Advertisement
Author: નોબત સમાચાર

ગણપતિજીના પ્રત્યેક અંગો આપે છે વિશેષ સંદેશ

ગણપતિ બાપ્પા મોરિયા... જય ગજાનન... જય ગણેશ

ભગવાન ગણેશ-ગજાનનનું સ્વરૂપ બધા જીવો, મનુષ્ય, દેવતાઓમાં, સંસારની બધી શક્તિઓમાં બિલકુલ જુદુ પડી જાય છે. શ્રી ગણેશજીનું સ્વરૂપ જ વિશેષ અને દર્શનીય છે. આશ્ચર્યજનક, અકલ્પનીય આકૃતિવાળા ગણેશજીને સમજવા બહુ જ મુશ્કેલ છે.

ગણેશજીએ હાથી અને મનુષ્યના શરીરના ભાગને પોતાના રૂપમાં સંયોજન કરીને બન્નેને ગૌરવાન્વિત કરી એમનો મહિમા સ્થાપિત કર્યો છે.

હાથીની ગર્દનનો ઉપરનો ભાગ અત્યંત મહત્ત્વપૂર્ણ રહસ્યોને અભિવ્યક્ત કરે છે. ગણપતિને હાથીનું મૂખ છે એ તો સર્વવિદ્તિ છે. મૂખમાં જીભ, દાંત, નાક, કાન અને આંખના આ અવયવનો સમાવેશ થાય છે.

ગણેશજીના દર્શન કરતાની સાથે જ તેમના મુખ પર આંખ વિશેષ વિશેષ રૂપથી દેખાય આવે છે. શ્રી ગણેશજીના ધડ ઉપરનો ભાગ હાથીના મૂખનો છે એટલા માટે ગણેશજીની આંખો પણ હાથીની આંખો છે અને હાથીની આંખનો લેન્સ સાધારણ વ્યક્તિના લેન્સ જેવો નથી. આ લેન્સ દૂરબીન, ટેલીસ્કોપના લેન્સ જેવો છે. દૂરબીનના લેન્સથી સામેની વસ્તુ તેના કદથી કંઈ ગણી મોટી દેખાય છે. અર્થાત્ હાથીની આંખો પણ તેમની સામે આવેલ જીવોને તેમની વાસ્તવિક્તાથી કંઈ ગણો મોટો જુએ છે.

આમ ગણેશજીની આંખો એ શિક્ષા આપે છે કે ભલે આપણે ગણાધ્યક્ષ કે મહત્ત્વની પદવી પર હોય તો પણ સામે આવેલ વ્યક્તિનું સન્માન કરો અર્થાત્ માન આપો અને તેમની સમસ્યાને આત્મિયતાથી અને સહાનુભૂતિપૂર્વક સાંભળો.

આમ, પ્રત્યેક વ્યક્તિ જો પોતાના જીવનમાં, સંસારમાં મહત્ત્વપૂર્ણ ઉન્નતિ, પ્રગતિ કરવા ઈચ્છે તો તેને સામેની વ્યક્તિને ગણેશજીની આંખોથી જોવાનું રહેશે. આનાથી તેમના કાર્યો સામેની વ્યક્તિ પર તેમની સારી વર્તણૂક, વ્યવહારને લીધે ચોક્કસપૂર્વ સારી રીતે પાર પાડશે. આમ તે વ્યક્તિ ચોક્કસપણે ગજાનન, ગણાધ્યક્ષ, ગણપતિ બની શકશે. રિદ્ધિ-સિદ્ધિ, લાભ-શુભ સફળતા પ્રાપ્ત કરી શકશે.

શ્રી ગણેશજીના દર્શન કરતાની સાથે જ તેમનું વિશાળ મસ્તક જોવા મળે છે. મોટુ કાર્ય કરવા માટે મોટી જવાબદારી નિભાવવા માટે મોટા મસ્તકની જરૂર પડે છે.

જેમનું મસ્તક વિશાલ, વિચારયુક્ત, ગંભીર યોજનાવાળું હશે તે જ સરદાર અથવા ગણાધ્યક્ષ બનશે. એટલે જ સફળતાની પ્રાપ્તિ માટે પોતાના મસ્તકને ગણેશજી જેમ બનાવવું જોઈએ.

ગણેશજીના મસ્તકમાં અને તેની બુદ્ધિમાં અગણિત વિશેષતા છે એટલે જ ગણપતિનું પદ પ્રાપ્ત થયેલ છે. જે વ્યક્તિ જીવનમાં આગળ વધવાની ઈચ્છા રાખે છે, શ્રી ગણેશજીની જેમ જ પ્રથમ પૂજ્ય કે વિશેષ વ્યક્તિ બનવાની ઈચ્છા રાખે છે તેને પોતાની દૃષ્ટિ-રીતિ-નીતિ, હાવ-ભાવ, કર્, ચાલ-ચલગત, પોતાની અંદરની નીતિ કે બહારની નીતિ ગણેશજીની જેમ જ બનાવી લેવી જોઈએ. જે વ્યક્તિ પોતાનામાં શ્રી ગણેશજીના ગુણો વધુમાં વધુ અપનાવી લેશે તેને જ મોટું સન્માનિય પદ મળશે.

હાથી પોતાનું મસ્તક મૃતિકા, ચિકિત્સા અર્થાત્ પ્રાકૃતિક ચિકિત્સા અનુસાર ભીની માટીથી વારંવાર ઠંડુ રાખે છે અને ઠંડા મસ્તકવાળા જ પોતાનું ધાર્યું કામ કરાવી શકે છે. ગણશેજી પણ પ્રાકૃતિક ચિકિત્સા (પાણી-સ્નાન-શાકાહારી ખોરાક) ને મહત્ત્વ આપીને એ સંદેશ આપે છે કે શાકાહારી હોવા છતાં બધી રીતે સ્વસ્થ, તંદુરસ્ત રહી શકીએ છીએ. હાથી પણ પૂર્ણ શાકાહારી છે. તેનું શરીર પણ શાકાહારી હોવા છતાં ખૂબ જ કદાવર છે. ખાસ તો હાથી જો નદી કિનારે કે જ્યાં પાણીની સગવડ હશે ત્યાં તે ભોજન લેતા પહેલા ચોક્કસ સ્નાન કરશે અને ભોજન પહેલા સ્નાન લેવાથી પાચન શક્તિ તીવ્ર બનશે. ભૂખ પણ સારી લાગે છે અને તંદુરસ્તી સારી રહે છે. આમ ગણેશજીના અંગના દરેક સ્વરૂપથી એક નહીં, પરંતુ અનેક સંદેશ મલે છે. શરીર સ્વસ્થ હશે તો પ્રત્યેક વ્યક્તિને જીવનના કાર્યોમાં સરળતા રહેશે.

ગણેશજીના કાન પણ આપણને કંઈક વિશેષ સંદેશ આપે છે કે સંસારમાં આગળ વધવું હોય તો પોતાના કાન પણ હાથીના કાનની જેમ રાખવા જોઈએ.

ગણેશજીનું મસ્તક હાથીનું છે એટલે તેમના કાન પણ અનાજ સાફ કરવાના સુપડા જેવા મોટા છે.

સંસારમાં રિદ્ધિ-સિદ્ધિની તમન્નાવાળી વ્યક્તિ, સત્તાધીશોએ પોતાના કાન ગણેશજીના કાનની જેમ બનાવી લેવા જોઈએ. દરેકની બધી વાતો સાંભળો, સારી સારી વાતો, સૂચનો ધ્યાનમાં રાખી લો, નકામી વાતોને ગણકાર્યા વગર કાઢી નાખો અને પોતાના માર્ગ પર પોતાના જ આયોજન અનુસાર આગળ વધતા રહેવું જોઈએ.

હાથી જ્યારે આવતો હોય છે, ત્યારે કૂતરો ભસતો-ભસતો, હાથીના ભારેખમ શરીરથી ડરતો ડરતો હાથીની ખૂબ જ દૂર રહીને ચાલતો હોય છે.

પરંતુ હાથી પર કે જીવનમાં આગળ વધનાર વ્યક્તિને પોતાની આસપાસ ખોટો શોર મચાવવાવાળા કે આંદોલનકારીઓની વ્યર્થ નારેબાજી કોઈ પ્રભાવ નથી પાડતી. તે તો પોતાની યોજના અનુસાર પોતાના લક્ષ્યની આગળ વધતા જ રહે છે.

ગજકર્ણ-હાથી જેવા મોટા કાનવાળા, મદ-લોભ, કામ, ક્રોધ, ઈર્ષ્યા, દ્વેષ વગેરેથી દૂર રહીને પોતાના વિશાળ મસ્તકમાં, પોતાની યોજના અનુસાર પ્રત્યેક વ્યક્તિનું હિત ધ્યાનમાં રાખીને કામ કરતા વ્યક્તિ જ ગણતંત્રના જનતાના ગણપતિ-ગજકર્ણ કહેવાને યોગ્ય છે.

જો તમે તમારા જીવનમાં સફળતા, સિદ્ધિ, ધન-દૌલત પ્રાપ્ત કરવાનું ઈચ્છતા હો તો તમારી કાર્યશૈલી-યોજનાઓ સંસારમાં પ્રદર્શન કરવા માટે એવી રીતે રજૂ કરવી જોઈએ, જેનાથી સફળતામાં બીજા લોકો તરફથી સહાય મળી શકે અને યોજનાની કે ધંધાની પૂરેપૂરી વાત-માહિતી પણ જાહેર ન થવી જોઈએ. જેટલી નીતિ ગુપ્ત હશે તેટલી સફળતા મળશે.

શાસ્ત્રોમાં પણ સિદ્ધિની, મંત્રની, રાજનીતિની રહસ્યપૂર્ણ વાતોને ગુપ્ત રાખવાનું કહેલ છે. જે કાર્યની માહિતી ખાનગી નહીં રહે તે કાર્યમાં સફળતા મળવી મુશ્કેલ છે અને તેથી જ જે લોકો પોતાના વેપાર-ધંધામાં-રાજકારણમાં પોતાની યોજનાને ગુપ્ત રાખે છે, તેટલી વધારે સફળતા મેળવે છે.

સંસારમાં કોઈપણ જીવની જીભ ગણશેજી જેવી નથી. દરેક જીવની જીભ અંદરથી બહારની તરફ આવે છે, જ્યારે હાથીની જીભ તો દાંતના મૂળથી કંઠ તરફ એટલે કે અન્ય જીવોની જીભથી ઉલટી રીતે વિશેષ પ્રવૃત્ત જણાય છે. બહર્મૂખ જીભ જ સર્વે આપત્તિનું કારણ છે. આપણે આપણી જીભ જ બીજાની તરફ ન કરતા આપણી તરફ કરી લેવી જોઈએ એટલે કે આપણે જે વાત બીજાને કહેવાની છે, તે જ વાત આપણે પોતાને કહી, વિચારીને બોલવું જોઈએ તે વાત આપણને સારી લાગે તો બીજાન કહેવાની...

ગણેશજીની જીભ એથી વિપરિત અર્થાત્ અંતર્મૂખ હોવાથી તે નિર્વિઘ્નતાના વિધાતાછે. આથી જ ગણપતિ વિઘ્ન વિનાયક કે વિઘ્ન વિનાશક કહેવાય છે. જે વ્યક્તિ બોલવામાં ધ્યાન રાખશે તેમના કાર્યોમાં એક પણ વ્યક્તિ વિઘ્ન નહી નાખે. તેમની મીઠી બોલીને કારણે તેમના કાર્યોમાં સહભાગી બની જશે અને ફલ સ્વરૂપે તેમને સિદ્ધિ પ્રાપ્ત થશે જ.

જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હશે તો પ્રિય મધૂર, સંતુલિત, સંયમિત સભ્યવાણી જ બોલવી જોઈએ.

ગણેશજીનું મસ્તક હાથીનું છે અને હાથીની સુંઢની જેમ જ ગણેશજીનું નાક સંસારના બાકીના જીવો કરતા ખૂબ જ મોટું છે. જીવનમાં સફળ થવા માટે હાથીની જેમ શત્રુઓથી સાવધાન રહેવું જોઈએ જેમ કે હાથી સુંઢ દ્વારા ફૂંક મારતો મારતો કીડી-મકોડા જેવા જીવજંતુઓને ઊડાડતો ઊડાડતો ચાલતો જાય છે. આ જ આપણને દર્શાવે છે કે કીડી જેવા નાના નાના જંતુ પણ મોટા શત્રુની જેમ આપણને હાની પહોંચાડી શકે છે એટલે જ સાવધાનીપૂર્વક ચાલવું જોઈએ.

હાથીની સુંઢ અત્યંત દૂરના પદાર્થને ગંધ પરથી તે પારખી શકે છે. તેને માટે હાનિકારક એવા વાઘ, સિંહ, જેવા પશુઓના અસ્તિત્વનું જ્ઞાન તેને દૂરથી જ થાય છે. આ રીતે આત્મરક્ષણ માટે સુંઢ ખૂબ ઉપયોગી અંગ છે.

આમ ગણેશજીની સુંઢ સંવેદન, સંરક્ષણ અને સંવર્ધની ઘોતક છે. સુંઢ એ ગણપતિનું નાક પણ છે. નાક પ્રતિષ્ઠાનું ઘોતક છે. નાક ન હોવું, નાક કપાવું, લાંબુ નાક હોવું, નાક બચાવવું વગેરે વાક્ય પ્રયોગ આ બાબતના પ્રમાણ છે.

નાકની પ્રતિષ્ઠા માટે વ્યક્તિ અનેક ઉપાય કરે છે અને એવા કાર્યોથી બચવાનો પ્રયત્ન કરે છે જેનાથી તેની પ્રતિષ્ઠાને નુક્સાન ન પહોંચે. પોતાના લાંબા નાક દ્વારા ગણપતિ મનુષ્યને પોતાની લાંબા સમયની પ્રતિષ્ઠાનું રક્ષણ કરવાનો સંદેશ આપે છે અને પ્રતિષ્ઠા વધારે એવા કાર્યોમાં પ્રવૃત્ત થવાની પ્રેરણા આપે છે.

દિલીપ ધ્રુવ - જામનગર

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh