Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર પણ છે ને સોમવતી અમાસ પણ છે. આખો શ્રાવણ મહિનો શિવભક્તોએ ભોળાશંભુ મહાદેવની વિવિધ સ્વરૂપે પૂજન-અર્ચન, જલાભિષેક, યજ્ઞયજ્ઞાદિ ધર્મકાર્યો તથા દાન-પૂણ્ય કરીને વિતાવ્યો. આજે પાવન શ્રાવણ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને હવે ગણેશોત્સવની ધૂમ મચવાની છે. તે પછી શ્રાદ્ધ, નવરાત્રિ પછી દીપોત્સવીના તહેવારો આવી રહ્યા હોવાથી એમ કહી શકાય કે પાવનપર્વો-ઉત્સવો-તહેવારોની વણજાર આવી રહી છે, અને આ તહેવારો ઉમંગભેર ઉજવવાનો થનગનાટ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે. અતિવૃષ્ટિ પછી ભલે લીલા દુકાળના ડાકલા વાગતા હોય, પરંતુ ઉત્સવપ્રિય ગુજરાતીઓએ તો ભૂતકાળમાં ત્રણ-ત્રણ સળંગ દુકાળ પડતા, તેવા સમયે પણ ભક્તિપર્વો ઉજવવાનું છોડ્યું નહોતું, તેથી આગામી તહેવારોની ઉજવણી પણ પૂરી શ્રદ્ધા ને અંતરના ઉમંગ સાથે જ ગુજરાતીઓ કરશે, તેમાં શંકાને સ્થાન નથી. જય જય ગરવી ગુજરાત...
આજે સવારથી જ શિવાલયો ભક્તોથી ઉભરાઈ રહ્યા છે, અને અત્ર-તત્ર-સર્વત્ર હર હર મહાદેવ, હર હર ભોલે, બમ્ બમ્ ભોલે, ઓમ નમઃ શિવાયનો નાદ્ ગૂંજી રહ્યો છે, અને 'જય જય શંભુ ભોળા, તારી ધૂન લાગી, પાર્વતીના પતિ, તમારી ધૂન લાગી' જેવી ધૂન સાથે શિવમંત્રો તથા મહામૃત્યુંજ્ય મંત્રોચ્ચારો પડઘાઈ રહ્યા છે. આજે સૌ કોઈ જાણે સંકટો-સમસ્યાઓને વિસરીને શિવમય જ બની ગયા છે, અને 'સર્વ મંગલ માંગલ્યે'ના ઉચ્ચારણો સાથે સૌ કોઈના કલ્યાણની કામના કરી રહ્યા છે.
શ્રાવણ મહિનામાં ધાર્મિક તહેવારો, આધ્યાત્મિક વ્રતો ને રાષ્ટ્રીય પર્વનો ત્રિવેણીસંગમ રચાયો હતો, તો શ્રાવણમાં મેઘરાજાએ થોડી વધુ મહેરબાની કરી દેતા ઘણાં સ્થળે સંકટ સર્જાયું, પરંતુ આ વિકટ સંજોગો વચ્ચે પણ જન્માષ્ટમી પર્વની ઉજવણી પણ થઈ અને કૃષ્ણજન્મોત્સવ પણ ઉજવાયો.
શ્રાવણ મહિનામાં નાગપાંચમ, રાંધણ છઠ્ઠ, શિતળાસાતમ (સુદ-વદ) બન્ને, રજ્ઞક્ષાબંધન, તુલસીદાસ જયંતી, રખપાંચમ (રક્ષાપાંચમ), જન્માષ્ટમી, પારણાં નોમ, અજા એકાદશી, શ્રાવણિયા સોમવારો તથા સોમવતી અમાસ જેવા હિન્દુ ધર્મના તહેવારો ઉજવાયા. પારસીઓનું નૂર્તન વર્ષ ઉજવાયું તથા જૈન પર્યુષણ પર્વ પણ શરૂ થયું. આ વખતે આવતા મહિનાની બે અમાસ હોવાથી આવતીકાલે પણ શિવપૂજન થશે, તેમ કહેવાય છે.
શ્રાવણ મહિનામાં જ સ્વાતંત્ર્ય પર્વની ખૂબ જ ગરિમાપૂર્ણ ઉજવણી થઈ અને દેશમાં ધાર્મિક, આધ્યાત્મિક અને રાષ્ટ્રીય પર્વોનો જાણે ત્રિવેણી સંગમ સર્જાયો હતો.
આ વખતે શ્રાવણ મહિનામાં જ ભારેથી અતિભારે અને સતત વરસાદ થવાથી જે વિકટ સ્થિતિ ઊભી થઈ હતી તે ધીમે ધીમે હળવી થવા લાગી છે અને જનજીવન પૂર્વવત થઈ ગયું છે.
અનેક વિસ્તારોમાં જાણીતી ટેલિકોમ કંપનીઓના કવરેજના ધાંધિયા હતાં, પરંતુ હાલારના ઘણાં વિસ્તારોમાં ટેલિકોમ નેટવર્ક તો શરૂ થયું છે, પરંતુ વીજપુરવઠો હજુ સુધી સંપૂર્ણપણે પૂર્વવત થયો નથી, તેથી લોકોમાં ઉચાટ પ્રવર્તે છે.
ઘણાં ગ્રામ્ય વિસ્તારોમાં તો લાઈટ ક્યારે આવશે, તે જ પક્ષપ્રશ્ન છે, કારણ કે અનેક સ્થળે પીજીવીસીએલના થાંભલા જમીનદોસ્ત થઈ ગયા હોવાનું ચર્ચાય છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બારાડી પંથકમાં તો વીજળીના થાંભલા યોગ્ય રીતે મજબૂતીથી ઊભા કરાયેલા નહીં હોવાથી હરોળબંધ વીજલાઈનો ધરાશાયી થઈ ગઈ છે, જેના કારણે વીજ થાંભલા ઊભા કરવામાં ચાલતી ભ્રષ્ટ પલંપોલ પણ બહાર આવી ગઈ છે.
વીજળીના પ્રત્યેક થાંભલાના મૂળમાં આરસીસીનું ફાઉન્ડેશન હોવું જોઈએ, તેના બદલે માત્ર પથ્થર, માટી ખાડામાં નાખીને ઊભા કરી દેવાયેલા વીજળીના થાંભલા વધુ પવન કે ભારે વરસાદમાં ટકી શકતા નથી. ખાસ કરીને ખેતરાઉ જમીનમાં પોચી માટી હોવાથી આ થાંભલા ઝડપભેર ધરાશાયી થઈ જાય છે અને તેના કારણે ઘણાં દિવસો સુધી વીજપુરવઠો પુનઃ સ્થાપિત થઈ શકતો નથી, જેને કહેવાય, પાડાના વાંકે પખાલીને ડામ...!
હકીકતે તો આ ભારે વરસાદ પછી જ્યાં જ્યાં થાંભલા જમીનદોસ્ત થયા છે, તેની થર્ડ પાર્ટી તટસ્થ તપાસ કરાવીને અને ઉચ્ચ અધિકારીઓ-પદાધિકારીઓ પોતે ફિલ્ડમાં જઈને કવર ચકાસણી કરીને જ્યાં જ્યાં નિયમાનુસાર ફાઉન્ડેશન જોવા ન મળે, ત્યાં ત્યાં જે-તે સમયના જવાબદાર એન્જિનિયરો, અધિકારીઓ તથા ખાસ કરીને બુનિયાદી કામ કરતા વીજકર્મીઓ સામે ડિપાર્ટમેન્ટસ અને ફોજદારી રાહે પણ પગલાં લેવા જઈએ તેમ નથી લાગતું?
પૂરગ્રસ્ત સ્થિતિ પછી હવે જાહેર આરોગ્ય પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. સૂર્યનારાયણ પ્રકાશવા લાગતા ઉપર ઉપરથી કાદવ-કીચડ સૂકાયા હોય, છતાં તેની નીચેની ગંદકી હટાવવા તત્કાળ 'વાસ્તવિક' સફાઈ ઝુંબેશ ચલાવવાની જરૂર છે. તે ઉપરાંત હજુ પણ જ્યાં જ્યાં પાણી ભરાયેલા હોય, તેમાં મચ્છર-માંખી-દુર્ગંધનો 'વિકાસ' થાય, તે પહેલા જ જલભરાવ ખાલી કરવો ખૂબ જ જરૂરી છે. એટલું જ નહીં, આ વખતે જ્યાં જ્યાં જલભરાવ થયો હોય, તે તે સ્થળે આવતા વર્ષે જલભરાવ ન થાય તે માટે જલભરાવના 'અસ્સલ' કારણોની નોંધ 'ઓન પેપર' કરી લેવી જોઈએ અને માત્ર તંત્રે નહીં, પરંતુ જે-તે વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ આ જ પ્રકારની નોંધ રાખી લેવી જોઈએ, તેમ નાથી લાગતું?
હવે ગણેસોત્સવ આવી રહ્યો છે, ત્યારે ગણપતિજીની પ્રતિમાઓ ઝડપથી પાણીમાં પીગળી જાય અને પર્યાવરણને જરા પણ નુક્સાન ન પહોંચાડે તેવી જ ઉત્પાદિત કરવી, વેંચવી અને સ્થાપિત કરવી જરૂરી છે. જો લોકો પોતે ભલે મોંઘી હોય, પરંતુ સંપૂર્ણપણે પર્યાવરણની પ્રતિમાઓ જ ખરીદવાનો આગ્રહ રાખશે, તો જ પર્યાવરણ તથા જન-આરોગ્ય માટે અયોગ્ય પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે, તેમ નથી લાગતું?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial