Advertisement
Author: નોબત સમાચાર

લાલિયાવાડી, લાપરવાહી, લફરાંબાજી, લોલંલોલ હલ્લાબોલ... હલ્લાબોલ...

સડકથી સંસદ સુધી સંઘર્ષનો માહોલ છે. સિયાસતની સ્પર્ધામાં શત્રુત્વના સંયોજન થકી સત્તાનો સંગ્રામ સર્જાયો છે. લાલિયાવાડી, લાપરવાહીના કારણે ચોતરફ ચાલતા લોલંલોલની પોલંપોલ ખુલી રહી છે, તો લફરાંબાજીના કેવા દુષ્પરિણામો સર્જાઈ શકે છે. તેના નતનવા દૃષ્ટાંતો પણ પ્રગટી રહ્યા છે.

હમણાંથી આત્મહત્યાઓના આંકડાઓની જેમ જ હત્યાકાંડો તથા સામૂહિક નરસંહાર જેવા ઘાતકી બનાવો ઉપરાંત વ્યક્તિગત, ખારદાવડે, અંગત રંજીશ કે વેરઝેર થકી, પ્રેમપ્રકરણોના કારણે તેમ જ અદાવતોના કારણે બદલો લેવાની ભાવનાથી પણ એકલ-દોકલ કે સામૂહિક હત્યાઓ થઈ રહી છે, તદૃુપરાંત ધંધાખાર, નાણાકીય લેવડદેવડ, વ્યાજંકવાદ, વ્યવસાયિક વર્ચસ્વ તથા રાજકીય-સામાજિક ખૂન ખરાબા પણ વધી રહ્યા છે, તો બીજી તરફ ઉશ્કેરણીજનક હરકતો, ત્રાસવાદ, નકસલવાદ, આતંકવાદ, સરહદો પર ઘર્ષણ તથા વૈશ્વિક યુદ્ધોના કારણે તથા જીવલેણ અથડામણોમાં હજારો લોકોના કમોતે મૃત્યુ થઈ રહ્યા છે. તેની પણ વિશેષ ચર્ચા થઈ રહી છે, અને આંકડાઓ અપાઈ રહ્યા છે.

દેશભરમાં એકંદરે શાંતિપ્રિય ગણાતા આપણાં ગરવા ગુજરાતમાં પણ હવે હત્યાઓનું પ્રમાણ વધી રહ્યું છે, તે ઉપરાંત રાજકોટના ટીઆરપી અગ્નિકાંડ, મોરબીના ઝુલતા પુલની જીવલેણ માનવસર્જિત દુર્ઘટના તથા હરણી દુર્ઘટના જેવા દુર્ભાગ્યપૂર્ણ બનાવોમાં તો લાપરવાહી કરતાં યે લોભ, લાલચ, અને લોલંલોલ રાજનીતિ તથા તંત્રોની તિક્કડમબાજી ના પાપે સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યા છે, ટીઆરપી અગ્નિકાંડના મુદ્દે રાજકોટ બંધનું એલાન, ઠેર-ઠેર હલ્લાબોલ તથા દેખાવો, ધરણાં, વિરોધ-પ્રદર્શન થયા પછી પણ હજુ એવી કોઈ ગેરંટી ખરી કે ફરીથી આવી જીવલેણ ઘટના રાજ્યમાં કયાંય નહીં જ બને?

હવે તો ન્યાયક્ષેત્રે પણ અસુરક્ષાની સ્થિતિ ઊભી થવા લાગી છે, જો ન્યાયતંત્ર સાથે સંકળાયેલા લોકો જ નિર્ભયતાથી પોતાની કાનૂની, બંધારણીય અને વ્યવસાયિક-ન્યાયિક ફરજો મૂકતપણે નહીં બજાવી શકે, તો દેશની જનતાને જેનામાં સૌથી વધુ દૃઢ વિશ્વાસ છે, તેવું ન્યાયતંત્ર નબળું થઈ જશે, જે લોકોની સુરક્ષા, ન્યાય અને આપણી ગરવી લોકતાંત્રિક વ્યવસ્થાઓ માટે ઘાતક પૂરવાર થશે, ખરું ને?

દૃષ્ટાંત તરીકે ગઈકાલે જ 'નોબત' માં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ-મુજબ જામનગરનું બાર એસોસિએશન કલેકટર કચેરીએ પહોંચ્યું હતું અને કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

સામાન્ય રીતે કલેકટર કચેરી, મ્યુનિ. કમિશનરની કચેરી, જિલ્લા વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા પોલીસ વડા (એસ.પી.) અથવા મોટા શહેરોમાં પોલીસ કમિશનરો કે ડી.જી. એ.ડી.જી. તથા જિલ્લા-તાલુકા કક્ષાની સંબંધિત તંત્રોની કચેરીઓ, પીજીવીસીએલ, પ્રદુષણ નિવારણ બોર્ડ કે અન્ય બોર્ડ-નિગમો-સરકારી તંત્રોને આવેદનપત્રો પાઠવવા દરરોજ કોઈને કોઈ સંગઠનો, સંસ્થાઓ, રાજકીય પક્ષો, સમાજો કે આંદોલનકારીઓ તથા જાગૃત નાગરિકો પહોંચતા હોય છે, તેથી તેમાં બહુ કાંઈ નવું ન લાગે, પરંતુ જ્યારે ન્યાયતંત્ર સાથે સંકળાયેલા કાનૂનના રક્ષક સહયોગીઓ એવા વકીલો કલેકટરને આવેદનપત્ર પાઠવવા જાય અને રાજ્ય-કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાની રજૂઆતો કરવા લાગે, ત્યારે સૌ કોઈનું ધ્યાન વિશેષ રીતે ખેંચાય જ ને?

આ અહેવાલ મુજબ જામનગર બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી સહિતના હોદ્દેદારો સાથે ઘણાં બધા વકીલોએ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચીને વકીલોની સુરક્ષાના મુદ્દે સરકારને ઉદ્દેશીને જે રજૂઆતો કરી હતી,  અને જે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું, તેમાં એડવોકેટ પ્રોટેકશન એકટ તત્કાળ લાગુ કરવાની ભારપૂર્વક માંગણી કરવામાં આવી છે.

જામનગરમાં લેન્ડ ગ્રેબીંગના કૂખ્યાત થયેલા કેસ સાથે સંકળાયેલા વકીલ કિરીટ જોશીની થોડા વર્ષો પહેલા સરાજાહેર હત્યા થઈ હતી. અને તે પછી તેના સંદર્ભે 'તે સમયની' ભાજપ સરકારે જે કડક કદમ ઉઠાવવા પડ્યા અને જે કાંઈ થયું, તે આપણે જાણીએ જ છીએ, તે પછી અંદાજે ત્રણેક મહિના પહેલા જામનગરમાં વધુ એક વકીલની સરાજાહેર હત્યા થતાં સુરક્ષાની લાગણી અનુભવતા વકીલોની વેદના જામનગર બાર એસોસિએશને કલેકટર મારફત સરકાર સુધી પહોંચાડીને એડવોકેટ પ્રોટેકશન એકટ તત્કાળ લાગુ કરવાની માંગણી કરવી પડી છે, તે શું સૂચવે છે?... જરા વિચારો...

બેડી વિસ્તારમાં થયેલી એડવોકેટની હત્યાના સંદર્ભે એક માથાભારે ગેન્ગ સામે કાનૂની કાર્યવાહી થઈ, એ ખરું પરંતુ જ્યારે કોઈ મહિલા શિક્ષિકાને આત્મહત્યાની પ્રેરણા જેવા કેસના સંદર્ભે આ પ્રકારે વકીલની હત્યા થવા લાગે, ત્યારે અન્ય વકીલોને પણ સ્વતંત્રપણે નિડરતાથી કાનૂન અને ન્યાયની પોતાની સેવાઓ તથા જવાબદારીઓ નિભાવવામાં વિક્ષેપ પડે કે ડર લાગે તે સ્વાભાવિક છે. જો માથાભારે તત્ત્વો આવા કૃત્યો કરતા જ રહે, તો આપણાં દેશના ગૌરવસમા ન્યાયતંત્ર સાથે સંકળાયેલા અન્ય લોકો તથા જજો સુધી પણ તેની અસરો પહોંચી શકે છે, જે લોકતંત્ર તથા ન્યાયપ્રણાલિ માટે કોઈપણ રીતે અનુકુળ કે યોગ્ય ગણી શકાય નહીં.

એ પણ હકીકત છે કે જામનગરમાં અદાલતી કેસોના કારણે જુદા જુદા સમયે અને જુદા જુદા કેસોના સંદર્ભે બબ્બે એડવોકેટોની હત્યા પછી બન્ને વખતે રાજ્યભરના વકીલમંડળોએ ઉગ્ર રોષ પ્રગટ કર્યો હતો અને વકીલ-જજોની વધુ સુદૃઢ સુરક્ષાની માંગ ઉઠી હતી.

જામનગર બાર એસોસિએશને રાજ્ય-કેન્દ્ર સરકારોને, સ્ટ્રોંગ એડવોકેટ પ્રોટેકશન એકટ ઘડીને તેને રાજ્ય અને સમગ્ર દેશમાં લાગુ કરવાની માંગણી કરી હોય કે પછી કલેકટર મારફત માત્ર રાજ્ય સરકારને આ સંદેશો પહોંચાડ્યો હોય, તો પણ આ બાબત જ ખૂબ જ ગંભીરતાથી વિચારવા જેવી ગણાય, કારણ કે આપણાં દેશના ન્યાયતંત્ર સાથે જોડાયેલી કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારના ડર, દબાણ કે અસુરક્ષાની ભાવનાથી મૂકત રાખવા અત્યંત જરૂરી છે, અને તેની સંપૂર્ણ જવાબદારી પણ સરકારોની જ છે ને?

રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર હવે એડવોકેટ પ્રોટેકશન એકટ લાગુ કરવાના મુદ્દે આગળ વધે, અને હાલાર સહિત સમગ્ર રાજ્યમાં ચાલતી લાલિયાવાડી, લાપરવાહી, લોલંલોલ લફરાંબાજી પર અંકુશ લાવે તેવું ઈચ્છીએ, અન્યથા થતું રહેશે હલ્લાબોલ...હલ્લાબોલ...  

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh