Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તમારી વાતમાં રસ જ ન હોય તેની સાથે વાતચીત કરવાનું ટાળવું જોઈએ...
મારા એક સંબંધી છે, તેઓ ઘણી વખત કેટલીક વાતો બે-ત્રણ વખત દોહરાવે. એકની એક વાત બે-ત્રણ વાર સાંભળીને ઘણાં મિત્રો તેને ઈગ્નોર કરે અથવા તેની વાતોને ગંભીરતાથી સાંભળે જ નહીં. આવું થાય ત્યારે 'વાતોડિયા' કે બોલ-બોલ કરતા રહેતા વ્યક્તિ તરીકેનો બંધાયેલો પૂર્વગ્રહ સાંભળનાર માટે હાનિકર્તા પણ નીવડી શકે છે, કારણ કે ક્યારેક પોતાના ફાયદાની અથવા અગત્યની વાત કાળજીથી સંભળાય નહીં, તો બોલનાર તો છૂટી જાય, પરંતુ સાંભળનારને તદ્વિષયક નુક્સાન કે વિપરીત અસરો ભોગવવાનો વારો આવી જાય.
એનાથી વિપરીત, દરેક વાત બે-ત્રણ વખત બોલનાર વ્યક્તિ માટે પણ તેની એ આદત જ ક્યારેક પગ પર કૂહાડો મારવા જેવી બની જાય, કારણ કે તેની બોલકાપણાંની છાપના કારણે મોટાભાગના લોકો તેની વાતને ગંભીરતાથી સાંભળતા જ હોતા નથી, તેથી ઘણી વખત મહત્ત્વની વાત જ સામેવાળાના (મગજની) ઉપરથી જાય અને તેનું નુક્સાન કે પરિણામો બોલનારને ભોગવવાનો વારો આવે.
સાંભળવા અને બોલવાની કલા
સાંભળવું એ જેવી રીતે કલા છે, તેવી જ રીતે બોલવું એ પણ એક કલા છે. જય વસાવડા જેવા વક્તાઓ અસ્ખલિત રીતે બોલતા જાય અને સાંભળવા ગમે. તેઓ ભલે વિષયાંતર કરે, ક્યાંકથી શરૂ કરે અને કંયાક પૂરૃં કરે, વાતા-વાતમાં આખી દુનિયાની સફર કરાવે, પરંતુ 'બોલવા'ની કલા અને કૌશલ્યના કારણે આપણે ઘણાં વક્તાઓને ધ્યાનથી સાંભળતા હોઈએ છીએ. પ્રખર વક્તાઓ ટાર્ગેટ ઓડિયન્સને અનુરૂપ જ પ્રવચનો આપતા હોય છે, અને વ્યાખ્યાનો પ્રસ્તુત કરતા હોય છે. ડોંગરેજી મહારાજ, મોરારિબાપુ, રમેશભાઈ ઓઝાથી લઈને જીગ્નેશ દાદા સુધીના કથાકારો તથા ધીરેન્દ્ર શાસ્ત્રીજી સહિતના યુવા ધર્માચાર્યોની વાણીનો પ્રવાહ અસ્ખલિત વહેતો હોવા છતાં તે સાંભળવો શ્રોતાઓને ગમે છે. મોટીવેશનથી લઈને બ્રેઈન વોશીંગ સુધીના ઉદ્દેશ્યો માટે અપાતી કર્ણપ્રિય અને બહુહેતુક સ્પીચો આપતા અઢળક લોકોના નામો પણ રજૂ થઈ શકે છે, તેથી વક્તાઓની વાણીમાંથી કેટલું ગ્રહણ કરવું, કેટલું વિચારીને અનુસરવું અને કેટલું છોડી દેવું, તેનું કૌશલ્ય શ્રોતાઓએ પણ કેળવવું જ પડે, ખરૃં ને?
મુદ્દાની વાત ભૂલાય નહીં હોં...
તાજેતરમાં જ મને એક મિત્રનો ફોન આવ્યો. તેમણે ખબર-અંતર પૂછ્યા અને પોતે જે હેતુ માટે ફોન કર્યો હતો, તે જણાવ્યું. મેં તેનો ત્વરીત પ્રત્યુત્તર આપ્યો અને તેમણે તેમાંથી ઉદ્ભવતા પેટાપ્રશ્નો પૂછ્યા, જેના મેં મુદ્દાસર જવાબ આપ્યા, થેંક્યું અને ધેટ ઈઝ ઓર રાઈટ કહેવાની સાથે જ ફોન બે-અઢી મિનિટમાં પૂરો થઈ ગયો. મને આશ્ચર્ય પણ થયું અને પછી ચિંતા પણ થઈ, કારણ કે આ મિત્રનો જ્યારે જ્યારે ફોન આવ્યો, ત્યારે ત્યારે દસ-પંદર મિનિટ ચાલતો. તેની વાતચીત લાંબી ચાલતી અને તેમણે જે હેતુ માટે ફોન કર્યો હોય, તે વાત જ છેક છેલ્લે આવતી. ઘણી વખત તો મારે બીજા કોઈનો ફોન આવતો હોય, ત્યારે તેને 'સોરી, થોડી વારમાં ફરીથી ફોન કરૂ છું, મારે બીજો કોલ આવે છે' તેવું કહીને ફોન ડિસ્કનેક્ટ કરવો પડતો. ઘણી વખત તો આખી વાત પૂરી થયા પછી તેનો ફરી ફોન આવતો, અને તે કહેતો કે 'મહત્ત્વની વાત તો કરવાની જ રહી ગઈ...' અને તે ફરીથી કામની વાત રજૂ કરતો અને મૂળ વાત સંપન્ન થયા પછી પણ તે આડી વાતે ચડી જાય, તો મારે મૂળ વાત પર લાવવો પડતો.
એ પછી કોરોનાકાળ આવ્યો ત્યારે તો તેનો 'ટાઈમ પાસ' કરવા માટે ઘણો જ ઉપયોગ થયો હતો. બધા મિત્રો તેને ફોન કરતા રહેતા હતાં અને બધા પાસે લાંબી લાંબી વાતો કરવાનો સમય રહેતો હતો.
કોરોનાકાળ વીતી ગયા પછી મારા એ મિત્ર તો સંપર્ક વિહોણો જ થઈ ગયો હતો, અને વાર-તહેવારે મેસેજીંગથી શુભેચ્છા પાઠવતો હતો, પરંતુ જ્યારે ફોન ઘણાં જ સમયે આવ્યો, ત્યારે મારી માનસિક્તા લાંબી વાત કરવાની હતી, પરંતુ મારી માનસિક તૈયારી છતાં તેમણે ટૂંકી અને મુદ્દાસર વાત કરી, તેથી મને એક તરફ તો તેનામાં આવેલો આ બદલાવ ગમ્યો, પરંતુ ચિંતા એ વાતની થઈ કે આજે તેમણે જે રીતે સંક્ષિપ્ત વાત કરી, તે જોતા તે કોઈ મોટી તકલીફમાં કે ટેન્શનમાં તો નહીં હોય ને?
તે પછી મેં તેને નિરાંતે ફોન કરીને ખબર-અંતર પૂછ્યા, તો તે બરાબર જવાબ આપી શક્યો નહીં, તેથી મેં તેને રૂબરૂ મળવાનું નક્કી કર્યું, અને એક પારિવારિક પ્રસંગે તે રૂબરૂ મળ્યો ત્યારે મેં તેને ખૂણામાં લઈ જઈને આ બદલાવનું કારણ પૂછ્યું.
તે પછી તેમણે જે કાંઈ કહ્યું અને પોતાને લાંબી વાત કરવાની, નિરર્થક ટેલિફોનિક ટોકીંગ કરવાની તથા બિનજરૂરી રીતે વાત લંબાવવાની આદત, કઈ વ્યક્તિ સાથે કેવી રીતે ટેલિફોનિક વાત કરવી, તેનું અજ્ઞાન તથા સામેની વ્યક્તિને સ્નાન-સૂતકનો યે સંબંધ ન હોય, તેવી વાતો કરવાની તેમની ટેવના ગેરફાયદા વર્ણવ્યા, તે તેની અંગત બાબતો હોઈ, અહીં રજૂ થઈ શકે તેમ નથી, પરંતુ એટલું કહી શકાય કે તે પછી તેમણે મોટીવેશનર (નોન-પ્રોફેશનલ) મિત્રની સલાહ પછી ટેલિફોન ટોકીંગની કલા શિખી લીધી અને સફળતાપૂર્વક અમલમાં પણ મૂકી દીધી હતી.
ટેલિફોન ટોકીંગ સ્કીલ
ટેલિફોન ટોકીંગ દરમિયાન સૌ પ્રથમ તો સામેની વ્યક્તિનો હોદ્દો, તેમની વ્યસ્તતા, તેમની ઉંમર, આપણો તેની સાથેનો સંબંધ અને પારંપારિક કે પારિવારિક વ્યવહાર અને આપણે જે હેતુ માટે ફોન કર્યો હોય, તેની પ્રસ્તુતિને ધ્યાનમાં રાખવી પડે, અને ફોનની શરૂઆત હંમેશાં હલ્લો, હાય, કેમ છો? ઘરના બધા મજામાં ને? વગેરે શબ્દોથી સામાન્ય રીતે થઈ શકે, અને આ ટૂંકી ફોર્માલિટી પછી જ તરત જ મુખ્ય મુદ્દાની વાતચીત કરી અને તે પછી બન્ને તરફની અનુકૂળતા મુજબ બીજી વાતચીત પણ થઈ શકે, પરંતુ તે બોરીંગ ન હોવી જોઈએ. ઉચ્ચ અધિકારી, વડીલ, હોદ્દેદાર, લબ્ધ પ્રતિષ્ઠિત વ્યક્તિ કે મહાનુભાવો સાથે વાતચીત કરતી વખતે હળવા ટોન (સ્વરમાં) નમસ્કાર, ગુડ મોર્નિંગ, ગુડ ઈવનીંગ કે નમસ્તે, સલામ વગેરે બોલ્યા પછી મુદ્દાસર, પરંતુ ધીરજપૂર્વક, હળવા સ્વરે વાતચીત કરવાનું કૌશલ્ય પણ કેળવવું પડે.
અનલિમિટેડ સુવિધાની ફલશ્રુતિ?
ટેલિફોન પર વાતચીત કરવાની કળાને ટેલિફોન ટોકીંગ સ્કીલ પણ કહેવાય છે. થોડા દાયકાઓ પહેલા ટેલિફોનની લેન્ડલાઈન વ્યવસ્થામાં લોકલ કોલ જ ડાયરેક્ટ ડાયલીંગથી થતા અને ચકરડા ઘૂમાવવા પડતા. તે પછી નંબરીંગ સ્વીચોવાળા ટેલિફોન (ડબલા) આવ્યા. તે દરમિયાન લાંબા અંતરના કોલ (બહારગામ ફોન કરવા માટે) બુકીંગ કરાવવું પડતું, જેનો મર્યાદિત સમય રહેતો, એટલે કે ત્રણ મિનિટ વાતચીત થયા પછી ફોન જ કટ થઈ જાય અને ફરીથી બુક કરાવવો પડે. તે માટે ફરીથી કલાકો સુધી રાહ જોવી પડે અને લાગ્યા પછી ત્રણ જ મિનિટ વાત થાય. મોબાઈલ સેલફોનમાં પણ પ્રારંભમાં લિમિટેડ જ વાત થઈ શકતી હતી, કારણ કે મિનિટ મુજબ ચાર્જ ચૂકવવો પડતો હતો. હવે ટેલિફોન ટોકીંગ સરળ અને હથેળીમાં ઉપલબ્ધ બન્યું છે અને રિચાર્જ કરાવતા જ અનલિમિટેડ ટોકટાઈમ ઉપલબ્ધ થઈ જાય છે. જે લાંબી ટેલિફોનિક વાતચીતની સુવિધા પૂરી પાડે છે.
અનલિમિટેડ ટેલિફોન ટોકીંગની સુવિધાના કારણે કોઈ મુસદ્દાનું વાચન કરવું હોય, ડ્રાફ્ટમાં કરેક્શન કરવું હોય, મંગલ પ્રસંગ કે ટુર પ્રોગ્રામનું આયોજન કરવું હોય કે ગંભીર અને બીમાર વ્યક્તિની સારવાર કે શસ્ત્રક્રિયા દરમિયાન નિષ્ણાત તબીબ કે સર્જનનું ઓનલાઈન ગાઈડન્સ મેળવવું હોય, તે ઘણું સરળ અને ઝડપી બની ગયું છે, જ્યારે આ સુવિધાની સિક્કાની બીજી બાજુ એ પણ છે કે નિરર્થક, બિનજરૂરી અને માત્ર ટાઈમ પાસ કરવા માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે, જેને દુરૂપયોગ કર્યો તો ન કહેવાય, પરંતુ આ ટેવ પડ્યા પછી અન્ય મહત્ત્વના કામો કરવાના રહી જવા અથવા વાતનું વતેસર થઈ જાય જેવા ગેરફાયદા પણ થતા હોય છે, ખરૃં કે નહીં?
પ્રત્યક્ષ વીડિયો કોલીંગમાં વાતચીત
ટેલિફોન ટોકીંગની જેમ જ પ્રત્યક્ષ વાતચીતમાં પણ વિશેષ ધ્યાન રાખવું પડે. પ્રત્યક્ષ એટલે કે રૂબરૂ અથવા વીડિયો કોલીંગ કે વીડિયો કોન્ફરન્સીંગ દરમિયાનના શબ્દો, ઉચાર, સ્વર ઉપરાંત હાવભાવનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે. પ્રસંગને અનુરૂપ વાતચીત કરવી એ પણ એક કૌશલ્ય છે.
ઘણાં લોકો કોઈ ગંભીર રીતે બીમાર વ્યક્તિની ખબર પૂછવા જાય, કે ફોન કરે, ત્યારે ટૂંકી વાત કરે, હિંમત આપે અને આ પ્રકારના દર્દીઓ સારવાર પછી સાજા થઈ ગયા હોય તેના દૃષ્ટાંતો આપે, જે ઉપયોગી નિવડી શકે, પરંતુ કેટલાક લોકો તો આ પ્રકારના ગંભીર રોગોની પોતાની કે પોતાના સગા-સંબંધીએ વેઠેલી વેદના, કોઈ સ્વજનને થયેલી હેરાનગતિ કે આ પ્રકારની બીમારીમાં થયેલા સ્વજનના મૃત્યુની વાતો કરવા લાગતા હોય છે. તે તદ્ન અપ્રાસંગિક અને અયોગ્ય જ કહેવાય. ક્યા પ્રસંગે કઈ વાત કરવી, અને કેવા હાવભાવ રાખવા, તે પણ એક વ્યવહારિક કૌશલ્ય જ છે, જે કેળવવું જોઈએ ને?
વાતચીત કરતી વખતે યાદ રાખો...
તમારી વાતમાં રસ જ ન હોય, તેવી વ્યક્તિ સાથે લાંબી વાતચીત કરવાનું ટાળવું જોઈએ. ઘણી વખત અસ્ખલિત થતી વાતચીત સાંભળતી વ્યક્તિ તેને અટકાવવા આડું-અવળું જોવા લાગે, પ્રતિભાવ કે હોંકારો ન આપે કે બેધ્યાનપણે આવે અને વચ્ચે મોબાઈલ ફોન, ટી.વી. કે અખબારમાં ધ્યાન આપવા લાગે, છતાં પોતાની વાત (કથા) પૂરી જ કરવી હોય, તેમ બોલનાર વ્યક્તિ બોલ્યા જ કરે છે, તે ઘણાંએ જોયું હશે. હકીકતે આપણી વાતમાં રસ જ ન લેતી હોય, તેવી વ્યક્તિ સાથે લાંબી વાતચીત કરવાનું ટાળવું જોઈએ, અને કામની વાત કરીને અટકી જવું જોઈએ.
જેવી રીતે જળ એ જ જીવન છે, તેવી જ રીતે વાણી પણ અમૂલ્ય છે, તેથી એક પ્રચલિત કહેવત છે કે વાણી અને પાણી વિચારીને વાપરો. પાણીની જેમ જ વાણીનો વેડફાટ ન કરો. બિનજરૂરી બકવાસ કરતા રહેવું, અને જરૂર હોય ત્યાં બોલવાના બદલે ચૂપ રહેવું એ જીવનની ગંભીર ભૂલ જ ગણાય, ખરૃં કે નહીં?
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial