Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અત્યારે દુનિયા આખી પ્રદૂષણથી પીડાય છે. નેતાથી માંડીને અભિનેતા સુધીના બધા જ લોકો પ્રદૂષણ ઘટાડવા માટે વિવિધ પ્રકારની સલાહ આપતા રહે છે. અને દિવાળી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ આવી સલાહ આપનારાઓની સંખ્યા સતત વધતી જાય છે.
પરંતુ આવી બધી જ સલાહ ૫રોપદેશ પાડિત્યમ્ જેવી હોય છે, એટલે કે તેનો અમલ સલાહ આપનાર સિવાયના માણસોએ જ કરવાનો હોય છે. સલાહ આપનારને તેનું પાલન કરવાનું કોઈ જ બંધન નહીં. દા.ત. આપણા હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર સલમાન ખાન હમણાં એક વખત શૂટિંગ કરવા ગયેલો ત્યારે તેની સાથે ૧૫૦ થી ૨૦૦ અંગરક્ષકોનો કાફલો હતો... શું તેઓ બધા ચાલીને ગયેલા ? અને જો તેઓ બધા મોટરકારમાં ગયેલા તો તેમની મોટરમાં શું ઇકો ફ્રેન્ડલી પેટ્રોલ હતું ? શું તેઓને કોઈ પર્યાવરણ પ્રેમીઓએ, બગડતા પર્યાવરણ વિશે પ્રશ્ન કરેલો ?
જો કે આ બધા જ પર્યાવરણ પ્રેમીઓ દિવાળી આવતા જ એકદમ સક્રિય થઈ જાય છે, અને આપણને ડાહી ડાહી સલાહ આપે છે કે આપણે ફટાકડા ફોડવા જોઈએ નહીં. આરબ - ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ થાય, કે રશિયા - યુક્રેન વચ્ચે યુદ્ધ થાય, અને ત્યાં અત્યંત આધુનિક શસ્ત્રો વડે લડાઈ થાય અને જે બોમ્બ ધડાકા થાય તેનાથી તો પર્યાવરણને કોઈ જ નુકસાન ન થાય, એમ પર્યાવરણ પ્રેમીઓ માનતા લાગે છે. કારણ કે આજ સુધી કોઈ પર્યાવરણ પ્રેમીએ યુદ્ધ ભૂમિ પર જઈને ઇકો ફ્રેન્ડલી શાસ્ત્રો વાપરવાની સલાહ આપી નથી...!
હશે, આવી બધી નાની નાની વાતોમાં આપણે કોઈ દુઃખ લગાડવાનું નહીં. આપણા ભવિષ્ય માટે આપણે ચોક્કસપણે પર્યાવરણની ચિંતા કરવાની. માટે જ અમે બધા મિત્રો *પર્યાવરણ બગડતું કેમ અટકાવવું ? અને ઇકો ફ્રેન્ડલી ફટાકડા કેવા હોઈ શકે ?* એ વિશે ચર્ચા કરવા એકઠા થયા.
*ઇકો ફ્રેન્ડલી ફટાકડા*ની ચર્ચાની શરૂઆત કરતા મેં મારો ગઈકાલનો એક અનુભવ કહ્યો. મેં કહ્યું, *ગઈકાલે જ હું એક બાળકની બર્થડે પાર્ટીમાં ગયો હતો જ્યાં ડેકોરેશન માટે અસંખ્ય ફુગ્ગાઓ રાખવામાં આવેલા હતા. પાર્ટી પૂરી થતાં જ બાળકો ફુગ્ગાઓ તૂટી પડ્યા. ફુગ્ગા ફૂટવાના અવાજથી હોટલનો રૂમ ધણધણી ઉઠ્યો. થોડીવાર તો એવું લાગ્યું કે જાણે દશેરાના દિવસે રાવણ દહનનો પ્રોગ્રામ ચાલી રહ્યો હોય...! અને જેવો ફુગ્ગાઓનો સ્ટોક પૂરો થયો કે વાતાવરણમાં બિલકુલ શાંતિ સ્થપાઈ ગઈ, તોફાન પછીની શાંતિ. વાતાવરણમાં કોઈ જ પ્રદૂષણ નહીં. ન આંખોમાં બળતરા કે ન શ્વાસ લેવામાં તકલીફ. શું આને ઇકો ફ્રેન્ડલી ફટાકડાના ન કહેવાય...?*
મારી વાતને બધાએ સમર્થન આપ્યું. નટુએ તો કહી પણ દીધું કે આ વર્ષે આપણે ઇકો ફ્રેન્ડલી ફટાકડા, એટલે કે ફુગ્ગા ફોડીને દિવાળી ઉજવશુ.
પરંતુ લાલાએ આ વાતનો વિરોધ કર્યો. તેણે કહ્યું, *શું ફુગ્ગા ફોડવાથી કચરો ન થાય ? શું ફુગ્ગા બનાવવા માટે જે રબર વપરાય છે, તેનો બગાડ ન થાય ?*
*તો પછી તું કોઈ ઇકો ફ્રેન્ડલી ફટાકડા બતાવ..* નટુએ લાલાને ચેલેન્જ કરતા કહ્યું.
*... આપણે આ વર્ષે પરીક્ષાના પેપર ફોડીએ..!!* લાલાએ ચેલેન્જનો સ્વીકાર કરતા એક એવા ઇકો ફ્રેન્ડલી ફટાકડાનું નામ કહ્યું, જે સાંભળીને, એ ફટાકડો ફૂટતા પહેલા જ અમે બધા ધ્રુજી ગયા..!
અમારા બધાના ચહેરાના ઉડી ગયેલા રંગ જોઈને લાલો વધુ ખીલ્યો, અને બોલ્યો કે, *પરીક્ષાનુ પેપર ફૂટવાથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ન થાય -- ન વાયુનું, ન અવાજનું કે ન કોઈ પ્રકાશનુ. પેપર જ્યારે ફૂટતું હોય ત્યારે ત્યાં બિલકુલ શાંતિ હોય. તમારા ઘર દુકાન કે ઓફિસની બાજુમાં જ્યારે પેપર ફૂટતું હોય ત્યારે તો બિલકુલ શાંતિ હોય. તમને કોઈ પરેશાની નહીં. તમને પેપર ફૂટવાની ખબર જ ન પડે ને..! *
લાલાએ આગળ કહ્યું, *અને પેપર ફૂટવાનો ધડાકો તો પરીક્ષાના દિવસે થાય. કાચા પોચા માણસોના હૃદય બેસી જાય તેવો ધડાકો. અને તે ધડાકાના પડઘાઓ તો દિવસો નહીં, મહિનાઓ સુધી ચારે દિશામાં પડતા રહે.. પરીક્ષાનું પેપર ફૂટે ત્યારે વાતાવરણમાં પ્રદુષણ તો બિલકુલ ન ફેલાય, પરંતુ કંઈ કેટલાય અધિકારીઓ અને નેતાઓની ખુરશીના પાયા હચમચી જાય...!!!*
મને લાગે છે કે પર્યાવરણ પ્રેમી લાલાએ સૂચવેલા આ ઇકો ફ્રેન્ડલી ફટાકડાને સરકારે પણ સપોર્ટ કરવો જોઈએ..!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial