Advertisement
Author: નોબત સમાચાર

લોકોની મૂળભૂત સેવાઓનું ખાનગીકરણ? ખેલ કરે વાંદરો ...ને માલ ખાય મદારી!! ક્યો મુદ્દો થયો ટોક ઓફ ધ જામનગર?

લોકસભાની ચૂંટણી પૂરી થતાની સાથે જ રાજ્ય સરકાર કેટલીક જીવનજરૃરી મૂળભૂત સેવાઓનું ખાનગીકરણ કરવાની હોવાના અહેવાલો વહેતા થયા છે પછી લોકોમાં તીવ્ર અસંતોષ પ્રગટવા લાગ્યો છે, અને આ દિશામાં પ્રારંભિક પ્રક્રિયા શરૃ થતા જ કર્મચારીગણ તથા સંભવિત સંલગ્ન અધિકારીગણમાં પણ અજંપો ઊભો થયો છે.

એવું કહેવાય છે કે, લોકોની રોજીંદી જરૃરિયાતો સાથે સંકળાયેલી કેટલીક સેવાઓ આપતા તંત્રોનું ખાનગીકરણ કરવાની દિશામાં રાજ્ય સરકાર ગુપચૂપ આગળ વધી રહી છે, અને લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ કેટલાક જનસેવાઓનું સંપૂર્ણપણે ખાનગીકરણ કરી દેવાશે, જ્યારે કેટલીક સેવાઓમાં વિભાગીય કે પાલિકા-પંચાયતો દ્વારા થતી કામગીરી પણ ખાનગી ઈજારેદારોને સોંપીને અંશતઃ ખાનગીકરણની હિલચાલ થઈ રહી છે.

ગુજરાતમાં પી.જી.વી.સી.એલ. સહિતની સરકારી વીજકંપનીઓના સંપૂર્ણપણે ખાનગીકરણ કરવાના ઈરાદાથી સરકારે આદરેલી પ્રક્રિયા સામે વીજકર્મીઓના યુનિયનો અથવા એસોસિએશનો દ્વારા તીવ્ર વિરોધ શરૃ થઈ ગયો છે, અને પી.જી.વી.સી.એલ. સહિતની રાજ્યની વીજકંપનીઓમાં સેન્ટ્રલાઈઝ કોલ એન્ડ ફોલ્ટ સેન્ટરનું ખાનગીકરણ કરવા માટે એજન્સીઓની નિમણૂક માટે ટેન્ડરો પણ પ્રસિદ્ધ થઈ ગયા હોવાનું કહેવાય છે. મીડિયા અહેવાલો મુજબ ઊર્જા ક્ષેત્રના કર્મચારીઓના એસોસિએશન પ્રેરિત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિએ તો આ પ્રકારના ટેન્ડરો તાત્કાલિક અસરથી કેન્સલ કરવા અને આ પ્રકારની પ્રક્રિયા રદ્ કરવાની ચિમકી પણ આપી દીધી છે. આ કારણે ઊર્જા વિભાગમાં હલચલ વધી ગઈ હોવાનું કહેવાય છે. અહેવાલો તો એવા પણ આવ્યા છે કે આ સમગ્ર પ્રક્રિયા રદ્ નહીં થાય તો વીજકર્મચારીઓ આંદોલન કરશે અને કામગીરીનો બહિષ્કાર પણ કરશે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ કંપની લિ.ના આ પ્રકારના કહેવાતા ટેન્ડરોની વિરૃદ્ધમાં વીજ ક્ષેત્રના અધિકારી-કર્મચારીઓમાં ભભૂકતો રોષ જો આંદોલનમાં પરિણમશે, તો વીજસેવાઓ જાળવી રાખવી મુશ્કેલ બનશે, તેવી ચેતવણી પણ અપાઈ રહી હોવાનું કહેવાય છે.

અખિલ ભારતીય ગુજરાત વિદ્યુત કામદાર સંઘના વર્તુળોના જણાવ્યા મુજબ ભૂતકાળમાં પણ વીજ કંપનીઓમાં કસ્ટમરોની સેવાઓ સુધારવાના નામે ખાનગી એજન્સીઓએ નિમાઈ હતી, પરંતુ તે સદંતર નિષ્ફળ ગઈ હતી અને અંતે બધું કામ વીજકંપનીના કર્મચારીઓએ જ કરવું પડતું હતું, અને તે સમયે પણ વિરોધ ઊઠ્યો હતો. એવું કહેવાય છે કે, તે સમયે ખાનગીકરણ નહીં કરવા અંગે સરકાર અને એસોસિએશન વચ્ચે કોઈ શરતો સાથેની સમજુતિ પણ સધાઈ હતી, પરંતુ તાજેતરમાં ફરીથી આ જ પ્રકારની સેવાઓ માટે ટેન્ડરો પ્રસિદ્ધ થતા વિરોધનો વંટોળ ઊઠ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. કર્મચારી સંગઠનોએ યુ.જી.વી.એન.એલ.ની નીતિ-રીતિ અને કેટલાક વિવાદાસ્પદ નિર્ણયો સામે પણ સવાલો ઊઠાવીને તીવ્ર અસંતોષ દર્શાવાયો છે.

વીજ ક્ષેત્રના યુનિયનોનું કહેવું એવું છે કે ખાનગી ક્ષેત્રની એજન્સીઓ અને ગ્રાહકો વચ્ચે સીધો સંપર્ક વધતા જ ભ્રષ્ટાચાર માજા મૂકશે અને જે ફરિયાદોનું નિરાકરણ નહીં થાય, તેના દોષનો ટોપલો વીજ કંપનીના રેગ્યુલર સ્ટાફ પર જ ઓઢાડી દેવામાં આવશે. ટૂંકમાં 'ખેલ કરે વાંદરો ને માલ ખાય મદારી' જેવો ઘાટ સર્જાશે, તેવા પ્રકારની આ રજૂઆત પછી સરકાર આ મુદ્દે સીધો હસ્તક્ષેપ કરશે, તેવી અપેક્ષા પણ રાખવામાં આવી રહી છે.

માત્ર વીજસુવિધાઓ જ નહીં, પરંતુ નગરો-મહાનગરોની સ્ટ્રીટલાઈની સેવાઓ, નાના શહેરોની સ્વચ્છતા વ્યવસ્થાઓ, પરિવહન, ફેરી સર્વિસ, નાગરિક પુરવઠા ક્ષેત્રની પણ કેટલીક સરકારી સેવાઓનું રાજ્ય સરકાર સંપૂર્ણપણે ખાનગીકરણ કરવા જઈ રહી હોવાની જે વાતો વહેતી થઈ છે, તેમાં તથ્ય હોય, તો તે ખતરનાક નિવડી શકે છે, તેવા અભિપ્રાયો પણ અપાઈ રહ્યા હોય તો રાજ્ય સરકારે આ મુદ્દે જરૃરી સ્પષ્ટીકરણ પણ કરવું જોઈએ, ખરૃ કે નહીં?

જામનગરમાં પણ વીજક્ષેત્રની સેવાઓ ચર્ચામાં રહે છે. હજુ પણ ઘણાં વિસ્તારોમાં લો-વોલ્ટેજ, વોલ્ટેજમાં અચાનક વધ-ઘટ અને વીજ સપ્લાઈમાં વિક્ષેપ સહિતની ફરિયાદો ઊઠી જ રહી છે, અને ખાસ કરીને શહેરની ચોતરફ વિસ્તરી રહેલા વિસ્તારોમાં ધડાધડ કનેક્શનો તો આપી દેવામાં આવે છે, પરંતુ તેને અનુકૂળ ક્ષમતા વધારતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું નહીં કરાતા વીજપુરવઠો નિયમિત રહેતો નથી. આ અંગે સ્થાનિક પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ રસ લેવો જોઈએ, ખરૃ કે નહીં?

વીજકંપનીના અધિકારીને એક પ્રતિનિધિ મંડળે સ્માર્ટ મીટરના વિરોધમાં આવેદનપત્ર આપ્યું હોવાના અહેવાલો પછી આ મુદ્દો 'ટોપ અફ ધ જામનગર' બન્યો છે, અને મીડિયા-અખબારો-સોશ્યલ મીડિયામાં પણ તેના પડઘા પણ પડી રહ્યા છે.

એવું કહેવાય છે કે, વીજકંપની દ્વારા જ્યાં જ્યાં સ્માર્ટમીટરો લગાવાયા છે, ત્યાં ત્યાં ફરીથી જુના એટલે કે પહેલા હતાં, તેવા જ પોસ્ટપેઈડ વીજ મીટરો લગાવવાની માંગણી આ આવેદનપત્રમાં કરવામાં આવી છે.

નગરના કેટલાક વિસ્તારોમાં લોકો (ગ્રાહકો) ની મંજુરી વિના જ ડિજિટલ વીજમીટરો લગાવાતા લોકોનો રોષ ભભૂકી ઊઠ્યો છે. એવી રાવ કરાઈ છે કે જુના મીટર કે નવા મીટરને લઈને લોકોને કોઈ જ માહિતી અપાતી નથી કે લોકોને યોગ્ય જવાબ પણ મળતો નથી, તેથી લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે એવી ફરિયાદ પણ ઊઠી છે કે કોઈપણ કારણે રિચાર્જ ન થાય, તો તેવા સંજોગોમાં વીજકંપની દ્વારા 'એડવાન્સ નાણા' સ્વીકારવાનો વિકલ્પ પણ અપાતો નથી, તેથી વીજપુરવઠો બંધ થઈ જાય છે, તેની જવાબદારી કોની? આ તમામ મુદ્દે વીજકંપની અને સરકાર જરૃરી સ્પષ્ટતા કરશે ખરી?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh