Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતમાં જેવી રીતે કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે, તેવી જ રીતે અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી થઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિપદના બન્ને મુખ્ય ઉમેદવારો- ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસની વચ્ચે તીવ્ર સ્પર્ધા છે. કેટલીક ટેલિવિઝન ચેનલોએ આ બન્ને પ્રતિસ્પર્ધીઓની વચ્ચેની ચર્ચા (ડિબેટીંગ) નું લાઈવ ટેલિકાસ્ટ કર્યું તે જે લોકોએ જોયું હશે, તેઓ એ સમજી જ શક્યા હશે કે બન્નેએ પોતપોતાના વિચારો કેટલી શાંતિથી મુદ્દાસર રજૂ કર્યા અને એન્કર્સે પૂછેલા તીખા પ્રશ્નો ના પણ ખૂબ જ શાંતિથી મુદ્દાસર જવાબો આપ્યા. બન્નેએ અમેરિકાને લઈને પોતપોતાનું વિઝન રજૂ કર્યું અને એકબીજાના શાસનગાળાને લઈને આકરી ટીકાઓ પણ કરી, પરંતુ ખૂબ જ શાલિનતાથી પોતાની વાતો રજૂ કરી. આપણી નેતાગીરીએ તેમાંથી ઘણું શિખવા જેવું ખરૃં...
અત્યારે આપણાં દેશમાં તો અમેરિકામાં ભારતીય લોકતંત્રની જે છાપ છે અને પૂર્વ કોંગી પ્રમુખ રાહુલ ગાંધીએ છેલ્લા બે દિવસ દરમિયાન અમેરિકામાં જે-જે સ્પષ્ટ અને તાર્કિક નિવેદનો કર્યા છે, તેની જ ચર્ચા ચાલી રહી છે અને રાહુલ ગાંધીનો 'નવો અવતાર' હોય, તે તેના નિવેનદમાં આવેલા બદલાવ, સચોટતા અને તર્કબદ્ધતાના કારણે હવે તેઓ મોદી સરકાર સામે ફ્રન્ટફૂટ પર લડી શકશે, અને આગામી સમયગાળામાં વિપક્ષી ગઠબંધન તરફથી વડાપ્રધાન પદનો ચહેરો બનવાની ક્ષમતા પ્રાપ્ત કરી લેશે, તેવા અભિપ્રાયો પણ વ્યક્ત થઈ રહ્યા છે. બીજી તરફ સ્વાભાવિક રીતે જ રાહુલ ગાંધીની સટાસટીથી સન્ન થઈ ગયેલા ભારતીય જનતા પક્ષના નેતાઓ રાહુલ ગાંધી વિદેશની ધરતી પર જઈને ભારતને બદનામ કરી રહ્યા હોવાના આક્ષેપો લગાવી રહ્યા છે. નોંધપાત્ર એ છે કે ઈન્ડિયા ગઠબંધનના મોટભાગના નેતાઓ રાહુલ ગાંધીના સમર્થનમાં મજબૂતીથી નિવેદનો આપી રહ્યા છે, તો એનડીએના એકાદ-બે અપવાદોને બાદ કરતા કેટલીક મહત્ત્વપૂર્ણ પાર્ટીના બોલકા નેતાઓ પણ બહુ કાંઈ બોલી રહ્યા નથી.
જો કે રાહુલ ગાંધીએ અમેરિકામાં વોશિંગ્ટન ડી.સી.માં શીખ સમુદાયને સાંકળીને કરેલા નિવેદનના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. ભારતમાં શીખો અને શીખધર્મસ્થાનોના મુદ્દે પંજાબના ભટિંડાથી ચૂંટાયેલા અકાલી દળના સંસદસભ્ય હરશિમરત કૌરે રાહુલ ગાંધીના નિવેદનને લઈને પ્રત્યાઘાતો આપતી વખતે ભાજપ પર પણ પ્રહારો કર્યા અને કહ્યું કે શીખોના મુદ્દે કોંગ્રેસ અને ભાજપ બન્ને દોષિત છે!
ભારતમાં વર્ષ ર૦ર૪ ની લોકસભાની ચૂંટણી નિષ્પક્ષ રીતે થઈ હોત અને તંત્રે (ચૂંટણીપંચે) શાસક પક્ષની તરફ ઝુકાવ ન રાખ્યો હોત તો ભાજપને ર૪૦ બેઠકો પણ મળી ન હોત, તેવા રાહુલ ગાંધીના નિવેદનના દેશવ્યાપી પડઘા તો પડ્યા જ છે, પરંતુ વિદેશી મીડિયામાં પણ તેની નોંધ લેવાઈ રહી હોવાથી ફરી એક વખત બંધારણીય સંસ્થાઓ સરકારના દબાણ હેઠળ કામ કરતી હોવાની તથા કેન્દ્રિય તપાસ એજન્સીઓનો શાસકપક્ષને ફાયદો થાય, તેવી રીતે દુરૂપયોગ થતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એ હકીકત છે કે છેલ્લા કેટલાક સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની સરખામણીમાં રાહુલ ગાંધીના નિવેદનોની ચર્ચા પણ નોંધપાત્ર રીતે વધવા લાગી છે!
અમેરિકામાં રાહુલ ગાંધીના નિવેદનોએ દેશમાં સનસનાટી ફેલાવી દીધી છે, જ્યારે ડોલાન્ડ ટ્રમ્પ અને કમલા હેરિસની લાઈવ ડિબેટીંગ પછી અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીની ચર્ચા અમેરિકા ઉપરાંત ભારતમાં પણ થવા લાગી છે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં દાખવેલા અભિગમ અને કોરોના પહેલા-મોદીના સંયુક્ત કાર્યક્રમ તથા તેના પ્રત્યાઘાતોની ચર્ચા પણ તાજી થઈ ગઈ હતી. તે સમયે યોજાયેલા 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમના કેવા ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતાં, તેની ચર્ચા પણ ઘણાંને યાદ આવી ગઈ હશે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચેની ડિબેટીંગ અને અન્ય કેમ્પેઈનની દૃષ્ટિએ આજે સવારથી જ ઈન્ટરનેશનલ મીડિયા સાથે સાથે ભારતીય મીડિયામાં પણ ચર્ચા થઈ રહી છે, અને અમેરિકાને પ્રથમ આફ્રિકી-અમેરિકી-એશિયાઈ મહિલા રાષ્ટ્રપતિ મળી પણ શકે છે, તેવા તારણો નીકળી રહ્યા છે. આમ દેશ-દુનિયામાં ચૂંટણીના ચક્રવ્યૂહો ચર્ચામાં છે.
નેશનલ અને ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ ર૦૪૭ સુધીમાં 'વિકસિત ભારત'નું લક્ષ્ય રજૂ કરતા હોય છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ લક્ષ્યના સંદર્ભે એક આગવો અભિગમ અપનાવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં રાષ્ટ્રકક્ષાના નીતિપંચની પેટર્ન પર ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશનની રચના કરી છે, જેને ટૂંકુ નામ 'ગ્રિટ' આપવામાં આવ્યું છે. વર્ષ ર૦૪૭ માટે વિકસિત ગુજરાતનો રોડમેપ દર્શાવતો વિઝન ડોક્યુમેન્ટ તૈયાર થયો હોવાનો દાવો કરાયો છે.
'ગ્રિટ'ના અધ્યક્ષસ્થાને હોદ્દાની રૂએ મુખ્યમંત્રી રહેશે. રાજ્યના નાણામંત્રી હોદ્દાની રૂએ 'ગ્રિટ'ના ઉપાધ્યક્ષ રહેશે. તે ઉપરાંત મંત્રીઓ, સેક્રેટરીઓ, વિવિધ ક્ષેત્રોના તજજ્ઞો સભ્ય તરીકે નિમાશે, તેવું જાહેર થયું છે.
વિકસિત ભારતના લક્ષ્યના સંદર્ભે વિકસિત ગુજરાતના આ વિઝનની પણ રાષ્ટ્રીય કક્ષાની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial