Advertisement
Author: નોબત સમાચાર

મહારાષ્ટ્ર-ઝારખંડની વિધાનસભાઓ તથા પેટા ચૂંટણીઓમાં સમતોલ જનાદેશ... મહારાષ્ટ્રમાં 'કોન બનેગા મુખ્યમંત્રી'નું સસ્પેન્સ

આજે મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણીઓ તથા અન્ય કેટલાક રાજ્યોમાં થયેલી પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને ધીમે ધીમે વિજય અને સરસાઈના આધારે ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે. ઝારખંડમાં ઈન્ડિયા ગઠબંધન અને મહારાષ્ટ્રમાં મહાયુતિને જનાદેશ મળવા જઈ રહ્યો છે.

મહારાષ્ટ્રમાં આમ તો પહેલેથી જ શિવસેના અને ભાજપનું ગઠબંધન રચાયું હતું, પરંતુ હવે ભાજપ અને શિવસેના (શિંદે જુથનું ગઠબંધન થયું અને તેમાં શરદ પવારથી છૂટા પડીને અજીત પવારનું જુથ પણ જોડયું, જે એનડીએનું પ્રાદેશિક સ્વરૂપ છે, જેને મહાયુતિ કહે છે. આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિનો વિજય થશે તેવા દાવા થયા હતાં. તે પછી મોટાભાગના એક્ઝિટ પોલ્સમાં પણ ભાજપ, શિવસેના (શિંદે) અને એનસીપી (પવાર) સહિતના પક્ષોએ રચેલા મહાયુતિ ગઠબંધનને બહુમતી મળશે, તેવા અનુમાનો બતાવ્યા હતાં, જે સાચા પડી રહેલા જણાય છે.

મહારાષ્ટ્રમાં બાબા સાહેબની ચિરવિદાય પછી ઉદ્ધવ ઠાકરેએ શિવસેના સંભાળી હતી તેમાંથી અલગ થયેલા બાલાસાહેબના ભત્રીજા અને ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેએ જે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના રચી હતી, તેની પણ આ ચૂંટણીઓમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી, અને અસદુદીન ઓવૈસીની પાર્ટીએ પણ આ ચૂંટણીમાં વ્યૂહાત્મક ભૂમિકા ભજવી હતી.

ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં કાર્યરત શિવસેના સાથે કોંગ્રેસ અને શરદ પવારની એનસીપીએ કરેલા ગઠબંધનને મહાવિકાસ અઘાડી તરીકે ઓળખવામાં આવે છે, જેને રાષ્ટ્રીય કક્ષાના ઈન્ડિયા ગઠબંધનનું પ્રાદેશિક સ્વરૂપ પણ કહી શકાય. મહાવિકાસ અઘાડીએ પણ મહારાષ્ટ્ર વિધાનસભાની ર૮૮ બેઠકોમાંથી ૧૬પ જેટલી બેઠકો મેળવીને પ્રચંડ વિજયના દાવા કર્યા હતાં, જો કે એક્ઝિટ પોલ્સનું તારણ કાંઈક અલગ જ હતું. સંજય રાઉતે ગઈકાલે જ કહ્યું હતું કે મહાવિકાસ અઘાડીને સ્પષ્ટ બહુમતી મળ્યા પછી આજે (શનિવારે) જ મહાવિકાસ અઘાડીનો મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે) તે નક્કી થઈ જશે, પણ પરિણામો તદ્ન વિપરીત આવતા હવે ચૂંટણીમાં ગરબડના આક્ષેપો થયા છે. જ્યારે મહાયુતિ ગઠંબધનને પ્રચંડ બહુમતી મળવાના સંકેત છે.

ઝારખંડમાં ભાજપ સહિત એનડીએના રાષ્ટ્રીય સ્વરૂપના ગઠબંધન સાથે ઈન્ડિયા ગઠબંધનની રાષ્ટ્રીય નેતાગીરીના બદલે પ્રાદેશિક નેતાઓ વચ્ચે ચૂંટણી લડાઈ હોય, તેમ જણાય છે, અને મુખ્યમંત્રી હેમંત સોરેને તેના ગઠબંધનના વિજયનો પહેેલેથી દાવો કર્યો હતો, જ્યારે ભારતીય જનતા પક્ષે પણ પ્રચંડ વિજય સાથે ઝારખંડમાં તેના ગઠબંધનની સરકાર રચાશે, તેવો દવો કર્યો હતો. ઝરખંડમાં ઈન્ડિયા ગઠબંધન અને તેમાં પણ જેએમએમને બહુમતી મળતા હેમંત સોરેન ફરીથી મુખ્યમંત્રી બનશે, તેમ જણાય છે.

આ ચૂંટણીઓની સાથે સાથે અન્ય કેટલાક રાજ્યોની વિધાનસભાની ૧પ બેઠક ઉપરાંત કેટલીક લોકસભા બેઠકોની પેટાચૂંટણીઓ પણ થઈ હતી, જેમાં ઉત્તરપ્રદેશની નવ બેઠકની પેટાચૂંટણી પર સૌની નજરો મંડાયેલી હતી, અને આ પેટાચૂંટણીઓને ઉત્તરપ્રદેશમાં વર્ષ ર૦ર૭ ની વિધાનસભાની સામાન્ય (જનરલ) ચૂંટણીઓની સેમિફાઈનલ પણ ગણાવાઈ હતી. આજે પ્રાદેશિક વલણો મુજબ અહીં એનડીએને જનાદેશ મળી રહ્યો છે, જ્યારે સમાજવાદી પાર્ટી તથા ઈન્ડિયા ગઠબંધનને ઝટકો મળે તેમ જણાય છે.

મહારાષ્ટ્ર-ઝારખંડની આ ચૂંટણીઓને રાષ્ટ્રીય રાજનીતિના સંદર્ભમાં પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે, કારણ કે લોકસભાની ચૂંટણીમાં વર્ષ ર૦૧૪ અને વર્ષ ર૦૧૯ કરતા નબળો દેખાવ કરીને પછડાટ ખાધા પછી ભારતીય જનતા પક્ષ ડેમેજ કંટ્રોલના પ્રયત્નો કરી રહ્યો હતો, જ્યારે મોટાભાગના વિપક્ષો એકજુથ થયા પછી પણ કેન્દ્રની સત્તાથી હાથવેંત દૂર રહી ગયેલું ઈન્ડિયા ગઠબંધન મોદી સરકારને ડગમગાવીને અથવા વર્ષ ર૦ર૦ માં કેન્દ્રમાં સત્તા પ્રાપ્તિ માટે તલપાપડ જણાય છે. મહારાષ્ટ્ર અને ઝારખંડના પરિણામો જોતા મતદારોએ સમતોલ જનાદેશ આપ્યો હોય તેમ લાગે છે.

આ દરમિયાન રાજકીય કાવાદાવાઓ તથા હલચલ વચ્ચે આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાઓ ઉપરાંત પેટાચૂંટણીઓના જે પરિણામો આવી રહ્યા છે, તે દૂરગામી અસરો ઊભી કરનારા છે, અને દેશમાં આગામી રાજકીય સ્થિતિ કેવી હશે, અને જનમત કોના તરફી છે?, કન્ફ્યૂઝ્ડ છે, એક તરફી છે, કે વહેંચાયેલો, તેના સંકેતો પણ આવી રહ્યા છે.

આજે થયેલી મતગણતરીમાં વાયનાડથી પ્રિયંકા ગાંધીની લીડ જોતા ત્યાં કોંગ્રેસનો દબદબો રહેશે તેમ જણાય છે,

મહારાષ્ટ્રમાં મહાયુતિ એટલે કે એનડીએના પ્રાદેશિક સ્વરૂપનો વિજય અત્યારે ભાજપ માટે ઉત્સાહ ઊભો કરનારો છે, પરંતુ હવે ભારતીય જનતા પક્ષ ફરીથી મોટાભાઈની ભૂમિકામાં હશે, તેથી મહારાષ્ટ્રમાં 'કૌન બનેગા મુખ્યમંત્રી'નું સસ્પેન્સ સર્જશે અને ભાજપ ફરીથી ત્યાગની ભાવના રાખે તેમ જણાતું નહી હોવાથી ત્યાં ફડણવીસ, એકનાથ શિંદે અને અજીત પવાર વચ્ચે મુખ્યમંત્રીપદ માટે તીવ્ર સ્પર્ધા થશે, તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

આ ચૂુંટણીઓમાં એકંદરે જોઈએ તો મતદારોએ સમતોલ જનાદેશ આપ્યો છે અને કોઈએ બહું હરખવા કે નિરાશ થવા જેવું નથી, જો કે મહારાષ્ટ્રમાં શિવસેના (ઉદ્ધવ) ના નેતા સંજય રાઉતે ચૂંટણીમાં મોટી ગરબડના આક્ષેપો કર્યા છે, જ્યારે વિપક્ષના અન્ય નેતાઓ પણ ભાજપ પર ધનબળ, ભયનો માહોલ, એજન્સીઓના દુરૂપયોગના આક્ષેપો વરસાવી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh