Advertisement
Author: નોબત સમાચાર

ન્યાયિક સમતુલન-વૈશ્વિક શાંતિ માટે, દેશ-દુનિયાનું ન્યાયતંત્ર ઝડપી અને સરળ બને તે જરૂરી...

દેશને આજે નવા ચીફ જસ્ટીશ મળ્યા છે, કેટલાક ઐતિહાસિક અને દૂરગામી ફેંસલાઓ આપીને તથા ન્યાયતંત્રને વધુ પારદર્શક અને પ્રજાલક્ષી બનાવવાના પ્રયાસો કરીને નિવૃત્ત થયેલા ચીફ જસ્ટીશ ડી.વાય. ચંદ્રચુડના સ્થાને આજથી નવા સીજેઆઈ સંજીવ ખન્નાનો કાર્યકાળ શરૂ થશે. સંજીવ ખન્નાએ તેઓની અત્યાર સુધીની કારકીર્દિમાં ઘણાં મહત્ત્વપૂર્ણ ચુકાદાઓ આપ્યા છે.

આપણાં દેશમાં ન્યાયતંત્ર સ્વાયત્ત છે અને તે કેન્દ્રની સરકારને નહીં, પરંતુ બંધારણને વફાદાર રહે છે. ન્યાયતંત્રની આંતરિક વ્યવસ્થાઓ તથા નિમણૂકો પણ ન્યાયતંત્રનું કોલેજિયમ તથા સુપ્રિમ કોર્ટ-હાઈકોર્ટો દ્વારા થતી હોય છે અને ખર્ચનું બજેટ સરકારે ફાળવવાનું હોય છે. સરકાર, ન્યાયતંત્ર, સેના, વહીવટીતંત્ર અને બંધારણીય અન્ય સંસ્થાઓ બંધારણીય દૃષ્ટિએ રાષ્ટ્રપતિ દ્વારા કાર્યરત હોય છે, અને સ્વાયત્ત બંધારણીય સંસ્થાઓ પરસ્પર સહયોગ અને સંકલનથી કામ કરતી રહે, તેવી આપણાં બંધારણની વિભાવના છે, અને તેનું પાલન આઝાદી પછી આજપર્યંત (અપવાદ સિવાય) થતું રહ્યું છે.

અમેરિકામાં વિશ્વની સૌથી જૂની અર્વાચીન યુગની લોકશાહી વ્યવસ્થા છે, અને ભારતમાં અર્વાચીન યુગની સૌથી મોટી લોકતાંત્રિક વ્યવસ્થા છે, તેમ કહેવાય છે, જો કે, ભારતમાં તો હજારો વર્ષ પહેલાં અને રામાયણ-મહાભારતકાળ અગાઉ પણ કોઈને કોઈ સ્વરૂપે લોકતાંત્રિક વ્યવસ્થાઓ મોજુદ હતી, તેવી ચર્ચાઓ પણ અવાર-નવાર થતી રહી છે. ભારતની અર્વાચીન લોકતાંત્રિક વ્યવસ્થાઓનું મજબૂતીકરણ અને સુરક્ષા ન્યાયતંત્ર આઝાદી પછી સતત કરતું રહ્યું છે અને ઘણાં ઐતિહાસિક તથા યુગને અનુરૂપ સુધારણાત્મક નિર્ણયો પણ લેવાયા છે.

બીજી તરફ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ કાનૂની કાર્યવાહી તથા ન્યાયિક વ્યવસ્થાઓના સમતુલન માટે પરસ્પર થયેલી સમજૂતિઓ તથા આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કદમ ઉઠાવાતા હોય છે, અને બીજા દેશોમાં ભાગી ગયેલા દેશના અપરાધીઓને પરત લાવીને અથવા જે-તે દેશના કાયદા-કાનૂન મુજબ ત્યાં જ ન્યાયિક લડત આપવાની પ્રક્રિયામાં પણ ન્યાયતંત્રોની તટસ્થતા, સક્રિયતા અને માનવીય ભાવનાઓ સાથે સંબંધિત દેશોના સાર્વભૌમત્વને જાળવી રાખીને નિર્ણયો લેવાની ક્ષમતા પણ કસોટીની એરણે ચડતી હોય છે. આ સીલસીલા હેઠળ હાલમાં કેનેડામાં પનપતી ખાલિસ્તાની વિચારધારા અને ભારત-કેનેડાના વણસેલા સંબંધો વચ્ચે ન્યાયિક વ્યવસ્થાઓ માટે પણ અત્યારે લીટમસ ટેસ્ટ હોય તેમ જણાય છે.

ખાલિસ્તાની આંતકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો  ભારતીય એજન્ટો પર આક્ષેપ મૂકાયા પછી ભારત અને કેનેડા વચ્ચે એટલી હદે સંબંધો વણસ્યા કે બન્ને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને પણ હાંકી કાઢયા હતા. અમેરિકામાં સત્તાપરિવર્તન પછી હવે બન્ને દેશો વચ્ચે સંબંધો સુધરશે, તેવા આશાવાદને ઠેંગો બતાવતા કેનેડાની વર્તમાન સરકારે લીધેલા કેટલાક નિર્ણયોની વિપરીત અસર હજારો ભારતીયોને થશે, તેવા નિવેદનો સાથે સરકાર પર માછલાં ધોવાઈ રહ્યા છે, તો બીજી તરફ નિજ્જરની હત્યામાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈનો હાથ હતો, તેવા અહેવાલો આવ્યા પછી એક વાયરલ થયેલા વીડિયોમાં તો સમગ્ર ઘટનાક્રમનો નવો જ કોન્સેપ્ટ અને ઉદ્દેશ્ય દર્શાવાયો હોવાથી હવે કેનેડાની સરકારનું વલણ કુણુ પડશે, તેવો આશાવાદ પણ સેવાઈ રહ્યો છે. આઈએસઆઈના એજન્ટ કીયાની પર કેનેડાના તંત્રોની આશંકા અને ભારતમાં થયેલી સંદીગ્ધોની ધરપકડ પછી હવે શું થાય છે, તે જોવાનું રહેશે....

આ તરફ બાંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓનો મામલો આંતરરાષ્ટ્રીય ન્યાયની એરણે ચડ્યો  છે, અને નેધરલેન્ડમાં કાર્યરત ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (આઈસીસી)માં આ કેસ પહોંચ્યો છે. બાંગલાદેશમાં હિંસક આંદોલનો પછી વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડવો પડયો અને બાંગલાદેશમાં વચગાળાની સરકાર રચાઈ, વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ અને અન્ય ૬૧ વિરૂદ્ધ ત્યાંની અવામીલીગે ઈન્ટરનેશનલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હોવાના અહેવાલો પછી માત્ર ભારત અને બાંગલાદેશ જ નહીં, પરંતુ અમેરિકા, પાકિસ્તાન અને બ્રિટન સહિત તેના વિશ્વવ્યાપી પડઘા પણ પડી રહ્યા છે, અને આ મુદ્દો હવે વૈશ્વિક ન્યાયનો વિષય પણ બની ગયો છે. કારણ કે લઘુમતીઓના રક્ષણ માટે હંમેશાં અવાજ ઉઠાવતા રહેતા વિશ્વકક્ષાના કેટલાક નામીચા માનવતાવાદીઓ બાંગલાદેશની લઘુમતી પર થતા અત્યાચારોના મુદ્દે મૌન છે !

મીડિયા અહેવાલો મુજબ અવામીલીગના એક દિગ્ગજ નેતાએ એક વીડિયો સંદેશ વહેતો મુક્યો છે, જેમાં ગત ઓગષ્ટ મહિનામાં વિદ્યાર્થી આંદોલનના ઓઠાં હેઠળ બાંગલાદેશમાં થયેલા નરસંહારમાં બાંગલાદેશની લઘુમતીઓ હિન્દુ, ક્રિશ્ચીયન, બૌદ્યોે તથા તેઓના ધર્મસ્થળોને કેવી રીતે નિશાન બનાવાયા, તેના દસ્તાવેજી પુરાવા સાથે ૮૦૦ પાનાનું ડોઝીયર ઈન્ટરનેશનલ ક્રિમનલ કોર્ટને મોકલવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં આ આંતરરાષ્ટ્રીય અદાલતમાં ૧૫ હજારથી વધુ ફરિયાદો વિધિવત રીતે નોંધાવાશે, અને હિંસાનો ભોગ બનેલા પરિવારો, વ્યક્તિઓ અને સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય અદાલતમાં ધા નાંખશે. તેમણે વર્તમાન વચગાળાની સરકાર પણ ફાસીવાદી માનસિકતા ધરાવતી હોવાનો આક્ષેપ મૂક્યો છે.

જો કે, ભારતમાં જ વિલંબિત ન્યાયિક પ્રક્રિયાની બૂમરાણ મચી રહી છે, અને અન્ય દેશોમાં અલગ-અલગ બંધારણો, કાયદાઓ તથા વૈશ્વિક સમજૂતિઓ ઉપરાંત આંતરરાષ્ટ્રીય પ્રવાહો અને રાજનીતિની અસરો હેઠળ તત્કાળ ન્યાય મેળવવો ઘણો જ મુશ્કેલ છે, ત્યારે બાંગલાદેશની લઘુમતીઓને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ન્યાય મળે ત્યારે ખરો, પરંતુ આ મુદ્દો હવે વૈશ્વિક ચર્ચાનો વિષય જરૂર બની ગયો છે...

આજે પણ ભારતના ઘણાં ભાગેડૂઓને પ્રત્યાર્પણ દ્વારા દેશમાં પરત લાવીને તેના પર કાનૂની કાર્યવાહી થઈ શકી નથી, અને જામનગરના આરોપી સહિત માલ્યા, મોદી, ચોકસી જેવા આરોપીઓ સામે નક્કર કાર્યવાહી કયારે થશે, તે એક સવાલ જ રહ્યો છે, ત્યારે હવે ઈન્ટરનેટ યુગમાં વધેલા સાયબર ક્રાઈમ સહિતના વિવિધ મુદ્દે વૈશ્વિક ન્યાયતંત્ર વધુ અસરકારક બને અને ભારત સહિતના (લોકતાંત્રિક) દેશોમાં કાનૂની અને ન્યાયિક પ્રક્રિયા ઝડપી બને, તે અત્યંત જરૂરી છે, તેમ નથી લાગતું ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh