Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જન્માષ્ટમી પર્વનો પ્રારંભ થઈ ગયો છે. મેળાઓ ધમધમવા લાગ્યા છે. આજે પાંચમ-છઠ્ઠ ભેગા છે. કાલે શિતળા સાતમ અને સોમવારે જન્માષ્ટમી છે. આ સંદર્ભે અનેક સ્થળે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ પછી નિયમ-કાયદાઓનો સખ્ત અમલ થતો હોવાથી ઘણાં સ્થળે રાઈડ્સનો પ્રશ્ન ઊભો થયો છે. રાજકોટમાં તો રાઈડ્સ વગર જ મેળો યોજવાની વાતો પણ થવા લાગી હતી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે, અને હાલાર સહિતના સ્થળોએ વરસાદની આગાહીના કારણે પણ મેળાઓ માણવા ઈચ્છતા લોકો તથા ધંધાર્થીઓમાં ચિંતા વધી છે.
ગઈકાલે જામનગરમાં મેયરના હસ્તે લોકામેળાના ઉદ્ઘાટન પછી આજથી શરૂ થયેલા શ્રાવણિયા તહેવારો છેક અમાસ સુધી ઉજવાશે, અને મનોરંજક માહોલ સર્જાશે. આ વખતે મેળાઓમાં રાજકોટના ગેમઝોન અગ્નિકાંડની અસરો સ્પષ્ટ જોવા મળી રહી છે, અને તંત્રો એક એક કદમ ખૂબ જ સાવચેતીપૂર્વક ઊઠાવી રહેલા જણાય છે, અને તેથી જ જામનગરમાં ર૦ ઓગસ્ટથી શરૂ થનારા લોકમેળાઓના ઉદ્ઘાટનમાં વિલંબ થયો હશે.
મેયર અને પદાધિકારીઓએ ઉદ્ઘાટન કર્યા પછી થયેલી સ્થળ ચકાસણીમાં પણ આ પ્રકારની વિશેષ સાવચેતી રાખવાની સાથે સાથે નિયમ-કાયદાઓનું ચૂસ્તપાલન કરવા સ્ટોલધારકો, રાઈડ્સવાળા તથા અન્ય ધંધાર્થીઓને તાકીદ કરવામાં આવી હતી, અને નિયમ વિરૂદ્ધ ખડકાયેલી રાઈડ હટાવવાની ફરજ પણ પાડવામાં આવી હતી. પરફોર્મન્સ લાયસન્સ આવતા પહેલા જ શરૂ થયેલો મોતના કૂવાનો ખેલ અટકાવી તેની એન્ટ્રી જ સીલ કરી દેવાઈ હતી, જે આ વખતે તંત્રની તથા સ્થાનિક શાસકો-પ્રશાસનો પર રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ સહિતની દુર્ઘટનાઓની ગાઢ અસરો દર્શાવે છે.
દ્વારકાનગરી ધમધમી રહી છે અને જગતમંદિર ઝળહળી રહ્યું છે. ભક્તોનો પ્રવાહ આજથી જ દિન-પ્રતિદિન વધતો જશે. સોમવારે ભગવાન દ્વારકાધીશના મંદિમાં શ્રીકૃષ્ણ પ્રાગટ્યના સમયે 'નંદઘેર આનંદ ભયો'ની ગુંજ સાથે દર્શન થશે, જેનું જિવંત પ્રસારણ રેડિયો, મીડિયા અને સોશ્યલ મીડિયાના માધ્યમથી સમગ્ર વિશ્વમાં નિહાળી શકાશે.
યાત્રાધામ દ્વારકામાં રાજ્ય સરકારે પણ 'દ્વારકા ઉત્સવ'ની થીમ હેઠળ ર૬ મી ઓગસ્ટે રાત્રે શ્રીકૃષ્ણ જીવનને સાંકળતો એક સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યો છે, જેમાં મંત્રી, સાંસદ, ધારાસભ્યો અને વિશેષ મહાનુભાવો જોડાવાના છે. આ કાર્યક્રમ રાબેતામુજબ માત્ર 'સરકારી' બની ન રહે અને મોટી સંખ્યામાં યાત્રિકો-દર્શનાર્થીઓ તથા ભાવિકો તેમાં જોડાય, તે ઈચ્છનિય રહે, ખરૃં કે નહીં?
દ્વારકા, બેટદ્વારકા, નાગેશ્વર, ગોપીતળાવ, શિવરાજપુર, ઈન્દ્રેશ્વર, ભડકેશ્વર, પંચકૂઈ, ચોપાટી સહિતના તમામ સ્થળોએ જ્યારે યાત્રિકો-પર્યટકોની ભીડ વધવાની છે, ત્યારે તંત્રોની પણ કસોટી થવાની છે. કોઈપણ પ્રકારની ભાગદોડ કે આગ-અકસ્માતની દુર્ઘટના ન બને, ખિસ્સાકાતરૂઓ અને ચિલઝડપ, ચોરી કે છેતરપિંડીનો ભોગ યાત્રિકો ન બને, સ્થાનિક પરિવહન, હોટલ-રેસ્ટોરન્ટ, ખાણીપીણી, ભોજન-નિવાસની પેઈડ સુવિધાઓ-સેવાઓ આપતા (વેંચતા) ધંધાર્થીઓ બેફામ નફાખોરી ન કરે, યાત્રિકોને પીવાનું પાણી, ફર્સ્ટ એઈડ, સેનિટેશન વગેરેની સુવિધાઓ 'નિઃશુલ્ક' અને ઠેર-ઠેર મળી રહે તે માટે તંત્રો-આયોજકો દ્વારા ખૂબ જ જાગૃતિ રાખવી અત્યંત જરૂરી છે, જેથી 'દ્વારકાને સાંકળતા યાત્રાધામોમાં ઉઘાડી લૂંટ ચાલે છે, સેનિટેશન-પાણીની યોગ્ય વ્યવસ્થા નથી, કે તેમાં પણ લૂંટ ચલાવાય છે, ગંદકીનું સામ્રાજ્ય છે' તે પ્રકારની છાપ લઈને આ વખતે પણ લોકો ન જાય...
યાત્રિકોના ધસારાને પહોંચી વળવા રેલવે તંત્ર તથા એસ.ટી. કોર્પોરેશન દ્વારા વધારાની ટ્રેનો અને બસો દોડાવાય છે, તે દરમિયાન પણ ખાવા-પીવાની વસ્તુઓ તથા પીવાનું પાણી અને સેનિટેશનની સુવિધાઓમાં નફાખોરી ન થાય, તે પણ જોવું જ પડે ને?
તહેવારો દરમિયાન મુસાફરોની હેર ફેર કરતા ખાનગી પરિવહન અને રિક્ષા-ટેક્સી જેવા સ્થાનિક પરિવહન દરમિયાન પણ નફારખોરી ન થાય અને બેફામ ટિકિટ-ભાડા ન લેવાય, તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે, કારણ કે કેટલાક પરિબળો લોકોના ધસારાનો લાભ ઊઠાવીને અનેકગણું ભાડું વસૂલતા હોય છે.
માત્ર યાત્રા સ્થળો જ નહીં, પરંતુ આ જ પ્રકારની તમામ તકેદારીઓ આગામી એકાદ મહિના સુધી ચાલનારા વિવિધ ઉત્સવો-ઉજવણીઓ અંતર્ગત યોજાતા લોકમેળાઓ, નાના-મોટા ભાતીગળ કે પ્રાસંગિક લોકમેળાઓ તથા વિશેષ તિથિ-તહેવારોને સાંકળીને યોજાતા મેળાળાઓ-વિશિષ્ટ કાર્યક્રમોના સ્થળો પર પણ એટલી જ લાગુ પડે છે, ખરૃં કે નહીં?
આ વખતે ચગડોળ (ચકડોળ) વાળા પણ ચકચોડે ચડ્યા છે અને છેક હાઈકોર્ટના દ્વારે પહોંચ્યા છે. એક અરજદારને તો હાઈકોર્ટે સુરક્ષા સંબંધિત નિયમોમાં હસ્તક્ષેપ કરવાની જ ના પાડી દીધી હોવાના અહેવાલો પછી કેટલાક રાઈડ્સવાળા પોતે જ આર્થિક મુશ્કેલીમાં પણ મૂકાઈ ગયા છે.
આવી સ્થિતિ નિર્માણ થવા પાછળનું કારણ એ છે કે, આ વખતે દર વર્ષ ચાલતી હતી તે પ્રકારની 'વ્યવહારૂ' કે ઢીલી નીતિરીતિ ચાલતી નથી. ધંધાર્થી વર્તુળોમાં થતી ચર્ચા મુજબ દર વર્ષે રાઈડ્સ વગેરે પહેલેથી જ ગોઠવાઈ જતા અને મોતનો કૂવો તથા વિવિધ મનોરંજક અન્ય સ્ટોલ્સ પણ પહેલેથી ગોઠવીને ધંધો શરૂ કરી દેવામાં આવતો હતો, અને મંજુરીની પ્રક્રિયા વગેરે સમાંતર રીતે ચાલતી રહેતી હતી. આમ 'મંજુરીની અપેક્ષા'એ ચાલુ કરી દેવામાં આવતી કોમર્શિયલ પ્રવૃત્તિઓ પર આ વખતે વાસ્તવમાં કડક નિયંત્રણોનો અમલ થતો દેખાય છે.
ગુજરાતીમાં કહેવત છે કે 'સૂકા ભેગું લીલું પણ બળી જાય', મતલબ કે સૂકુ ઘાસ સળગી ઊઠે અને આગ લાગે, ત્યારે તેની સાથે લીલું ઘાસ પણ સળગી જતું હોય છે. આવું જ કાંઈક રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ પછી થઈ રહ્યું છે, જેની મોટી અસરો રિયલ એસ્ટેટમાં પડતા અનેક સામાન્ય લોક હેરાન થતા હોવાના પ્રત્યાઘાતો પણ સામે આવી રહ્યા છે, જ્યાં અગ્નિકાંડ થયો, તે રાજકોટમાં તો જેના બાંધકામો પૂરા થઈ ગયા હોય, અને જરૂરી તમામ સુરક્ષાના માપદંડો જળવાયા હોય, તેવા મકાનોને પણ કમ્પ્લીશન સર્ટિફિકેટ વગેરે સમયસર મળતા નથી, તેવું જ સૌરાષ્ટ્રના ઘણાં શહેરોમાં બની રહ્યું છે.
હરખીલા હાલારમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ તથા તેની સાથેના તમામ તહેવારો ઉમંગભેર ઉજવાઈ રહ્યા છે, ત્યારે 'નોબત' અને માધવાણી પરિવાર નોબતના પ્રિય વાચકો, વિજ્ઞાનદાતાઓ, વિતરકો, પ્રતિનિધિઓ, પત્રકારો, શુભેચ્છકો, વીડિયો સમાચારના દર્શકો તથા સોશ્યલ મીડિયા-ઈન્ટરનેટના માધ્યમથી 'નોબત' સાથે સંકળાયેલા તમામ હિતેચ્છુઓ સહિત સૌને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial