Advertisement
Author: નોબત સમાચાર

દહેજનું દૂષણ આમ તો રહ્યું નથી, હજી ક્યાંક છે એ પણ જાય તો સારૂં

આખા સમાજમાં એક જ ચર્ચા હતી કે રાઘવ એના માં બાપ થી જુદો થયો. આટલું મોટું ઘર જેને હવેલી કહી શકાય એવા ઘરમાં માં બાપ ને એકલા મૂકી રાઘવ જુદો રહેવા ગયો, એટલું જ નહિ એણે વકીલ પાસે નોટરી કરાવી લીધી કે *હું મારી મરજીથી નોખો થાઉં છું અને હું રાજીખુશીથી ,કોઈ પણ જાતના દબાણ વગર લખી આપું છું કે  મને મારા પિતાની મિલકતમાં કોઈ રસ નથી, મારે વારસદાર તરીકે કાંઈ જોતું નથી. મારી કે મારા પરિવારની કોઈપણ બાબત કે પ્રસંગમાં રમણલાલ ઉર્ફે મારા પિતા અને વિદ્યા ગૌરી ઉર્ફે મારી માતા એ કોઈ દખલ કરવી નહીં.* બસ આ વાતે જોર પકડ્યું હતું. બધા  રમણલાલ વિદ્યાગૌરી ની દયા ખાતે હતા કે અરેરે આ ઉંમરે માં બાપને એકલા છોડી દીધા.અને એવા વખત ે કે એનો દીકરો પરણવા લાયક થઈ ગયો છે , માંગા પણ આવવા માંડ્યા છે. અને એ સાથે જ રાઘવની સગી બહેન પણ પરણવા લાયક થઈ છે.સમાજમાં કેવી છાપ પડે? આમ તો રાઘવ સૌને કહેતો હોય છે કે માં બાપ ને વૃદ્ધ ઉંમરે આરામ આપવો જોઈએ,એ પાછો વૃદ્ધાશ્રમમાં સેવાઓ આપે છે. અને માં બાપ ને વૃદ્ધાશ્રમ દેખાડનાર અને દીકરા દીકરીઓને આમ ન કરવા સમજાવતો હોય છે. એ રાઘવ આવું કરે?

સવાલ તો લાખ રૂપિયાનો છે પણ કોઈ એક વાત નથી સમજાતું કે અનેકને સમજાવનાર રાઘવ ના પોતાના ઘણાં નિયમો ,સિદ્ધાંતો છે, એ અનેક બાબતો નો વિરોધી છે. કોઈ તો શોધો કારણ શું? વાત એક જ છે રાઘવ સમજણો થયો ત્યારથી એના અને એના મા-બાપ સાથે સિદ્ધાંતોની ટશર હતી. એના પિતા રમણલાલ એટલે આમ મહેનતુ હતા પણ એને મહેનત વગર સરળતાથી મળતું ધન બહુ ગમતું જેમ કે દહેજ. આ રાઘવનો જન્મ થયો ત્યારે ખુશીથી જમણવાર કરેલો કે મારે ઘેર ઈશ્વરે પૈસાનો વરસાદ કર્યો છે.  એનો કહેવાનો અર્થ એ હતો કે દીકરો જન્મ્યો એટલે બે ખોખા (બે કરોડ) , એના મનમાં લાડુ ફૂટતા કે અત્યારે હું જલસા કરીશ અને એના  લગ્ન વખતે દહેજમાં બે કરોડ મળશે એના વ્યાજમાં હું જીવીશ અન ે એથી વિશેષ આ સારું ભણ્યો, ડોક્ટર કે એન્જિનિયર બન્યો   તો વધુ રકમ મળશે. આ વાત રાઘવ સ્કૂલે જતો થયો, સમજણો થયો ત્યારે થોડી સમજમાં આવી. કોઈકે એને કહેલું કે તમારા પિતા નસીબદાર છે  તારા લગ્ન થાશે ત્યારે એમને તો ટંકશાળ પડશે. એ સમજાતું નહોતું પણ સમાજમાં એક લગ્નમાં ગયેલા ત્યાં એના દૂરના કાકાના દીકરાના લગ્ન હતા. એ દીકરો માંડવે બેઠો ત્યારે વિધિ શરૂ થઈ અને કન્યાના આવતા પહેલા કન્યાના પિતાએ મોટા થાળમાં રૂપિયાના બંડલ મૂકીને આપ્યા , એના પર દીકરાએ હાથ મુક્યો અને એના પિતાને લઇ લેવા કહ્યું. કન્યાના પિતા એ વેવાઈ ના ખોળામાં એ થાળ મુક્યો અને હાથ જોડ્યા, ગોર મહારાજે પૂછ્યું કન્યાની પધરામણી  કરાવીએ? વરરાજા એ હા પાડી અને કન્યાના પિતા ની આંખો આંશુથી છલકાઈ ગઈ. એમણે બે હાથ જોડ્યા . રાઘવ આ જોયા કરતો હતો , એણે માસી ને પૂછ્યું કે આ થાળ માં આટલા બધા પૈસા મુક્યા, દિલાવર ભાઈએ હાથ લગાડી કાકા ને આપ્યા એ પછી કન્યા પધરાવવાની મંજૂરી આપી, આ બધું  શું છે? માસી કહે, આ દહેજ કહેવાય , જ્યારે તારા ભાઈ દિલાવર નું નક્કી થયું હોય ત્યારે આ રકમ આપવાની વાત થઇ હોય , એ કન્યાના પિતા આપે  એ પછી વરરાજા ણ એના પિતા ખુશ હોય તો કન્યાને લાવવા મંજૂરી આપે ત્યારે કન્યાના પિતાના ખુશીના આંસુ છલકે એ આંસુ કદાચ આ ધન માંડ માંડ ભેગું કર્યું કન્યાના સુખ માટે  એ સાર્થક થયું લાગે એના પણ હોય. આ રિવાજ છે, આ ભલે દુષણ છે લગભગ હવે બંધ છે પણ અમુક લોકો  આ માને જ છે. તારા  પિતા તો અત્યારથી ખુશ છે કે મને રાઘવ ના લગ્નમાં  બે કરોડ મળશે. એ  સમયે કયો કન્યાનો પિતા આ ખામી શકે એ જોવાનું. બેટા એમાં ને એમાં ઘણા માં બાપ પોતાની દીકરીને પરણાવી નથી શકતા. તને ખબર છે? આ દુષણને કારણે જ ઘણા દીકરીને જન્મવા જન દે અથવા જન્મે એ સાથે દૂધમાં  ડુબાડી જીવન ટૂંકાવી દે.

રાઘવ આ બધું સાંભળી હતપ્રત થઇ ગયો. આમ જોવા જાવ તો  એ દુઃખી થઈ ગયો. લાગણીશીલ તો હતો જ. એને મનમાં થઈ ગયું કે મારા પિતા ભલે ગમે તેટલા  મનમાં મહેલ બાંધી દે પણ હું આ થવા નહીં દઉં. અને એ જ થયેલું. રાઘવે એના પિતાને કહેલું કે આ દહેજ નું દુષણ બંધ ન થાય? એ સમયે રમણલાલ ગુસ્સે થઇ ગયેલા અને રાઘવને ખખડાવી નાખ્યો. રાઘવ કહે કે મારા માં કમાવાની તાકાત હશે એ મુજબ કન્યા સાચવીશ. હું એટલું ઊંચું ભણીશ કે કમાવાની તકલીફ જ નહિ. એ કન્યા કોઈની દીકરી હશે ,એના બાપની કમર શું કામ તોડું. તેમણે દીકરીને જન્મ આપી ગુનો કર્યો? અરે દીકરી તો લક્ષ્મી કહેવાય. રમણલાલ કહે , હવે ડાહ્યા  થવાનું રહેવા દે, તને ભણવાનો ખર્ચ નહિ થાય? તો રાઘવ  કહે એ જવાબદારી તમારી છે એમાં બીજા કોઈને શું? આવી ચર્ચા બહુ ચાલે. રમણલાલ કહે કે તું મારા દાદા જેવો ક્યાંથી પાક્યો , એ જમાનામાં એ તારા વિચારોના હતા. તારા દાદા ના લગ્નમાં એમણે ચોખ્ખી ના પાડી હતી , એમાં મારા પિતા દુઃખી રહ્યા મારા લગ્ન સમયે એ લાખો પામ્યા. તારા લગ્નમાં મને કોઈ રોકી નહિ શકે. રાઘવ કહે કે તમારે દીકરી હોત તો ખબર પડત.

રાઘવ ભણીને ડોક્ટર બન્યો. રમણલાલના મનમાં તો ધનના ઢગલા દેખાતા હતા. રાઘવે મનમાં નક્કી કરેલું કે હું પિતાશ્રીના સપના , સપના જ રહેવા દઈશ. હવે વિધિના ખેલ જુવો. રાઘવ ડોક્ટર બનીને ઇન્ટર્નશીપ કરવા લાગ્યો એ જ વખતે રમણલાલની પત્ની વિદ્યા ગૌરીએ દીકરીને જન્મ આપ્યો. રાઘવને બહેન  મળી. રાઘવે એના પિતાને કહ્યું કે બોલો હવે શું? રમણલાલ કહે કે થઈ પડશે. તારા લગ્નમાં આવશે એ સાચવીશ એનું વ્યાજ ખાઈશ પછી  એ જ આપીશ. રાઘવ કહે મારા લગ્નમાં હું એક પૈસો નહિ લઉં. રમણલાલ કહે, એ તો મારે લેવાના હોય, નકકી કરવા હું અને તારી માં જઈશું. રાઘવ કહે, એ નહિ થવા દઉં, જોઈ લેજો. રમણલાલ કહે કે તો પછી તારી બહેન વખતે મારે ક્યાંથી લાવવાના?  રાઘવ કહે કટોરો લઇ નીકળી પડજો. જેણે દીકરીના બાપને દુઃખી કર્યા હોય એનું એવું જ થાય.

આ ચકમક તો ચાલી જ. હવે રાઘવ સર્જન થાય ગયો. પ્રેક્ટિસ કરવા લાગ્યો. એના માંગા આવવા લાગ્યા, એમાં એક ડોક્ટરનું  ભણેલી કન્યાનું માગું આવ્યું. રાઘવે રસ દેખાડયો, રમણલાલે વાત વધાવી મળવાનું ગોઠવ્યું. રમણલાલ વિદ્યાગૌરી અને રાઘવ ગયા જોવા. રાઘવની બહેન તો નાની હતી એ પણ ગઈ સાથે. ત્યાં રાઘવ અને કન્યા એક રૂમમાં વાતો કરતા હતા ત્યારે રમણલાલે કન્યાના પિતા સાથે પાંચ કરોડ નું નક્કી કરી નાખ્યું. રાઘવ અને કન્યા બહાર આવ્યા પછી જે રીતે હસી ખુશી નું વાતાવરણ હતું એ જોઈ રાઘવ સમજી ગયો કે  પિતાશ્રીએ લાપસીનાં આંધણનું નક્કી કરી નાખ્યું છે. છેલ્લે ઊભા થયા ત્યારે કહ્યું કે  ઝડપથી લગ્નની તારીખ નક્કી કરજો. રાઘવ ને થયું કે   પાકું થઈ ગયું. કાર દૂર પડી હતી બધા ત્યાં સુધી પહોંચ્યા, રમણલાલ વિદ્યાગૌરી બેઠા એટલે રાઘવ પાછો ગયો, સામે કન્યાના માતા પિતા દરવાજામાં જ ઉભા હતા , રાઘવે બે હાથ જોડી  કહ્યું કે *મારા પિતાએ દહેજમાં કોઈ રકમ માંગી હોય તો એ  ગોઠવણ કરતા નહીં. મને લક્ષ્મી સિવાય કાંઈ ન જોઈએ. દીકરીના બાપને કેટલું સારું લાગે? રમણલાલ તો રાઘવનાં જ બાપ હતા , એ ઓળખે દીકરાને અને સમજી પણ ગયા હોય કે આ શું કહેવા ગયો હશે. એ વખતે એ કંઈ ન બોલ્યા. બીજા દિવસે એ એકલા લક્ષ્મી ના પિતા ને મળ્યા અને કહ્યું કે મારા દીકરાએ જે કહ્યું હોય એ ભૂલી જાવ. મંડપમાં રૂપિયા આવ્યા પછી જ કન્યા લાવવા ની મંજૂરી મળશે નહિ તો જાન પાછી ફરશે. હું રાઘવ નો બાપ  છું.

જાન માંડવે આવી રાઘવ ગોઠવાયો લક્ષ્મીના પિતા અને એમના ભાઈ રૂપિયા નો થાળ લઇ આવ્યા , રાઘવે કહ્યું કે મેં ના પાડી હતી છતાં લાવ્યા? હું માથે અડાડી લાઉ છું આપ લાઈ જાવ , મને નહિ જોઈએ. રમણલાલ ઊભા થાય ગયા કે જો લઈ ગયા તો અમે ચાલ્યા જઈશું. રાઘવ કહે જી પિતાજી જઈ શકો છો. લગ્ન મારા છે, હું લગ્ન કરીને ઊભો થઈશ. વડીલ ગોર મહારાજ કન્યા પધરાવવા નું કરો. રમણલાલ ધુંઆપુંઆ થતા બેઠા. લગ્ન થયા , કન્યા વિદાઈ સમયે  કન્યાના પિતાએ રાઘવને કહ્યું કે તમે રકમ ન સ્વીકારી તો તમારા પિતા મારી દીકરીને સ્વીકારશે ને? એ બન્ને મારી દીકરીને મહેણાં મારી હેરાન નહીં કરે ને? રાઘવે કહ્યું નિશ્ચિંન્ત રહો. કાંઈ નહિ થાય પણ હા , જો તમે ખાનગીમા ં મારા પિતા સાથે વહીવટ કર્યો તો હું લક્ષ્મીને તમારા ઘરે મૂકી જઈશ , બાકી તમારી દીકરી રાજ કરશે.

રાઘવે બહુ સરસ સાચવી લીધું. હવે તો રાઘવ ના બે જોડિયા દીકરાઓ મોટા થયા , રમણલાલ ખૂબ રાજી હતા કે આમાં તો લઈશ જ કારણ કે મારી દીકરી ને પરણાવવાની છે, મારે જોશે. રાઘવે પોતાનામાં ના પાડી હતી એ પોતાના દીકરા માં લે? એ બાબતે બહુ જ ચડસા ચડસી થઇ અને એ જ કારણે રાઘવે પરિવાર સાથે  હવેલી છોડી. દીકરાઓના લગ્ન પણ કર્યા. હવે બહેન માટે શોધવાનું હતું. એ મળી ગયું. એક ઘર મળ્યું. છોકરો બિઝનેસમેન હતો. એના બાપે રમણલાલ પાસે બે કરોડ માંગ્યા. રમણલાલ મૂંઝાયા એમણે રાઘવને કહ્યું, રાઘવ કહે હું તો વિરોધી છું મને ન પૂછો, લગ્નનો બધો ખર્ચો હું કરીશ પણ દહેજ માટે  તમે જાવ માગવા બધે અને ભેગા કરો. રમણલાલ અનેક પ્રયત્નો પછી  એક શ્રેષ ્ઠી પાસે ગયા, એ શ્રેષ્ઠીએ રાઘવને પૂછ્યું કે તમારા પિતા આવ્યા છે શું કરું? રાઘવ કહે આપો વ્યાજે. લગ્ન પછી તમને એમને એમ જ મળશે. રમણલાલને પૈસા તો મળ્યા પણ ગભરાયેલા હતા કે વ્યાજ સાથે ડબલ થઇ જશે , આપીશ કેવી રીતે ?

લગ્નના માંડવે જાન આવી વરરાજા બેઠા. રમણલાલ રૂપિયાનો થાળ લઇ આવ્યા. વરરાજાએ એક નાની નોટ હાથમાં લઇ માથે લગાડી અને કહ્યું કે શુકન લાઈ લીધા, આ કાંઈ ન જોઈએ મને માત્ર કન્યા જોઈએ લઇ જાવ પાછું નહિ તો હું ઊભો થાઉં. રાઘવ કહે ના જી , લઇ જાય છે પાછું આપ બેસો. રમણલાલ ને ખબર હતી કે પૈસા કેમ આવ્યા છે. કેમ આપીશ , એ ભાર હળવો થયો એટલે વરરાજા ના પિતાના ખોળામાં પાઘડી  મૂકી રોવા લાગ્યા. રાઘવ કહે પપ્પા પહેરી લો. હવે ખ્યાલ આવે છે? દીકરીના પિતાની શું હાલત થાય ?

હરેશ ભટ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh