Advertisement
Author: નોબત સમાચાર

લ્યો સંતુલિત આહાર, રહો સદાબહાર...

વ્યક્તિની તંદુરસ્તીમાં યોગ્ય આહાર અગત્યનો ભાગ ભજવે છે. કેટલાક વર્ષોથી બહુમતી  પ્રજામાં પરંપરાગત પોષણયુક્ત આહાર બાજરી - જુવારના  રોટલા, ભાખરી, ખીચડી,  ગોળ, ઘી, દૂધ, દહીં, લીલાં શાકભાજી,  ઋતુજન્ય ફળો અને  કુદરતી પીણાં જેવા કે નાળિયેર પાણી, લીંબુ શરબત, લસ્સી, છાસ વગેરેનું મહત્વ ઘટતું જાય છે. આ પરંપરાગત આહારમાં  શરીરના આરોગ્ય માટે જરૂરી  પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, વિટામિન્સ અને મિનરલ્સ પૂરતા પ્રમાણમાં મળી રહેતાં. પ્રચલિત કહેવતોમાં પણ પોષક આહાર અને ઘી - તેલનો મહિમા આમ પ્રગટ થતો :

ઘઉં ખાવાથી શરીર ફૂલે, ને જવ ખાવાથી ઝૂલે,

મગ ને ચોખા ના ભૂલે, તો બુદ્ધિના બારણાં ખૂલે.

ગાયના ઘીમાં રસોઈ રાંધો, તો શરીરનો મજબૂત બાંધો,

ને તલના તેલથી માલિશ કરો તો દુખે નહિ એકેય સાંધો.

વર્તમાન સમયમાં ભેળસેળવાળા તળેલાં બજારુ ફરસાણ, વેફર, નુડલ્સ, પિઝા, બર્ગર અને પેપ્સી - કોલા જેવા કોલ્ડ  ડ્રીંકસનું ચલણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. તેમાંય પિઝા - બર્ગર તો યુવાઓના દિલો - દિમાગમાં છવાઈ ગયા છે. આવા ટેસ્ટી આહારનો સ્વાદ મનને લલચાવે છે, પરંતુ શરીરના સ્વાસ્થ્ય માટે જોખમી  મેંદા, મીઠા અને ખાંડનું પ્રમાણ તેમાં  ઘણું વધારે હોય છે.  ટીવી-મોબાઈલ પર આકર્ષક જાહેરાતોના પ્રભાવ હેઠળ યુવાપેઢીમાં આવો સ્વાદિષ્ટ આહાર હોટ ફેવરિટ બનતો જાય છે. પરંતુ યુવાન વયે જ હાર્ટફેઇલ, બ્રેઈનસ્ટ્રોક, ડાયાબિટીસ, ડિપ્રેશન  જેવા વધી રહેલા ગંભીર રોગો પાછળના સંશોધનોમાં ઉપર જણાવેલ હાનિકારક જંક ફૂડ - ફાસ્ટ ફૂડવાળી ખાનપાનન ી શૈલીને  જવાબદાર ગણાવાય છે તે કડવી વાસ્તવિકતા છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે ૭ એપ્રિલના રોજ લોકોને સ્વાસ્થ્ય માટે જાગૃત કરવા  વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી કરવામાં આવે છે. હાલના વર્ષ ૨૦૨૪ માટે  તેના દ્વારા નક્કી કરેલ  'મારું સ્વાસ્થ્ય, મારા અધિકાર'  થીમ પર  કાર્યક્રમો વિશ્વભરમાં યોજાતા રહેશે.  કેટલાક આરોગ્યચિંતકો આ દિશામાં જનજાગૃતિ માટે  પ્રયાસો કરતાં રહે છે. મૂળ અમરેલીના શ્રી બી.વી.ચૌહાણ દ્વારા શોધાયેલી  'નવી ભોજન પ્રથા'  (ન્યુ ડાયેટ સિસ્ટમ)ને  પણ  કેટલાક લોકો હવે અપનાવી રહ્યાં છે.  કોઈ પણ ગંભીર-અસાધ્ય બિમારીને આ નવી ભોજન પ્રથાના અમલથી  દૂર અથવા હળવી કરી શકવાના તારણો આપવામાં આવે છે. યુ ટ્યુબ પર તેના ઘણાં વીડિયો ઉપલબ્ધ છે અને વિશ્વમાં ૧ ૫ કરોડ લોકો તેની સાથે જોડાયેલા છે. આયુર્વેદમાં પણ પ્રચલિત સૂત્ર છે 'આહાર એ જ ઔષધ '.

પ્રવર્તમાન ચિંતાજનક અને જીવલેણ આહારશૈલીની પરિસ્થિતિમાં, દર્દીઓની સારવાર કરતી કોઈ ડોકટર વ્યક્તિ પોતાના વ્યસ્ત કારોબારમાંથી સમય કાઢીને, લોકોને ખાનપાન બાબતે જાગૃત કરવા પ્રયાસ  કરે તો જરૂર આવકારપાત્ર  ગણાય. આવો જ એક ઉલ્લેખનીય પ્રયાસ કર્યો છે, એક શબ્દપ્રેમી સ્થાનિક  સર્જન ડો. અમરીશ મહેતાએ. જાણીતા સાહિત્યકાર શ્રી ધ્રુવ ભટ્ટની સ્વરાંકિત ગીતરચના ' કદી તું ઘર તજીને રે ' ના લય - ઢાળ પ્રમાણે  તેમની અનુમતિથી

ડૉ. અમરીશે ' કદી તું પિઝા તજીને રે ' શીર્ષક પંક્તિથી એક  આધુનિક  ગીતરચના કરી છે. આ ગીતરચનામાં પરંપરાગત પોષણયુક્ત આહાર - પીણાંનો  મહિમા કરીને લોકોને તે અપનાવવા અનુરોધ કર્યો છે.  તેમનાં કિશોર વયના સંતાનોએ  મધુર કંઠે આ રચના ગાઈ પણ  છે. દર્દીઓને રૂબરૂમાં પણ તેઓ આ બાબતે હંમેશા ધ્યાન દોરતાં રહે છે. હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં દર્દીઓને નવજીવન આપવા માટે ઓજાર ઉપાડતા આ  સર્જન ડોકટરે સ્વસ્થ આહાર શૈલીની પ્રેરણા માટે કલમ પણ ઉપાડી છે, તે ખરેખર નોંધપાત્ર  અને પ્રશંસનીય ગણાય. નિજાનંદ અને ઉમદા હેતુ સાથે લખાયેલ તેમની આ ગમ્મત ભરેલી વિનોદી ગીતરચના ભાવકોને મોજ સાથે મહત્વનો સંદેશ આપે છે. દર્દીઓની સારવાર માટે કાર્ય રત અન્ય ડોકટરવર્ગ  પણ શહેરની આમજનતાની  સ્વાસ્થ્ય જાગૃતિ  માટે સામાજિક સંસ્થાઓના સહયોગથી  વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ઘોષિત 'મારું સ્વાસ્થ્ય, મારો અધિકાર ' થીમ પર પ્રવચન કે પ્રશ્નોત્તરીના કાર્યક્રમો જરૂર ગોઠવી શકે.

આરોગ્યપ્રદ આહારશૈલી માટે પ્રેરણા આપતી ડો. અમરીશની કૈંક અંશે રમુજી ગીતરચના 'પિઝાનું ગીત'  અત્રે માણીએ અને દૈનિક ખાનપાનની શૈલીમાં યોગ્ય ફેરફાર કરીને જીવનમાં અમૂલ્ય સ્વાસ્થ્ય લાભ મેળવવા આપણે  પણ પ્રયાસ કરીએ.

આજીનો મોટો, મેગી અને ચાઇનીઝ વાનગીમાં સ્વાદ - સોડમ માટે વપરાતો અત્યંત નુકસાનકારક

પદાર્થ છે તેમાં સીસા સાથે મોનો સોડિયમ બ્યુટામેટ ભેળવેલ હોય છે.

- ચંદ્રેશ શાહ

પિઝાનું ગીત

કદિ તું પિઝા તજીને      રે, કદિ તું પિઝા તજીને રે...

બાજરીના રોટલાની ભેળો રીંગણ કેરો ઓળો ખાને રે...

જવ જુવારની બદલે મેંદો, પેટમાં ચોંટી કરશે ફાંદો રે

પારકુ ધાન એની આવે શું તોલે,પાક્યું જે આ માટીને ખોળે રે...

તાજું ને ઘરનું ખાને રે......

કોળિયે ભાવે દાળ મજાની, ઠંડાપીણાંની છાપ તોફાની રે

ટંકે ટંકે એને જો પીવો, જલદી થશે છબિમાં દીવો રે

જમી લે દૂધ કટોરે રે......

સિંધાલૂણી સેવને માણો, નુડલ્સના નુકસાનને જાણો રે

જેથી ચડે પેટમા ગોટો, એવો એમાં *આજીનો મોટો રે

વાળુમાં હળવું ખાને રે......

સાચી ભાખરી, ખીચડી-ખીચી,બર્ગરની છે નિયત નીચી રે

પગે છુંદાય, લોટ બંધાય, ક્રીમરોલ ઘરેઘરે ખવાય રે

થેપલામાં છુંદો ખાને રે......

નાળિયેરી નરવી ને ન્યારી, કોલ્ડ્રિંક કેરી કેલરી કાળી રે

હોજરીમાં પાડી દે કાણાં ગવાય છતાં એના ગાણાં રે

  છાશમાં અમૃત જોને રે......

- ડો.અમરીશ મહેતા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh