Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્કૂલમાં ભણતા ત્યારે મને ગણિત બહુ ગમતું. અલબત્ત કોઈ રેન્ક લેવા માટે નહિ, પરંતુ ફક્ત પાસ થવા માટે. કારણ કે પરીક્ષા સમયે ભૂમિતિના બે પ્રમેય, બીજગણિતની ચાર ફોર્મ્યુલા અને અંકગણિતમાં બે ને બે ચાર થાય એટલું ગોખી નાખીએ એટલે ગણિતમાં પાસિંગ માર્ક આવી જાય
જો કે, બે ને બે ચાર થાય એટલું સીધું સાદુ ગણિત પણ, અમારા કોઈ ગણિતના સાહેબ નટુને સમજાવી શક્યા નહીં. આમને આમ અમારા બધાનો અભ્યાસ પૂરો થયો અને અમે બધાએ જિંદગીના કુરુક્ષેત્રમાં પગ મૂક્યો. અહીંના ગણિતના નિયમો બધા અલગ હતા. અહીં જિંદગીના કુરુક્ષેત્રમાં આપણા ગણિતના કોઈ નિયમો લાગુ પડતા ન હતા.
ગણિતના દુશ્મન નટુએ પણ જિંદગીના કુરુક્ષેત્રમાં પગ મુક્યો, નટુએ કાપડની એક દુકાન ખોલી. દુકાનમાં બોણીમાં જ આવેલા ગ્રાહકે એક કાપડનો પીસ લીધો, તેના પરની સૂચના વાંચી અને પછી બોલ્યો, *શેઠ આ કાપડ પર તો લખ્યું છે કે ૭૦ % કોટન અને ૪૦% ટેરેલીન. પરંતુ એ તો ૧૧૦ ટકા થાય..!*
નટુએ તેને વેપારી ગણિત સમજાવતા કહ્યું, *સાહેબ એ તો ધોયે ચડી જશે, પછી ૧૦૦ % થઈ જશે..!!* મને જિંદગીનું વાસ્તવિક ગણિત સમજાઈ ગયું અને ખાતરી થઈ કે નટુ ગમે ત્યારે *બે ને બે ત્રણ થાય* અથવા *બે ને બે પાંચ પણ થાય* તેમ સાબિત કરી શકશે..
પછી તો આ વાસ્તવિક ગણિતના કડવા અનુભવો મને જિંદગીમાં ડગલેને પગલે થવા લાગ્યા. કોરોના કાળમાં સરકારે ચાર વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ લગાવ્યો. હવે સરકારના આ હુકમનો અમલ કરવા, એટલે કે કોઈએ ભેગું થવું નહીં એ વાત કહેવા માટે, અમારી સોસાયટીમાં ૮૦ લોકોની મિટિંગ ભરાઈ...!! અને એ મિટિંગમાં એક નમૂનાએ પાછું એવું પણ સૂચન કર્યું કે જો આ હુકમની અમલવારી નહીં થાય તો ફરીથી મિટિંગ બોલાવવામાં આવશે..!!
કોરોનાકાળની વાત નીકળી છે તો મને લોકડાઉન બીજી એક વાત યાદ આવી. લોક ડાઉન માં શ્રીમતીજીએ રોતા રોતા પતિદેવને ફરિયાદ કરી, *આ લોક ડાઉનને કારણે મારી હેસિયત તો એક નોકરાણી જેવી થઈ ગઈ છે.*
પતિદેવ બોલ્યા, *ભાગ્યવાન, વાસણ હું માંજુ, કપડાં હું ધોઉં, કચરા પોતાથી લઈને ઘરના બધા કામ હું કરું, તો તું નોકરાણી કેવી રીતે થઇ જા ?*
શ્રીમતીજીએ જવાબ આપ્યો, *નોકરની પત્ની તો નોકરાણી જ કહેવાય ને..!!*
ગણિતના પાઠ્યપુસ્તકની બહાર પણ એક ગણિત છે, અને જિંદગી શાંતિ થી જીવવા માટે એ ગણિત બધાએ અપનાવવું જ પડે છે. તમે ગણિતના વિષયમાં ભલે એક્સપર્ટ હો, વેપારી હિસાબોની આંટી ઘૂંટી ભલે સારી રીતે સમજી શકતા હો અને ઉકેલી પણ શકતા હો, ભલે તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમારી સલાહ પ્રમાણે ચાલતા હોય, પરંતુ અનુભવ એમ કહે છે કે, *પત્ની પાસે હિસાબ માંગવો નહીં..!!!*
આમ છતાં પણ પત્ની સામે ચાલીને હિસાબ આપે તો સમજવાનું કે આપણે આપવાના નીકળશે..!!
વિદાય વેળાએ ઃ શરાબ પીધા પછી સાચું બોલનારને દુનિયા "પીધેલ" કહે છે અને પંચામૃત પિનાર જૂઠું બોલનારને દુનિયા "ભગત" કહે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial