Advertisement
Author: નોબત સમાચાર

બિસ્માર માર્ગોની મરામત તો શરૂ થઈ ગઈ પણ...

ગુજરાતમાં ભારે વરસાદના કારણે થયેલા નુક્સાન સામે રાજ્યના કૃષિમંત્રીએ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે, જ્યારે જામનગરની મહાનગરપાલિકા સહિત રાજ્યભરમાં વરસાદ અને પૂર કે જલભરાવ, લેન્ડસ્લાઈડ વિગેરે કારણે બિસ્માર થઈ ગયેલા માર્ગોની મરામત શરૂ કરાઈ છે. બીજી તરફ ઈપીસી મોડ હેઠળ બંધાતા નેશનલ હાઈ-વેઝનો ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ પાંચ વર્ષથી વધારીને દસ વર્ષનો કરાયો હોવાના અહેવાલો પણ આવ્યા છે.

ખુદ કેન્દ્રિય માર્ગ-પરિવહન મંત્રી નીતિન ગડકરી જ કહે છે કે ઈપીસી મોડ હેઠળ બંધાતા માર્ગની ક્વોલિટી સારી નહીં હોવાથી ત્રણ વર્ષમાં જ તૂટી-ફૂટી જવા લાગે છે, જ્યારે તેનો ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ એટલે કે જવાબદારી પાંચ વર્ષ સુધીની હોય છે. તેમણે કહ્યું કે, બીઓટી એટલે કે બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર સિસ્ટમ અથવા હાઈબ્રિડ સેન્યુઈટી મોડલ (એચએએમ) સિસ્ટમ હેઠળ નિર્માણ થયેલા રસ્તાઓની સારી સ્થિતિ જળવાઈ રહે છે, કારણકે તેના મેન્ટેનન્સની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહે છે, અને તેના ખર્ચે જ મરામત કરવી પડતી હોય છે. આથી જ સેન્ટ્રલ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે એન્જિનિયરીંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (ઈપીસી) પ્રોજેક્ટો માટે ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ પાંચ વર્ષથી વધારીને દસ વર્ષનો કરવાનું નક્કી કર્યું છે. આ કારણે હવે ઈપીસી હેઠળ માર્ગોનું નિર્માણ કરતા કોન્ટ્રાક્ટરોને પણ ઉત્તમ ગુણવત્તાના માર્ગો જ બનાવવા પડશે, તેવો દાવો કેન્દ્રિય માર્ગ-પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કર્યો છે, ત્યારે જોઈએ, હવે શું થાય છે તે...

આ તો વાત થઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની... પરંતુ ગુજરાતમાં તો ભારે પૂર, અતિવૃષ્ટિ અને જલભરાવના કારણે ગ્રામ્ય, શહેરી અને સ્ટેટ હાઈ-વેઝ પણ તદ્ન તૂટી ફૂટી ગયા છે, અને કેટલાક રસ્તાઓ પર તો એટલા મોટા ખાડા પડી ગયા છે કે વાહનો ચલાવવા જ મુશ્કેલ બની રહ્યા છે. આ સંજોગોમાં રાજ્યભરમાંથી બિસ્માર માર્ગોના તત્કાળ સમારકામની માંગ ઊઠી રહી છે, જો કે જામનગરની મહાનગરપાલિકાના તંત્રોએ નગરમાં આંતરિક મર્ગોને થીંગડા મારવાની કામગીરી શરૂ કરી દીધી છે, પરંતુ તે હવે કેટલી ઝડપે, કેવી ગુણવત્તાવાળા અને ક્યા ક્યા અને કેટલા વિસ્તારોમાં કામગીરી થાય છે, અને ક્યાં સુધી ટકે છે, તે જોવાનું રહે છે.

તદુપરાંત થીગડા માર્યા પછી આવતા ચોમાસા પહેલા માર્ગોનું મજબૂત નવીનિકરણ કરવા માટે કેટલી ઝડપે આયોજનો થાય છે, તે પણ જોવાનું રહેશે.

ગઈકાલે આવેલા અહેવાલો મુજબ જામનગરમાં ત્રણેક કરોડ રૂપિયાના ખર્ચે શહેરના મેઈન માર્ગોનું રીપેરીંગ શરૂ થયું છે, તે ઉપરાંત જામનગરથી ચારેય દિશામાં બહારથી આવવાના માર્ગો પ્રવેશદ્વારો પાસેના માર્ગોના વિસ્તૃતિકરણ માટે વીસ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરાશે, તેવું પણ જાહેર કરાયું છે.

આ વર્ષે છેક નવરાત્રિ સુધી વરસાદ પડ્યો અને હજુ પણ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. વર્ષ દરમિયાન પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે ગ્રામ્ય, શહેરી અને ધોરીમાર્ગો તહેશ-નહેશ થઈ ગયા છે, તૂટી ફૂટી ગયા છે. આ બિસ્માર માર્ગોની તત્કાલ મરામત કરવાની માંગ ચોતરફથી ઊઠી રહી છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ સંબંધિત તંત્રો પણ દોડતા થયા છે, તો કેટલાક સ્થળે મરામતની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરી દેવામાં આવી હોવાના દાવાઓ પણ થઈ રહ્યા છે.

વરસાદ ધીમો પડ્યા પછી રાજ્ય સરકારે માર્ગોની મરામતનું પ્રાથમિક આયોજન કર્યું જ હતું, ત્યાં ક્રસર (ભરડીયા), કાંકરી, કપચીના ઉત્પાદકોની હડતાલના કારણે કામો થંભી ગયા હતાં. હવે એ આંદોલન સમેટાઈ ગયું છે અને હડતાલ પાછી ખેંચાઈ ગઈ હોવાથી કાંકરી-કપચીનો જથ્થો મળવા લાગતા જામનગરના કેટલાક મુખ્ય માર્ગોની મરામત શરૂ થઈ ગઈ છે. આ કામગીરી માત્ર થીગડા મારવાની છે, અને સંપૂર્ણ નવીનિકરણ કે આધુનિકરણ થઈ રહ્યું નથી તેવી ચોખવટ પણ થઈ છે.

એવું જાહેર થયું છે કે, મનપા દ્વારા ખંભાળિયા, રાજકોટ, કાલાવડ તરફના નગરના પ્રવેશદ્વારો પાસેના ધોરીમાર્ગોનું વિસ્તૃતિકરણ કરાશે, અને બે-ત્રણ કિલોમીટર સુધીના માર્ગો વધુ પહોળા કરાશે. રાજકોટ તરફના પ્રવેશદ્વારથી ધુંવાવ તરફ સિક્સલેન, ધુંવાવ-ખીજડિયા બાયપાસનો નવો રોડ, સમર્પણ હોસ્પિટલથી નાઘેડી બાય પાસનો સિક્સ લેન અને કાલાવડનાકાથી મહાપ્રભુજીની બેઠક સુધી ફોરલેન, ઠેબા ચોકડી સુધી રિકાર્પેટ અને હરિયા કોલેજથી સાંઢિયા પુલ સુધીના રોડનું નવીનિકરણ કરાશે, એ ઉપરાંત જામનગર જિલ્લા પંચાયત દ્વારા પણ કેટલાક ગ્રામ્ય માર્ગોની મરામત હાથ ધરાઈ હોવાના અહેવાલો આવ્યા પછી હવે આ મરામત ગુણવત્તાયુક્ત થાય અને લોટ પાણીને લાકડા જેવું ન થાય, તે જોવાનું રહેશે.

એક તરફ દિવાળીના તહેવારો ટાણે લોકોમાં ઉત્સાહ છે, તો ગરીબ-નિમ્ન મધ્યમ વર્ગિય પરિવારોને મોંઘવારી પણ નડી રહી છે. ખાદ્યતેલનો ડબ્બો મોંઘો થાય કે ક્રૂડ ઓઈલના ભારો ઘટે ત્યારે પણ પેટ્રોલિયમ પેદાશોના ભાવો વધે અથવા સ્થિર રહે, ત્યારે ઈન્ટરનેશનલ ડિપ્લોમસીનો આમ આદમીને શું ફાયદો? તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે. તેમ છતાં ગર્વભેર કહેવાય કે મેરા ભારત મહાન... જય જય ગરવી ગુજરાત...!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh