાંખતો હોય છે, તેથી પ્રેમની  પ્રકૃતિને પિછાણીને તેના પ્રાગટ્યમાં સાવધ રહેવું પડે.

સામાન્ય રીતે આપણે 'પ્રેમ' અથવા 'લવ'ને પ્રેમી-પ્રેમિકા અથવા  પતિ-પત્નીના પ્રેમ તરીકે ઓળખીયે છીએ, પરંતુ વાસ્તવમાં પ્રેમનો અતિરેક  તમામ સંબંધોમાં અવરોધક બનતા હોય છે. પ્રેમનો એટલો બધો અતિરેક ન  થવો જોઈએ કે જેના પર પ્રેમ વરસાવવામાં આવે છે, તે ગુંગળાઈ જાય,  મુરઝાઈ જાય કે પછી તેની પ્રગતિ જ રૃંધાઈ જાય. પ્રેમનો અતિરેક જ ક્યાંક  તેની નારાજગી કે નફરતનું કારણ ન બની જાય, કે સ્વચ્છંદતાની સીડી ન બની  જાય, તે માટે ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે.

ઘણી વખત આપણે એવું સાંભળીયે છીએ કે નાનપણમાં લાડ લડાવ્યા, તેથી  તેનો દીકરો વંઠી ગયો કે કહ્યામાં રહ્યો નથી. આ પ્રકારના લાડ લડાવવાને જ  કદાચ પ્રેમનો અતિરેક કહી શકાય. આ જ પ્રકારે અન્ય તમામ સંબંધોમાં પણ  બને છે, અતે તેના ઘણાં બધા દૃષ્ટાંતો આપણી વચ્ચે જ જોવા મળતા હોય છે.

અતિને નહીં ગતિ

કોઈપણ બાબતમાં અતિરેક હંમેશાં હાનિકર્તા જ હોય છે. એવું કહેવાય છે કે,  બદામ ખાવાથી બુદ્ધિ વધે કે યાદશક્તિ તીવ્ર બને, પરંતુ જો એકીસાથે ઘણી  બધી બદામ ખાવામાં આવે તો તેથી તબિયત ખરાબ જ થઈ જાય... દૂધ  પૌષ્ટિક છે, પરંતુ એક સાથે બે-ત્રણ લીટર દૂધ પી જવાથી ડાયેરિયા જ થઈ  જાય...

અતિશય બુદ્ધિશાળી હોવું, એ સારી વાત છે, અને તેના થકી ઊંચા લક્ષ્યો સિદ્ધ  કરી શકાય છે. એ ખરૃં, પરંતુ જો તેનો ઘમંડ આવી જાય, ઉચ્ચ બુદ્ધિમત્તાનો  દુરૂપયોગ થાય કે પછી તેમાંથી જ તરંગી દુનિયામાં ધસી જવાથી ગાંડપણ જેવી  સ્થિતિ સર્જાઈ શકે, અથવા માનસિક 'શોર્ટસર્કીટ'  પણ થઈ શકે છે, સાચી  વાત છે કે ખોટી?

મીઠાઈ ભાવે, પરંતુ માપમાં તેમાં મીઠાશ હોય ત્યાં સુધી જ ભાવે. જો વધુ ખાંડ  કે ગોળ પડી જાય, તો એ જ મીઠાઈ બહું ખાઈ ન શકાય, અને ભાવે પણ  નહીં. 'ખારી સીંગ' તરીકે ઓળખાતા સેકેલા સીંગદાણા જો વધુ ખારા થઈ  જાય, તો તે ખાવાનું ગમે નહીં. મસાલેદાર ચાય સ્વાદિષ્ટ લાગે, પરંતુ  'સ્વાદ'નો અતિરેક થાય એટલે કે ચાયનો મસાલો વધુ પડી જાય, તો તેવી  ચાયની ચૂસ્કી લેવી ગમે નહીં!

પરીક્ષાઓ માટે તૈયારી કરવી જ જોઈએ, અને તેના માટે અથાગ પરિશ્રમ  કરવો જ જોઈએ, પરંતુ જ્યારે પૂરા પ્લાનિંગ વિના ખાવા-પીવાનું ધ્યાન રાખ્યા  વગર કે સતત ઉજાગરા કરીને આડેધડ મહેનત કરવામાં આવે, તો તેમાં  શારીરિક થાક, વિસ્મૃતિ અને અસ્વસ્થતાના ભયસ્થાનો ઊભા થઈ જાય, તેથી  'અતિ' અને અણઘડ પરિશ્રમ કરવાથી પણ ઘણી વખત ધારી સફળતા મળી  શકતી હોતી નથી.

કોઈ સ્વજનની ચિંતા થાય, તે સ્વાભાવિક છે અને ચિંતા થવી એ માનવસહજ  પ્રક્રિયા છે, પરંતુ જ્યારે સતત ચિંતા કર્યા જ કરવામાં આવે અને બીજે ક્યાંય  મન લાગે નહીં, તો તે ચિંતા ચિત્તા સમાન બની જાય છે અને માનવીને  અંદરથી ને અંદરથી જલન થતી હોય, અંતરમાં આગ બળતી હોય, મન  ઉકળતું હોય, તેવી અનુભૂતિ થવા લાગતી હોય છે, તેથી અતિશય ચિંતા  કરવાથી સમસ્યા તુરત ઉકેલાઈ જતી નથી, પરંતુ શારીરિક અને માનસિક રીતે  ભાંગી પડવાનો વારો આવી જાય છે, ખરૃં કે નહીં?

વિટામિન્સ, પ્રોટિન, પોષક આહાર અને સ્વાસ્થ્યવર્ધક પદાર્થોનું સેવન  આપણા શરીર માટે જરૂરી છે અને તેની ઉણપથી ઘણી સમસ્યાઓ ઊભી થઈ  શકે છે એ ખરૃં, પરંતુ આ પ્રકારના પદાર્થોનું સેવન માપમાં અને સમતુલા  જાળવીને જ કરવું પડે, અને જો તેમ ન કરવામાં આવે તો આ જ પદાર્થોનું  સેવન ઘાતક પણ બની શકે છે.

અત્યારે ઈન્ટરનેટનો યુગ છે. માનવીએ ઈન્ફર્મેશન અને ટેકનોલોજીના ક્ષેત્રે  હરણફાળ ભરી છે. ઈન્ફર્મેશનનો જાણે વિસ્ફોટ થયો છે અને હવે  આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનો પગપેસારો વધ્યો છે. જુના જમાનમાં લોકો મોઢે  મોટા મોટા હિસાબો કરી લેતા અને ભગાકાર, ગુણાકાર, સરવાળા-બાદબાકી  આંગળા વેઢેથી પળવારમાં કરી લેતા, તેનું સ્થાન હવે કેલક્યુલેટરે લીધું છે.  ટેકનોલોજીનો આ પ્રકારનો વિકાસ માનવીની બક્ષિસ સમી આંતરિક  શક્તિઓને ક્ષીણ કરતો જતો જણાય છે. માનવીની કુદરતી શક્તિઓનું સ્થાન  હવે ટેકનોલોજી આધારિત સંસાધનો તથા માધ્યમો લેવા લાગ્યા છે, અને  માનવી તેના પર આધારિત થતો જાય છે, પરંતુ આ જ ટેકનોલોજી જ્યારે થોડા  સમય માટે પણ દગો આપે, ત્યારે કેવી સ્થિતિ સર્જાતી હોય છે, તે  માઈક્રોસોફ્ટમાં લોચો થતાં દુનિયાભરની વિમાની અને બેન્કીંગ સેવાઓ  ખોરવાઈ ગઈ હતી, ત્યારે આપણે અનુભવ્યું જ હતું ને?

મીડિયા અને સોશ્યલ મીડિયા જનજાગૃતિનું મહત્ત્વનું માધ્યમ છે, અને તેના  દ્વારા વિશ્વને ઘણી ક્રાંતિકારી સફળતાઓ અને સરળતાઓ પણ મળી રહી છે,  પરંતુ આ માધ્યમનો વ્યવસ્થિત રીતે દુરૂપયોગ થાય કે પછી તેની પ્રસ્તુતિમાં  અતિરેક થાય, ત્યારે તે વિપરીત પરિણામો પણ લાવી શકે છે, ખરૃં કે નહીં?

ઋતુચક્રમાં ગરબડ

આપણા દેશમાં ઋતુચક્ર ફરે છે દર વર્ષે શિયાળો, ઉનાળો અને ચોમાસું આવે  છે, જ્યારે કડકડતી ઠંડી પડે, ત્યારે ભલે ગરમ કપડા પહેરવા પડે કે ઓઢીને  સુવું પડે, પરંતુ તંદુરસ્તીની દૃષ્ટિએ શિયાળો મહત્ત્વપૂર્ણ મનાય છે, પરંતુ  જ્યારે શિયાળામાં પડતી ઠંડી એટલી અસહ્ય બની જાય કે તેનાથી જનજીવન  પ્રભાવિત થઈ જાય, ત્યારે ઋતુચક્રમાં ગરબડ સર્જાતી હોય છે. તેવી જ રીતે  શિયાળામાં બહું ઠંડી જ પડે નહીં અને થોડી-ઘણી ઠંડી પડ્યા પછી સીધો  ઉનાળો આવી જાય, તો તે પણ ઋતુચક્રમાં ગરબડ જણાવે છે. આ સ્થિતિ  વિકાસની આડઅસરો દર્શાવે છે. આપણે વિકાસની દોટમાં અથવા ઘેલછામાં  એવો અતિરેક કરી રહ્યા છીએ કે તેમાંથી જ સર્જાતી ગ્લોબલ વોર્મીંગ અને  ક્લાયમેટ ચેઈન્જ જેવી સ્થિતિઓ વિકાસની દોટમાં થતા અતિરેકનું જ  પરિણામ ગણાય ને?

આ વર્ષે ઉનાળામાં ભિષણ ગરમી પડી, અસહ્ય તાપ સાથે લૂ લાગી અને  તેમાંથી નવી જ હેલ્થ સમસ્યાઓ પણ ઊભી થઈ. બળબળતા ઉનાળાથી લોકો  ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા... ઠેર-ઠેર માંદગીનો પ્રકોપ જોવા મળ્યો.

તે પછી ચોમાસું આવતા પહેલા જ ઘણી જગ્યાએ માવઠા થયા. ચોમાસું બેઠું  તો બધાને સારૂ લાગ્યું. પ્રારંભમાં બહું જ મજા પડી. ગરમીમાંથી છૂટકારો  મળ્યો. વરસાદ થતાં જળાશયો ભરાવા લાગ્યા. ઠંડક છવાઈ ગઈ. સારો  વરસાદ થવા લાગ્યો... વાવણા થયા, ખેડૂતો પણ મોજમાં હતાં, ત્યાં ભારે  વરસાદ પડવા લાગ્યો. ખેતરોમાં પાણી ભરાયા, સરકારી રાહત પેકેજ જાહેર  કરીને સર્વે ચાલુ કરાવ્યો, ત્યાં ફરી પાછો વરસાદ શરૂ થઈ ગયો.

તે પછી તો ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ ગઈ અને ગુજરાતમાં ભારેથી  અતિભારે વરસાદ પડવા લાગ્યો. ધીમે ધીમે મેઘમહેર મેઘકહેરમાં બદલવા  લાગી અને જન્માષ્ટમી પર્વની સાથે જ અતિવૃષ્ટિનો પણ અતિરેક થયો, જે  જાણે જળ પ્રલયમાં પલટાયો. ઘરોમાં પાણી ઘૂસ્યા, નદીઓ ગાંડીતૂર બનીને  વહેવા લાગી, રસ્તાઓ ધોવાયા, વાહન-વ્યવહાર ખોરવાઈ ગયો, અનેક  સ્થળે લોકો ફસાયા અને ઘણાંને બચાવાયા, હેલિકોપ્ટરો ઊડાડીને રેસ્ક્યુ કરવું  પડ્યું. હાલાર પર તો મેઘરાજા જાણે વિફર્યા હોય, તેવો અનરાધાર વરસાદ  થતા ફરીથી ખેતર-વાડી જળમગ્ન થયા, દુકાનોમાં પાણી ઘૂસ્યા,  રોડ-રસ્તાતૂટી-ફૂટી ગયા, જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું, મેઘાનો અતિરેક  થયો અને 'અતિ'ને ગતિ નહીંની કહેવતો ગુંજતી થઈ, પરંતુ તેના મૂળમાં  માનવીની વિકાસની વણવિચારી ઘેલછા જ હોય, તેમ નથી લાગતું?

ઋતુચક્રની આ ગરબડ માટે જવાબદાર કોણ? પ્રકૃતિનું આડેધડ દોહન તથા  ભૌતિક સુખ-સુવિધાઓની પ્રાપ્તિ માટે કાર્બનના ઉત્સર્જનનો અતિરેક જ  જવાબદાર ગણાય ને?

અંકુશિત-સમતુલિત અભિગમ

એક વ્યક્તિનો બીજા વ્યક્તિ પ્રત્યેનો કોઈપણ પ્રકારનો પ્રેમ હોય કે કુદરતની  ઘટમાળ હોય, ઋતુચક્ર હોય કે વિકાસપ્રક્રિયા હોય, ગામ હોય કે શહેર હોય,  ચિંતા હોય કે ચિંતન હોય, કોઈપણ ક્ષેત્રે અંકુશિત અને સમતુલન અભિગમ  હોય, તો જ તે ફળદાયી નિવડે છે, અન્યથા તે હાનિકર્તા કે વિનાશકારી પણ  નિવડી શકે છે, શો બી કેરફૂલ...

વિનોદ કોટેચા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh