Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાની નાની સમસ્યાઓ એવું 'ટોનિક' છે, જે નવા નવા 'ગોલ' નક્કી કરાવી શકે પણ...
દિશા સાન્યાલનો કેસ અને સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુની મિસ્ટ્રી એક સસ્પેન્સ થ્રીલર મૂવી જેવી બની રહી છે અને એની ચર્ચા ફરીથી શરૂ થઈ, ત્યરથી એક વખત ફરીથી ડિપ્રેશન, ડ્રગ્સ અને દગાબાજીના જુદા જુદા એંગલ્સની દિશામાં પણ વિવિધ તર્કો થવા લાગ્યા છે. ડ્રગ્સ અને દગાબાજીએ બન્ને ડિપ્રેશનમાં ધકેલી શકે તેમ હોવાથી ડિપ્રેશનમાં આત્મહત્યાની વૈશ્વિક સમસ્યાનું કોઈ નિરાકરણ કાયમી ધોરણે શોધવાની જરૂર પણ જણાવાઈ રહી છે. અતિશય હરખ અને અતિશય હતાશ શારીરિક અને માનસિક રીતે પણ જીવલેણ બની શકે તેમ હોવાથી સંવેદના, લાગણીઓ અને ગ્રંથીઓમાં બેલેન્સ રાખવું અત્યંત જરૂરી છે, કારણ કે લઘુતાગ્રંથી અને ગુરુગ્રંથી- એ બન્ને મનોભાવનાઓ એકંદરે હાનિકર્તા છે અને પડતી તરફ ધકેલી શકે છે, એ પણ હકીકત જ છે ને?
જો જીવન એકદમ સફળતાથી જ ચાલતું રહે અને કોઈ સમસ્યા જ ન આવે, તો પણ જીવનમાં નિરસતા આવી શકે છે, જો કે જીવન એટલે જ સમસ્યાઓ અને તેના ઉકેલ તથા સપનાઓ અને તેની પૂર્તિની પાછળ દોડતા રહેવાની અવિરત ચાલતી પ્રક્રિયા... જે જન્મથી મૃત્યુ પર્યંત દરિયામાં થતી ભરતી-ઓટની જેમ જ સતત ચાલતી જ રહે છે...
જો પોઝિટિવ થિન્કીંગ રાખીએ, તો નાની નાની સમસ્યાઓ એવું ટોનિક છે, જે નવા નવા 'ગોલ' નક્કી કરાવી શકે છે. સમસ્યાઓને જ સફળતાની સીડી બનાવવાનું કૌશલ્ય કેળવાઈ જાય તો નવા લક્ષ્યો નક્કી કરીને અણધારી અને અમૂલ્ય સફળતાઓ સાંપડી શકે છે, પરંતુ તે માટે જરૂરી છે હકારાત્મક અભિગમ... 'ઈગો' પર અંકુશ અને સ્વયં પર વિશ્વાસ...
કોઈ વ્યક્તિને જ્ઞાનતંતુઓની બીમારી થઈ જાય, મગજના દર્દો થાય, નસો સૂકાવા લાગે કે માનસિક સ્વાસ્થ્ય કથળવા લાગે, ત્યારે તેનો ઈલાજ થઈ શકે, પરંતુ કોઈ વ્યક્તિને સુપરિયારિટી કોમ્પ્લેક્ષ હોય કે ધન-દોલત, જ્ઞાન, હોદ્દા કે સફળતાઓનો ધમંડ હોય, ત્યારે તેનો ઈલાજ તો સમય જ કરી શકે છે, અને તેથી જ કહેવાયું છે કે,
સમય સમય બળવાન હૈ, નહીં પુરુષ બળવાન,
કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ-વહી બાણ...
જ્યારે સમય બદલે છે, ત્યારે ભલભલાના પાણી ઉતરી જતા હોય છે, અને તવંગરો પણ હરિફ અને બળવાનો પણ નમાલા અને લાચાર થઈ જતા હોય છે, અને આ પ્રકારના દૃષ્ટાંતો આપણી વચ્ચે જ જોવા મળતા હોય છે, બસ, થોડી બુદ્ધિચાતૂર્ય સાથેની તિક્ષણ દૃષ્ટિ જોઈએ... સાચી વાત છે ને?
એવું કહેવાય છે કે, 'અતિ ને ગતિ ન હોય'... કોઈપણ પ્રકારનો અતિરેક હંમેશાં હાનિકર્તા બની જતો હોય છે. કોઈપણ બીમારીની દવા-ઔષદ્ય એધ સાથે લઈ શકાતી નથી. ડોક્ટરે ત્રણ દિવસ સુધી સવાર-સાંજ પીવાની દવા કે ગોળી આપી હોય, તો તે જ પ્રમાણે લેવી પડે, પરંતુ જો એકસાથે પી જઈએ, તો કદાચ હોસ્પિટલમાં દાખલ થવું પડે કે જીવલેણ પણ બની જાય.
કોઈ સપનું સાકાર થાય, લક્ષ્ય સિદ્ધ થઈ જાય કે અણધારી સિદ્ધિ કે સફળતા મળી જાય, ત્યારે તેને શાંતિથી અને ગૌરવભેર સ્વીકારીએ, તેનું ગૌરવ પણ લઈએ, હરખના અતિરેકમાં માનસિક સમતુલન ન જળવાય તો આંટા મૂકાઈ જાય કે ગાંડપણ કે ધૂનીપતા (વ્હીમસિકલનેસ) ની બીમારી લાગુ પડી જવાની શક્યતા પણ ખરી.
એવી જ રીતે કોઈપણ વિપરીત સ્થિતિ, વિદંબણા, સમસ્યા, કંકાસ, ગંભીર ભૂલ, દેવું, બીમારી કે અન્ય કોઈપણ કારણોસર મન ગભરાટ કે મુંઝવણ અનુભવે કે પછી કોઈ પરીક્ષા, ઈન્ટરવ્યૂ, ડીલ કે ટેન્ડર પાસ કરાવવામાં નિષ્ફળતા મળે, ધંધામાં ખોટ જાય, સ્પર્ધામાં હારી જવાય કે કોઈ કારણે કોઈ અણધારી આફત કે અસમર્થન આવી જાય, ત્યારે એકદમ હતાશ થઈ જવાથી પણ માનસિક અસ્થિરતા, શારીરિક બીમારી, જીવલેણ દર્દ કે જિંદગીનો અંત લાવવા જેવા તદ્ન અસ્વીકાર્ય અને અયોગ્ય વિચારો આવવા જેવા માઠાં પરિણામો ભોગવવા પડી શકે છે. આ પ્રકારના સંજોગોમાં પણ માનસિક અને શારીરિક બેલેન્સ તથા સુદૃઢતાની અત્યંત જરૂર પડતી હોય છે. તદ્ન નિરાશા-હાતાશાના કારણે દિમાગ જાણે કામ કરતું જ બંધ થઈ જતું હોય છે, જેથી યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ નહીં શકાતા તેનો અણકલ્પ્ય અને અનિશ્ચિનિય અંજામ પણ આવી શકતો હોય છે. કોઈપણ સમસ્યાનો ઉકેલ હોય જ છે, કોઈપણ કંકાસ કે મુંઝવણ-વિટંબણાનો ઉપાય હોય જ છે, પરંતુ જરૂર હોય છે શાંત દિમાગથી, ધીરજપૂર્વક વિચારીને યોગ્ય કદમ ઊઠાવવાની, અને ઉતાવળ વગર નિર્ણયો લેવાની...
'ઉતાવળા શો બાવરા, ધીરા શો ગંભીર' અને 'ધીરજના ફળ મીઠાં છે' અથવા 'ઉતાવળે આંબા ન પાકે' જેવી કહેવતો પણ આ જ પ્રકારના અનુભવોના નીચોડમાંથી જ ઉત્પન્ન થઈ હશે. કોઈપણ પ્રકારના ઉશ્કેરાટ, જીદ, પૂર્વગ્રહ, પક્ષપાત કે હતાશા-નિરાશા કે પછી ઘમંડથી વધેલા નિર્ણયો ક્યારેય ફળતા હોતા નથી અને લાંબા ગાળે વધુ ઘાતક બની જતા હોય છે, તે પણ ઘણાં લોકોએ જોયું કે અનુભવ્યું જ હશે.
કોઈ આપણા પર પથ્થરો ફેંકે, તો તે જ પથ્થરો એક્ઠા કરીને તેની સામે ફેંકવાના બદલે તેમાંથી નાની ઈમારત કે જરૂરી ચણતરકામ કરીને સુવિધા ઊભી કરી શકાય છે, તેવું ઘણાં લોકો કહેતા હોય છે, તેવી જ રીતે નાની નાની તકલીફો, સમસ્યાઓ કે અડચણોને જ સીડી બનાવીને નવા લક્ષ્યાંકો નિર્ધારિત કરીને સિદ્ધ પણ કરી શકતા હોય છે.
એવું કહેવાય છે કે 'બડે બડે શહેરો મેં છોટી છોટી બાતે હોતી રહતી હૈ' અને તળપદી ભાષાની કહેવત મુજબ જો વાસણ ભેગા થાય, તો ખખડે ય ખરા, તે મુજબ જ નાની-મોટી સમસ્યાઓ અને અડચણો સામે જો ધીરજપૂર્વક અને કુનેહપૂર્વક લડીને તેને સિદ્ધિઓ તથા સફળતાઓમાં કન્વર્ટ કરી દેવામાં આવે, તો તેમાંથી જ હરણફાળ ભરવાનું જોમ આવી શકે છે અને જુસ્સો પ્રગટી શકે છે.
એવું કહેવાય છે કે નિષ્ફળતા એ જ સફળતાની સીડી છે, અને હતાશ થયા વિના પ્રયાસો કરતા રહેવા જોઈએ. પરાજય એ પીછેહઠ નથી, પરંતુ વધુ મહેનત કરીને વધુ પ્રબળતાથી જીતવાની બુનિયાદ છે. વિજયનું ગૌરવ લઈ શકાય, પરંતુ જો વિજયનો ઘમંડ આવી જાય, તો પતન થઈ શકે છે. તેવી જ રીતે પરાજયમાંથી બોધપાઠ લઈ શકાય, પરંતુ પરાજિત થવાની ગ્લાનિમાં હતાશા-નિરાશાની ગર્તામાં ધકેલાઈને ડિપ્રેશનમાં આવી જવાથી જીવનું જોખમ અથવા માનસિક રીતે અસ્વસ્થતા કે ગાંડપણ સુધીના ભયસ્થાનો પણ રહે જ છે ને?
આનંદ અનુભવવો, ખુશી થવી, હર્ષની લાગણી ઉત્પન્ન થવી એ સ્વભાવિક છે, પરંતુ જો તેનો અતિરેક થઈ જાય તો તે અનર્થ સર્જી શકે છે. તેવી જ રીતે દુઃખી થવું, આઘાત લાગવો, ગ્લાનિ થવી, રંજ થવો, અફસોસ થવો એ સ્વાભાવિક પ્રતિવેદનાઓ છે, પરંતુ જો તેનો અતિરેક થઈ જાય, તો તે પણ હાર્ટએટેક કે માનસિક અસ્વસ્થતા જેવી ભયાનક સ્થિતિ સર્જી શકે છે.
સૂકા મેવા ખાવાથી પોષણ મળે, પરંતુ તેનો અતિશય ઉપયોગ વિપરીત અસર પણ કરી શકે. શ્રદ્ધા-ભક્તિ અને કર્મકાંડ, સ્વાધ્યાય અને વ્રત-અનુષ્ઠાન થકી ઈશ્વરને પ્રાર્થી શકાય, પરંતુ તેનો પણ અતિરેક થવાથી શ્રદ્ધા એ અંધશ્રદ્ધામાં બદલાઈને કેટલીક સમસ્યાઓ પણ ઊભી કરી શકે છે. વ્યાયામ કરવો, દોડવું, ચાલવું, શ્રમ કરવો કે મેડિટેશન-યોગા કરવાથી તન અને મન બન્ને સારા રહે છે, અને મનદુરસ્તી તથા તંદુરસ્તી આવે છે, પરંતુ તેમાં પણ અતિરેક થાય તો શું થઈ શકે છે, તે આપણે બધા જાણીએ જ છીએ ને?
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial