Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકારી સેવાઓ ડિજિટલ બની રહી છે અને ઓનલાઈન ડેટાબેઈઝ સિસ્ટમો લાગુ કરવામાં આવી રહી છે. કોઈપણ ડોક્યુમેન્ટ્સ કે દાખલા, પ્રમાણપત્રો, જુદી જુદી યોજનાઓના કાર્ડઝ, રેશનકાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ વગેરેમાં પણ હવે ઓનલાઈન સુધારા-વધારા થઈ શકે છે. કેટલીક યોજનાઓના રજિસ્ટ્રેશન પણ હવે ઓનલાઈન થાય છે. યોજનાકીય લાભો પહોંચાડવામાં પારદર્શિતા તથા લાભાર્થીના બેંક એકાઉન્ટમાં યોજનાકીય લાભોની પૂરેપૂરી રકમ સીધી જમા કરાવવાની ડીબીટી સિસ્ટમ દ્વારા ભ્રષ્ટાચાર પર લગામ લગાવવાના ઉદ્દેશ્યો જેવા ફાયદાઓ પણ થયા છે, પરંતુ સિક્કાની બીજી બાજુ પણ છે.
એક નાનકડા ગામડાના એક વિદ્યાર્થીએ પોતાની શાળાના વર્ગ શિક્ષક તથા આચાર્યને ઉદ્દેશીને લખેલો એક પત્ર સોશ્યલ મીડિયામાં ફરી રહ્યો છે, અને પ્રેસ-મીડિયાએ પણ તેની નોંધ લીધી છે. આ ત્રણ-ચાર લીટીનો પત્ર પ્રવર્તમાન સિસ્ટમની કડવી વાસ્તવિક્તા રજૂ કરે છે, અને નાનો સરખો યોજનાકીય લાભ મેળવવા માટે પણ કુમળી વયના બાળકો તથા માતા-પિતા-વાલીઓને કેટલી તકલીફ પડે છે, તેનું આ સચોટ દૃષ્ટાંત અદ્યતન સિસ્ટમના નામે લાદી દેવાયેલા સરકારી ગતકડાની માઠી અસરોને ઉજાગર કરે છે. આ પ્રકારની સિસ્ટમો સામાન્ય જનતાની સગવડો નહીં પણ અગવડો વધારે છે, જે પ્રશાસકીય સિસ્ટમ્સના ગાલે તમાચા સમાન છે.
આ બાળકે તેના વર્ગ શિક્ષક તથા આચાર્યને ઉદ્દેશીને લખ્યું છે કે શિષ્યવૃત્તિ માટે એટલા બધા આધાર-પુરાવા અને અપડેટ માંગવામાં આવે છે કે મારા માતા-પિતા વારંવાર તાલુકા અને બેંકના અનેક ધક્કા ખાઈને થાકી ગયા છતાં પૂરૃં થતું નથી. તેથી કંટાળીને મારી માતાએ કહ્યું કે આપણે શિષ્યવૃત્તિ જોઈતી નથી.
અહેવાલો મુજબ લોઅર પ્રાયમરીના વિદ્યાર્થીઓને રૂ. ૧૬પ૦ અને હાયર પ્રાઈમરી એટલે કે ધો. ૬ થી ૮ ના વિદ્યાર્થીઓને રૂ. ૧૯પ૦ની શિષ્યવૃત્તિની કોઈ યોજના માટે વાલીઓ, માતા-પિતાઓ દર દરની ઠોકરો ખાઈ રહ્યા છે. સરકારના જુદા જુદા વિભાગો દ્વારા બનાવાયેલા નિયમો, ડિજિટલ સિસ્ટમ્સ અને તેના ધાંધિયા તથા બેન્કીંગ પ્રક્રિયાની જટિલતા જોતા એવું જણાય છે કે આ લાભો સરળતાથી ગરીબ-સામાન્ય લોકોને આપવાની નિયત જ નથી.
રેશનકાર્ડના ડેટાબેઝમાં તમામ વિદ્યાર્થીઓનું આધાર બેઈઝ્ડ બાયોમેટ્રિક ઈ-કેવાયસી કરવાનો કોઈ આદેશ થયો હોવાથી આ પ્રકારની જટિલતા સર્જાઈ હોવાનું કહેવાય છે. વિદ્યાર્થીઓના આધારકાર્ડ અને રેશનકાર્ડના પરસ્પર લિન્કીંગ પછી વિદ્યાર્થીનું બેંક એકાઉન્ટ ખોલાવીને તેનું પણ લિન્કીંગ કરાવવું પડે, તો જ સ્કોલરશીપ મળે તેવા મનઘંડત નિયમો બનાવાયા હોવાની આલોચના પણ થઈ રહી છે.
જો રેશનકાર્ડમાં વિદ્યાર્થીનું નામ ન હોય, તો તે ચઢાવવા મામલતદાર કચેરીમાં જવું પડે, જો વિદ્યાર્થીનો પરિવાર રેશનકાર્ડ ધરાવતો જ ન હોય, તો તેને નવું રેશનકાર્ડ કઢાવવાની અઘરી પ્રક્રિયા કરવી પડે. બેંકમાં એકાઉન્ટ ખોલાવવું પડે. આધારમાં ન હોય તો વિદ્યાર્થીએ આધારકાર્ડ કરાવવું પડે અને તે બધાનું પરસ્પર લિન્કીંગ કરાવવું પડે. આવકનો દાખલો કઢાવવા અલગથી ધક્કા ખાવા પડે, અને તે પછી જ આ નાના-કુમળી વયના બાળકોને શિષ્યવૃત્તિ કે સ્કોલરશીપ મળે, તેવા નવા નિયમોથી સર્જાયેલી વિકટ સ્થિતિની કડવી વાસ્તવિક્તા રાજ્યના કોઈ જિલ્લાના નાનકડા ગામના વિદ્યાર્થીએ આ રીતે ઉજાગર કરી હોવાની ચર્ચા સોશ્યલ મીડિયામાંથી હવે શિક્ષણ જગત તથા રાજકીય વર્તુળો સુધી પણ પહોંચી ગઈ છે.
સરકારની ઘણી યોજનાઓમાં કારણ વગરની જટિલતાઓ ઊભી કરવામાં આવી રહી છે. શિષ્યવૃત્તિ, સ્કોલરશીપ કે અન્ય યોજનાઓમાં થતો કથિત ભ્રષ્ટાચાર અટકાવવા ટ્રાન્સપરન્ટ સિસ્ટમ હોય, તે જરૂરી છે, પરંતુ એ સિસ્ટમો એટલી જટિલ પણ ન હોવી જોઈએ કે જેથી મળનાર નાણાકીય લાભો જ ધક્કા ખાવા અને પોતાનું રોજ (દૈનિક રોજગારની આવક) ગુમાવવાના કારણે સવાહા થઈ જાય...!
મોટા મોટા ઉદ્યોગપતિઓને કોઈ પણ નક્કર ગેરન્ટી વગર કરોડો-અબજો રૂપિયાના ધિરાણો આપી દેતી ઘણી બેંકો પણ વિદ્યાર્થીઓ-વાલીઓને સ્કોલરશીપ, શિષ્યવૃત્તિ કે સરકારી યોજનાની નાનકડી સહાય માટે ખાતું ખોલાવવું હોય, ત્યારે સહયોગ આપતી હોતી નથી અને ધક્કા ખવડાવે છે, તેવી ફરિયાદો પણ ઊઠતી હોય છે, જ્યારે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન પછી રાતોરાત જરૂરી મંજુરીઓ આપીને જાયન્ટ ઉદ્યોગપતિને ઊર્જાનું વૈકલ્પિક માર્કેટ આપી દેવાય છે, તે શું સૂચવે છે?
ડિજિટલ ગુજરાતની સાઈટના ધાંધિયા, વારંવાર એરર, સર્વર ડાઉનની રોજીંદી તકલીફ અને અન્ય સિસ્ટોમેટિક ખામીઓના કારણે શિષ્યવૃત્તિની દરખાસ્તોની એન્ટ્રી પાડવામાં પણ વિલંબ થતો હોય છે. ઈ-કેવાયસીની પ્રક્રિયા હેઠળ આચાર્ય કે ટિચર્સ (શિક્ષકો) દ્વારા એપ ઓપન કરવામાં આવે, અને વિદ્યાર્થી-વાલીની મોબાઈલ ફોનમાં તેનો ઓટીપી આવે, તે પછી તેના આધારે આધારકાર્ડનું કેવાયસી થાય, અને તેના વિકલ્પો વાચીને રેશનકાર્ડના નંબર દાખલ કર્યા પછી ફરીથી વિદ્યાર્થીના વાલીના મોબાઈલમાં તેનો ઓટીપી આવે, તે પછી તો રેશન કાર્ડમાં પરિવારના જેટલા સભ્યો હોય, તેમાંથી અભ્યાસ કરતા બાળકોના ફોટા કેપ્ચર કરવા, તેની સાથે આધાર અને રેશનકાર્ડ તથા બેંક એકાઉન્ટની વિગતો મેચ થાય, તે પછી જ ઈ-કેવાયસી સંપન્ન થાય અને વિદ્યાર્થીની દરખાસ્ત સબમીટ થાય. આટલી જટિલ પ્રક્રિયા જો કરોડોના ધિરાણો આપતી વખતે બેંકો અપનાવતી હોત કે અબજો રૂપિયાના કોન્ટ્રાક્ટો આપતી વખતે સરકારો અપનાવતી હોય તો કદાચ વિજય માલિયાઓ, નિરવ મોદીઓ, મેહુલ ચોક્સીઓ જેવા ફ્રોડ થયા જ ન હોત, ખરૃં કે નહીં?
ઘણી વખત તો વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માત્ર દોઢ-બે હજારની મળવાની હોય અને તેના વાલીઓને બેંકો પાંચેક હજાર રૂપિયાની રકમ જમા કરાવવાથી જ ખાતુ ખુલે તેવું જણાવતી હોવાની રાવ પણ સંભળાતી હોય છે.
સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વિદ્યાર્થીના પત્ર અને તેના અનુસંધાને થતી ચર્ચાની હકીકત જે હોય તે ખરી, પરંતુ આ જ પ્રકારની જટિલતાનો સામનો વયોવૃદ્ધ પેન્શનરો, વિધવા-સહાય કે દિવ્યાંગોની સહાય મેળવતા બુઝુર્ગો તથા પેન્શનરના મૃત્યુ પછી કુટુંબ પેન્શન માટે ટળવળતી વિધવા બહેનો તથા પરિવારોને પણ કરવો પડતો હોય છે. એવું કહેવાય છે કે શિષ્યવૃત્તિ, સ્કોલરશીપ જેવી યોજનાઓની પ્રક્રિયા સરળ કરવા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘે રાજ્યના શિક્ષણ મંત્રી સુધી રજૂઆતો પણ કરી છે, અને ઓનલાઈન પ્રક્રિયાની તકલીફો શાળા સંચાલક મંડળે પણ રજૂ કરી છે. જોઈએ, હવે સરકાર કેવા કદમ ઊઠાવે છે તે...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial