Advertisement
Author: નોબત સમાચાર

વ્યસનો છૂટી શકે છે, કેન્સર મટી શકે છે, કરો દૃઢ નિર્ધાર... રેવડીઓ વહેંચવાનું બંધ કરે સરકાર...

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજય પછી વૈશ્વિક રાજનીતિમાં બદલનારા સમીકરણો અને ટ્રમ્પના વિજયની ભારતીય રાજનીતિ પર અસરોની ચર્ચા ગ્લોબલ ટોકનો વિષય છે, જ્યારે લાભપાંચમથી ખૂલેલા માર્કેટમાં તેજી અને ભારતીય અર્થતંત્રની દૃષ્ટિએ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શશિકાન્તદાસે કરેલા નિવેદન અંગે પણ વ્યાપાર-ઉદ્યોગ જગત અને રાજકીય વર્તુળોમાંથી ભિન્ન-ભિન્ન પ્રત્યાઘાતો અને પથદર્શક પ્રતિભાવો પણ સાંપડી રહ્યા છે. આજે કેન્સર અવેરનેઈસના વિષયને સાંકળીને પણ વિશ્વના દેશોમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં ભારત સહિત એશિયા-આફ્રિકન દેશોમાં કેન્સરના ફેલાવાના કારણોની અલગથી ચર્ચા થઈ રહી છે. ગુજરાતમાં પણ કેન્સરની બીમારી થતી જ અટકાવવા અને કેન્સર થઈ જાય તો પ્રારંભમાં જ તેને મટાડવાની પદ્ધતિઓ તથા અનિવાર્યતા અંગે માર્ગદર્શક જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. કેન્સરના ફેલાવામાં વ્યસનોની વરવી ભૂમિકા અંગે પણ આંકડાઓ સાથેના વિશ્લેષણો પણ રજૂ થઈ રહ્યા છે.

અમદાવાદ સિવિલની કેન્સર હોસ્પિટલના ડાયરેક્ટરોને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ આ હોસ્પિટલમાં બે વર્ષથી વધુ સમયમાં ૩૬ હજારથી વધુ દર્દીઓને તપાસાયા, તેમાંથી અઢી હજાર જેટલા દર્દીઓ માટે લ્યુકોપ્લાકિયા, એરિથ્રોપ્લાકિયા, સર્વાઈક્લ ઈન્ફેક્શન જેવી કેન્સર થતા પહેલાની આલબેલ પુકારતા લેબ રિપોર્ટ આવ્યા હતાં. આ દરમિયાન ૧ર૦૦ થી વધુ મહિલાઓની મેમોગ્રાફી થઈ હતી. બ્રેસ્ટ કેન્સર તથા મોઢાના કેન્સર અંગે અલગથી માહિતી અપાઈ હતી, અને સ્ટેજવાઈઝ આંકડાઓ સાથે આ જીવલેણ રોગની ગંભીરતા અને પ્રારંભિક સ્ટેજે તેને મટાડવાની સંભાવનાની વિસ્તૃત ચર્ચાઓ પણ આજે થઈ રહી છે. કેન્સર થવાની સંભાવના જણાવતા લક્ષણો, વ્યસનોની ખતરનાક અસરો, બ્રેસ્ટ કેન્સરના લક્ષણો અને ઉપાયો તથા કેન્સર થતું જ અટકાવવા સ્વયંભૂ લોકજાગૃતિનો વ્યાપ વધારવાની જરૂરિયાત પણ જણાવાઈ રહી છે. આંકડાઓ મુજબ કેન્સર થવાના અનેકવિધ કારણો હોય છે અને જિનેટિક, બાયો-લોજિકલ અને અન્ય કારણો તથા પરિબળો કેન્સર થવા માટે જવાબદાર હોય છે, પંતુ કેન્સરના કુલ કેસોમાં ૪૩ ટકા કેસો તમાકુ સંબંધિત કેન્સરના જ અમદાવાદની સિવિલના કેન્સર વિભાગમાં નોંધાયા હોય તો તે તમાકુની આદતની ભયાનક્તા વર્ણવે છે, તેમ નથી લાગતું?

તબીબી વર્તુળોથી માર્ગદર્શક તથા વખતો-વખત અપાતી એડવાઈઝ મુજબ કેન્સર અંગે જનજાગૃતિનો વ્યાપ વધારવાની ખાસ જરૂર જણાય છે. પ્રારંભિક સ્ટેજે જો નિદાન થઈ જાય, તો કેન્સર મટાડી પણ શકાય છે. જો અચાનક વજન ઝડપભેર ઘટવા લાગે, અવાજ બદલવા લાગે, અવિરત ઉધરસ આવે, મોઢામાં ચાંદા-ચાંદી-ઘાવ કે ફોડલી જેવું દેખાય કે દાંત-પેઢાઓમાં ચેપ જેવું જણાય તો આળસ કર્યા વગર ઝડપભેર નિદાન કરાવી લેવું જોઈએ, કારણ કે ઘણાં દર્દીઓને સાવ સામાન્ય લક્ષણો હોવા છતાં પણ કેન્સરનું નિદાન થતું હોય છે. તમાકુનું વ્યસન છોડી જ શકાતું નથી, તેવી માનસિક્તા દૃઢ બની જાય, તો તે કેન્સરને નોતરવા જેવું છે, અને વર્ષો જુનું વ્યસન ત્યાગીને નિરોગી જીવન જીવતા ઘણાં દૃષ્ટાંતો પણ છે. તેવા દાખલાઓ આપીને આજે કેન્સર જાગૃતિના યોજાયેલા કાર્યક્રમોની સંભવિત ફલશ્રુતિ તથા ઉપયોગિતા અંગે પણ ગંભીરતાપૂર્વક વિચારીને સિસ્ટમ્સ, જનજાગૃતિની પદ્ધતિઓમાં આધુનિક્તા અને વ્યસનો છોડનાર લોકોના પ્રતિભાવો મેળવીને તેનો વ્યાપક પ્રચાર-પ્રસાર પણ સરકારી તંત્રો અને સરકારી મીડિયાએ કરવો જોઈએ, તેમ નાથી લગતું?

કેન્સર જાગૃતિ ઉપરાંત આજે આખી દુનિયામાં અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના વિજયની જ ચર્ચા ચાલી રહી છે, ત્યારે ગઈકાલે વૈશ્વિક માર્કેટની તેજીની સાથે સાથે ભારતીય શેરબજારમાં પણ ઉછાળો આવ્યો અને વિવિધ સેક્ટરોમાં હકારાત્મક તથા પ્રોત્સાહક સંકેતો મળ્યા, તે પછી આજે આર્થિક તથા રાજકીય ક્ષેત્રે પડી રહેલા પ્રત્યાઘાતો આપણી સામે જ છે ને?

આ બધા પરિબળો વચ્ચે ભારતમાં યોજાઈ રહેલી કેટલાક રાજ્યોની વિધાનસભાઓ તથા ખાલી પડેલી બેઠકોની ચૂંટણીને સાંકળીને અટકળો તથા અનુમાનોની જાણે આંધી આવી છે, તો બીજી તરફ હાલારના યાત્રાધામોમાં યાત્રિકોની ભારે ભીડ તથા દિવાળીની રજા પછી પુનઃ ધમધમતા થયેલા માર્કેટીંગ યાર્ડો, જથ્થાબંધ માર્કેટો તથા વ્યાપાર અને ઉદ્યોગ ગૃહોમાં પ્રારંભિક માહોલની ચર્ચા વચ્ચે હાપા માર્કેટીંગ યાર્ડમાં હરાજી દરમિયાન મગફળીના ભાવો તથા અન્ય જણસોની આવકના સંદર્ભે સંવત ર૦૮૧ ના વર્ષનો પ્રારંભ આશાજનક અને પોઝિટિવ પોટેન્શિયલ દર્શાવે છે. તેવા તારણો પણ નીકળી રહ્યા છે.

બીજી તરફ વીરપુર, જામનગર અને હાલાર સહિત સૌરાષ્ટ્રમાં જલારામ જયંતીની ઉજવણીનો થનગનાટ પણ જોવા મળી રહ્યો છે અને વર્ષના પ્રારંભિક અઠવાડિયામાં મળી રહેલા હકારાત્મક સંકેતો તમામ વર્ગો-સમુદાયો-બિઝનેસ અને વિદ્યાર્થીઓ માટે શુભ ફળદાયી બનશે, તેવો આશાવાદ પણ વ્યક્ત થઈ રહ્યો છે. આજે છઠ્ઠની ઉજવણી પણ થઈ રહી છે, તો ડોલર સામે રૂપિયો નબળો પડતા મોંઘવારી વધુ વધશે, તેવી દહેશત છે.

આજે ભારતીય રિઝર્વ બેંકનું એ નિવેદન પણ ચર્ચામાં છે, જેમાં તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારો દ્વારા વિવિધ ક્ષેત્રે અપાઈ રહેલી જંગી સબસિડીઓ અર્થતંત્રના જીડીપીને માઠી અસર પહોંચાડતી હોવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમણે મુંબઈના એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જ જંગી સબસિડીએ જીડીપીને નીચે તરફ ધકેલ્યા પછી પણ સબસિડીમાં થતો વધારો ચિંતાજનક છે, જો કે ન્દ્ર સરકારે વર્ષ ર૦ર૪-રપ માટે ફૂડ સબસિડી માટે ત્રણ ટકા ઓછું બજેટ ફાળવાયું છે. તેમ જણાવી વિવિધ આંકડાઓ આપી કેન્દ્ર-રાજ્ય સરકારોને શક્ય તેટલી સબસિડી ઘટાડવાનો આડકતરો આગ્રહ કર્યો હતો, અને 'રેવડી'ની રાજનીતિ સામે લાલબત્તી ધરી હતી. રાજકીય પક્ષોએ મતો મેળવવા સરકારી તિજોરી લૂંટાવીને 'રેવડીઓ' વહેંચવાના વાયદા ન કરવા જોઈએ, કારણ કે આ વિષચક્રનો ભોગ અંતે તો જનતાએ જ બનવું પડતું હોય છે, ખરૃં ને?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh