Advertisement
Author: નોબત સમાચાર

વિશ્વના કેટલાક દેશોની ચૂંટણીમાં પણ ટેમ્પલ પોલિટિક્સઃ માથું ટેકવવા જતા નેતાઓ

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં સાંસદ અને સ્પીકર વચ્ચેનો એ સંવાદ 'ટોક ઓફ ધ વર્લ્ડ' કેમ બની ગયો?: વૈશ્વિક રાજનૈતિક પ્રવાહો કઈ દિશામાં?

નવી દિલ્હી તા. ૩: સંસદમાં રસાકસી અને દેશમાં રાજકીય હલચલ વચ્ચે વિદેશમંત્રી એસ. જયશંકર રવિવારે કતરના પ્રવાસે ગયા હતાં. ત્યાં તેમણે કતરના વડાપ્રધાન મોહમ્મદ-બિન-અબ્દુલ રહેમાન-બિન-જસીમ અલ થાની સાથે વાટાઘાટો કરી. ભારત અને કતર વચચે વેપાર, રોકાણો અને ઊર્જાના ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ વધારવા પર ભાર મૂકાયો.

ઓગસ્ટ-ર૦રર માં જાસૂસીના આરોપમાં ત્યાંની અદાલતે દોષિત યરાવીને ફાંસીની સજા સંભાળવી હતી. તે ભારતીય નૌકાદળના આઠ કર્મચારીઓને ચાર-પાંચ મહિના પહેલા ત્યાંની સરકારે છોડી મૂક્યા, તે પછી ભારતીય વિદેશમંત્રીની આ પ્રથમ મુલાકાત હતી. દોહામાં ત્યાંની સરકાર સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પર બન્ને દેશોના લોકોની પણ નજર હતી, કારણ કે ઘણાં ભારતીયો કતરમાં વસવાટ કરી રહ્યા છે.

બીજા કાર્યકાળમાં ત્રીજી મુલાકાત

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર પોતાના બીજા કાર્યકાળમાં વિદેશમંત્રી તરીકે યથાવત્ રહ્યા પછી તેમની આ સતત ત્રીજી વિદેશયાત્રા હતી. આ પહેલા જયશંકરે શ્રીલંકા અને યુએઈનો પ્રવાસ પણ કર્યો અને કેટલીક સમજુતિઓ પર સહમતી સધાઈ. એનડીએના ત્રીજા કાર્યકાળમાં વિદેશમંત્રીની આ પ્રારંભિક વિદેશયાત્રા અંગે વ્યૂહાત્મક અને વૈશ્વિક કુટનીતિના સંદર્ભે તો મહત્ત્વપૂર્ણ છે જ, સાથે સાથે આ ત્રણેય દેશોમાં વસવાટ કરતા કે વ્યાપાર-ઉદ્યોગ કે પારિવારિક સંબોધોની દૃષ્ટિએ સંકળાયેલા પરિવારોને સંબંધિત મુદ્દાઓ તથા ભારત સાથે આ ત્રણેય દેશોના કુટનૈતિક, વ્યાપારિક અને સાંસ્કૃતિક સંબંધો વધુ મજબૂત બનાવવાની દૃષ્ટિએ પણ ઘણાં જ મહત્ત્વપૂર્ણ ગણાય છે. એસ. જયશંકરે વિદેશ સચિવ તરીકે ભૂતકાળમાં બજાવેલી ફરજો અને મોદી સરકારના બીજા કાર્યકાળમાં પ્રથમ વખત વિદેશમંત્રી તરીકેનો અનુભવ પણ ઘણો જ ઉપયોગી બની રહ્યો છે.

વિદેશોમાં પણ મંદિરોમાં

માથુ ટેકવતા નેતાઓ

રાહુલ ગાંધી સંસદમાં ભગવાનના વિવિધ ફોટાઓ લઈને પહોંચ્યા હતાં અને તેના સંદર્ભે સંસદમાં જે ચર્ચાઓ અને હોબાળા થયા, તે આપણે જોયું. લોકસભાની ચૂંટણી પછી પણ ધર્મ અને મંદિરોનો ઉલ્લેખ રાજનેતાઓ ભારતમાં કરી રહ્યા છે, જ્યારે વિશ્વના અન્ય કેટલાક દેશોમાં પણ ચૂંટણીલક્ષી મંદિરભક્તિના અહેવાલો આવી રહ્યા છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકનો પરિવાર ભારતીય મૂળનો છે. એટલું જ નહીં, તેઓ પોતે પણ હિન્દુ સંસ્કૃતિ મુજબ મંદિરોમાં તથા ભગવાનમાં આસ્થા-શ્રદ્ધા ધરાવે છે, તેથી તેઓ મંદિરોની સ્વાભાવિક રીતે જ મુલાકાતે જાય, પરંતુ તેમની પાર્ટીના અન્ય સાંસદો પણ મંદિરોમાં જવા લાગ્યા હોવાના અહેવાલો છે, તો ઋષિ સુનકને પડકાર આપી રહેલા અને બ્રિટનના હવે પછીના વડાપ્રધાન બનવા થનગની રહેલા લેબર પાર્ટીના કીર સ્ટાર્મર પણ હિન્દુ મંદિરમાં પહોંચ્યા, તેવા અહેવાલોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. હકીકતે બ્રિટનમાં દસેક લાખ હિન્દુઓના મતો મેળવવા ઉભય પક્ષે આ કવાયત થઈ રહી હોવાનું કહેવાય છે.

અમેરિકામાં પણ ચૂંટણી આવી રહી છે અને રાષ્ટ્રપતિ પદ માટે બાઈડન અને ડોનાલ્ડ ટ્રમ્પ મેદાનમાં આવ્યા છે. જો બાઈડન સ્પર્ધામાંથી હટી જાય તો પણ ભારતીય મૂળના કમલા હેરિસ મેદાનમાં આવી શકે છે.

અમેરિકામાં વ્હાઈટ હાઉસમાં તો કટલાક ભારતીય તહેવારોની ઉજવણી થાય છે, પરંતુ કેટલાક સાંસદો-નેતાઓ ત્યાં પણ હિન્દુ મંદિરોમાં માથું ટેકવવા જઈ રહ્યા હોવાના અહેવાલો છે.

હિન્દુ ફોમિયા સામે રક્ષણ

અમેરિકામાં તો હિન્દુ ફોલિયા અને ત્યાંની હિન્દુઓ સહિતની લઘુમતીઓ પ્રત્યે ભેદભાવ વધી રહ્યો હોવાનું સંકટ વધી રહ્યું છે, ત્યારે તેની સામે રક્ષણ અપાવાના વાયદાઓ પણ ત્યાંના રાજનેતા બનેલા ધારાશાસ્ત્રીઓ કરવા લાગ્યા છે. હિન્દુફોલિયા એટલે હિન્દુઓનું અપમાન, તિરસ્કાર કે હિન્દુઓની સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરવો એવું અર્થઘટન થાય. આ ફોલિયા સામે કાનૂની, સામાજિક અને રાજકીય સંરક્ષણ આપવાના વાયદાઓ થઈ રહ્યા છે, જે ત્યાંની ચૂંટણીઓમાં ભારતીય પ્રજાના અમેરિકનોના મતો મેળવવાના પ્રયાસો ગણવામાં આવી રહ્યા છે. હિન્દુઓ ઉપરાંત આફ્રિકા ખંડના દેશોનું મૂળ ધરાવતા લોકો સાથે થતાં કાળા-ગોરાના ભેદભાવ (રંગભેદ) સામે રક્ષણના વાયદાઓ પણ થઈ રહ્યા છે.

પાકિસ્તાનની રસપ્રદ ઘટના

હમણાંથી હળવા અંદાજમાં ઘણી જ રસપ્રદ ચર્ચા પાકિસ્તાનની એક ઘટનાની થઈ રહી છે. પાકિસ્તાનની સંસદ ચાલી રહી હતી અને સાંસદો પોતાની રજૂઆત કરી રહ્યા હતાં, ત્યારે તેણીએ જે કાંઈ કહ્યું અને ગૃહના સ્પીકરે તેનો જે જવાબ આપ્યો, તે ઘણો જ ચર્ચામાં રહ્યો છે.

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી એટલે કે સંસદમાં ઈમરાન સરકારમાં કેબિનેટમંત્રી રહી ચૂકેલી મહિલા સાંસદ જરતાજ ગુલે પોતાના વક્તવ્ય દરમિયાન સ્પીકરને ઉદ્દેશીને કહ્યું કે 'સ્પીકર સર, મારે આપનું ધ્યાન આકર્ષિત કરવું છે', તો સ્પીકર અયાઝ સાદિકે પરવાનગી આપતા કહ્યું કે, 'પ્લીઝ, જે કહેવું હોય તે કહો'.

એ પછી જરતાજ ગુલે કહ્યું કે, 'મારા પક્ષના નેતાએ મને આંખોમાં આંખો મીલાવીને વાત કરવાનું શિખવ્યું છે અને હું પણ આઈ-ટુ-આઈ કોન્ટેક્ટ ન હોય, તો વાત કરી શકતી નથી, તેથી તમારા ચશ્મા પહેરીને મારી સાથે આંખ મિલાવીને વાત કરો. હું એક નેતા છું, અને મને દોઢ લાખ મત મળ્યા છે. જો તમે મારી વાત નહીં સાંભળો તો મારી રજૂઆત કરી શકીશ નહીં.'

આ પછી સ્પીકરે જે કાંઈ કહ્યું ત્યારે ગૃહમાં તો ખડખડાટ હાસ્ય પણ ફેલાઈ ગયું અને આ મુદ્દો 'ટોક ઓફ ધ વર્લ્ડ' પણ બની ગયો.

અયાઝ સાદિકે કહ્યું હતું કે, 'મને મહિલાની આંખોમાં જોઈને વાત કરવાનું પસંદ નથી.'

આ ઘટના પછી રાજકીય મતભેદો હોવા છતાં નેશનલ એસેમ્બલી અથવા સંસદમાં કેટલીક વખત હળવાશની પળોમાં રાજનેતાઓ વચ્ચે રહેતા મિત્રતાપૂર્ણ સંબંધો દર્શાવે છે કે પછી તેનો કોઈ અન્ય ગુપ્તાર્થ થતો હતો, કે પછી સ્પીકર શરમાઈ ગયા હતાં? તેવા સવાલો ઊઠ્યા, તો એ પણ પૂરવાર થયું કે ભારતની સંસદ જ નહીં, વિશ્વની ઘણી બધી સંસદોમાં આ પ્રકારે હળવાશભર્યા સંવાદો પણ થતા હોય છે, અને ઉગ્રતાપૂર્ણ સંવાદો પણ સંઘર્ષમાં ફેરવાતા હોય છે, જો કે ઘણાં લોકતાંત્રિક દેશોમાં પણ હવે સંસદની ગરિમા અને દેશની આબરૂના કાંકરા થાય, તેવી ઘટનાઓ પણ બનવા લાગી છે, જે વૈશ્વિક લોકતાંત્રિક વ્યવસ્થાઓ માટે શુભ સંકેત નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh