Advertisement
Author: નોબત સમાચાર

લાખોની લાંચ લેવાની હિંમત! કરોડો કી ભેંસ ગઈ પાની મેં!! ભાગ બટાઈ, ભ્રષ્ટાચાર, લોલંલોલ...

જામનગર હોય કે અમદાવાદ હોય, કે પછી કોઈ યાત્રધામ-પ્રવાસધામ હોય, જ્યારે જ્યારે જંગી ગેરકાયદે બાંધકામો હટાવવા પૂરતા બંદોબસ્ત સાથે બુલડોઝરો અને ટ્રેક્ટરો પહોંચે, ત્યારે સામાન્ય રીતે બધાને તે સમયે તો એવો વિચાર આવતો જ હશે ને કે આટલી મોટી જગ્યામાં વિશાળકાય બાંધકામો બંધાઈ રહ્યા હશે, ત્યારે આ તંત્રો-નેતાઓ ક્યાં ગયા હશે? એની શું ગેરંટી છે કે અહીંથી ગેરકાયદે બાંધકામો હટાવાયા પછી અન્યત્ર ક્યાંય આ પ્રકારના બાંધકામો નહીં જ થાય? આ જ પ્રકારના કે તેનાથી પણ મોટા અને મોકાની જગ્યામાં ખડકાયેલા અન્ય કેટલાક બાંધકામો ગેરકાયદે હોવા છતાં તેને હટાવવામાં કેમ તંત્રો અવઢવમાં રહેતા હશે?

આ 'ઓપન સિક્રેટ'ને પૂરવાર કરતો એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના ઈતિહાસમાં નોંધી શકાય તેવી આ અભૂતપૂર્વ ઘટના આજે માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

અમદાવાદના એક સજ્જને વડિલોપાર્જીત જમીન પર બનાવાયેલી કેટલીક દુકાનો તથા સંલગ્ન ઈમારતોને મહાનગપાલિકાના તંત્રે તોડી પાડ્યા પછી તેનું 'ઓપ્શન' શોધવા માટે અમદાવાદની સંબંધિત શાખાના અધિકારીનો સંપર્ક કર્યો, તો સંલગ્ન અધિકારીએ આ માટે અડધા કરોડ રૂપિયા માંગ્યા. આટલી મોટી રકમની વ્યવસ્થા કોઈ સંજોગોમાં થઈ શકે તેમ નહીં હોવાનું સમજ્યા પછી એ અધિકારીઓએ વીસ લાખ રૂપિયાનો સોદો કર્યો!

એ સજ્જને એન્ટી કરપ્શન બ્યૂરોનો સંપર્ક સાધ્યો અને ફરિયાદ નોંધાવી. છટકું ગોઠવાયું અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસીના બે અધિકારીઓ રંગેહાથ ઝડપાઈ ગયા. એવું કહેવાય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં આટલી મોટી રકમની લાંચ લેવામાં આવી હોય, તેવો આ પ્રથમ કિસ્સો છે.

આજે આ મુદ્દો 'ટોક ઓફ ધ સ્ટેટ' બન્યો છે. ઘણાં લોકો એવું પણ કહે છે કે આ પ્રકારની ઘટના પ્રથમ વખત જ નહીં બની હોય, પરંતુ આટલી મોટી રકમની લાંચ લેનારાઓ પહેલા પકડાયા નહીં હોય, કે પછી કોઈએ ફરિયાદ નહીં કરી હોય. એવું પણ બની શકે કે આનાથી પણ મોટી રકમની લાંચ ભૂતકાળમાં લેવાઈ પણ ગઈ હોય અને હજમ પણ થઈ ગઈ હોય. આ તો જેની પાસે લાંચ માંગવામાં આવી હતી, તે કાં તો સિદ્ધાંતવાદી હશે, અથવા તેનો અંતરાત્મા જાગ્યો હશે, અથવા તો આટલી મોટી રકમની વ્યવસ્થા થઈ શકી નહીં હોય, તેથી તેમણે મજબૂરીવશ ફરિયાદ કરી દીધી હશે. જે હોય તે ખરૃં, પરંતુ તેમણે જે હિંમત બતાવી, તેને બીરદાવવી જ પડે. જો લાંચિયાઓ સામે આ જ રીતે તમામ લોકો ફરિયાદો કરવા લાગે, તો ભ્રષ્ટાચારીઓ પણ ફફડવા લાગે, ખરૃં કે નહીં?

હવે અમદાવાદના એ બન્ને અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણના એન્ટી કરપ્શન એક્ટ હેઠળ કાનૂની કાર્યવાહી થશે. આ લાંચિયા ટીડીઓને ત્યાંથી લાખો રૂપિયાની રોકડ પણ ઝડપાઈ છે, ત્યારે પાલિકા-મહાપાલિકાઓમાં સમયાંતરે આંતરિક બદલીઓની પ્રક્રિયા વારંવાર થવાની જરૂર પણ જણાવાઈ રહી છે.

ઘણી વખત આ પ્રકારના લાંચ-રૂશ્વતના કિસ્સામાં છટકું ગોઠવાયા પછી ઝડપાયેલા લોકો છૂટી પણ જતા હોય છે, તેથી લોકોને લાંચ-રૂશ્વતને છાવરવા કે કેસ નબળો કરવા માટે પણ જંગી ભ્રષ્ટાચાર આચરાતો હશે, તે શંકા જાગતી હોય છે, પરંતુ બધા કિસ્સામાં તેવું થતું હોતું નથી.

ભ્રષ્ટાચાર એટલી હદે વ્યાપી ગયો છે કે લોકોની જિંદગીઓ સાથે પણ ખેલ ખેલવામાં આવી રહ્યો છે, અને કાંઈપણ જોયા વિના આડેધડ કેટલીક મંજુરીઓ આપી દેવામાં આવે છે, અથવા ગેરકાનૂની પ્રવૃત્તિઓ, બાંધકામો કે હરકતો સાથે આંખ આડા કાન કરવામાં આવે છે.

દિલ્હીમાં બેઈઝમેન્ટમાં તરન ગેરકાનૂની ઢબે ચાલતી લાયબ્રેરીમાં અચાનક પાણી ભરાઈ જતા ત્રણ કોડભર્યા યુવાનોના જીવ ગયા હોય કે પછી રાજકોટનો ભયાનક જીવલેણ ગેમઝોન અગ્નિકાંડ હોય, કે પછી લગભગ દરેક નગરો-મહાનગરોમાં થયેલા દબાણો કે ગેરકાયદે બાંધકામ હોય, ફાયર સેફ્ટી સહિતની જરૂરી સૂચનાઓનો અભાવ હોય કે નીતિ-નિયમો-કાયદાનો સરેઆમ ભંગ હોય, એ બધામાં લોભ, લાલચ અને ભ્રષ્ટાચાર જ જવાબદર હોય છે. આ પ્રકારના ભ્રષ્ટાચારી ભોરીંગોને નાથવા અત્યંત જરૂરી હોય છે, અને તેથી જ જામનગમાં પણ મનપા, જાડા તથા અન્ય કચેરીઓ સામે ભ્રષ્ટાચારી નીતિરીતિ અપનાવવાની આશંકાઓ ઊઠતી હશે ને? આગ લાગે ત્યાં ધૂમાડો તો દેખાવાનો જ છે ને?

અમદાવાદની જેમ જ રાજ્યની અન્ય તમામ પાલિકા-મહાનગરપાલિકાઓમાં લાંચરૂશ્વત અને ભ્રષ્ટાચારની જ બોલબાલા છે. જામનગરમાં પણ લાખોટા તળાવના વિકાસ માટે ૩૦ કરોડના ખર્ચે હાથ ધરાયેલા પ્રોજેક્ટમાં થઈ રહેલા ભ્રષ્ટાચારના મુદ્દે 'તીસ કરોડ કી ભેંસ ગઈ પાની મેં'ના સૂત્રો સાથે વિપક્ષના કોર્પોરેટરોએ કરેલા ધરણાં શું સૂચવે છે?...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh