Advertisement
Author: નોબત સમાચાર

સેટિંગ, ચિટીંગ, ચેટીંગ... નવા નુસ્ખા, નવા પ્રોબ્લેમ, નવા સોલ્યુશન વિચારો...

ઈન્ટરનેટનો જમાનો છે. હમણાંથી સોશ્યલ મીડિયાના હાથવગા માધ્યમ થકી લોકોમાં છૂપાયેલા કૌશલ્યો, ડાયનેમિક કોન્સેપ્ટ્સ અને ઈનોવેટિવ ક્ષમતાઓ બહાર આવી રહી છે, તો બીજી તરફ તેનો ભરપૂર દુરૂપયોગ પણ થઈ રહ્યો છે. ઝડપી મેસેજીંગની સુવિધા રાઉન્ડ ધ ક્લોક અને પોર્ટેબલ સ્વરૂપમાં ઉપલબ્ધ હોવાથી માત્ર યુવવર્ગ જ નહીં,પરંતુ અબાલવૃદ્ધ-તમામ વયજુથના લોકો ચેટીંગનો મનોરંજન તથા વિવિધ ઉદ્દેશ્યો માટે ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. ચેટીંગ-મેસેજીંગ એવું માધ્યમ છે, તેના દ્વારા તમે ફોનમાં કે રૂબરૂમાં વ્યક્ત કરી શકતા ન હોવ તેવા તમારા અભિપ્રાયો, વિચારો અને લાગણીઓ વ્યક્ત કરી શકતા હોવ છે, તેથી હાલમાંથી ઓનલાઈન ચેટીંગની વ્યાપક્તા એટલી વધી ગઈ છે કે તે જીવનપ્રણાલિનું મહત્ત્વપૂર્ણ અંગ ઘણાં લોકો માટે બની ગયું છે.

ચેટીંગની સુવિધાના જેટલા ગેરફાયદા છે, એટલા જ ફાયદા પણ છે. મેસેજીંગનો વ્યાપક ઉપયોગ સરકારી સેવાઓથી માંડીને આરોગ્ય-તબીબી સુવિધાઓ તથા માર્કેટીંગ માટે થઈ રહ્યો છે, તેવી જ રીતે ચેટીંગનો ઉપયોગ પણ વિવિધલક્ષી અને પ્રોડક્ટિવ પણ થઈ રહ્યો છે. જેટલો ચેટીંગનો પોઝિટિવ પ્રયોગ થાય છે, તેટલો જ નેગેટીવ ઉપયોગ પણ થાય છે, જે ઘણી વખત પ્રોબ્લેમેટિક અને પડકારજનક પણ બની જતો હોય છે.

ઈન્ટરનેટના ઉપયોગ થકી હવે નાણાકીય વ્યવહારો સરળ બન્યા છે, અને ટ્રાન્ઝેક્શન ઝડપી બન્યું છે. ડિજિટલ પેમેન્ટનો નવો યુગ શરૂ થયો છે. જેના કારણે ખરીદ-વેંચાણ જ નહીં, પરંતુ સામાજિક-વ્યવહારિક કારણોસર થતી લેવડ-દેવડ પણ આસાન બની ગઈ છે. આ સુવિધાઓની સાથે સાથે જ સાયબર ક્રાઈમમાં પણ વર્તમાન સોના-ચાંદીના ભાવોની જેમ જ ઉછાળો આવી રહ્યો છે, જેને પહોંચી વળવા પોલીસતંત્રોને પણ અદ્યતન ટેકનોલોજી અને ઈન્ટરનેટ સોશ્યલ મીડિયાના વપરાશ અંગે તાલીમબદ્ધ કરીને ટેકનોસેવી અને મોર્ડન ટેકનોલોજીના નિષ્ણાત બનાવવામાં આવી રહ્યા છે.

સોશ્યલ મીડિયા, ઈન્ટરનેટ, વેબસાઈટ્સનો દુરૂપયોગ કરીને કેવા કેવા નતનવા ક્રાઈમ થઈ રહ્યા છે, તે આપણે બધા જાણવા લાગ્યા છીએ અને તંત્રો પણ તેને પહોંચી વળવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે, તેમ છતાં ઓનલાઈન અને ડિજિટલ ચિટીંગના કિસ્સાઓ 'દાના' વાવાઝોડાની જેમ ચક્રવાતી બની રહ્યા છે અને આ સીલસીલો ઘણો જ ચિંતાજનક છે. ચિટીંગના નવા નવા નુસ્ખાઓ અજમાવાઈ રહ્યા છે, જેની સાથે પ્રોટેક્ટિવ ઉપાયો કદાચ ટૂંકા પડી રહ્યા છે. આ કારણ નવા નવા એવા પ્રોબ્લેમ ઊભા થઈ રહ્યા છે, જેના નવા સોલ્યુશન વિચારવા પડે તેમ છે. સાઈબર ક્રાઈમને કંટ્રોલ કરવા માટે માત્ર પોલીસતંત્ર જ નહીં, તમામ તંત્રો, બેન્કીંગ-નાણાકીય વ્યવહારો સાથે સંકળાયેલી સંસ્થાઓ અને પોલિટિકલ ગવર્નમેન્ટના મહાનુભાવોને પણ અદ્યતન ઈન્ટરનેટ અને મોર્ડન ક્રાઈમના નવા સ્વરૂપોથી તાલીમબદ્ધ કરવા પડે તેમ છે. માત્ર બે-ચાર કાયદાઓમાં થોડા ફેરફારો કરીને કે માત્ર કાયદાના નામો બદલીને તેનો ઢંઢેરો પીટવાથી નહીં ચાલે, પરંતુ પબ્લિક, પોલીસ અને ન્યાયતંત્ર સાથે સંકળાયેલા તમામ લોકોને નવા પડકારો સામે લડવા માટે તાલીમબદ્ધ કરવા પડશે. બીજી તરફ સોશ્યલ મીડિયા તદ્ન નિરંકુશ બની ન જાય, તેપણ જરૂરી છે. તાજેતરની બોમ્બ ધમકીઓના અનુસંધાને સોશ્યલ મીડિયા એટલે કે સાથે કેન્દ્ર સરકારે લાલઆંખ પણ બતાવી છે.

ચેટીંગના ફાયદા અને ગેરફાયદા તથા ચિટીંગના નવા નવા સ્વરૂપોને કાઉન્ટર કરવાની તાતિ જરૂરિયાત છે, તે ઉપરાંત 'સેટિંગ'ના સ્વરૂપો પણ ઓળખવા પડે તેમ છે. હમણાંથી આર્થિક ક્ષેત્રે જ નહીં, રાજકીય અને શાસકીય ક્ષેત્રે પણ અવનવા સેટિંગ તૈયાર થયા છે. દાયકાઓથી સામસામે લડતા રહેલા રાજકીય પક્ષોનું મહારાષ્ટ્રમાં અદ્ભુત સેટિંગ (બન્ને તરફ) જોવા મળી રહ્યું છે, અને જાહેરમાં કાંઈક જુદી જાહેરાતો કરીને પડદા પાછળથી ગુપ્ત 'સેટિંગો' કરીને 'સત્તા'ના ખેલ રચાઈ રહ્યા છે. સોશ્યલ મીડિયા સામે સરકારે ભલે લાલઆંખ કરી હોય, પરંતુ તંત્રો 'સેટિંગ' કરી રહ્યા હોવાની આશંકા પણ વ્યક્ત થઈ રહી છે ને?

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ 'સેટિંગ' બદલાઈ રહ્યા હોય તેમ નવા સમીકરણો રચાઈ રહ્યા છે. કેનેડાની તરફદારી કરતા અમેરિકાને ચેતવવા ભારતે ચીન-રશિયા સાથે 'હસ્તધૂનન' કર્યું તેથી વૈશ્વિક કક્ષાએ નવી ડિપ્લોમેટિક ધરી રચાઈ હોવાની ચર્ચા થઈ રહી છે, ત્યારે જામનગરમાં ચાની રેંકડી કે પાનના ગલ્લે ઊભા ઊભા આમ આદમીઓ એવી ચર્ચા કરતા સંભળાય છે કે રશિયાથી સસ્તા ભાવે ક્રૂડ વધુ પ્રમાણમાં મેળવીને દેશની જનતાને પેટ્રોલ-ડીઝલ સસ્તા મળે તો આ દોસ્તી કામની!!

પોલિટિકલ પાર્ટીઓ જ નહીં, પરંતુ અધિકારીઓ-પદાધિકારીઓ વચ્ચેના સેટિંગ, કરોડો-અબજો રૂપિયાની લોન લઈને રફુચક્કર થઈ જતા કૌભાંડિયાઓના બેન્કીંગ સેક્ટરના મેનેજરો સાથેના સેટિંગ, કેટલાક અધિકારીઓ અને નેતાઓ, કોન્ટ્રાક્ટરો સાથેના સેટિંગ, પરીક્ષા માફિયાઓના સંબંધિત અધિકારીઓ તથા શૈક્ષણિક ક્ષેત્રના તંત્રો સાથેના સેટિંગ વગેરેની પણ બોલબાલા છે, જે દેશની જનતાના હિતો તથા સુરક્ષા માટે ઉધઈ જ જેવા છે ને?

ટેલિવિઝન, મોબાઈલ સેલફોન, કોમ્પ્યુટર, લેપટોપ સહિતના આધુનિક ઉપકરણોમાં 'સેટિંગ'ની ડિફોલ્ટર સુવિધા હોય છે, જે મહત્ત્વપૂર્ણ હોય છે. એમાંથી તમારી ઈચ્છા મુજબના 'સેટિંગ' તમે કરી શકો છો, અને તે સંપૂર્ણપણે બંધારણીય અને કાનૂની પ્રક્રિયા હોય છે, પરંતુ હાલમાં ઉપર જણાવેલા જે વિવિધ પ્રકારના સેટિંગ થઈ રહ્યા છે, તે ક્રાઈમના સર્વોચ્ચ સ્વરૂપો હોવા છતાં તેને લોકતાંત્રિક વ્યવસ્થાઓ, કાનૂની છટકબારીઓ તથા ગુપ્ત પોલિટિકલ અન્ડરસ્ટેન્ડીંગ હેઠળ સંરક્ષણ મળતું રહે છે, તે પણ એક ઓપન સિક્રેટ જ છે ને?

આ પ્રકારના સેટિંગનું તદ્ન તાજુ દૃષ્ટાંત જામનગરમાં બ્લેકલિસ્ટેડ કંપનીને પણ કામો ચાલુ રાખવા દેવા માટે થયેલા ઠરાવોની ચર્ચા છે. આ કિસ્સામાં તો તંત્રના અધિકારીનો અવાજ ઊઠ્યો અને કોઈ નેતાએ તેને કાઉન્ટર કર્યો હોય તો તેને લોકતાંત્રિક વ્યવસ્થાની ઉલટી ગંગા જ કહેવાય ને?... ઊંડા ઉતરીને વિચારજો...!!!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh