Advertisement
Author: નોબત સમાચાર

હરિયાણા, જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પરિણામોના સૂચિતાર્થો...

આજે સવારથી જ સૌ કોઈની નજર હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની મતગણતરી પર હતી અને માત્ર રાજકીય પક્ષો જ નહીં, પરંતુ વિવિધ બિન-રાજકીય માધાંતાઓ તથા દેશવાસીઓ તેમજ દુનિયામાં પથરાયેલા હમવતનીઓ પણ આ ચૂંટણી પરિણામો પર નજર રાખીને બેઠા હતાં. પહેલેથી જ એવું કહેવાતું હતું કે આ ચૂંટણી પરિણામો દેશની રાજનીતિ પર પણ દીર્ઘકાલિન અસરો કરવાના છે, અને નજીકના સમયમાં મહારાષ્ટ્ર, ઝારખંડ વગેરે અન્ય રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી પર પણ અસરો પડવાની છે.

બપોર સુધીનો ટ્રેન્ડ જોતા જમ્મુ-કાશ્મીરમાં એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન તોતીંગ બહુમતી સાથે સરકાર રચવા જઈ રહ્યું હોય તેમ જણાય છે. હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની જનતાએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. બન્ને રાજ્યોના અંતિમ પરિણામો આજે સાંજ સુધીમાં આવી જાય, ત્યારે સ્થિતિ સ્પષ્ટ થઈ જશે, પરંતુ જનતાએ સમતોલ જનાદેશ આપીને હરિયાણામાં ભાજપને ફરીથી તક આપી હોય, અને જમ્મુ-કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા તથા રાહુલ ગાંધીની પાર્ટીઓના ગઠબંધનને જનાદેશ આપ્યો હોય તેમ જણાય છે, જો કે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવવાનો મુદ્દો સરકાર રચાયા પછી પણ ઊભો જ રહેવાનો હોવાથી તેની અલગથી ચર્ચા થઈ રહી છે.

મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા, સાંસદ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉત સહિત કેટલાક નેતાઓ અવારનવાર ઈવીએમ સામે સવાલ ઊઠાવતા રહ્યા હોવાથી તે મુદ્દો પણ ઉછળશે, જો કે જમ્મુ-કાશ્મીરમાં વિપક્ષી ગઠબંધનને જનાદેશ મળે તેમ હોવાથી કદાચ આ મુદ્દો બહુ ઉછળે નહીં, તો પણ હરિયાણામાં તમામ એક્ઝિટ પોલ્સ ઉલટા પડે એટલે કે અનુમાનોથી વિપરીત પરિણામો આવે તો તેની સામે પણ સવાલો તો ઊઠવાના જ છે, અને આ મુદ્દે ભાજપ-એનડીએ દ્વારા કેવા જવાબો અપાશે, તે પણ નક્કી જ છે, ખરૃં કે નહીં?

આજના ચૂંટણી પરિણામો પછી ભાજપને થોડો હાશકારો પણ થશે, કારણ કે જો આ બન્ને રાજ્યોમાં જબ્બર પછડાટ ખાધી હોત, તો ભારતીય જનતા પક્ષમાં ટોપ-ટુ-બોટમ નિરાશા વ્યાપી ગઈ હોત અને એનડીએ પણ ઝડપથી વિખેરાવા લાગ્યું હોત, તેથી એમ કહી શકાય કે હરિયાણાની જનતાએ ભાજપના રાષ્ટ્રીય અસ્તિત્વને થોડો ઓક્સિજન આપી દીધો છે, જો કે હવે બન્ને રાજ્યોમાં સરકારો રચાયા પછી પણ આંતરિક ખેંચતાણની શક્યતાઓને નકારી શકાતી નથી, તો બીજી તરફ કોંગ્રેસ પણ આ ચૂંટણીઓ પછી પોતાની રણનીતિ નવેસરથી નક્કી કરશે તેમ જણાય છે.

હરિયાણામાં જેજેપી, બીએસપી વગેરે નાના પક્ષોનું ગઠબંધન, કોંગ્રેસ, ભાજપ તથા અપક્ષોના કારણે મતો વહેંચાઈ જતા એક્ઝિટ પોલ્સવાળાઓની ગણતરીઓ થાપ ખાઈ ગઈ હોવાની ચર્ચા પણ થઈ રહી છે. જો હરિયાણામાં એક સામે એક એટલે કે વર્તમાન શાસક પક્ષ સામે તમામ વિપક્ષો તરફથી એક જ ઉમેદવાર મેદાનમાં હોત અને બળવાખોર અપક્ષો ઓછા હોત તો પરિણામો કાંઈક અલગ જ હોત, તેવા તારણો પણ નીકળી રહ્યા છે.

જો કે 'જો જીતા વો હી સિકંદર'ની ઉક્તિ મુજબ હરિયાણા તથા જમ્મુ-કાશ્મીરમાં સંયુક્ત દૃષ્ટિએ જોઈએ તો જનતાએ મુખ્ય પક્ષોને રાજી રાખ્યા છે, જ્યારે કેટલાક સ્થાનિક પક્ષો તથા નેતાઓને તેનું સ્થાન પણ બતાવી દીધું છે.

જો કે, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો આવે, તે પહેલાથી મહારાષ્ટ્રમાં સબળ-ડખળ ચાલુ થઈ ગયું છે. ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી હર્ષદવર્ધન પાટીલ શરદ પવાર જુથની એનસીપીમાં જોડાયા પછી સંજય રાઉતે એવો સંકેત આપ્યો છે કે હવે મહારાષ્ટ્રની ચૂંટણી જાહેર થતા જ ભાજપમાંથી ઘણાં નેતાઓ અઘાડીમાં જોડાશે.

હરિયાણા અને જમ્મુ-કાશ્મીર ઉપરાંત મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાયા પછી તેના પરિણામોની દીર્ઘકાલિન અસરો પણ રાષ્ટ્રીય રાજનીતિ પર પડશે અને સમીકરણો બદલાઈ, તેવા સંકેતો મળી રહ્યા છે.

બીજી તરફ બિહારમાં એનડીએની સરકાર સત્તારૂઢ છે, પરંતુ રાષ્ટ્રીય કક્ષાની મિટિંગોમાં નીતિશ કુમારના બદલે સમ્રાટ ચૌધરી મોટાભાગે હાજર રહેતા હોવાથી થઈ રહેલી અટકળો વચ્ચે આરજેડીના પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ એવી ભવિષ્યવાણી કરી હતી કે બિહારમાં હરિયાણા, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પછી નવા જુની થવાની છે અને રાજકીય ક્ષેત્રે જબરા ઉથલપાથલ થયા પછી નીતિશ કુમારની ખુરશી ડગમગવા લાગશે. બિહારમાં ભારતીય જનતા પક્ષ નીતિશ કુમાર પર મુખ્યમંત્રીપદ છોડવાનું દબાણ કરી રહ્યો હોવાનો આક્ષેપ કરતા તેમણે ભાજપ પર પણ પ્રહારો કર્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh