Advertisement
Author: નોબત સમાચાર

યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી...

આજે વિશ્વ યોગ દિવસ છે, અને દુનિયાભરમાં સંયુકત રાષ્ટ્રસંઘમાં ૧૭૭ દેશોના સમર્થન સાથે શરૂ થયેલા ઈન્ટરનેશનલ યોગા ડે એટલે કે વિશ્વ યોગ દિવસનો દાયકો પણ ઉજવાઈ રહ્યો છે. કારણ કે આ દસમો વિશ્વ યોગ દિવસ છે.

આજે રાષ્ટ્રીયકક્ષાનો વિશ્વ યોગ દિવસ જમ્મુ-કાશ્મીરમાં શરૂ થયો, તે પહેલાં ત્યાં મેઘ મહેર પણ થઈ, તો બીજી તરફ સમગ્ર વિશ્વમાં જુદા જુદા સ્થળે યોજાઈ રહેલા યોગાના કાર્યક્રમોના અહેવાલો પણ ઘણાં જ પ્રેરણાદાયી છે. આજે 'યોગા' વૈશ્વિક કક્ષાએ ઉજવાઈ રહ્યો છે, જે આજે જમ્મુ-કાશ્મીરની ધરતી પરથી સમગ્ર વિશ્વને યોગ દિવસની શુભકામનાઓની સાથે સાથે વસુદ્યૈવકુટુમ્બકમ્નો સંદેશ પણ વહેતો કરાયો જે ઘણો જ સાંકેતિક અને સૂચક છે.

ગુજરાતમાં રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં થઈ અને જામનગરમાં જિલ્લા કક્ષાની ઉજવણી ક્રિકેટ બંગલામાં તથા શહેરની ઉજવણી તળાવની પાળે થઈ, અને તેમાં મંત્રી, સાંસદ, મેયર સહિતના સ્થાનિક મહાનુભાવો જોડાયા, તેવી જ રીતે હાલાર સહિત સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર યોગ દિવસ ઉજવાયો, અને યોગગુરૂનો તથા ધર્મગુરૂઓ દ્વારા દેશભરની ધાર્મિક સંસ્થાઓ ઉપરાંત વિવિધ લબ્ધ પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાળા-કોલેજો-યુનિવર્સિટીઓમાં પણ યોગ દિવસ ઉજવાયો.

આ વખતે યોગ દિવસનું થીમ પણ ઘણું જ પ્રેરણાદાયી અને સમયોચિત રખાયુ છે. 'યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી' એટલે કે 'સ્વયં અને સમાજ માટે યોગ' એ વિષય પર આજે વિશ્વભરમાં યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે.

યોગથી વ્યક્તિગત રીતે તો ઘણાં જ ફાયદા થાય છે અને શરીર, મન, મગજ અને મનોવૃત્તિની જમબૂતિ વધે છે, તથા વ્યક્તિત્વ પણ વિકસે છે, તે તો હવે સર્વવિદિત છે, પરંતુ આ બાબતે 'સ્વયં' અથવા 'સેલ્ફ'ની સાથે સાથે 'સોસાયટી' એટલે કે 'સમાજ' માટે યોગાનો જે નવો વિષય રખાયો છે, તે ઘણો જ વ્યાપક છે તથા વર્તમાન સંઘર્ષમય અને યુદ્ધ, અશાંતિ, હિંસા, આતંકવાદ, નકસલવાદ તથા કુદરતી આફતો સમયે ઝઝુમતા વિશ્વ માટે આ સબ્જેકટ ઘણો જ સાંપ્રત, પ્રસ્તૂત અને સમયોચિત પથદર્શક છે.

'યોગ ભગાયે રોગ' ના મર્યાદિત સુત્રમાંથી હવે યોગા વૈશ્વિક સંદર્ભોમાં બહુહેતુક બની ગયો છે. યોગ રોગ ભગાડવા ઉપરાંત રોગ થતાં જ અટકાવવા, તન ને દુરસ્ત કરવાની સાથે સાથે મનને પણ દુરસ્ત બનાવે છે. વ્યક્તિગત શારીરિક અને માનસિક ક્ષમતા વધારે છે, એટલું જ નહીં, યોગ અને મેડિટેશનના માધ્યમથી કોઈપણ વ્યક્તિ કોઈપણ ભેદભાવ વગર પોતાની પરિવારની અને સમગ્ર સમાજને સાંકળીને સમગ્ર સંસારની તંદુરસ્તી તથા મનદુરસ્તી પણ વધારે છે, તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

આજે શ્રીનગરમાં યોગદિનના પ્રારંભે વડાપ્રધાને યોગાના ફાયદા વર્ણાવ્યા અને મનની એકાગ્રતા, શારીરિક સ્વાસ્થ્ય તથા સામાજિક એકતા માટે યોગાની ભૂમિકા વર્ણવીને વિશ્વના ઘણાં  દેશોમાં યોગાની વિસ્તરેલી પ્રવૃત્તિઓ, છેલ્લા દશ વર્ષથી યોગાની રેકોર્ડબ્રેક આગેકૂચ, આર્મી, સ્પોર્ટ્સ , સ્પેસ અને એજ્યુકેશનમાં યોગાની વધેલી પ્રવૃત્તિઓ, યોગાના ઉપયોગ અને સફળ પ્રયોગની સાથે પ્રાકૃતિકનો સંયોગ વ્યક્તિ અને સમાજમાં યોગા, મેડિટેશનના કારણે વધતી સકારાત્મકતા તથા એકતા, યોગા ઈકોનોમિ, યોગ ઈન્સ્ટિટ્યુશન્સ અને યોગાનું ઈન્ટરનેશનલ સંચલન, વ્યક્તિ અને સમાજમાં પ્રોડકિટવિટી, સહનશીલતા તથા પોઝિવિટીના વિકાસનું વર્ણન કરીને જમ્મુ-કશ્મીરમાં પ૦ થી ૬૦ લાખ લોકોના સામૂહિક યોગા સહિત આજે થઈ રહેલા વૈશ્વિક ઉજવણીનો ચિતાર આપ્યો તે, ઘણો જ સૂચક, દિશાસૂચક અને ચિંતનયોગ્ય જણાયો, ખાસ કરીને 'સ્વ અને સમાજ' માટે યોગનંુ થીમ વધુ પથદર્શક જણાયુ.

ભારત-પાકિસ્તાનની સરહદે નડા બેટ પર ગુજરાત સરકારે રાજ્યકક્ષાની ઉજવણી કરી, તેવી જ રીતે વડાપ્રધાને જમ્મુ-કાશ્મીરમાં વિશ્વ યોગા દિવસની ઉજવણીમાં ભાગ લીધો, અને દેશના સરહદી વિસ્તારો, હિમાલય અને દરિયાઈ વિસ્તારોમાં પણ યોગા દિવસની ઉજવણી થઈ, અને 'સ્વયં અને સમાજ માટે યોગ' ના માધ્યમથી સકારાત્મકતા અને એકજૂથતાનો સંદેશ અપાયો તે પણ ઘણો જ પ્રેરક, સૂચક અને સામયિક છે, ખરું ને?

માધવાણી પરિવાર અને નોબત પરિવાર પ્રિય વાચકો, 'નોબત' ની સાથે સંકળાયેલા તમામ લોકો સહિત સૌ કોઈને વિશ્વ યોગ દિવસની શુભકામનાઓ પાઠવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh