Advertisement
Author: નોબત સમાચાર

આવારા કૂતરા-પ્રાણીઓ કરડે, તે જીવલેણ પણ બની શકે... જનજાગૃતિ ઉપરાંત તંત્રોમાં સંવેદના જરૂરી...

રેશનકાર્ડમાં ઈ-કેવાયસીના મુદ્દે હવે રાજ્ય સરકાર દ્વારા કેટલીક ગાઈડલાઈન્સ સાથે ખુલાસા કરવામાં આવી રહ્યા છે, તો રાજકોટમાં આઠેક મહિના પહેલા રૂા. ૧ર૧ કરોડના ખર્ચે નિર્મિત જે જનાના હોસ્પિટલનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થયું હતું, તેની છત તૂટી જતા ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વિપક્ષના નેતાઓ તડાપીટ બોલાવી રહ્યા છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં પણ કેસો કાઢવાની કામગીરીનો કોન્ટ્રાક્ટ દિવ્યાંગોની જે સંસ્થાને અપાયો, તેઓને પૂરતું વળતર નહીં મળતું હોવાના તથા આ દિવ્યાંગ કર્મચારીઓને માત્ર પાંચ-સાત હજાર જેટલો જ પગાર મળતો હોવાની ચર્ચાએ બધાનું ધ્યાન ખેંચ્યું છે.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં કૂતરૂ કે અન્ય કોઈ પ્રાણી કરડાવાના કેસોમાં જે રેબિઝ એટલે કે હડકવા વિરોધી રસી મૂકવામાં આવે છે, તે દર્દીઓનો હિસ્ટ્રી જાણીને શહેરમાં જ્યાં કૂતરૂ કે અન્ય પ્રાણી કરડતું હોય, તે અંગેની પૂરી તપાસ કરીને જો ચેપ લાગ્યો હોય તો તેનું તે મુજબનું કાળજીપૂર્વક ડ્રેસીંગ તથા સારવાર પહેલેથી જ કરવામાં આવે, તો ઈન્ફેક્શનના કારણે લાંબા સમય સુધી ડ્રેસીંગ કરાવવાની દર્દીઓની મુશ્કેલી પણ હળવી થાય, અને હોસ્પિટલ પર ભારણ પણ ઘટે, તેવા પ્રતિભાવો પણ હડકવા વિરોધી દિન મનાવાઈ રહ્યો છે. તેના સંદર્ભમાં સામે આવી રહ્યા છે, કારણ કે હડકવા વિરોધી રસી ફક્ત સરકારી હોસ્પિટલોમાં જ મૂકવામાં આવે છે.

દર વર્ષે ર૮ મી સપ્ટેમ્બરે વર્લ્ડ રેબીઝ ડે મનાવાય છે, તેના સંદર્ભે જામનગર સહિત હાલારમાં રખડતા કૂતરાઓનો વધેલો ત્રાસ તથા કૂતરા કે અન્ય પ્રાણી કરડવા કે નાના બાળકોને ઊઠાવી જવા જેવી ગ્રામ્ય વિસ્તારોમાં ઘટનાઓ વધી રહી છે. તેની ચર્ચા પણ આજે થઈ રહી છે, અને વિવિધ સૂચનો તથા અભિપ્રાયો વ્યક્ત થઈ રહ્યા છે. રેબીઝ ડે નિમિત્તે ગુજરાત સહિત દેશ અને દુનિયામાં વિવિધ જનજાગૃતિના કાર્યક્રમ પણ યોજાઈ રહ્યા છે.

હડકવાને અંગ્રેજીમાં રેબીઝ કહે છે. આ વિષાણુજન્ય ગંભીર રોગ છે, જેનો ચેપ મગજ સુધી પહોંચતા માનવી જીવ ગુમાવે છે. આ પ્રકારના રોગનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથો તથા વેદોમાં પણ હોવાનું કહેવાય છે.

સામાન્ય રીતે હડકાયું કૂતરૂ કરડવાથી આ રોગ થાય, તેવું મનાય છે, પરંતુ આ પ્રકારનો રોગ મોટાભાગે કૂતરાઓ ઉપરાંત અન્ય સસ્તન પ્રાણીઓમાં વધુ જોવા મળે છે. કૂતરા વરૂ, શિયાળ, બિલાડી, વાંદરા, જંગલી બિલાડી, ચામાચીડિયા સહિતના અનેક સસ્તન પ્રાણીઓ રેબીઝનો ભોગ બનતા હોય છે, પરંતુ માનવી વસતિની વચ્ચે મોટાભાગે રહેતા શ્વાન અને વાંદરા જેવા પ્રાણીઓના કારણે માનવીને આ રોગનો ભોગ વધુ બનવું પડતું હોય છે.

આપણે કોઈપણ પ્રકારનું કૂતરૂ કરડે તે પછી તરત જ રેબીઝની રસી મૂકાવી લઈએ તે હિતાવહ છે, કારણ કે જો કરડેલા કૂતરામાં રેબીઝ હોય તો તે મનુષ્ય માટે જીવલેણ બની શકે છે. હડકાયા પ્રાણીની લાળ દ્વારા જ્ઞાનતંતુઓમાં હડકવાનું ટ્રાન્ઝેક્શન ફેલાતા તે થોડા સમયમાં મૃત્યુ પામે છે, પરંતુ તે દમિયાન કોઈપણ અન્ય પ્રાણી કે મનુષ્યને કરડે તો તેમાં પણ રેબીઝનો ચેપ ફેલાઈ જતો હોય છે, અને તેના પર પણ મૃત્યુનો ખતરો ઝળુંબવા લાગે છે.

હડકવા લાગુ થયા પછી તેને અંકુશમાં લઈ શકાતો નથી, પરંતુ હડકવા વિરોધી રસી જો કૂતરૂ કે જાનવર કરડે કે તરત જ મૂકાવી લેવામાં આવે તો તે રસી હડકવાના જંતુઓને (વિષાણુઓને) મગજ સુધી પહોંચતા અટકાવીને ખતમ કરે છે, જેથી મનુષ્યનો જીવ બચાવી શકાતો હોય છે.

એવું કહેવાય છે કે, આપણા પ્રાચીન ગ્રંથોમાં આ રોગનો ઈલાજ વિવિધ રીતે થતો હોવાના ઉલ્લેખ મળે છે, પરંતુ પ્રવર્તમાન યુગમાં હડકવા વિરોધી રસીની શોધ વર્ષ ૧૮૮પ માં સાયન્ટિસ્ટ લુઈ પાશ્વરે કરી હોવાનો હીસ્ટ્રી છે.

ભારતમાં દર વર્ષે કરોડો લોકોને કૂતરા કે અન્ય પ્રાણીઓએ બચકા ભર્યા હોવાના કેસ નોંધાય છે. દેશમાં હડકવાથી હજારો લોકો દર વર્ષે મૃત્યુ પામતા હોવાનું પણ કહેવાય છે, જો કે સરકારી હોસ્પિટલોમાં હડકવા વિરોધી રસી મૂકાવી શકાય છે, પરંતુ આ અંગે અજ્ઞાનતા અને અંધવિશ્વાસની સામે વધુ જનજાગૃતિ ફેલાવવાની જરૂર છે, ખરૃં ને?

તાજેતરમાં ગુજરાતના પ૬ જેટલા સામૂહિક આરોગ્ય કેન્દ્રો તથા જનરલ હોસ્પિટલોમાં રેબીઝની વેક્સિનની તંગીના અહેવાલો આવ્યા હતાં અને ઈમ્યુનોગ્લોબીન ૩૦૦ આઈ.યુ. ઈન્જેકશનનો પૂરતો જથ્થો તમામ આરોગ્ય કેન્દ્રો-જનરલ હોસ્પિટલો, મેગા હોસ્પિટલો તથા એઈમ્સમાં ઉપબ્લધ રહે, તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારોએ વિશેષ કાળજી તો લેવી જ જોઈએ ને?

એક અંદાજ મુજબ દેશમાં દર વર્ષે ર૦ થી રપ્ હજાર લોકો હડકવા થતા જીવ ગુમાવતા હોવાના કેસો નોંધાય છે, જેમાં સરકારી ચોપડે નહીં નોંધાયેલા, દુર્ગમ વિસ્તારોમાં સરકારી હોસ્પિટલે નહીં પહોંચી શકતા વેક્સિન સમયસર નહીં મળવાની કે અંધશ્રદ્ધા કે અજ્ઞાનતાના કારણે સરકારી ચોપડે નહીં નોંધાયેલા સેંકડો કે હજારો કેસોનો સમાવેશ થતો નથી. આ વેક્સિન માત્ર સરકારી આરોગ્ય કેન્દ્રો-હોસ્પિટલમાં જ મળતા હોય, પૂરતો જથ્થો પણ રાખવો જ પડે ને?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh