Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચૂંટણી પૂરી થતાં જ નેતાજી વિદેશયાત્રાએ ઉપડી ગયા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને એક મોટા બંગલામાં ઉતારો આપવામાં આવ્યો. નેતાજીને બંગલો બહુ પસંદ આવ્યો એટલે તેમણે યજમાનને પૂછ્યું, *બહુ સરસ બંગલો છે. કઈ રીતે બનાવ્યો ?*
જવાબમાં યજમાન તેને બારી પાસે લઈ ગયા અને ત્યાં દૂર વહેતી એક નદી દેખાડીને પૂછ્યું, *પેલી નદી દેખાય છે ?*
*હા..*
*અને તે નદી પર બાંધેલો પુલ દેખાય છે ?*
*હા હા, બરાબર દેખાય છે..* નેતાજીએ કહ્યું.
*તો એ પુલ મેં બનાવ્યો છે, અને તેની સાથે સાથે આ બંગલો પણ. પુલ બનાવવા માટે મળેલા સિમેન્ટ, રેતી, કપચી, લોખંડ, વગેરેમાં મેં થોડી થોડી કરકસર કરી અને તેના વડે જ મેં આ બંગલો બનાવ્યો છે...*
નેતાજીના મનમાં આ પ્લાન સરસ રીતે બેસી ગયો. તેણે સ્વદેશ પરત ફરીને તરત જ એક પુલનો પ્લાન પાસ કર્યો અને તેની સામે જ પોતાના બંગલાનો પ્લાન પણ બનાવ્યો અને બંનેનું કામકાજ સાથે જ શરૂ કરાવ્યું.
આ વાતને લગભગ એક વર્ષ વીતી ગયું. નેતાજીનો બંગલો તો લગભગ તૈયાર છે, ઓરીજીનલ નકશામાં હતો તેના કરતાં પણ કદાચ વધુ સુંદર. પરંતુ પુલના કોઈ ઠેકાણા નથી. કદાચ પુલ બનાવવા માટે ફાળવવામાં આવેલા સિમેન્ટ, કપચી, રેતી, લોખંડ, વગેરે બધું જ બંગલો બનાવવામાં વપરાઈ ગયું છે...!
વળી નેતાજીની ફિલોસોફી પણ બહુ ઉચ્ચ કક્ષાની છે -- જેનું નામ તેનો નાશ. આ દુનિયામાં બધું જ નાશવંત છે. એટલે કે એક વખત પુલ બની જશે પછી તેનો પણ નાશ થવાનો જ છે. હવે આવી નાશવંત વસ્તુમાં પ્રજાના પૈસાનો બગાડ થોડો કરાય ?
આજકાલ પુલ તુટે કે પુલ પડે તેની કોઈને નવાઈ લાગતી નથી. ગંગા નદી પર બની રહેલો પુલ પૂરો બન્યા પહેલા જ બે વાર તુટ્યો તો લોકોએ ખુશ થઈને કહ્યું કે, *સારું થયું ને કે ઉદઘાટન પહેલા જ આ પુલ તૂટી પડ્યો. જો ઉદ્ઘાટન પછી તૂટ્યો હોત તો કેટલા માણસો મરી જાત ?!*
સાચું કહું તો આજ કાલ આપણા દેશમાં પડી જવું એ કોઈ શરમની વાત છે જ નહીં. જ્યારે કોઈ વ્યક્તિ પડે છે ત્યારે, તે જેટલી વધારે નીચો પડે છે તેટલી તેની પ્રતિષ્ઠા વધે છે.
વળી આજકાલ તો સોશિયલ મીડિયાનો જમાનો છે. ફેસબુક, યુટ્યુબ કે ઇન્સટા કશું પણ ચેક કરી લો, જે કોઈ યુવક / યુવતી જેટલા વધુ નીચા પડશે તેના રીલ વધુ વાયરલ થશે..
પુલ તૂટવાના પણ અનેક ફાયદાઓ છે. એક પુલ તૂટે પછી નવો પુલ બને ને ? નવો પુલ બને એટલે મજૂરોને રોજગારી મળે. સિમેન્ટ, રેતી, લોખંડ વગેરેનો વેપાર વધે. તેમાં પણ રોજગારીની નવી તકો ઉભી થાય. અને નેતાજી કે અધિકારીઓને મળતા કમીશનનું શું ? તે પૈસા પણ બધા ફરતા ફરતા માર્કેટમાં જ આવવાના છે અને સરવાળે માર્કેટમાં તેજી આવે.
સાચી વાત તો એ છે કે આજકાલ બધા જ લોકો નીચે પડવા માટે તૈયાર જ છે, બસ, બધા એક મોકાની રાહ જુએ છે. મને પણ ક્યારે મોકો મળે અને હું નીચે પડું... બાકી પુલનું તૂટવું અને બીજું એવું બધું તો એક બહાનું છે..
વિદાય વેળાએ : દર્દી : ડોક્ટર સાહેબ, મને શરદી થઈ છે...
ડોક્ટર : શું થાય છે તમને શરદીમાં ?
દર્દી. : નાકમાંથી પાણી હાઇલા જાય છે....
ડોક્ટર : તો નાકે ડોલ બાંધી દે, પાણીનું બિલ ઓછું આવશે...!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial