Advertisement
Author: નોબત સમાચાર

ટુરિઝમ ડેવલપમેન્ટ આવકાર્ય, પણ વન્યસૃષ્ટિ જળવાઈ રહે તે જોજો... અન્યથા ભગવાન ધન્વન્તરિ માફ નહીં કરે હો...

ધનતેરસ એટલે ભગવાન ધન્વન્તરિના પૂજનનો દિવસ. તે ઉપરાંત આજે લક્ષ્મીપૂજન પણ થાય છે, અને તેને સંબંધિત વિવિધ મહાત્મયો પ્રચલીત છે. આજથી લાભપાંચમ સુધીના વિવિધ મહાત્મય અને સંદર્ભો સાથે ઉજવાતા તમામ તહેવારોને દીપોત્સવી પર્વ કહેવામાં આવે છે અને તેનો આજથી આનંદ અને ઉલ્લાસપૂર્વક પ્રારંભ થઈ ગયો છે.

ભગવાન ધન્વન્તરિએ આયુર્વેદ ઉપચાર પદ્ધતિ સહિત નૈસર્ગિક અને યૌગિક ઉપચારો શિખવ્યા છે, તેમાં મહત્તમ વિવિધ નૈસર્ગિક ચીજ-વસ્તુઓ સામેલ છે, અને તેમાં પણ નવસ્પતિ, ફળ, ફૂલ અને કુદરતી પંચતત્ત્વ આધારિત વનૌષધિઓની મુખ્ય ભૂમિકા છે. આ ઉપરાંત આધુનિક વિજ્ઞાનમાં પણ પર્યાવરણના રક્ષણ માટે વનોની જાળવણી, વૃદ્ધિ અને તમામ નૈસર્ગિક તત્ત્વોને સાચવવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે, તેથી વિશ્વના વિવિધ દેશોમાં વનવૃદ્ધિ તથા નૈસર્ગિક તત્ત્વોની જાળવણી માટે વૈશ્વિક જાગૃતિ ફેલાવાઈ રહી છે અને તેને સાંકળીને વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસો પણ ઉજવાતા રહ્યા છે.

આપણે જાણીએ જ છીએ કે માનવ વસ્તીમાં થતો વધારો વન્યસૃષ્ટિ માટે પૂરક બનવાના બદલે ઘાતક પૂરવાર થઈ રહ્યો હોય તેમ જણાય છે. અને વિકાસની દોટમાં વન્યસૃષ્ટિનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. વિકાસ પ્રક્રિયા પણ જરૂરી છે, પરંતુ તેના માટે વૃક્ષોનું સામૂહિક નિકંદન કાઢી નાખવામાં આવે તે કોઈપણ રીતે યોગ્ય નહીં હોવા છતાં આ પ્રવૃત્તિ કાયદેસરતા અથવા શરતી મંજુરીઓની આડમાં થતી જ રહી છે, અને મેગા પ્રોજેકટો માટે વૃક્ષોના સામૂહિક નિકંદનની ઘટનાઓ બેરોકટોક વધતી જ રહી છે. આ પ્રકારના નિકંદનો અટકાવવા માટે ઊભી કરાયેલી સંસ્થાઓ પણ બોદી થઈ ગઈ હોય, તેમ જણાય છે અને 'વાડ જ ચિંભડા ગળે' તે કહેવત મુજબ વનવૃદ્ધિ પાછળ અબજો રૂપિયા ખર્ચવા છતાં નિર્ધારિત લક્ષ્યો વાસ્તવમાં સિદ્ધ થતાં હોય, તેમ જણાતું નથી.

ગુજરાતના ગીરનું સિંહ અભ્યારણ્ય વિશ્વ વિખ્યાત છે, અને હવે સિંહના વસવાટ, રક્ષણ તથા ઉત્તેજન માટે ગીર ઉપરાંત અન્યત્ર પણ સિંહોનો વસવાટ થાય, અને ગીરના સિંહોનો વારસો જળવાઈ રહે, તે માટે પ્રયાસો થઈ રહ્યા છે, અને તેના અનુસંધાને ગુજરાતમાં ચારેક જગ્યાએ સિંહ સફારી પાર્કના નિર્માણ પછી હવે બીજા આઠ સફારી પાર્ક ઊભા કરવાની પ્રપોઝલ અને ચર્ચાઓ  પણ શરૂ થઈ ગઈ છે.

આજથી ખુલ્લુ મૂકાયેલુ ગુજરાતનું ચોથુ સિંહ સફારીપાર્ક ભાણવડ નજીક કપુરડી નેશ નજીક કિલેશ્વર તરફ જવાના માર્ગે ટુરિસટો પ્રવેશે, ત્યાંથી શરૂ થઈ જાય છે, જેને બરડા જંગલ સફારી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ર૭ કિલોમીટર જેટલા માર્ગમાં કપુરડીથી ચારણ આઈ બેરિયર, અજમાપાટ અને ભૂખબરા નેશનો વિસ્તાર આવે છે.

બરડો ડુંગર પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં ફેલાયેલો છે, અને તેમાં ઘણાં નેચરલ સ્પોર્ટ્સ આવેલા છે.. આ ડુંગરમાં ઘુમલી, કિલેશ્વર સહિતના ટુરિસ સ્પોર્ટ્સ પણ આવેલા છે.

બરડા ડુંગરમાં સંખ્યાબંધ ધર્મસ્થળો, આસ્થાના સ્થળો તથા કુદરતી સાંૈદર્યના આકર્ષક સ્થળો આવેલા છે. આ બરડા અભ્યારણ્યમાં સિંહ સફારી પાર્કનો એકંદરે આવકાર મળી રહ્યો છે, તો કેટલીક ટીકાઓ પણ થઈ રહી છે. ખાસ કરીને ધનસંપદા અને નૈસર્ગિક અસ્કયામતોને નુકસાન ન થાય, તેના પર ભાર મૂકાઈ રહ્યો છે.

બરડા સિંહ સફારીપાર્કમાં સિંહોની સંખ્યાઓ તેની વ્યવસ્થાઓ અંગે બહુ આધારભૂત રીતે કાંઈ કહેવામાં આવી રહ્યું નથી, પરંતુ મર્યાદિત રીતે સિંહદર્શન સાથે બરડા ડુંગરના પ્રાકૃતિક સૌંદર્યને નિહળવાની મજા માણી શકાશે, તેવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, અને સિંહદર્શન માટેની જરૂરી વધુ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

જો કે, વિવિધ પ્રકારની વનસ્પતિ દુર્લભ વૃક્ષો અને વેલાઓ તથા ખાસ કરીને ઔષધિમાં વનસ્પતિમાં કુદરતી ખજાનો બરડા ડુંગરમાં છે અને તેની જાળવણી થાય, તે મહત્ત્વપૂર્ણ હોાવથી તેના પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે, એટલું જ નહીં, તેની વૃદ્ધિ થતી રહે તે માટે અત્યંત જરૂરી છે. એવું કહેવાય છે કે બરડા ડુંગરમાં ૧૯ મી સદીમાં સિંહો જોવા મળ્યા હતા, પરંતુ કાળક્રમે ઘટી ગયા હતા અને ગીર અભ્યારણ્યમાં સમાવાઈ ગયા હતા હવે ફરીથી અહીં સિંહોનો વસવાટ થવા જઈ રહ્યો છે, ત્યારે તંત્રોની જવાબદારી પણ વધી જશે, કારણ કે સિંહોનું રક્ષણ, માનવ વસાહતોનું રક્ષણ અને ટુરિસ્ટોના રક્ષણની ત્રેવડી જવાબદારી બજાવવી પડશે.

અહેવાલો મુજબ વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયાએ અંદાજે એક અબજ રૂપિયાનો મેગા પ્રોજેકટ બનાવ્યો હતો. જૂનાગઢના ગીર અભ્યારણ્યની જેમ સિંહોના શંકાસ્પદ મૃત્યુ વધે નહીં, એટલું જ નહીં, સિંહોની સારી દેખભાળ થાય, તે જરૂરી છે, લાયન સફારીની લાલચમાં સિંહોના અસ્તિત્વ પર જ ખતરો ઊભો થઈ ન જાય, તેની તકેદારી રાખવાની ટકોર પણ થઈ રહી છે. સાથોસાથ ટુરિઝમ ડેવલપમેન્ટના પાછળ દોડવા જતા વનૌષધિ, વન્યજીવો અને વનસૃષ્ટિનું નિકંદન નીકળવાનું શરૂ ન થાય કે 'શિકારીઓની' હિલચાલ વધે નહીં, તે પણ વધુ પડશે. જો નૈસર્ગિક સંપદાને નુકસાન થશે, તો ભગવાન ધન્વન્તરિ નારાજ થઈ જશે હો...!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh