Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન...'નો ગુઢાર્થ સમજો અને આગળ વધો...
'ઘટ'માં ઘોડા થનગને ને આતમ વીંઝે પાંખ
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ
આજ અણીદીઠ ભૂમિ તણે કાંઠડે,
વિશ્વભરના યુવાનોની આંખ અડે
પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે
ગરૂડ શી પાંખ આતમ વિષે ઉઘડે
કેસરિયા વાઘા કરી જોબન જુદ્ધે ચડે
રોકણહારૂ કોણ છે? કોના નેન રડે
કોઈ પ્રિયજન તણાં નેન રડશો નહીં
યુદ્ધ ચડતાને અપશુકન ધરશો નહીં
કેસરી વીરના કોડ હરશો નહીં
મત્ત યૌવન તણી ગોત કરશો નહીં.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના આ શૌર્યગીતની આ પ્રારંભિક પંક્તિઓ ઘણી જ પ્રેરણાદાયી છે. આખું કાવ્યગીત શૌર્ય, સંવેદના અને સૌહાર્દથી તરબતર છે, અને યુવાવસ્થાએ યુવામનની આંતરિક ઉર્મિઓને પણ પ્રગટ કરે છે.
જિંદગીનો ગોલ્ડન પીરિયડ એટલે બાળપણ... બાળપણમાં તદ્ન નિર્દોષ અને કોરી પાટી સમુ મન કિશોરાવસ્થામાં થોડું પુખ્ત બને છે અને સપનાના વાવેતર થાય છે. ઝવેરચંદ મેઘાણીનું આ શૌર્યગીત તે પછીની યુવાવસ્થાના પ્રારંભિક આંતરમનની ઉર્મિઓને ઝંઝોળીને સ્વદેશ કે ધર્મની રક્ષા કાજે જીવ કુરબાન કરવા ગનગનતી ભાવનાઓને પ્રગટ કરે છે.
'ઘટમાં ઘોડા થનગને અને આતમ વિંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' એ પંક્તિના વિવિધ અર્થઘટનો થઈ શકે છે, પરંતુ આખી શૌર્ય કવિતા વાચીએ તો સમજાય જાય કે મા-ભોમ માટે ન્યૌછાવર થવા થનગનતા યુવાનની આંતરમનની ઉછળતી ઉર્મિઓનું આ પ્રગટીકરણ છે, જે પ્રેરણાદાયી છે.
યુવાવયે પહોંચેલા શિક્ષિત ભાઈ-બહેનો પોતાની કારકિર્દી, ઉચ્ચ અભ્યાસ અને ભવિષ્યમાં રોજગારી-આવક મેળવવાના લક્ષ્યો તો નક્કી કરતા જ હોય છે, જે પ્રત્યક્ષ હોય છે, પરંતુ દરેક યુવક-યુવતીના પોતાના આંતરિક મનમાં કોઈક ને કોઈક અલગ જ લક્ષ્ય હોય છે. ક્રિકેટર થવું હોય કે ડોક્ટર, એક્ટર થવું હોય કે ક્રિએટર, ઉદ્યોગપતિ બનવું હોય કે વૈજ્ઞાનિક, પાયલોટ બનવું હોય કે આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ જેવી સેવાઓમાં જોડાવું હોય, કલાસાધના કરવી હોય કે નેતા બનવું હોય, કોઈપણ ક્ષેત્રે સેવા આપવી હોય કે જોબ કરવી હોય કે પછી જોબ ટેકર બન્યા પછી જોબ ગીવર બનવું હોય, તેવા સપનાઓની દુનિયા અલગ જ હોય છે, જે અન્વયે ચાલી રહેલા સ્ટડી અને તે પછી ઉચ્ચ અભ્યાસની પ્રક્રિયામાં દબાયેલા સોહામણા સપનાઓ જેવી જ હોય છે.
એટલે જ કવિ કહે છે કે ઘટમાં ઘોડા થનગને એટલે કે મનમાં ઊંચી ઊડાન ભરવાના સપના હોય, કાંઈક કરી છૂટવાની ભાવના હોય કે પછી ચોક્કસ ક્ષેત્રે ઉચ્ચ કારકિર્દી કે સફળતા મેળવવાના સોણલાં હોય તો તે ગમે ત્યારે સિદ્ધ થઈ શકતા હોય છે, બસ... ઘટમાં બાંધેલા ઘોડાઓ સ્વરૂપી સપનાઓને જિવંત રાખીને તેના સંદર્ભે સકારાત્મક વલણ દાખવતા રહેવું પડે.
યૌવન વિંઝે પાંખ એટલે કે ઊડતા પંખીની જેમ જ્યારે યૌવન પાંખ વિંઝવા લાગે ત્યારે કોઈને કોઈ લક્ષ્ય નક્કી કરીને તે સિદ્ધ કરવાની તાલાવેલી જાગે, અને એ તાલાવેલી એવી જાગે કે તે ઘણી વખત સુખ, ચેન અને ઊંઘ પણ હરી દ્યે... આવું થાય ત્યારે સમજવું કે હવે સપના સાકાર થવાની દિશામાં આપણી ઊડાન ગગન ચૂમવા લાગવાની છે!
'અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' જેવા શબ્દોનો પણ ઊંડો સંદેશ છે, અને તેના ઘણાં સુચિતાર્થો છે, પરંતુ આ શૌર્યગીત અથવા શૌર્યકવિતામાં કવિએ મા-ભોમ માટે થનગનતા યુવકની મનોભાવનાઓ વ્યક્ત કરી છે, કારણ કે કવિ આગળની પંક્તિઓમાં યુવાનને યુદ્ધે ચડતા કોઈ રોકે નહીં કે રડે નહીં, તે પ્રકારની સલાહ વ્યક્ત કરતા જોવા મળે છે.
ઝવેરચંદ મેઘાણીના ઘણાં કાવ્યો પથદર્શક છે, તો ઘણાં કાવ્યો જુસ્સો પ્રેરતા હોય છે, જ્યારે કેટલીક રચનાઓમાંથી સામાજિક સંદેશ પણ પ્રગટતો હોય છે. મુખ્યત્વે શૌર્ય, માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ, દેશભક્તિ અને સંસ્કારો તથા સંસ્કૃતિનું સહજ સંયોજન અદ્ભુત રીતે પ્રસ્તુત થતું હોય છે.
આપણાં પ્રાચીન અને મધ્યકાલિન કવિઓની ખૂબી એ છે કે તેઓની રચનાઓ પ્રેરક, ઉદ્બોધક, જુસ્સો આપનારી, સમાજ સુધારક, દેશભક્તિથી અથવા ભક્તિરસ, શ્રૃંગારરસ તથા શૌર્યરસથી તરબતર તો હોય જ છે, સાથે સાથે કર્ણપ્રિય પણ હોય છે. ઝવેરચંદ મેઘાણી, કવિ કલાપી, નરસિંહ મહેતા, અખો, મીરાંબાઈ જેવા ગુજરાતી કવિઓની ઘણી બધી રચનાઓ દેશ-વિદેશ સુધી પહોંચી છે, તો વેદવ્યાસ અને વાલ્મિકી જેવા પ્રાચીન કવિઓની રામાયણ-મહાભારત જેવી સત્યકથાઓ પણ પદ્યસ્વરૂપે વિશ્વવ્યાપી બની છે. સ્વયં ભગવાન શ્રીકૃષ્ણની શ્રીમદ્ ભગવદ્ ગીતા તો આજે વિશ્વભમરમાં પથદર્શક મહાકાવ્ય છે, જેથી સંસ્કૃતમાંથી અનેક ભાષાઓમાં ભાષાંતર થયું છે, ટૂંકમાં આપણા દેશની પદ્યરચનાઓ બહુભાષી, બહુહેતુક અને બહુદર્શિય છે, જ્યારે આપણા કેટલાક અર્વાચીન કવિઓની ઘણી રચનાઓ ભલે ગાઈ શકાતી ન હોય, પરંતુ ગણગણીને મમળાવી શકાય તેવી પ્રેરક પદ્ય રચનાઓ હોય છે.
એવી કહેવત છે કે 'નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાન'... મતલબ કે લક્ષ્ય હંમેશાં ઊંચુ રાખવું અને તે સિદ્ધ કરવા હંમેશાં પ્રયાસો કરતા રહેવું. નિશાન ચૂકી જવાય તો વાંધો નહીં, પ્રયાસો કરતા જ રહેવાથી કોઈને કોઈ દિવસ તો જરૂર સફળતા મળતી જ હોય છે. લક્ષ્ય ઊંચુ રાખ્યું હોય અને પ્રારંભમાં કેટલીક વખત તે નિશાન પર તીર ન લાગે અને ચૂકી જવાય તો ચાલે, પરંતુ ક્યારેય લક્ષ્ય નીચું ન રાખવું જોઈએ. સરળતાથી સિદ્ધ થઈ શકે, તેવું જ લક્ષ્ય રાખવાની ટેવ પડી જાય, તેવી વ્યક્તિનો ક્યારેય બહું વિકાસ થતો હોતો નથી, પરંતુ ઊંચા લક્ષ્યો રાખીને પરિશ્રમપૂર્વક તે સિદ્ધ કરવાના પ્રયાસો કરતા રહેતા વ્યક્તિઓ ગગનચૂંબી સફળતાઓ પ્રાપ્ત કરી શકે છે.
સપનાના વાવેતર કરીને તેને સિંચવા પડે, અને તેને ખાતર-પાણી-માવજત સાથે ઉછેરવા પણ પડે. એટલું જ નહીં, એવા ખાતર અને જંતુનાશક પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ, જે આપણી ફળદ્રુપ જમીન સ્વરૂપી સંસ્કારો, ઔચિત્ય અને ઈજ્જતને નુક્સાન ન પહોંચાડે!
પ્રાકૃતિક ખેતી એટલે સપનાની ફળશ્રુતિ
ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના પ્રયોગો હમણાથી વેગીલા બન્યા છે, અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તેમાં ઊંડો રસ લેતા હોવાથી અને સરકારે પણ તેના સંદર્ભે ઘણી યોજનાઓ જાહેર કરી છે. પ્રાકૃતિક ખેતી એટલે આપણી પારંપારિક દેશી ખેતીપદ્ધતિ, જેમાં દેશી ખાતર અને દેશી પદ્ધતિથી બનાવેલા ઔષધોનો જ ખેતીના ઉછેર અને વૃદ્ધિ માટે ઉપયોગ કરવામાં આવે છે. રાસાયણિક ખાતરો અને ઘણાં જંતુનાશક રાસાયણિક પદાર્થો આપણી ફળદ્રુપ ખેતીની જમીનને નુક્સાન કરતા હોવાથી તેના સ્થાને પ્રાકૃતિક-ઓર્ગેનિક ખેતી કરવાની જે રીતે પ્રેરણા અપાઈ રહી છે, તેવી જ રીતે સપનાના વાવેતર કરીને પછી તેને સાકાર કરવા માટે પણ ઓર્ગેનિક-પ્રાકૃતિક ખેતપદ્ધતિની જેમ રાસાયણિક ખાતરો, ઔષધો એટલે કે કોઈપણ પ્રકારના અયોગ્ય, અનૈતિક કે ગેરકાનૂની શોર્ટકટ ન અપનાવવા જોઈએ અને આપણી સંસ્કૃતિ, સંસ્કારો અને સત્યનિષ્ઠાને અનુસરીને કઠોર પરિશ્રમ તથા યોગ્ય દિશામાં સતત પ્રયાસો કરીને સિંચન-માવજત-ઉછેર કરવો જોઈએ. આમ, સપનાઓના ઓર્ગેનિક-પ્રાકૃતિક-નૈતિક અને વૈધાનિક ઉછેર કરવાથી તે ઘટાદાર વૃક્ષની જેમ સિદ્ધિઓના મીઠા ફળ અને સુખ-શાંતિ-સમૃદ્ધિ સ્વરૂપનો શિતળ છાંયડો ચોક્કસપણે આપે જ છે.
આપણે 'મન હોય તો માળવે જવાય'ની ઉક્તિ હેઠળ ઘણાં બધા દૃષ્ટાંતો આ લેખમાળામાં એવા જોયા છે, જેમણે સપનાના વાવેતર કરીને સાચી પદ્ધતિથી તેનું શ્રમપૂર્વક સિંચન કર્યું હોય અને ધાર્યા સુફળ મેળવ્યા હોય. કોઈપણ મહાપુરુષની જીવન-ઝરમર વાચીઅ, તો તેમાંથી આપણે મન હોય તો માળવે જવાયની પ્રેરણાની સાથે સાથે સપનાના સમયોચિત વાવેતર અને તેનો સાચી પદ્ધતિથી સતત અને શ્રમપૂર્વક ઉછેર કરવાની પ્રેરણા પણ ઉપલબ્ધ થાય જ...
આવો, સપનાના વાવેતર કરીને તેનો ઓર્ગેનિક-પ્રાકૃતિક પદ્ધતિથી ઉછેર કરીએ, અને તેના સારા ફળ મળે, લક્ષ્યો સિદ્ધ થાય, તે પછી તેને સહજપણે પચાવતા પણ શિખિયે...
- વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial