Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેઈમાનીના બેકડોર વ્યવહારો કરનાર પરસ્પર ઈમાનદાર હોય છે!
બેઈમાનીના ધંધામાં કદાચ સૌથી વધુ ઈમાનદારી કરપ્ટેડ લોકો પરસ્પર નિભાવતા હશે અને એકબીજા વતી કરેલી કમાણીની ભગબટાઈ મોટાભાગે નિયમિત અને પરસ્પર વિશ્વાસ રાખીને જ થતી હશે, કારણ કે બધા જાણે છે કે અત્યારે ભ્રષ્ટાચાર કેટલો બધો વ્યાપક છે, છતાં તેની વિરૂદ્ધના પુરાવા સરળતાથી મળતા નથી. એટલું જ નહીં, એસીબીએ છટકા ગોઠવીને ઝડપેલા ઘણાં આરોપીઓ પુરાવાના અભાવે અને સાક્ષીઓ હોસ્ટાઈલ થવાથી કે પછી ફરિયાદીના ઢીલા ઢફ રિસ્પોન્સ અથવા અદાલત બહારના સમાધાનો દ્વારા સમજુતિ થઈ જવાથી નિર્દોષ છૂટી જતા હોય છે, ખરૃં કે નહીં?
ગેન્ગવોર ક્યારે થાય?
વિવિધ ક્ષેત્રોના માફિયાઓ પણ પરસ્પર સમજુતિઓ, કરાર અને સોદાઓ કરતા હોય છે, જે મોટાભાગે મૌખિક જ હોય છે અને તેને 'ડીલ' કહેવામાં આવે છે. માયાનગરી મુંબઈમાં ખંડણીનો ધંધો ધમધોકાર ચાલે છે અને જુદી જુદી ગેન્ગો, માફિયાઓ, ખંડણીખોરો, વ્યાજખોરો વગેરે ગુનાખોરો વચ્ચે વિવિધ વિસ્તારો વહેંચવામાં આવે છે, તે હકીકત તો દાયકાઓથી લોકોમાં પ્રચલિત છે અને આ પ્રકારના વિષય વસ્તુને સાંકળીને ઘણી ફિલ્મો બની છે. મુંબઈ દેશની આર્થિક રાજધાની ગણાય છે અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝના કારણે દેશના ઘણાં સેલેબ્રિટીઝ મુંબઈમાં વસવાટ કરે છે. ધનકુબેરો, ધનવાન ક્રિકેટરો, કલાકારો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને વરિષ્ઠો (જુદા જુદા ક્ષેત્રના દિગ્ગજો) મુંબઈમાં વસવાટ કરતા હોવાથી મુંબઈમાં સમાંતર તંત્રો કામ કરતા હોય અને રાજકીય કે સંસ્થાકીય ઓઠાં કે પીઠબળ હેઠળ ગુનાખોરી થતી હોય, તે વાત નવી નથી. મુંબઈમાં થતાં ગેન્ગવોર અને જ્યારે પરસ્પર મૌખિક રીતે થતી સમજુતિઓનો ભંગ થાય કે પછી પોતાનું જ વર્ચસ્વ વધારવાની મનોવૃત્તિ જાગે, ત્યારે મૌખિક કરારોનો ભંગ થાય, અને ત્યારે ગેન્ગવોર થાય, તે પ્રકારના અપવાદો સિવાય સામાન્ય રીતે આ પ્રકારની ગેન્ગો પરસ્પર સમજુતિથી 'તેરી બી ચૂપ મેરી બી ચૂપ'ની રણનીતિ હેઠળ કામ કરતી હશે, તે સમજી શકાય તેવું છે, નહીં?
દેશવ્યાપી બન્યો ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ
આ પ્રકારના સંગઠીત અપરાધો તથા ગેન્ગોને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ તરીકે કાનૂની ક્ષેત્રમાં ઓળખવામાં આવે છે. ઓર્ગેનાઈઝ્ડ કાઈમને કંટ્રોલ કરવા કડકમાં કડક કાનૂનો બન્યા છે, છતાં આ ગુનાખોરી પનપતી જ રહી છે, અને રૂપ બદલીને નવા નવા સ્વરૂપમાં પ્રગટતી જ રહી છે.
મુંબઈ ઉપરાંત રાજ્યની દિલ્હી, કોલકાતા, બેંગ્લુરૂ, ચેન્નાઈ, નોઈડા, કેરળ અને હૈદ્રાબાદ સુધી આ પ્રકારની એરિયાવાર ગેન્ગો તથા માફિયા ડોનની ગેરકાનૂની પ્રવૃત્તિઓ વધતી ગઈ, તો પોલીસદળ અને સરકારી એજન્સીઓનો વ્યાપ પણ વધતો ગયો. મેટ્રોપોલિટન શહેરોમાંથી હવે તો આ પ્રકારની ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમની ગેન્ગો નાના શહેરો સુધી પહોંચી રહી છે અને ગ્રામ્ય વિસ્તારો સુધી ખંડણી, ગેંગરેપ, દાદાગીરી, છેતરપિંડી, વિશ્વાસઘાત, હનીટ્રેપ અને બ્લેક મેઈલીંગના કિસ્સાઓ વધી રહ્યા છે. આવું થવા પાછળનું મુખ્ય અને મહત્ત્વપૂર્ણ કારણ શોધી કાઢીને તેના પર જ પ્રહાર કરવાની જરૂર છે, તેમ નથી લાગતું?
બેકડોર વ્યવહારો
બેકડોર વ્યવહારો, બેનામી વ્યવહારો તથા વ્યાપક ટેક્સચોરીની ઢાલ બનીને ભય અને આતંક ફેલાવવા માટે ઊભી થતી સિસ્ટમોને સાંકળીને બેઈમાનીમાં સંકળાયેલા લોકો પરસ્પર ખૂબ જ ઈમાનદાર હોય છે અને તેથી જ મૌખિક સમજૂતિઓનો ચૂસ્ત અમલ થતો હોય છે. ભાગબટાઈ તથા અન્ય લેવેડ-દેવડ ઘણી જ ઈમાનદારીથી થતી હોય છે, તેવી સર્વસામાન્ય માન્યતા કેટલીક ફિલ્મોમાં પણ દર્શાવાતી હોય છે.
'ઓન' અને 'ઓફ' ટ્રાન્ઝેક્શન!
આપણે ઓનલાઈન અને ઓફલાઈનના વ્યવહારોથી ઘણાં જ પરિચિત છીએ. 'ઓનલાઈન' સિસ્ટમ આવ્યા પછી જ 'ઓફલાઈન' શબ્દનું મહત્ત્વ વધ્યું હશે.
પહેલા આપણે કાર્બનપેપર રાખીને બે-ચાર હસ્તલિખિત અરજીઓ કરીને કે ફોર્મ ભરીને સરકારી-અર્ધસરકારી કે પર્સનલ વ્યવહારો કરતા અને જે કાર્બનકોપી આપણી પાસે રહે, તેને કાર્બન કોપી તરીકે ઓળખતા હતાં. કોઈપણ કચેરીમાં રૂબરૂ આ પ્રકારની હસ્તલિખિત અરજી કરીએ, ત્યારે આપણી પાસે રહેતી કાર્બનકોપીમાં જે કચેરીમાં અરજી કરી હોય, તેના ડિસ્પેચ ક્લાર્ક, મહેતાજી કે હાજર હોય તે કર્મચારીની સહી મેળવતા હતાં. જો રજિસ્ટર્ડ ટપાલ દ્વારા અરજી મોકલી હોય તો ટપાલમાં વિભાગની પહોંચ ઓફિસ કોપી સાથે ચીપકાવીને રાખતા હતાં, અને પછી ટાઈપરાઈટરો આવ્યા અને ટાઈપ કરીને નકલો બનવા લાગી. તે પછી લીથો કાઢવાની સિસ્ટમ બની અને હવે કોમ્પ્યુટર-લેપટોપમાં ટાઈપ કરીને સીધી પ્રિન્ટરમાંથી નકલો નીકળે છે.
જો કે, આજે પણ હસ્તલિખિત અને ટાઈપ કરેલી નકલો કે અરજીઓ કરવાની પ્રથા ચાલુ જ છે. આ કોઈપણ પ્રકારે અરજી પત્ર, આદેશ, પરિપત્ર કે કોઈપણ પ્રકારનો પત્ર-વ્યવહાર થાય, અને તેની એક નકલ પોતાની પાસે રાખીને તેને ઓફિસકોપી અથવા ઓ.સી. ગણવાની સિસ્ટમ અમલમાં જ છે, અને 'ઓસીઆઈનું' કરાવવાની પ્રથા પણ ચાલુ જ છે, જ્યારે એકથી વધુ કે સામૂહિક પત્રો કે પરિપત્રો, આદેશો વિગેરે મોકલવાના હોય, ત્યારે અધિકારી, ચેરમેન, મંત્રી, મેનેજર કે માલિક એક જ કોપીમાં સહી કરે, અને તેની નકલોમાં 'કચેરી નકલમાં સંબંધિત અધિકારીની સહી છે.' તે પ્રકારનું લખીને આસિસ્ટંટ દ્વારા અન્ય તમામ નકલો મોકલવાની પ્રથા આજે પણ અમલમાં જ છે.
આ રીતે પત્ર વ્યવહારથી રૂબરૂ, પોસ્ટ, આંગડિયા કે અન્ય રીતે થતા ૫ત્રવ્યવહારને 'ઓફલાઈન' કહેવાય, અને હવે ઓનલાઈન સિસ્ટમમાં મેઈલ, વ્હોટ્સ એપ કે ચેટીંગ દ્વારા થતી પ્રક્રિયાને ઓનલાઈન પત્રવ્યવહાર ગણાય.
આ જ રીતે પહેલા રોકડ વ્યવહાર થતો અને રોકડેથી નાણાકીય લેવડ-દેવડ થતી તે પછી ચેક, ડ્રાફ્ટની સિસ્ટમ આવી અને હવે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઘેરબેઠા બેઠા કે કચેરી કે જ્યાં હોઈએ ત્યાંથી મોબાઈલ સેલફોન દ્વારા જ થઈ શકે છે. જેને ઓફલાઈન ટ્રાન્ઝેક્શન કહેવાય છે.
ઓફલાઈન ટ્રાન્ઝેક્શનની બોલબાલા
આવી પારદર્શકતા પછી ઓફલાઈન ટ્રાન્ઝેક્શનની આજે પણ બોલબાલા છે. એવું કહેવાય છે કે સમાંતર ઈકોનોમી (માત્ર આપણા દેશમાં નહીં, દુનિયાના મોટાભાગના દેશોમાં) ચાલી રહી છે. જેમાં લેખિત નહીં, પરંતુ મૌખિક અને પરસ્પર વિશ્વાસના આધારે નાની-નાની લેવડ-દેવડથી લઈને જંગી રકમનું ટ્રાન્ઝેક્શનથી થતું હોય છે, અને રિઅલ એસ્ટેટ, વ્યાપાર-ઉદ્યોગ અને સેવાકીય વ્યવહારોમાં આ સિસ્ટમ આજે પણ ધમધમી રહી હોવાની ચર્ચા અવારનવાર થતી રહેતી હોય છે.
કાનૂની કદમ અને ગેરકાનૂની રીતરસમો
આપણે જ્યારે છેતરપિંડીનો ભોગ બનીએ, ચેક રિટર્ન થાય, કોઈ કરારનું પાલન ન થાય કે નાણાકીય લેવડ-દેવડ માટેની કોઈ શરતોનો અમલ ન થાય, ત્યારે કાનૂની ધોરણે પોલીસ ફરિયાદ, વકીલો દ્વારા નોટીસ પછી અદાલતોનો આશરો લેતા હોઈએ છીએ, પરંતુ જ્યારે 'ઓફલાઈન' મૌખિક કરારો, શરતો કે સમજુતિઓ મુજબ નાણાકીય વ્યવહારોમાં ગરબડ થાય કે ભંગ થાય, ત્યારે તેની વસૂલાત કે વિશ્વસાઘાતીને સજા-દંડ કરવા માટે પણ ગેરકાનૂની રીતરસમો અપનાવાતી હોય છે, અને તેમાંથી જ હત્યાની કોશિશ, હત્યા, મારામારી કે ગેન્ગવોર જેવી અનિચ્છિનિય ઘટનાઓ સર્જાતી હોય છે.
સાયબર ક્રાઈમ સામે સજ્જતા
વધી રહેલા સાયબર ક્રાઈમ સામે પોલીસતંત્ર સહિત સંલગ્ન એજન્સીઓ તથા અન્ય તંત્રો તો સજ્જ થઈ રહ્યા છે, પરંતુ મોટા મોટા ઉદ્યોગ-ગૃહો, વ્યાપારિક પ્રતિષ્ઠાનો, એનજીઓ, ખેડૂતો, નોકરિયાતો, બેંકો, અન્ય નાણાકીય સંસ્થાઓ અને એવી તમામ સંસ્થાઓએ પણ સજ્જ થવું જ પડે તેમ છે, ત્યારે આ માટે મોટાપાયે ટ્રેનિંગ ક્લાસો, વર્કશોપ્સ અને ટોપ-ટુ-બોટમ જનજાગૃતિ ફેલાવવાની જરૂર છે, ત્યારે સાયબર ક્રાઈમ સામેના જંગ માટે ધીમે ધીમે સજ્જતા આવી રહી છે, તેની નોંધ પણ લેવી પડે.
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial