Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતને આઝાદી અપાવવાનો વાયદો અને કાયદો લેબર પાર્ટીએ જ ઘડ્યો હતોઃ હિસ્ટ્રી
લંડન/નવી દિલ્હી તા. ૮: યુનાઈટેડ કિંગ્ડમ, જેને આપણે બ્રિટન તરીકે ઓળખીએ છીએ. તેમાં ઈંગ્લેન્ડ, વેલ્સ, ઉ. આયર્લેન્ડ અને સ્કોટલેન્ડનો સમાવેશ થાય છે. આપણે ત્યાં લોકસભા છે તેમ ત્યાં હાઉસ ઓફ કોમન્સ હોય છે. જેની ચૂંટણીમાં ૧૪ વર્ષથી સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટીના સુપડા સાફ થઈ ગયા છે અને ૬પ૦ માંથી ૪૦૦ થી વધુ બેઠકો મેળવીને લેબર પાર્ટીને જનાદેશ મળ્યો છે. હવે ભારત સાથે બ્રિટન (યુ.કે.) ના સંબંધો કેવા રહેશે, તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઋષિ સુનકે રાજીનામું આપ્યું અને હવે કીર સ્ટાર્મર વડાપ્રધાન બન્યા પછી સંબંધો કેવા રહેશે, તેની વ્યાપક ચર્ચા થઈ રહી છે, અને ત્યાં દિગ્ગજોનો પરાજય અને ચાર ચાર પૂર્વ વડાપ્રધાનોની વ્યક્તિગત હાર પણ ચર્ચામાં છે.
ભારતને આઝાદી કોણે અપાવી?
ભારતમાં બે સદીથી ચાલતી સ્વાતંત્ર્ય ચળવળને અંતે જ્યારે બ્રિટન (યુ.કે.) ની સંસદમાં એક કાયદો પસાર કરીને ત્યાંની સરકારે ઠરાવ પસાર કર્યો ત્યારે સફળતા મળી, અને તે ઈતિહાસ સાથે લેબર પાર્ટી જોડાયેલી છે. લેબર પાર્ટી પણ ૧૦૦ વર્ષ જુની ગણાય છે, અને તેનો ઈતિહાસ અલગ છે, પરંતુ ભારતને લાગે-વળગે છે ત્યાં સુધી બ્રિટનમાં લેબર પાર્ટીએ સત્તામાં આવ્યા પછી ભારતને આઝાદ કરવાનો ઝડપભેર નિર્ણય લીધો. તેમાંથી લેબર પાર્ટીની સ્વતંત્ર ભારતની પોલિસી પ્રગટી હતી અને હવે તો ત્યાંની રાજનીતિમાં પણ મૂળ ભારતીયોનો પ્રભાવ વધી રહ્યો છે. આઝાદી પછી કાશ્મીર જેવા કેટલાક મુદ્દે લેબર પાર્ટીએ ભૂતકાળમાં ભારત વિરોધી વલણ પણ અપનાવ્યું હતું, પરંતુ હવે લેબર પાર્ટી સત્તામાં આવ્યા પછી તેની નીતિ ભારત વિરોધી તો નહીં જ હોય, તેવો મહત્તમ અભિપ્રાય પ્રગટી રહ્યો છે, અને સ્ટાર્મરે પણ જમ્મુ-કાશ્મીરના મુદ્દાને ભારતનો આંતરિક મુદ્દો ગણાવી દીધો હોવાના અહેવાલો છે.
કન્ઝર્વેટિવ પાર્ટી સાથે પણ ઋષિ સુનકના કારણે સંબંધો
કન્ઝર્વેટિવ પાર્ટી ૧૪ વર્ષ સત્તામાં રહી, અને તેના પ્રારંભિક ભારત સાથેના સંબંધોમાં ઉતાર-ચઢાવ આવ્યા હતાં, પરંતુ છેલ્લે ઋષિ સુનક ત્યાંના વડાપ્રધાન બન્યા પછી કન્ઝર્વેટિવ પાર્ટીનું વલણ પણ ભારત સાથે મિત્રતાપૂર્ણ બન્યું હતું, પરંતુ કન્ઝર્વેટિવ પાર્ટીની મૂળ નીતિ તો અવઢવવાળી જ રહી હતી. હવે જ્યારે લેબર પાર્ટી સત્તામાં આવી છે, ત્યારે તેના ભારત સાથેના સંબંધોમાં ઋષિ સુનકની વ્યક્તિગત રીતે મૂળ ભારતીય હોવાની તથા પોતે હિન્દુ હોવાની જે છાપ ઊભી થઈ છે, તે અવરોધરૂપ નહીં બને અને નવા પી.એમ. પણ બન્ને દેશો વચ્ચે સારા સંબંધો જ ઈચ્છશે, તેવા તારણો નીકળી રહ્યા છે, કેટલાક એવા નિવેદનો પણ આવી રહ્યા છે કે, ભારત સાથે નવી સરકાર પણ સ્ટ્રેટેજિક પાર્ટનર બનવાની ઈચ્છા ધરાવે છે, અને તેથી સુનક સરકાર કરતા પણ વધુ ગાઢ સંબંધો કેળવાઈ શકે છે.
પાળી પહેલા પાળ
બ્રિટનના નવા વિદેશમંત્રી ડેવિડ થૈમ્મી બનવા જઈ રહ્યા છે. ભારતની કુટનૈતિક રણનીતિ હેઠળ જ કદાચ બ્રિટનની ચૂંટણીઓ જાહેર થયા પહેલા અને પછી પણ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ડેવિડ થૈમ્મી સાથે મહત્ત્વપૂર્ણ મુલાકાતો કરી હતી, ત્યારે ધરોબો પણ કેળવ્યો હતો, જેને ભારતની કુટનૈતિક નિપુણતા તથા પાણી પહેલા પાળ બાંધવાની રણનીતિ તરીકે જોવામાં આવી રહ્યો છે, તે ઉપરાંત બ્રિટનના પ્રવાસ દરમિયાન પણ જયશંકર સ્ટાર્મર સહિતના નેતાઓને મળ્યા હતાં, જે પાણી પહેલા પાળ બાંધવાની કહેવતને અનુરૂપ હતાં.
લેબર્ટ પાર્ટીનું ભારત તરફી વલણ
બ્રિટનમાં વર્ષ ૧૯૦૦ માં બ્રિટનના ટ્રેડ યુનિયનો અને સમાજવાદી વિચારસરણીના પ્રભાવ હેઠળ રચાયેલી લેબર પાર્ટીએ પહેલેથી જ તે સમયે બ્રિટનની ગુલામી હેઠળ રહેલા ભારતને સ્વતંત્રતા આપવાનું વલણ દાખવ્યું હતું, અને છેક વર્ષ ૧૯૩૮ સુધી તેના નેતાઓના ભાષણોમાં પણ આ મુદ્દો અગ્રતાક્રમે રહેતો હતો.
ચૂંટણીમાં વાયદો, પછી બનાવાયો કાયદો
બીજા વિશ્વયુદ્ધ પછી વર્ષ ૧૯૪પ માં જ્યારે બ્રિટનમાં જનરલ ઈલેક્શન થયા, ત્યારે લેબર પાર્ટીએ ભારતને સ્વશાસનની તક આપવાનો વાયદો કર્યો હતો, જ્યારે તે સમયના કન્ઝર્વેટિવ પાર્ટીના વડાપ્રધાન રૂઢીવાદી તત્કાલિન પી.એમ. વિન્સ્ટન ચર્ચિલ જાહેરમાં ગોળ ગોળ વાતો કરતા રહેતા હતાં, પરંતુ વાસ્તવમાં ભારતને આઝાદી આપવાના કટ્ટર વિરોધી હતાં, તેમ કહેવાય છે.
તે સમયે ચૂંટણીઓમાં કન્ઝર્વેટિવ પાર્ટી હારી ગઈ અને લેબર પાર્ટી જીતી ગઈ, અને ક્લીમેન્ટ એ. વડાપ્રધાન બન્યા. તેમણે લેબર પાર્ટીના ચૂંટણી-ઢંઢેરામાં ભારતીયોને આપેલોવાયદો પાળ્યો અને વર્ષ ૧૯૪૬ થી ભારતને સ્વતંત્રતા આપવાની દિશામાં કામ શરૂ થયું અને તે માટે સંવિધનસભાની રચના કરવા માટે કાયદો ઘડ્યો, જે બ્રિટનની સંસદમાં પસાર થયો. વર્ષ ૧૯૪૭ ની ૧૮ મી જુલાઈના ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ એક્ટ હેઠળ ભારતને આઝાદી આપવાની જોગવાઈઓ અમલી બની, અને ર૦ મી ફેબ્રુઆરી ૧૯૪૭ ના દિવસે બ્રિટનના હાઉસ ઓફ કોમન્સ (લોકસભા)માં ઘોષણા કરાઈ કે ૩૮ જૂન ૧૯૪૮ સુધીમાં ભારતને પૂર્ણ સ્વશાસન સોંપી દેવાશે, પરંતુ તે પહેલા જ વર્ષ ૧૯૪૭ માં ભારતને ૧પ ઓગસ્ટે આઝાદી આપી દેવાઈ હતી.
જો કે, ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા, તેમાં લોર્ડ માઉન્ટ બેટન અને તે સમયના બ્રિટિશ બ્યુરેક્રેટ્સની ભૂંડી ભૂમિકા હોવાનો એક કલંકિત ઈતિહાસ પણ છે, પરંતુ એવું કહી શકાય કે ભારતને આઝાદી અપાવવા માટે લેબર પાર્ટી પહેલેથી જ ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓની તરફેણમાં હતી અને સત્તામાં આવ્યા પછી વાયદો પાળ્યો પણ ખરો...
આગે આગે દેખિયે...વેઈટ એન્ડ વોચ
આમ, લેબર પાર્ટીની એક સદીથી વધુ સમયથી મુખ્યત્વે ભારત તરફી પોલિસી રહી છે, અને કેટલીક વખત માનવતાવાદ અને ભેદભાવ જેવા મુદ્દે ડિફરન્સીઝ પણ જોવા મળી રહ્યા છે, પરંતુ ભારત વિરોધી પરિબળો, ખાલિસ્તાનવાદીઓ તથા આતંકવાદીઓ-અલગતાવાદીઓ પર હવે બ્રિટનમાં વધુ સકંજો કસાશે, તેવી આશા પણ રાખવામાં આવી રહી છે.
વિદાય લઈ રહેલા વડાપ્રધાન ઋષિ સુનક પોતે જીત્યા
બ્રિટનની ચૂંટણીમાં બે ડઝનથી વધુ મૂળ ભારતીયો બન્યા ત્યાંના સંસદસભ્ય...
બ્રિટનના હાઉસ ઓફ કોમન્સની ચૂંટણીમાં વિદાય લઈ રહેલા વડાપ્રધાન ઋષિ સુનક પોતે પોતાના હરિફને હરાવીને વ્યક્તિગત રીતે પોતાની ચૂંટણી જીતીને ત્યાંના સાંસદ બની રહ્યા છે. જીતી ગયા છે, પરંતુ તેમણે વડાપ્રધાનપદેથી રાજીનામું આપી દીધું છે.
ઋષિ સુનક સહિત ભારતીય મૂળના ર૬ ઉમેદવારો જીત્યા છે, જેમાં લેબર પાર્ટીમાંથી વિજયી બનેલા કેટલાક ઉમેદવારો પૈકી કોઈને કદાચ મંત્રીપદ પણ મળી શકે છે. મૂળ ભારતીય ૯૯ જેટલા ઉમેદવારોનો પરાજય પણ થયો હોવાનું બહાર આવ્યું છે, તેમ છતાં કુલ ૧૦૭ માંથી ર૬ ઉમેદવારો બ્રિટનના સાંસદો બન્યા હોય, તો ત્યાંની સંસદમાં પણ ભારતનો અવાજ ગૂંજતો રહેશે તેમ જણાય છે. નવા સૂચિત વડાપ્રધાન સ્ટાર્મરે પણ ભારત સાથે સારા સંબંધોના સંકેતો આપ્યા છે, ત્યારે આ સત્તાપરિવર્તન ભારત માટે ફળદાયી પણ નિવડી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial