Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે મોટા મોટા નેતાઓ, ઉચ્ચ આઈ.એ.એસ અને આઈ.પી.એસ. અધિકારીઓ, લબ્ધ પ્રતિષ્ઠિત નાગરિકો, સંતો-મહંતો, સમાજના શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, અધ્યાપકો, પ્રાધ્યાપકો સહિત સૌ કઈ પોતાના અભ્યાસકાળને યાદ કરીને શિક્ષકોને સ્મરી રહ્યા છે, જ્યારે વર્તમાનમાં અભ્યાસ કરી રહેલા શાળા-કોલેજોના વિદ્યાર્થી ભાઈ-બહેનો પોતપોતાના શિક્ષકો-પ્રોફેસરોનું સન્માન કરીને આશીર્વાદ મેળવી રહ્યા છે. શિક્ષક એટલે સંસ્કારો અને જ્ઞાનનું સંયોજન... ભાવિ નાગરિકોનો ઘડનાર શિલ્પી... સાચો રસ્તો દેખાડનાર પથદર્શી...
જો કે, વર્તમાન ઈન્ટરનેટ યુગમાં શિક્ષકો, પ્રોફેસરો અને સ્ટુડન્ટ્સ વચ્ચેના સંબંધોમાં બદલાવ આવી રહ્યો છે. ભૂતકાળમાં શિક્ષકો-પ્રાધ્યાપકો જે રીતે પૂરેપૂરા સમર્પિત થઈને સ્ટુડન્ટ્સને કેળવતા તેમાં ક્રમશઃ ઓટ આવી રહી હોય, અને તેવી જ રીતે સ્ટુન્ડન્ટ્સ દ્વારા શિક્ષકો-પ્રોફેસરો પ્રત્યેના આદરભાવમાં કમી વર્તાઈ રહી હોય, તેમ નથી લાગતું?
તાજેતરમાં કોઈ શિક્ષિકા બહેન વર્ષોથી વિદેશમાં હોવા છતાં તેઓની શિક્ષિકા તરીકેની નોકરી (કદાચ કપાત પગારે) ચાલુ હતી, તેવો પર્દાફાશ થયો હતો અને તે પછી આ પ્રકારના અન્ય ઘણાં કિસ્સાઓ પણ બહાર આવ્યા હતાં. આપણા દેશની ગુરુ-શિષ્યની પરંપરા તો બાજુ પર રહી ગઈ, પરંતુ આ કારણે એક શિક્ષકની ઘટ હોવાથી શિક્ષણમાં ખામી રહેતા જે-તે શાળાના વિદ્યાર્થીઓનું ઘડતર કેવું ક્ષતિપૂર્ણ થશે, તેની ચિંતા પણ ન તો લાંબા સમય સુધી ગુરહાજર રહેતા શિક્ષકોએ કરી કે ન તો આ ગેરહાજરી ચલાવી લેનાર 'સિસ્ટમે' કરી. શું આને આપણી મૂળ સંસ્કૃતિ પર પ્રહાર ન ગણી શકાય? આપણી જ ભાવિ પેઢી સાથે અક્ષમ્ય છેતરપિંડી ન ગણી શકાય?
આ પ્રકારના કિસ્સાઓ બહાર આવ્યા પછી કેટલાક મહાગુટલીબાજોને નોટીસો અપાઈ, કેટલાકને સસ્પેન્ડ કરાયા, તો કેટલાક શિક્ષકોને બરતરફ કરાયા, પરંતુ આ કવાયત ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી ન ગણાય?
આમ પણ અત્યારે કેટલીક શાળાઓના શિક્ષકો જ તમમાકુવાળા માવા-મસાલા ચોળીને ખાતા જોવા મળે, તો કેટલાક શિક્ષકો બીડી-સિગારેટના કસ ખેંચતા જોવા મળે, ત્યારે તેની ગુપચુપ ટીકા થતી હોય છે, પરંતુ પોતાના બાળક સાથે પૂર્વગ્રહ રખાશે, તેવા ડરથી કદાચ વાલીઓ તથા સ્થાનિક નેતાઓ પણ ચૂપકીદી સેવતા હોય છે. હકીકતે સમાજે આ પ્રકારની હરકતો કરતા શિક્ષકોને અટકાવવા જોઈએ, કારણ કે કુમળી વયના વિદ્યાર્થીઓ શાળાના સમય પછી પણ આ પ્રકારની હરકતો કરતા શિક્ષકોને જુએ, તો તેનું તત્કાળ અનુકરણ કરતા હોય છે, કારણ કે માતા-પિતાએ જ શિક્ષકોનું કહ્યું માનવાની શીખામણો આપી હોય છે, તેથી બાળકો શિક્ષકો કે પ્રોફેસરો જે કહે, તે તો કરે જ છે, પરંતુ તેઓ જે હરકતો કરતા હોય, તેનું આંધળુ અનુકરણ પણ કરવા લાગતા હોય છે.
હવે તો ઈન્ટરનેટ યુગ છે, અને સોશ્યલ મીડિયાનો જમાનો છે. સોશ્યલ મીડિયાના ઘણાં ફાયદા છે, પરંતુ તેનો ખતરનાક રીતે દુરૂપયોગ પણ વધી રહ્યો છે, જ્યારે ચાલુ પિરિયડે ખુદ શિક્ષક કે પ્રોફેસર જ મોબાઈલ સેલફોનમાં મશગુલ રહેતા હોય, ત્યારે તેના સ્ટુડન્ટ્સ તો તેનું સવાયું અનુકરણ જ કરતા હોય છે. આ ઉપરાંત સોશ્યલ મીડિયામાં ચેટીંગના માધ્યમથી ભોળી કન્યાઓને ભરમાવીને જાતિય શોષણ કરવાના કિસ્સા પણ વધી રહ્યા છે. ઘણાં કિસ્સાઓમાં ખુદ શિક્ષક, પ્રોફેસર કે ટ્યુશન-કોચીંગ ક્લાસીસના સંચાલકો અથવા ટ્રસ્ટીઓ દ્વારા જ વિદ્યાર્થીનીઓનું શોષણ થતું હોવાના કિસ્સા બહાર આવતા હોય છે. આ જ પ્રકારની હરકતો હોસ્ટેલો તથા વિદ્યામંદિરોમાં પણ થતી હોય, ત્યારે એમ લાગે છે કે હવે ખુદ સમાજે જાગવાની જરૂર છે. આધુનિક્તા તથા મોર્ડન લાઈફ સ્ટાઈલના નામે જો બીભત્સ માનસિક્તાનો વ્યાપ વધી રહ્યો હોય, તો તેની સામે વાલીઓ તથા સભ્ય સમાજે જ જાગવાની જરૂર છે, તેમ નથી લાગતુ?
એવું નથી કે આખું વર્તમાન શિક્ષણ જગત જ આવું છે કે તમામ શિક્ષકો, પ્રોફેસરો, ગુરુજનો, શાળા સંચાલકો કે ટ્યુશન વર્ગના સંચાલકો આવી જ મનોવૃત્તિના થઈ ગયા છે, હકીકતે તો એ પ્રકારની વિકૃત અને અનૈતિક કે અયોગ્ય મનોવૃત્તિ ધરાવતા શિક્ષકો, અધ્યાપકો, ટ્રસ્ટીઓ કે સંચાલકોની સંખ્યા હજુ નહીંવત્ જ છે, પરંતુ તે પ્રકારના જુજ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા પછી તેના કારણે જ આખું શિક્ષણ બદનામ થતું હોય છે, તેથી આ પ્રકારના પરિબળો પ્રત્યે આંખ આડા કાન કરવાના બદલે તેઓને સુધારવા અથવા તેની સામે મોરચો માંડવા, તેની સાથે જ કામ કરતા આદર્શ શિક્ષકો, પ્રોફેસરો તથા સંસ્કારી સ્ટુડન્ટ્સ સહિત સૌ કોઈએ આગળ આવવું જોઈએ તેમ નથી લાગતું?
આજે પણ ઘણાં એવા શિક્ષકો છે, જેઓ પોતાના વતનથી ઘણાં જ દૂર કોઈ ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષક તરીકે કે શહેરી વિસ્તારમાં પ્રોફેસર તરીકે સંપૂર્ણ સમર્પિત ભાવથી અને સ્થાનિક સમાજ સાથે ઓતપ્રોત થઈને બાળકો-વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન તો કરતા જ હોય છે, પરંતુ ગ્રામજનોની શિક્ષણોત્તર સેવા પણ કરતા હોય છે. ઘણાં શિક્ષકો તથા પ્રોફેસરો નિવૃત્ત થયા પછી પણ શાળા-કોલેજમાં જઈને કે પોતાના ઘરે નિઃશુલ્ક શિક્ષણ અને માર્ગદર્શન પણ આપતા હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો શિક્ષકો જ ગ્રામ વિકાસ અને લોકકલ્યાણની પ્રવૃત્તિઓ માટે કડીરૂપ કામ કરતા હોય છે. બસ, કેટલોક સુક્ષ્મ સડો શિક્ષણ જગતમાં ઉધઈની જેમ ફેલાવાની કોશિશ કરી રહ્યો છે, તેને અટકાવવાની જરૂર છે, ખરૃં કે ખોટું?
આજે શિક્ષક દિને 'નોબત' અને માધવાણી પરિવાર તમામ વંદનિય ગુરુજનો, શિક્ષકો, પ્રોફેસરો તથા શિક્ષણવિદેને આદરપૂર્વક નમસ્કાર સાથે શુભેચ્છાઓ પાઠવે છે... ગુરૃઃ બ્રહ્મા, ગુરૃઃ વિષ્ણુ, ગુરૃઃ દેવો મહેશ્વર...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial