Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફલોરિડાની એક વ્યક્તિએ દરિયાના ઉંડાણમાં કેટલાક મહિનાઓ માટે જીવન વ્યતિત કરતા તેની ઉંમર ૧૦ વર્ષ જેટલી ઘટી ગઈ એટલે કે તે દસ વર્ષ પહેલાની શારીરિક-માનસિક સ્થિતિમાં પહોંચ્યો, તેવી સાયન્ટિફિક એડવેન્ચર ઓન ટ્રાયલ બેઈઝ સ્ટોરીએ સૌનું ધ્યાન ખેંચ્યું અને તેની વૈશ્વિક ચર્ચા પણ શરૂ થઈ ગઈ. અત્યારે વિદેશી મીડિયામાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરૂદ્ધ અદાલત સમક્ષ મજબૂત પુરાવા રજુ કરાયા હોવાના અહેવાલો અને ઈરાનના રાષ્ટ્રપતિના હેલિકોપ્ટર અકસ્માત પાછળના સંભવિત ષડયંત્રની મહત્તમ ચર્ચા થઈ રહી છે. જ્યારે ભારતમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી સંબંધિત અહેવાલો પણ દેશ-વિદેશના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા ઉપરાંત સોશ્યલ મીડિયામાં પણ છવાયેલા છે.
દેશ-વિદેશના અખબારે તથા મીડિયામાં ભારતે પાંચ લાખ કરોડ ડોલરની માર્કેટ કેપ મેળવી તેના અહેવાલોને સાંકળીને આ પ્રકારની પાંચ લાખ ડોલરથી વધુ માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતા ચીન, અમેરિકા, હોંગકોંગ અને જાપાનમાં ભારત ઉમેરાતા આ કલબ પાંચ દેશોની બની છે, તેવા વિશ્લેષણોને પ્રવર્તમાન લોકસભાની ચૂંટણીના ટ્રેન્ડ સાથે જોડીને વિવિધ દાવાઓ પણ થઈ રહ્યા છે, તો અન્ય ચાર દેશો પૈકી ત્રણ દેશોથી ભારત હજુ ઘણું પાછળ છે, અને માત્ર હોંગકોંગની પ.૪૭ લાખ કરોડ ડોલરની માર્કેટકેપની નજીક પહોંચ્યું છે, તેવો કટાક્ષ પણ થવા લાગ્યો છે!
પ્રાથમિક અહેવાલો મુજબ ભારતીય શેરબજારોમાં રોકાણકારોની સંપત્તિ એટલે કે એકંદરે ટોટલ માર્કેટ કેપિટલાઈઝેશને ગઈકાલે ઈન્ટા-ડે તેજી દેખાડી અને આ માઈસસ્ટોન પસાર કર્યો હતો. ભારતીય શેરબજારનું આ માર્કેટકેપ વર્ષ-ર૦૦૭માં એક લાખ કરોડ ડોલરમાંથી નવેમ્બર-ર૦ર૩માં ચાર લાખ કરોડ ડોલર થયું હતું, જે વધીને મે-ર૦ર૪ માં પાંચ લાખ કરોડ થયું હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ પાંચ લાખ કરોડ ડોલરમાં ભારતીય ઈન્વેસ્ટરોની સંપત્તિ ૪૧પ લાખ કરોડને આંબવા જઈ રહી હોવાના આંકડા પણ આવ્યા છે. જેના સંદર્ભે નેશનલ-ઈન્ટરનેશનલ કક્ષાના ઈકોનોમિસ્ટો અને અભ્યાસુઓ જુદા જુદા વિશ્લેષણો, તારણો અને કારણો સાથે વિવિધ અભિપ્રાયો પણ વ્યકત કરી રહ્યા છે. જોઈએ, આજે સાંજ સુધીમાં આ અંગે લોકલ-નેશનલ પ્રતિભાવો કેવા આવે છે તે ... જો કે, આને 'સ્માર્ટ' રિપોર્ટીંગ પણ ગણાવાઈ રહ્યું છે!
ભારતમાં લોકસભાની ચૂંટણીના અવનવા પ્રચારરંગ જોવા મળી રહ્યા છે, અને નેતાઓની જીભ લપસી જાય તો તેનું કેટલું રાજકીય નુકસાન ઉઠાવવું પડતું હોય છે, તેની ખબર ચોથી જૂને પડશે, કારણ કે જે નેતાઓએ ખૂબ જ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે, તેને જાગૃત મતદારો વોટીંગ દ્વારા નકારશે, તો તેના કારણે છેલ્લી ઘડીએ બાજી પલટાઈ પણ શકે છે, કારણ કે ઘણી બેઠકો પર કલોઝ ફાઈટ થતાં સાંકડી બહુમતીથી હારજીત થતી હોય છે, ભાજપના બોલકા પ્રવકતા સંબીત પાત્રાની જીભ લપસ્યા પછી તેને વારંવાર માફી માંગવી પડી રહી છે, તે તાજુ દૃષ્ટાંત છે.
દેશના રાજકીય વર્તુળોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પરંપરાગત મર્યાદા ઓળંગીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મદદ વિના મોદીમેજીકથી ભાજપ જીતી શકે છે, તેવા પ્રકારના કરેલા કથિત નિવેદને હલચલ મચાવી દીધી છે. રાજકીય પંડિતો માને છે કે કદાચ નડ્ડાના આ નિવેદનના શબ્દો કોઈના ઈશારે ઉચ્ચારાયા હોઈ શકે છે, કારણ કે સ્વયંભૂ રીતે નડ્ડા આવું બોલે તેમ નથી. આ મુદ્દો પણ નેશનલ કક્ષાએ હેડલાઈન્સની હરોળમાં છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ યોગી-હેમંતા બિશ્વા સર્માને લઈને કરેલી ટકોર પણ ચર્ચામાં છે. ટૂંકમાં નડ્ડાએ આ પ્રકારની વાતો સ્વયંભૂ કરી છે કે કોઈના ઈશારે કરી છે, તે મુદ્દો રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બન્યો છે, એવું કહેવાય છે કે ભાજપમાં પણ હવે ઉચ્ચકક્ષાએ મોદી પછી કોણ? ની ચર્ચા થવા લાગી છે અને જેલમાંથી કામચલાઉ ધોરણે બહાર આવેલા કેજરીવાલે મોદી પછી અમિત શાહનો જે નૂસ્ખો અજમાવ્યો છે, તે સફળ થઈ રહેલો જણાય છે, અને તીર નિશાન પર લાગ્યુ છે, આ કારણે જ પી.એમ. મોદી ચૂંટણીસભાઓમાં તેની વારસદાર ભારતની જનતા છે, તેવા નિવેદનો વારંવાર કરીને ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કરી રહેલા જણાય છે, જો કે, ભાજપના પ્રવકતાઓ ભાજપને શિસ્તબદ્ધ પાર્ટી ગણાવીને આ બધા તૂક્કા વિપક્ષો એટલા માટે ઉઠાવી રહ્યા છે કે તેઓ પાસે કોઈ નક્કર મુદ્દા જ નથી, અને હાર ભાળી ગયા હોવાથી આવા નિવેદનો કરી રહ્યા હોવાના પ્રતિ આક્ષેપો કરીને આ પ્રકારના આક્ષેપોને જ ફગાવી રહ્યા છે.
જો કે, પ.બંગાળમાં અધિરરંજન ચૌધરી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વચ્ચે પણ જાહેર વાકયુદ્ધ છેડાયુ હતું અને તેને પ્રિયંકા ગાંધીએ ફોન કરીને અટકાવ્યું હોવાના અહેવાલોનો સંદર્ભે આપીને એનડીએ તરફથી વળતા પ્રહારો પણ થઈ રહ્યા છે, ત્યારે હજુ બે તબક્કા બાકી છે, ત્યારે ઘણાં નવા નવા રાજકીય ઘટનાક્રમો અને 'સ્માર્ટ' નિવેદનો આવશે તેમ જણાય છે.
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થઈ ગયા પછી લોકોનું ધ્યાન સ્થાનિક મુદ્દાઓ પર દોરાયું છે, અને રાજ્યમાં મનસ્વી રીતે 'સ્માર્ટ' મીટરો ફીટ કરવાનું શરૂ થતા ઉહાપોહ ઉઠ્યો છે, જામનગરથી આ મુદ્દે વિરોધનો પ્રારંભ થયા પછી આ મુદ્દે રાજ્યવ્યાપી પડઘા પડ્યા છે, અને એવું કહેવાય છે કે ગ્રાહકોને હાલપૂરતુ બીજુ (જુનું) મીટર પણ નાંખી અપાશે, જેથી તેની શંકાનું સમાધાન થાય, એવું પણ કહેવાય છે કે, આ માટે જનતાને જાગૃત કરાશે, ત્યારે સવાલ એ ઉઠે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવું અતાર્કિક કદમ કોના ઈશારે ઉઠાવાયુ હશે ? આ યોજના કેન્દ્રની છે કે રાજ્ય સરકારની? શું કેન્દ્ર સરકારની યોજના હોવાથી રાજ્યની સરકાર ગુજરાતની જનતાની વેદના નથી સાંભળતી? છે કોઈ જવાબ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial