Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતીમાં એક સરસ કહેવત છે કે, *ફરે એ ચરે, અને બાંધ્યો ભૂખે મરે..* એટલે કે સફળતા તેને જ મળે કે જે ઘરની બહાર નીકળે, દુનિયામાં અલગ અલગ જગ્યાએ ફરે, અને પોતાનો સેફટી ઝોન છોડીને મુશ્કેલીઓનો સામનો કરે. આ રીતે જ માણસનું કેરેક્ટર ઘડાય છે, અને ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ તે પાછો પડતો નથી અને જિંદગીમાં સફળતા મેળવે છે.
*ફરે એ ચરે..* એ વાત આમ તો યુવાનોને ઉદેશીને કહેવામાં આવી છે, પરંતુ તેનો અમલ યુવાનો કરતાં પણ રાજકારણીઓ વધારે કરે છે, અને એકદમ સફળતાપૂર્વક કરે છે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારનો જ દાખલો લો ને. તેઓ બિહારના મુખ્યમંત્રી હતા, રાજીનામું આપ્યું, એનડીએ માં જોડાયા અને ૨૪ કલાકમાં ફરીથી બિહારના મુખ્યમંત્રી બની ગયા.
હવે તો તેને નામે એક રેકોર્ડ બની ગયો છે કે તેઓ બિહારના નવમી વખત મુખ્યમંત્રી બન્યા. હવે આ નવ વખત મુખ્યમંત્રી બનવા માટે તેને કેટલી વખત એનડીએનો સપોર્ટ હતો, અને કેટલી વખત યુપીએનો તે તો કદાચ નીતીશકુમારને પોતાને પણ યાદ નહીં હોય... તેઓ અત્યારે પણ બીઝી છે કે ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી પછી કોની સાથે ગઠબંધન કરવું..!
ભૂતકાળમાં લાલુપ્રસાદ યાદવે પણ આ *ફરે એ ચરે..* કહેવતનો ઉપયોગ કરેલો. પરંતુ તેઓએ ફરવાનો અને ચરવાનો ક્રમ ઉલટાવી નાખેલો. એટલે કે તેઓ પહેલા ઘાસચારો ચર્યા, ધરાઇ ધરાઈને ચર્યા. પરંતુ પછી ઘાસચારાનો આફરો ચડ્યો. અને પછી લાલુ યાદવ ચકરાવે ચડ્યા, પહેલા રાજભવન છોડીને ઘર ભેગા થયા. પછી તો ઘરેથી કોર્ટે, કોર્ટેથી જેલમાં, એક જેલમાંથી બીજી જેલમાં, હોસ્પિટલમાં વગેરે વગેરે જગ્યાએ ફરવાનું થયું અને સફળતાને બદલે નામોશી મળી.
ડાર્વિને એક સરસ સિદ્ધાંત આપ્યો છે, ઉત્ક્રાંતિવાદ નો. તેમાં તેણે સરસ રીતે જણાવ્યું છે કે પૃથ્વી પર જીવનનો વિકાસ કઈ રીતે થયો. અહીં તેણે સાબિત કર્યું છે કે વાનરો એ જ માણસ જાતના પૂર્વજો છે. મને આ વાત આજ દિવસ સુધી માનવામાં આવતી નહોતી. પરંતુ આજકાલ રાજકારણમાં જે રીતે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જમ્પ કરવામાં આવે છે, તે જોઈને મને આ વાત બિલકુલ સાચી લાગે છે.
જોકે કોઈએ અહીં બંધબેસતી પાઘડી પહેરી લેવાની જરૂર નથી. જીવનના દરેક ક્ષેત્રની જેમ રાજકારણમાં પણ સિદ્ધાંત વાદી રાજકારણીઓ છે, કદાચ બહુમતીમાં છે અને એટલા માટે જ આજે પણ ભારતમાં લોકશાહી ટકી રહી છે. પરંતુ જે હદે એક પક્ષમાંથી બીજા પક્ષમાં લોંગ જમ્પ મારવાનું દુષણ વધી રહ્યું છે, તે જોતા લાગે છે કે ભવિષ્યમાં વાનરો પણ રાજકારણીઓની સલાહ લેવા આવશે.
જોકે બિહારના નિતીશ કુમારે સર્કસના ઝુલા ના કલાકાર ની જેમ એક ઝુલા પર થી બીજા ઝુલા પર એટલે કે એક પક્ષમાંથી બીજા પક્ષમાં એટલી બધી વાર જમ્પ લગાવ્યો છે કે તેનો રેકોર્ડ નજીકના ભવિષ્યમાં પણ તૂટશે નહીં.
આપણે તો આશા રાખીએ કે ભવિષ્યમાં પણ આ રેકોર્ડ કદી ન તૂટે..!!
વિદાય વેળાએ ઃ વેલેન્ટાઈન ડે ગયો. અને અત્યારે લગ્નની સિઝન પુરબહારમાં ચાલે છે. તો લગ્ન વિશે હું એટલું જ કહીશ કે,*લગ્ન એટલા માટે પણ કરવા જોઈએ કે, *જેથી ખબર પડે કે, લગ્ન શા માટે ન કરવા જોઈએ !!*
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial