Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બહુત લંબા રસ્તા હૈ, યહ પહલી સફલતા હૈ
પ્રતિભા અને મહેનત માણસને લાયક બનાવે છે એમાં કિસ્મતનો પણ સાથ મળે તો સફળતા નિશ્વિત બની જતી હોય છે અને સપનું હકીકત બની જતું હોય છે. જામનગરનાં યુવા ક્રિકેટર પાર્શ્વ પરીત હરણીયાએ એક વિક્રમી ઈનિંગ રમીને પોતાનાં ઉજ્જવળ ભવિષ્યની ઝાંખી કરાવી છે એમ કહી શકાય. પાર્શ્વએ તેનાં દાદા ઓતમચંદ રાયશી હરણીયા તથા સ્નેહીજન એડવોકેટ હિરેનભાઈ ગુઢકા સાથે 'નોબત' ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે 'નોબત' પરિવારનાં દર્શકભાઇ માધવાણી તથા પત્રકાર આદિત્ય સાથેનાં વાર્તાલાપમાં પાર્શ્વએ પોતાની સફળતા તથા સપના અંગે વિગતે વાત કરી હતી.
તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ભાણવડનાં વાનાવડ ગામે દ્વારકા ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન તથા જામનગર રૂરલની ટીમ વચ્ચે સિલેક્શન કેમ્પ અંતર્ગત અન્ડર - ૧૬ કેટેગરીનો ફ્રેન્ડલી વન-ડે મેચ યોજાયો હતો. આ મેચમાં પાર્શ્વએ અણનમ ૨૬૯ રન ફટકારી પોતાની વિરાટ પ્રતિભાનો પરીચય આપ્યો હતો. તેણે ૧૭ છગ્ગા અને ૨૭ ચોગ્ગાની મદદથી માત્ર ૧૩૨ બોલમાં આ જંગી સ્કોર ખડો કર્યો હતો. દ્વારકા ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનની ટીમે પાર્શ્વની વિક્રમી ઇનિંગનાં આધારે ૫૦૦ રનનો સ્કોર ખડક્યો હતો જેનાં જવાબમાં જામનગર રૂરલની ટીમ માત્ર ૧૪૧ રનમાં જ ઓલઆઉટ થઇ જતા દ્વારકાની ટીમનો ભવ્ય વિજય થયો હતો.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૪ માં શ્રીલંકા સામેની વનડે માં ભારતીય ટીમનાં ઓપનર રોહિત શર્માએ ૨૬૪ રનનો વ્યક્તિગત સ્કોર બનાવી વિશ્વ વિક્રમ સર્જ્યો હતો. વન-ડેમાં વ્યક્તિગત સ્કોરની વાત કરીએ તો પાર્શ્વએ અણનમ ૨૬૯ રન બનાવી ડોમેસ્ટીક ક્રિકેટમાં રોહિત શર્માનો ઇન્ટરનેશનલ ક્રિકેટનો રેકોર્ડ તોડ્યો છે એમ કહી શકાય.
પાર્શ્વનાં પરિવારની વાત કરીએ તો તેનાં દાદા ઓતમચંદ હરણીયા હાલારી વિશા ઓશવાળ સમાજનાં પ્રમુખ છે.તેમનાં પિતા પરીતભાઇ ઉદ્યોગકાર છે. પીવીસી સહિતનાં પાઇપ બનાવાની ફેકટરીનાં તેઓ સંચાલક છે. નંદ વિદ્યાનિકેતનમાં ધો. ૧૧ કોમર્સમાં અભ્યાસ કરતો પાર્શ્વ નાનપણમાં દાદાની સાથે ક્રિકેટ રમવાથી લઇ હાલ જામનગરનાં જાણીતા ક્રિકેટ કોચ મહિપાલસિંહ મહેન્દ્રસિંહ જેઠવા પાસેથી પ્રોફેશનલ તાલીમ મેળવવા સુધીની ક્રિકેટ યાત્રામાં પરિવારનાં સપોર્ટનો ઋણ સ્વીકાર કરે છે.
પાર્શ્વનાં પિતા પરીતભાઇનું સપનું પણ ક્રિકેટર બનવાનું હતું પરંતુ સંયોગવશ એ અધૂરૂ રહેતા પરિવારે પાર્શ્વને તેનું સપનું પુરૃં કરવા માટે ૫ૂરૂ સમર્થન આપ્યું છે. પાર્શ્વ બેટીંગ ઉપરાંત સારી બોલીંગ પણ કરે છે અર્થાત તે ઓલરાઉન્ડર છે. તેનું સપનું નેશનલ ટીમમાં સ્થાન મેળવી ભારત માટે વિક્રમો બનાવવાનું છે. તેનાં માટે મજલ ઘણી લાંબી છે પરંતુ તેણે જે ઝંઝાવાતી અંદાજમાં પ્રથમ સફળતા મેળવી છે એ જોતા એ અંદાજ લગાવી શકાય કે એ પોતાનું સપનું સાકાર કરવાનું સામર્થ્ય ધરાવે છે.
આમ પણ જામનગર ક્રિકેટનું કાશી કહેવાય છે રણજીતસિંહજીથી લઇ વિનુ માંકડ, સલીમ દુરાની, અજય જાડેજા અને રવિન્દ્ર જાડેજા સુધીનાં ક્રિકેટ સિતારાઓની યાદીમાં ભવિષ્યમાં વધુ એક નામ જામનગરને કીર્તિ અપાવે એવી સંભાવના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial