Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભવ્ય મંદિરનું નિર્માણ
હાલારની દ્વારકાનગરી એટલે ભગવાન શ્રીકૃષ્ણનું રાજ્યાસન.. અહીં ભગવાન દ્વારકાધીશજીના સ્વરૂપમાં રાજાધિરાજ તરીકે બિરાજમાન થયા હતાં. વરસો પૂર્વે શ્રીકૃષ્ણના પ્રપૌત્ર દ્વારા આ મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું હતું, અને મંદિરના નિર્માણમાં સાત મજલા છે. અને ૭૨ સ્તંભ છે. ચાર મજલાના કારણે ચારધામની યાત્રાનું પુણ્ય મળે અને સાત માળ થકી સપ્ત પૂજાની કામના પૂર્ણ થાય છે. મંદિરનું પરિસર કાચબા આકારનું છે અને ૭૧ પેઢી સુધી ડીએનએ જળવાઈ રહેતા હોવાની વાયકા પ્રમાણે ભગવાનના ૭૧ પેઢીના અને ત્યારપછીની વારસાગત પેઢીઓના વંશજો દ્વારા પૂજા-ભક્તિ થાય તેવા ભાવ સાથે મંદિરમાં ૭૨ સ્તંભો છે. ભવ્ય મંદિરનું શિખર શ્રીયંત્ર સ્વરૂપનું છે.
મંદિરમાં પ્રવેશ માટે છપ્પન સીડી છે જે છપ્પન કોટીની સ્તુતિ છે. શ્રદ્ધાળુ સૌ પ્રથમ ગોમતી નદીમાં સ્નાન કરી શુદ્ધ કરે, દાન-દક્ષિણા આપીને ધન પવિત્ર કરે, પિતૃઓને તર્પણ કરે, ધર્મ દ્વારથી અને ત્યાર પછી મોક્ષ દ્વારમાંથી પ્રવેશ કરે ત્યારે તમામ ભોગનો ત્યાગ કરનારને શ્રીજીના દર્શન થાય છે ભગવાન મોક્ષદ્વાર સામે બિરાજમાન છે.
દ્વારકાધીશના વિવિધ શ્રૃૃંગાર સાથે અલૌકિક સ્વરૂપના દર્શન
દ્વારકાધીશ મંદિરમાં શ્રીકૃષ્ણ ભગવાન રાજાના રૂપમાં બિરાજમાન છે. તેથી દરરોજના નિત્યક્રમમાં એક રાજાધિરાજને શોભે તેવા વસ્ત્રો-અલંકારો સાથેના શ્રૃંગાર તિથિ, ઉત્સવ અને ઋતુચક્ર પ્રમાણે કરવાની પરંપરા પૂજારી પરિવારે જાળવી રાખી છે.
ભગવાને હંમેશાં શંખ, ચક્ર, ગદા અને પદમ્ ધારણ કર્યા છે. સાચા હિરા-મોતી જડીત સુવર્ણ અલંકારો સાથે પિતાંબર સહિતના વસ્ત્રો ધારણ કરાવવામાં આવે છે. માથા ઉપર મલમલની પાધ ઉપર ફૂલે (મુગટ) તેમજ કાનમાં કુંડલ, હાથમાં સુવર્ણ વાંસળી સાથે ભગવાનના મોહિની સ્વરૂપના દર્શનનો લાભ મળે છે. જેમાં સોળેકળાના દર્શનની પ્રતીતિ થાય છે.
ભગવાન શ્રીકૃષ્ણના લલાટ પર શિવજી, બ્રહ્મા અને વિષ્ણુ એમ ત્રણે દેવોને વંદન અર્પણ કરતા હોય તેમ ત્રિપુંડ તિલક, કરવામાં આવે છે. તેમજ લલાટ મધ્યે ચંદનની બીંદી કરી સર્વે દેવોની ઝાંખી કરવાવવામાં આવે છે.
ભગવાન દ્વારકાધીશને ગ્રહો અને વાર પ્રમાણે સેવાભાવથી વાઘા, અંગિકાર કરાવવામાં આવે છે. જેમાં સોમવારે ગુલાબી, મંગળવારે પીળા, બુધવારે લીલા, ગુરૂવારે કેસરી, શુક્રવારે સફેદ, શનિવારે વાદળી અને રવિવારે લાલ રંગના વાઘા ધારણ કરાવવામાં આવે છે.
ભગવાન શ્રીકૃષ્ણએ માનવ અવતાર લીધો હોવાથી પૂજારીઓ દ્વારા શ્રીજીની મુર્તિના સજીવ સ્વરૂપે જ સેવા પૂજા કરવામાં આવે છે. જેમાં દરરોજના નિત્ય ક્રમમાં દ્વાર ખુલ્યા પહેલાં પૂજારી દ્વારા પક્ષાપાલન, દાતણ, નાના સ્વરૂપની અભિષેક સાથે પૂજા થાય છે. આ વિધિના દર્શનનો લાભ આમ જનતાને મળતો નથી. પણ ત્યારપછી ગર્ભગૃહના દ્વાર ખુલે એટલે સવારે મંગળા દર્શન થાય છે.
શરદઋતુમાં ગરમ પાણીથી જારીજળમાં ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે. તેમજ ઉનના કપડામાંથી બનાવેલા વસ્ત્રો ઉપર પિતાંબર ધારણ કરાવાય છે. આ ઋતુમાં હિરાના દાગીનાનો મહત્તમ ઉપયોગ શ્રૃંગાર માટે કરવામાં આવે છે. ભગવાનને સવારે ગરમ કેસરયુકત દૂધ અને સુંઠ ધરવામાં આવે છે. થાળમાં ગરમ વાનગીઓના ભોગ પીરસવામાં આવે છે.
ગ્રીષ્મ ઋતુમાં ભગવાનને માત્ર સુતરાઉ કાપડના વસ્ત્રો જ અંગિકાર કરાય છે. હિરાના દાગીના ઓછા ચડાવાય છે. સોનામાં જડેલા મોતીના આભુષણોનો શણગાર કરવામાં આવે છે. સવારે સ્નાન પછી પિતાંબર અને ઓછા વસ્ત્રો સાથેના દર્શન થાય છે. શ્રીજીને ઠંડા ભોગ ધરાય છે. જેમાં દૂધની સામગ્રી અને શ્રીખંડ જેવી વાનગીઓ ધરવામાં આવે છે. ઋતુ પ્રમાણેના ફળનો ભોગ ધરાય છે. રાજભોગમાં પણ ઠંડો આહાર જ પીરસવામાં આવે છે. ચંદનનો લેપ કરી જુહી, ચમેલી, ડોલરની કળીઓ દ્વારા શિતળતા બક્ષે તેવો પુષ્પ શ્રૃંગાર કરાય છે. જેમાં તિથિ મુજબ મુગટ, આયુધો, આભુષણોના શણગાર કરવામાં આવે છે.
જ્યારે વર્ષા ઋતુમાં ભગવાનને ભાજી કે રીંગણાની વાનગી ધરાતી નથી. ઋતુને અનુકુળ મિષ્ઠાન સાથેના ભોગ ધરવામાં આવે છે. આ ઋતુ દરમ્યાન ભગવાનને ઓછા આભુષણો અને બરછટ કે જાડા વસ્ત્રોના બદલે આછા વસ્ત્રો સાથે શ્રૃંગાર કરવામાં આવે છે.
આમ દરેક ઋતુ અને વાતાવરણને ધ્યાને લઈને શ્રીજીને અલંકારો, વસ્ત્રો, ભોગ સાથે વિવિધ શ્રૃંગાર દર્શનનો લાભ મળતો રહે છે.
ધ્વજાજીનું માહાત્મ્ય
નવ ગ્રહ, બાર રાશિ, સત્તાવીસ નક્ષત્રો અને ચારેય દિશાને સંલગ્ન કરી લેવાય તે રીતે ધ્વજાજીનું આરોહણ મંદિરના શિખર પર થાય છે. ધ્વજાજીનું દર્શન માત્રથી તમામ પ્રકારના ગ્રહદોષમાંથી મુકત થાય છે. શ્રદ્ધાળુઓની ધ્વજાજી પ્રત્યેની અસીમ શ્રદ્ધાના કારણે દરરોજ મંદિરના શિખર ઉપર છ વખત નૂતન ધ્વજારોહણ થાય છે.
દ્વારકાધીશ મંદિરમાં ઉજવાતા મહોત્સવો
દ્વારકાધીશ મંદિરમાં વર્ષ દરમ્યાન નાના-મોટા મળી કુલ ૫૪ ઉત્સવો ઉજવવામાં આવે છે. જેમાં સૌથી મોટા ઉત્સવોમા જન્માષ્ટમી (કૃષ્ણ જન્મોત્સવ), હોળી-ફૂલડોલ ઉત્સવ, દીપોત્સવી-નૂતન વર્ષ ઉત્સવનું શ્રદ્ધાળુઓમાં વિશેષ મહત્ત્વ રહ્યું છે. આ ઉપરાંત અષાઢી બીજે રથ યાત્રા યોજાય છે. તેમજ શ્રાવણી પૂનમે શ્રીજીના યજ્ઞોપવિત સંસ્કારનો પ્રસંગ પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીના દિને ઉજવાય છે. જેમાં મધ્યરાત્રિએ કૃષ્ણ જન્મોત્સવની મહાઆરતી થાય છે અને ત્યારપછી શ્રીજીના અદ્દભુત દર્શનનો લાભ મળે છે. માત્ર કેસરી રંગના પિતાંબર અને વસ્ત્રો ધારણ કરેલા હોય છે. છઠ્ઠીના દિવસે પણ કેસરી વાઘા પહેરાવાય છે. સવારે ખુલ્લા પડદે સ્નાનના દર્શન થાય છે. જયેષ્ઠ માસની પૂનમે જલયાત્રા યોજાય છે.
હોળાષ્ટકમાં શુભકાર્યોનો નિષેધ હોય છે. ત્યારપછી ભગવાનને ભગવા રંગની પોટલી દ્વારા કેસુડાના જળથી છંટકાવ કરવામાં આવે છે. આ રંગની પોટલીના રંગનો છંટકાવ હોળી-ધૂળેટીના દિને સવાર-સાંજની આરતી સમયે પ્રસાદીરૂપે દર્શનાર્થીઓ ઉપર કરવામાં આવે છે. જ્યારે પડવા (ધૂળેટી)ના દિવસે અબીલગુલાલની પ્રસાદીનો છંટકાવ કરવામાં આવે છે. શ્રીજીને ઘેરૈયા બનાવી તેમને પણ રંગવામાં આવે છે.
દ્વારકાધીશ મંદિરમાં દીપોત્સવી પર્વ તથા નૂતનવર્ષ પર્વ નિમિત્તે રાજાધિરાજ ભગવાન શ્રીકૃષ્ણને સોના-ચાંદી-હીરા-મોતીના કિંમતી આભૂષણો સાથેનો વિશિષ્ટ શ્રૃંગાર કરવામાં આવે છે.
નવરાત્રિના દિવસો દરમ્યાન શરદોઉત્સવ મનાવાય છે. વ્રજમાં રાધાકૃષ્ણ અને ગોપીઓ સાથેની રાસલીલાનું જે મહત્ત્વ છે તે પ્રણાલી મુજબ મંદિરમાં શરદોત્સવ ઉજવવામાં આવે છે. સફેદ વસ્ત્રો, સફેદ મોતી જડેલા દાગીના, મુગટથી ભગવાનને શણગાર કરવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણની રાધા સહિત ગોપીઓ સાથેના રાસલીલાને જીવંત રાખવા રાસ-ગરબાની રમઝટ સાથે શરદોત્સવ ઉજવવામાં આવે છે.
રાધાકૃષ્ણને ભંડાર પરિસરમાં લાવવામાં આવે અને ત્યાં પૂજારી પરિવાર રાસ-ગરબાની રમઝટ બોલાવે છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે વિશેષ કાકડા આરતી કરવામાં આવે છે ભગવાનને રાખડી બાંધવામાં આવે છે અને પૂજારી પણ રાખડી ધારણ કરી શ્રદ્ધાળુઓને પણ રક્ષાબંધન કરવામાં આવે છે.
અષાઢી બીજના દિવસે ગોપાલજીના નાના સ્વરૂપ સાથે બે ઘોડાવાળા રથમાં રથયાત્રા નીકળે છે. રથનું પૂજન અને આરતી પછી મંદિરને રથ દ્વારા ચાર પ્રદક્ષિણા કરવામાં આવે છે. ભંડારના ચોકમાં પૂજારી પરિવારની મહિલાઓ જોડાય છે અને અંતિમ રાઉન્ડમાં તો પૂજારીઓ રથ આગળ આળોટતા-આળોટતા તેમાં જોડાય છે અને ત્યારપછી રથયાત્રા વાજતે-ગાજતે પૂર્ણ થાય છે.
શ્રીજી સન્મુખ વિવિધ ભોગના મનોરથ
દ્વારકાધીશ મંદિરમાં શ્રીકૃષ્ણ ભગવાન સન્મુખ દરરોજ થાળ (ભોગ) ધરવામાં આવે છે. તેમં કોઈ યજમાન ધર્મ લાભ લ્યે કે ન લ્યે પૂજારી પરિવાર દ્વારા આ નિત્યક્રમ જાળવી રાખવામાં આવે છે. છેલ્લા ઘણાં સમયથી કૃષ્ણભકતો દ્વારા વર્ષ દરમ્યાન અનેક મનોરથના દર્શન થાય છે. જેમાં સૂકા મેવાનો મનોરથ, કુનવારા મનોરથ, કુંડલા ભોગ મનોરથ, અન્નકુટ મનોરથ, છપ્પનભોગ મનોરથનો લાભ યજમાનો લઈ તેમનમા મનોરથ સમ્પન્ન કરે છે.
અન્નકુટ અને છપ્પન ભોગમાં તો અનેક વાનગીઓનો શ્રીજી સન્મુખ ધરવામાં આવે છે જેમાં વિશાળ અને ભવ્ય દર્શન અલૌકિક બની રહે છે.
આપણાં ધર્મગ્રંથ પ્રમાણે કાનાએ જ્યારે ગોવર્ધન પર્વતને એક આંગળી ઉપર ઉંચકીને તમામ જીવોની રક્ષા કરી અને સાત દિવસ પછી કોપાયમાન ઈન્દ્રદેવ શાંત થયા ત્યારે ગામલોકોએ જોયું કે કાનાએ સાત-સાત દિવસથી અન્ન-જળ લીધા વગર સૌની રક્ષા કરી છે ત્યારે તમામ લોકો પોત-પોતાના ઘરે દોડ્યા.. અને કોઈએ ખીર, કોઈએ અન્ય મિઠાઈ, અન્ય સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને કાનાને ધરાવી, તેને ભોજન કરાવ્યું. ગૌશાળાની સવાસો ગૌશાળાની સવાસો જેટલી ગૌમાતાના દૂધમાંથી જ બનેલા શુદ્ધ ઘી, માખણ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.
જે યજમાને કોઈપણ ભોગ મનોરથનો ધર્મલાભ લ્યે છે તેને મંદિરમાં શ્રીજી સન્મુખ સહપરિવાર દોઢ-બે કલાક પૂજા-અભિષેક-દર્શનનો વિશેષ લાભ મળે છે. કોઈપણ શ્રદ્ધાળુ મનોરથનો સંકલ્પ પૂર્ણ કરવા માંગતા હોય તેમણે પૂજારી પરિવાર અને દેવસ્થાન સમિતિનો પંદર દિવસ અગાઉ સંપર્ક કરી નોંધણી કરાવે તો નિશ્ચિત તિથિએ મનોરથ દર્શન થઈ શકે છે.
ત્યારથી શ્રીકૃષ્ણ ભગવાનને વિવિધ ભોગ ધરવાની પ્રથા ચાલી આવી છે, જો કે સમયાંતરે હવે યજમાન ઘરેથી વાનગીઓ ન લાવી શકે તેવી સ્થિતિમાં પૂજારી પરિવારના મહિલા વર્ગ દ્વારા જ ભોગ પ્રમાણેની તમામ વાનગીઓ મંદિરના ભોગ-ભંડારામાં જ બનાવવામાં આવે છે, અને તે વાનગીઓનો ભોગ જ શ્રીજી સન્મુખ ધરવામાં આવે છે.
તમામ વિધિ-વિધાન, પૂજા-મનોરથ-દર્શનનું અલગ માહાત્મ્ય
દ્વારકાધીશ મંદિરમાં વર્ષ દરમિયાન તિથિ, વાર અને તહેવારો તેમજ ઋતુચક્ર પ્રમાણે દરેક વિધિવિધાન સાથેના પ્રસંગો, ઉત્સવો, પૂજા, મનોરથ દર્શન યોજાય છે અને દરેકનું એક અલગ માહત્મ્ય છે. પૂજારી પરિવાર દ્વારા દરેક મનોરથી, યજમાન અને તમામ કૃષ્ણભક્તોને આ સેવક-પૂજાના અને દર્શનના સંકલ્પનો લાભ મળે તેવી વ્યવસ્થા નિર્ધારીત કરેલી છે અને તે પ્રમાણે ખૂબ જ ભવ્યતા સાથે ખૂબ જ શ્રદ્ધા સાથે, ખૂબ જ ધામધૂમથી શ્રીજીના ધર્મલાભનો લાભ લઈ દરરોજ અસંખ્ય કૃષ્ણભક્તો ધન્યતા અનુભવી રહ્યાં છે. સમગ્ર વર્ષ દરમિયાન ભક્તો, દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ ચાલુ જ રહે છે. તેમાંય દર મહિનાની પૂનમે તો એક-દોઢ લાખ જેટલો માનવ મહેરામણ ઉમટે છે.
હે દ્વારકાધીશ !!
ના તમારાથી વધુ કાંઈ
તલભાર જોઈએ...
ના તમારાથી ઓછું કાંઈ
લેશમાત્ર જોઈએેેે
હર એક ક્ષણ કૃષ્ણ
માત્ર એક કૃષ્ણ જોઈએ...
આલેખનઃ પી.ડી. ત્રિવેદી,
સંકલનઃ ચંદુભાઈ બારાઈ
તસ્વીરઃ રવિ બારાઈ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial