Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે ગુજરાતના ઊર્જા મંત્રીએ વિધાનસભામાં સ્માર્ટ વીજમીટરો ફરજિયાત હોવા અંગે ચોખવટકર્યા પછી તેના રાજ્યવ્યાપી પ્રત્યાઘાતો પડી રહ્યા છે, તો ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ દિલ્હીની જેમ ગુજરાતમાં પણ ૩૦૦ યુનિટ સુધી ફ્રી વીજળી આપવા અંગે થઈ રહેલી ચર્ચાઓના સંદર્ભે સ્પષ્ટ કહી દીધું છે કે ગુજરાતમાં ફ્રી વીજળી આપવાની કોઈ જ યોજના નથી, જો કે તેમણે કહ્યું કે સૂર્યઘર યોજના હેઠળ સોલાર ઊર્જાનો વપરાશ કરીને વીજળીનું બીલ જરૂર બચાવી શકાય છે.
દિલ્હીમાં સત્તા પરિવર્તન પછી કેજરીવાલે શરૂ કરેલી 'ફ્રી'ની યોજનાઓ હવે કેટલો સમય ચાલુ રહેશે, તે અંગે પણ અટકળો થવા લાગી છે. ભાજપ સરકારની પહેલી જ કેબિનેટમાં મહિલાઓને રૂ. રપ૦૦ ચૂકવવાનો ઠરાવ ન થયો, તેને લઈને પણ ટીકા થવા લાગી છે. 'આપ'ના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ આ અંગે સવાલો પણ ઊઠાવ્યા છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈ યોજના બંધ નહીં થાય' તેવી વાતો કરી હતી. તેના કારણે હાલ તુરત તો 'ફ્રી'ની યોજનાઓ ચાલતી રહેશે, પરંતુ સમય જતાં તેમાં ફેરફાર થાય, તો નવાઈ જેવું નહી હોય. દિલ્હીમાં પણ હવે સૂર્યઘર યોજનાનો વ્યાપ વધારીને ફ્રી વીજળી ઉપરાંત વધારાની વીજળી વેંચીને આવક ઊભી કરવાની તકો અંગે ત્યાંની જનતાને વિશ્વાસમાં લઈને ધીમે ધીમે ફ્રી વીજળીની યોજના પર પૂર્ણવિરામ મૂકી દેવાની રણનીતિ ઘડાઈ રહી હોવાના સંકેતો રાજકીય અંતરંગ વર્તુળોના માધ્યમથી મળી રહ્યા હોવાનું પણ ચર્ચાય છે. ત્યારે જોઈએ, આગળ શું થાય છે તે...
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, રાજ્યમાં વીજળીનું સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે. મોબાઈલ ફોનની જેમ જરૂરિયાત મુજબ રિચાર્જ કરાવીને વીજળીનો વપરાશ થઈ શકે અને ઊર્જા બચત થઈ શકે. એટલું જ નહીં, ઠેર-ઠેર જુદી જુદી તરકીબો અજમાવીને થતી વીજચોરી અટકાવવા તથા બાકી બીલોની વસૂલાતની પ્રક્રિયા તથા તેના સંદર્ભે લાંબી ચાલતી કાનૂની કાર્યવાહીઓથી બચી શકાશે, તેવો દાવો પણ સરકારે કર્યો છે, જેની સામે વિપક્ષના નેતાઓએ સવાલો ઊઠાવ્યા છે.
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આરોપ લગાવ્યો હતો કે સાદા મીટરથી લોકોને ફાયદો હતો, પરંતુ સ્માર્ટ મીટર લગાવાશે, તો લોકોને વીજળીનું બીલ વધુ ભરવું પડશે. તેમણે એવો આરોપ પણ લગાવ્યો છે કે સરકારે વગરવિચાર્યે અને કોઈપણ પૂર્વ આયોજન વગર કરોડો રૂપિયાના સ્માર્ટ મીટર ઉતાવળે ખરીદી લીધા છે, તેથી હવે સરકાર ઘરવપરાશની વીજળી માટેના વર્તમાન મીટરો બદલાવીને 'ધરાર' નવા સ્માર્ટ મીટરો લગાવવાની જીદ પકડી રહી છે.
જો કે, ઊર્જા વિભાગના વર્તુળો તથા ટેકનિકલ જાણકારો સ્માર્ટ મીટર વીજકંપની તથા ગ્રાહકો-બન્નેને લાભકર્તા હોવાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. વીજળીના બીલો ભરવા કતારોમાં ઊભવું પડે અને તેના માટે વધારાનો ટાઈમ કાઢવો પડે, તે ઝંઝટમાંથી પણ ગ્રાહકોને મુક્તિ મળશે. સરકારને પણ એડવાન્સ મીટરિંગ સિસ્ટમના કારણે વીજપુરવઠાની માંગને અનુરૂપ પુરવઠો જાળવવાનું આયોજન કરવામાં સરળતા રહેશે, અને એક તરફ વીજકંપનીની આવક વધશે, તો બીજી તરફ ગ્રાહકોને પણ ફાયદો થશે, તેમ જણાવાઈ રહ્યું છે.
સ્માર્ટ મીટર ફરજિયાત હોવાના ઊર્જા મંત્રીના નિવેદન પછી જામનગર સહિતના કેટલાક શહેરોમાં વિરોધ થઈ રહ્યો હતો, ત્યાં આ મુદ્દે કોઈ આંદોલન થાય કે સામૂહિક રજૂઆતો થાય કે પછી અદાલતના દ્વાર ખખડાવાય, તેવી સંભાવનાઓ ઉપરાંત જ્યાં અત્યાર સુધી વિરોધ થઈ રહ્યો નહોતો, તેવા શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગણગણાટ શરૂ થઈ ગયો હોવાના અહેવાલો પણ હવે આવવા લાગ્યા છે. એકંદરે રાજ્ય સરકારે કાં તો સ્માર્ટ મીટર મરજિયાત રાખવા જોઈએ, અથવા લોકોની શંકાઓ દૂર કરવી જોઈએ, ખરૃં ને?
ગુજરાતમાં વીજલાઈનો બિછાવાઈ, તે સમયે તો દેશી મીટરો હતાં. લાંબો સમય ચકરડીવાળા વીજમીટરો વપરાયા, અને તેમાં ચેડા કરીને વીજચોરીની બદી વધવા લાગી, તે પછી ડિજિટલ મીટરો આવ્યા. છેલ્લા બે-અઢી દાયકાથી ડિજિટલ મીટરો વપરાય છે, પરંતુ તે પણ તદ્ન ફૂલપ્રૂફ પૂરવાર થયા નથી, અને તેમાં પણ ચેડાં કરીને અવનવી તરકીબો દ્વારા વીજચોરી થતી જ રહી છે, તે ઓપન સિક્રેટ છે. તેથી હવે નવા સ્માર્ટ વીજમીટરો તદ્ન ફૂલપ્રૂફ હશે અને તેના સંપૂર્ણ અમલ પછી પણ વીજચોરો કોઈ નવી તરકીબ શોધી નહીં કાઢે, તેની કોઈ ગેરંટી ખરી? તે ઉપરાંત 'લંગારિયા' નાંખીને વીજળીનું 'અપહરણ' કરી લેતા વીજચોરોને તો કોઈપણ પ્રકારનું મીટર ક્યાં નડવાનું છે?
વિધાનસભામાંથી શરૂ થયેલી વીજસ્માર્ટ મીટરોની ચર્ચા હવે જ્યારે રાજ્યવ્યાપી બની રહી છે, ત્યારે આ મુદ્દે સરકાર કેવું વલણ અપનાવે છે, તે જોવું રહ્યું, ખરૃં કે નહીં ?...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial