Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંપ્રત સમયની સાનુકૂળતા માટે વિભક્ત પરિવારોની સહિયારી ભાવના મજબૂત...
થોડા દિવસો પહેલા અમારા એક સહૃદયી પરિવારમાં એક ધાર્મિક પ્રસંગ હતો, અને તેમાં તે પરિવારની ચાર પેઢીના સભ્યો જે રીતે અત્યંત સ્નેહ, સંપ અને પ્રેમથી હસીખુશીથી પ્રસંગ ઉજવી રહ્યો હતો, જે નિહાળીને આંખોને ઠંડક પહોંચી. આ આપણી ભારતીય સંસ્કૃતિમાં સંયુક્ત પરિવારની વિભાવનાનું ઉમદા દૃષ્ટાંત હતું... વર્તમાન યુગમાં આટલા વિશાળ પરિવારના ઘરના આંગણે ઉજવાયેલા આ પ્રસંગ દરમિયાન જાણે કે સ્નેહભર્યા પરિવારપ્રેમનો ઘેઘુર વડલો ઝુમી રહ્યો હોય તેમ જણાયું.
જ્યારે નાનું બાળક દાદી અને પરદાદીના ખોળામાં મોજથી રમતું હોય, અને તેને લાડ લડાવાઈ રહ્યા હોય, ત્યારે એવું જણાય કે એ બાળકને તો આ ધરતી પરનું સર્વોચ્ચ સુખ પ્રાપ્ત થઈ જ રહ્યું છે, પરંતુ એ વડીલોની આંતરડી પણ કેટલી બધી ઠરતી હશે? એ વયોવૃદ્ધ દાદા-દાદી, નાના-નાની, પરદાદા, પરદાદી, પરનાના, પરનાની કે તેની સમકક્ષ અન્ય વડીલોના અંતરમાંથી ઉછળતી ઉર્મિઓ અને આપોઆપ ઉદ્ભવતા આશીર્વાદ સામે કદાચ આ દુનિયાના ટોપ-ટેન ધનકૂબેરોની સંપત્તિ પણ ટૂંકી પડે, તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ ખરી?
વર્તમાન યુગમાં હવે સમય કિંમતી બની ગયો છે, ધંધો-નોકરી-વ્યવસાય અને સ્વાસ્થ્ય, સુવિધાઓ અને જીવનપદ્ધતિના તફાવતના કારણે ભલે પરિવારો વિભક્ત સ્વરૂપમાં દેખાતા હોય કે થોડા-ઘણાં અંતરે અલગ-અલગ ઘરોમાં રહેતા હોય, કે પછી એક જ ઘરમાં રહીને અલગ-અલગ બેડરૂમ-કિચનની વ્યવસ્થાઓ ગોઠવી લેતા હોય, તેમ છતાં જેઓના મન ભળેલા હોય, પરસ્પર આદર અને માન-સન્માન હોય, સ્નેહ અને ત્યાગની ભાવના હોય અને સાજે-માંદે કે જરૂર પડ્યે અડધી રાતે દોડી આવતા હોય, બહારગામ રહેતા હોય તો પણ સવાર-સાંજ ટેલિફોનિક કે સોશ્યલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં રહેતા હોય, અને પરિવારના નાના-મોટા તમામ પ્રસંગો સાથે મળીને ઉજવતા હોય, એટલું જ નહીં, પરિવારના તમામ પ્રશ્નો સાથે મળીને સર્વ-સંમતિથી ઉકેલતા હોય તેવા તમામ પરિવારોને પણ નવા યુગની વ્યાખ્યા મુજબ સંયુક્ત પરિવારો જ (ભાવનાત્મક રીતે) ગણી શકાય, ખરૂ કે નહીં?
આપણે નાની ઉંમરે જેવા સંસ્કારો મેળવીએ, તેની અસર જીવનભર રહેતી હોય છે, પરંતુ તે ઉપરાંત જીવનના જુદા જુદા થતા અનુભવો, સામાજિક પરિવર્તનો, પારિવારિક જરૂરિયાતો અને આર્થિક રીતે બદલાતી રહેતી સ્થિતિને અનુરૂપ આપણું જીવન ઘડાતું હોય છે. જીવનમાં ઘણી વખત ત્રિભેટે ઊભા હોઈએ, તેવું લાગે, અને તે સમયે સારો વિચાર આવી જાય, સાચું માર્ગદર્શન મળી જાય અને યોગ્ય માર્ગ મળી જાય તો તે અવરોધ અવસરમાં પણ પલટાઈ જાય, અને જો ગુંચવણ, મુંઝવણ (કન્ફ્યુઝન) ની સ્થિતિમાં કોઈ ગેરમાર્ગે દોરી જાય, આપણને પોતાને જ કોઈ અવળો, અયોગ્ય કે અનૈતિક વિચાર (કોન્સેપ્ટ) આવી જાય કે કન્ફ્યુઝનમાં આપણે ડિપ્રેશન કે નિષ્ક્રિયતાની સ્થિતિમાં પહોંચી જઈએ તો આપણી જિંદગી ભટકી જાય અને જીવન ગોટે ચડી જાય... જીવનની પ્રક્રિયા એટલે જિંદગી અને તેનું પરિણામ એટલે જીવન... એટલે જ કહેવાય છે ને કે સારૂ જીવન જીવવા માટે યોગ્ય નિર્ણયશક્તિ, પ્રબળ ઈચ્છાશક્તિ અને મજબૂત મનોશક્તિનો ત્રિવેણી સંગમ સર્જાવો જોઈએ... મન હોય તો માળવે જવાય!
જામનગરમાં એક શ્રીમદ્ ભાગવત સપ્તાહના પાઠમાં વ્યાસપીઠે બિરાજતા પૂ. મીહીરભાઈ શાસ્ત્રીજીએ સારૂ જીવન જીવવા માટે પ્રભુભક્તિની વાત કરતા કરતા કહ્યું હતું કે, ભક્તિ માટે ભીનાશ, ભોળપણ અને ભરોસો હોવો જરૂરી છે. આ ત્રિવેણી સંગમની ભાવનાત્મક ફલશ્રુતિમાંથી જ જીવનની મધૂરતા નીતરે... જિંદગી જીવવાની અસ્સલ મજા આવે...
તેઓએ કથા દરમિયાન સંસ્કૃતના કેટલાક શ્લોકોનું શબ્દશઃ જે વર્ણન કર્યું હતું, તે ઘણું જ પથદર્શક હતું, તેની સાથે સાથે કથાકારો અને શ્રોતાઓને સાંકળીને વ્યંગાત્મક ટકોર કરતા કહ્યું કે કથામાં 'વક્તા બકતા હોય અને શ્રોતા સોતા હોય' તેવું ન થવું જોઈએ. 'મન હોય તો માળવે જવાય'ના દૃષ્ટાંતો આપતા તેઓએ શ્રીમદ્ ભાગવત સપ્તાહના કેટલાક પ્રસંગોને અદ્ભુત રીતે સમજાવ્યા પણ ખરા અને પ્રવર્તમાન યુગમાં સંસ્કારો અને સંસ્કૃતિનું મહત્ત્વ સમજાવ્યું. તે પછી તેઓની સાથે થયેલી થોડી વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે તેમણે પણ પરિશ્રમપૂર્વક એમ.એ. (બી.એડ) વીથ સંસ્કૃતનો અભ્યાસ કર્યો છે અને હવે વ્યાકરણના વિષય સાથે ભક્ત નરસિંહ મહેતા યુનિવર્સિટી-જૂનાગઢના માધ્યમથી પીએચ.ડી. કરે છે. આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો સમાજ અને પરિવારોને પરસ્પર જોડે છે, અને તેમાંથી જ ભૂલભૂલામણી જેવી આ જિંદગીની સમસ્યાઓનું સમાધાન પણ મળતું હોય છે.
જડભરતને ભોળપણની પરાકાષ્ટાનું દૃષ્ટાંત ગણાવી શકાય અને મહાદેવને ભોળપણના સ્વામી કહી શકાય, ભોળાનાથનું ભોળપણ જ તેની મહાનતા છે. ભોળપણ સાથેની ભક્તિ જ ફળે, કારણ કે ભોળા લોકોમાં ઈગો (અહમ્) કે આશંકાઓનું પ્રમાણ ઘણું જ નહીંવત્ હોય છે. કોઈપણ પ્રકારની ભક્તિ જ્યારે 'ટ્રાય' કરવા કે 'ચાલાકીપૂર્વક' થાય, ત્યારે ભોળપણ ગાયબ થઈ જાય છે અને તે પ્રકારની ભક્તિ માત્ર 'પ્રયોગ' બનીને રહી જાય છે. જો પૂરેપૂરા 'ભરોસા' અને 'ભાવ' સાથે ભક્તિ થાય, તો તેમાંથી આશંકાઓ અને ચાલાકીઓ આપોઆપ ગાયબ થઈ જતા હોય છે, જેવી રીતે સૂર્ય ઉગે એટલે અંધારૂ ટકી જ શકે નહીં, તેવી જ રીતે પૂરેપૂરો 'ભરોસો' હોય અને ભરપૂર ભાવ હોય તેવી ભક્તિ પછી આશંકાઓ ટકે જ નહીં...
આપણે ઘણી વખત એવી કહેવતોનો પ્રયોગ કરતા હોઈએ છીએ, જે ટૂંકામાં ઘણું સમજાવી દેતી હોય છે. 'મન હોય તો માળવે જવાય, નાચવું નહીં-તેનું આંગણું વાંકુ' જેવી કહેવતો મનની મજબૂતીનું મહત્ત્વ સમજાવે છે. મનોભક્તિનું મહત્ત્વ પ્રત્યક્ષ ભક્તિ કરતા જરાયે ઓછું નથી, પરંતુ જ્યારે પ્રત્યક્ષ ભક્તિ સાથે મનોભક્તિનો સમાગમ થાય, ત્યારે તો સ્વયં ભગવાને પણ ભક્તની સાથે તનમય થવું જ પડે... પરંતુ આ માટે પાવન મનોસ્થિતિ સાથે ભાવસરિતામાં ડૂબકી મારવી પડે... ભીનાશ આવે, તો જ ભક્તિ ખીલી ઊઠે અને તેમાં ભક્ત તરબોળ થઈ જાય...
આપણે યુવા પેઢીની વાત કરીએ તો તેઓને આ જ પ્રકારના સંસ્કારો ધારેલી સફળતાઓ અપાવી શકે છે. ઈશ્વરની ભક્તિની જેમ જ કાર્યભક્તિ માટે પણ ભોળપણ, ભીનાશ અને ભરોસો જરૂરી હોય છે. કોઈપણ કાર્યમાં ત્યારે જ સફળતા મળે, જ્યારે મનમાં કોઈ મેલ ન હોય, કાવાદાવાની વૃત્તિ ન હોય, વિશુદ્ધ પ્રામાણિક્તા સાથેના પ્રયાસો થયા હોય અને ખાસ કરીને ભાવનાત્મક ભીનાશ સાથેનો ભરોસો સ્વયં પોતાના સામર્થ્યમાં જ હોય...
ભક્તિ, ભરોસો, ભાવ, ભીનાશ, ભાવના, ભોળપણ વગેરે શબ્દપ્રયોગો વાચીને એમ જણાય કે ભગવાનને સાંકળીને જ આ પ્રકારની કથાઓ થઈ શકતી હોય છે, પરંતુ એવું નથી, જીવનના વિવિધ ક્ષેત્રે આ તમામ પ્રકારની શબ્દાવલી જુદા જુદા સંદર્ભોમાં ઉપયોગમાં લેવાતી જ હોય છે. ઈશ્વરભક્તિ, ગુરૂભક્તિ, માતૃભક્તિ, પિતૃભક્તિ, ભાતૃભક્તિ વગેરે શબ્દો ઉપરાંત હવે તો રાજકીય ક્ષેત્રે પણ કોઈ મોટા નેતાની સાથે જોડીને કટાક્ષ કરવા માટે પણ 'ભક્તિ' શબ્દ હાઈજેક થઈ ગયો છે, ખરૂ કે નહીં? જે વિશાળ પરિવારના સભ્યોને વડીલોની સેવા કરતો નિહાળ્યો, સાથે મળીને આનંદોલ્લાસથી ધાર્મિક પ્રસંગ ઉજવતો જોયો અને ખાસ કરીને 'ભીનાશ, ભરોસો અને ભોળપણ'ના ત્રિશબ્દોના વક્તા મીહીરભાઈ શાસ્ત્રી દ્વારા જીવનોપયોગી શાસ્ત્રાર્થનું નિમિત્ત બનતા જોયો, તે પછી એવો વિચાર પણ આવ્યો કે જો સામાજિક, પારિવારિક, ધાર્મિક, માંગલિક અને મરણોપરાંત પ્રસંગોની પરંપરા જળવાઈ ન હોત તો આટલા બધા લોકોની પરસ્પરની આત્મીયતા જળવાઈ રહી હોત ખરી? આજના ફાસ્ટ યુગમાંથી સમય કાઢીને આટલા બધા લોકોને સાથે બેસીને ભોજન કરવાનો રૂડો અવસર મળ્યો હોત ખરો? શું આપણી પરંપરાઓ આ જ સ્વરૂપમાં આગામી સમયમાં જળવાશે ખરી? જો આ પરંપરાઓ ક્રમે-ક્રમે લૂપ્ત થતી જશે તો શું થશે? કારણ કે અત્યારે એવો જમાનો આવ્યો છે કે હવે સંબંધો રાખવા ગમતા ન હોય, તેવા લોકોની સંખ્યા પણ ભારત અને ચીનની વસતિની જેમ જ વધી રહી છે.
હવે આ કારણે જ એવું કહેવાય છે કે જુના જમાનામાં ઘરની દીવાલો કાચી હતી, પણ સંબંધો મજબૂત હતાં, હવે મોટાભાગના ઘરની દીવાલો પાકી થઈ ગઈ છે, પરંતુ સંબંધો દિવસે દિવસે નબળા પડી રહ્યા છે, વિસરાઈ રહ્યા છે, એવું કહી શકાય કે કાચી દીવાલોની જેમ જ ગમે ત્યારે તૂટી રહ્યા છે... તૂટી શકે છે... તૂટવાના આરે છે...
અત્યારના યુગ મુજબ કામ-ધંધા-નોકરી માટે અલગ અલગ રહેવું પડે, વ્યવસ્થા કે સુવિધા માટે વિભક્ત કે અર્ધ-વિભક્ત પ્રકારની ગોઠવણો કરવી પડે, તો કાંઈ વાંધો નહીં, પરંતુ આત્મિયતા, ભરોસો, પરસ્પરનો સ્નેહ અને નિઃસ્વાર્થ પરિવાર ભાવનાનો સહિયારો અભિગમ રાખવામાં આવે, અને વિવિધ પ્રસંગોની એકસંપ થઈને હર્સોલ્લાસ સાથે ઉજવણી થતી રહે, સારા-માઠા પ્રસંગે કે મુશ્કેલીના સમયે અડધી રાતે પણ બધા ભેગા થઈ જાય, અને વડીલોને પોતાની સાથે જ રાખવાની અંતઃકરણપૂર્વકની મીઠી તકરારો થતી હોય, તો તેને પણ સંયુક્ત પરિવારની ફલશ્રૂતિ જ ગણવી પડે... 'વન ફેમિલી... વન કોન્સેપ્ટ'... 'અન્ન ભેગા તેના મન ભેગા'...
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial