Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે જામનગર અને હાલાર સહિત દેશભરમાં આપણા દેશના યુવાધનની આન-બાન અને શાનના ગુણગાન ગવાઈ રહ્યા છે, અને લાલબહાદુર શાસ્ત્રીજીએ આપેલો નારો 'જય જવાન... જય કિસાન'ની સાથે સાથે ભારતની સશસ્ત્ર સેનાના બલિદાનો તથા યોગદાનોને યાદ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, દેશની સરહદોને સાચવતા જવાનો પ્રત્યે સમાજની જવાબદારી અદા કરવાનો પણ આ અવસર છે, ખરૃં ને? જો કે, વર્ષ ૧૯૪૭ ની રર જુલાઈના બંધારણભાએ ભારતના તિરંગા અને અશોકચક્ર ધરાવતા રાષ્ટ્રીય ધ્વજને માન્યતા આપી તે દિવસે નેશનલ ફ્લેગ ડે પણ ઉજવાય છે, પરંતુ દર વર્ષે ૭ ડિસેમ્બરે સશસ્ત્ર સેના ફ્લેગ ડે અથવા આર્મ્સ ફોર્સીસ ફ્લેગ ડે ઉજવાય છે, જે દેશની રક્ષ કરતા સશસ્ત્રદળો, દિગ્ગજો અને અદ્ભુત પરાક્રમો કરીને દેશ-સમાજની સેવા-સુરક્ષા કરનાર જવાનોને બીરદાવવાની ઉમદા તક પૂરી પાડે છે.
આ ઉપરાંત ઈન્ટરનેશનલ સિવિલ એવિયેશન ડે અથવા આંતરરાષ્ટ્રીય નાગરિક ઊડ્ડયન દિવસ તરીકે પણ દર વર્ષે ૭ મી ડિસેમ્બરે વિશ્વભરમાં વિશેષ ઉજવણી થાય છે. વર્ષ ૧૯૯૪ માં ૭ મી ડિસેમ્બરે આઈસીએઓની પ૦ મી વર્ષગાંઠની યાદમાં આ દિવસની ઉજવણી શરૂ થઈ હતી.
'જય જવાન જય કિસાન'નો નારો તત્કાલિન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ સેવા સમયે આપ્યો હતો, જે સમયે આપણો દેશ અનેક પડકારો સામે ઝઝુમી રહ્યો હતો. યુદ્ધના સમયે દેશની સરહદોનું રક્ષણ કરતા જવાનોની પડખે ઊભા રહીને તેનો જુસ્સો વધારવો અત્યંત જરૂરી હતો. દેશવાસીઓને પણ દેશની ચોતરફ દુશ્મન દેશોની ઘેરાબંધી વચ્ચે સુરક્ષિત રાખવાની જવાબદારી તે સમયની કેન્દ્ર સરકાર પર જ હતી તે ઉપરાંત દેશમાં અન્ન પુરવઠાની સ્કેરસિટીની નવી જ સમસ્યા પણ વકરી રહી હોય, તેથી જ લાલબહાદુર શાસ્ત્રીજીએ જવાનો તથા ખેડૂતોનો જુસ્સો વધારવા તથા દેશવાસીઓના સ્વાભિમાનને જાગૃત રાખવા આ નારો આપ્યો હતો.
સાતમી ડિસેમ્બરે સશસ્ત્ર સેના ઝંડા દિવસ મનાવવાની પાછળ એક ૫રિવારભાવના પણ રહેલી છે. પોતાના જીવને જોખમમાં મૂકીને મા-ભોમની રક્ષા માટે દેશની સરહદે કે પછી આતંકી ઘટનાઓ, બદમાશો સાથેના એન્કાઉન્ટર કે હિંસક તોફાનો-હુલ્લડો વખતે જીવ ગુમાવતા લોકોના પરિવારોને એવું લાગવું જોઈએ કે તમામ દેશવાસીઓ તેના પરિવારજનો છે. આ જ હેતુથી જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા જવાનોના પરિવારોની સહાયતા માટે જુદા જુદા પ્રબંધો તો થતા જ હોય છે, અને વિવિધ ઉજવણીઓ પણ થતી હોય છે. સશસ્ત્ર સેનામાં કાર્યરત જવાનોના પરિવારો માટે જે ઉજવણી થાય છે, તેને શસ્ત્ર ઝંડા દિવસ સાથે ગરિમામય રીતે સાંકળવામાં આવે છે. યુદ્ધના સમયે થયેલા નુક્સાનની ભરપાઈ કરવાના કાર્યક્રમોનો અમલ પણ થાય છે અને શહીદોના પરિવારજનોને સહિયારો પણ અપાય છે. આ દિવસે આર્મી, નેવી અને એરફોર્સ દ્વારા અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં નિવૃત્ત સેનાનીઓ, દિવંગત સેનાનીઓના પરિવારજનો તથા ફરજ પરના જવાનોને સાંકળવામાં આવે છે. આ દિવસે દેશભરમાંથી લોકો પાસેથી ફંડ એકત્ર કરવામાં આવે છે, જે આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે ફંડમાં જમા કરાવી દેવામાં આવે છે, જે જવાનોના પરિવારોને મદદ તથા કલ્યાણ માટે કાર્યરત છે.
આર્મ્ડ ફોર્સીસ ડે ની ઉજવણીના ભાગરૂપે ફંડ એકત્રિત કરવા માટે વિવિધ રંગોના નાના ધ્વજનું વિતરણ કરવામાં આવે છે, જે લોકો પોતાના શર્ટ, કોટ વગેરેમાં લગાવીને જવાનો પ્રત્યેનું સન્માન તથા તિરંગા સાથે આદર પ્રગટ કરે છે.
સરહદ પર દેશની રક્ષા કરતા જવાનો હોય કે આંતરિક સુરક્ષા માટે ઝઝુમતા સુરક્ષાદળો હોય, કે પછી દેશવાસીઓ માટે પરસેવો વહાવીને અન્ન ઉત્પન્ન કરતા અન્નદાતા કિસાનો હોય, તેઓ આપણાં દેશની આન-બાન અને શાન તો વધારે જ છે, સાથે સાથે પોતાની તમામ તાકાત સાથે દેશને સમર્પિત થઈ જાય છે, ખરૃં કે નહીં?
જે લોકો ચોવીસે કલાક સરહદો પર તૈનાત રહેનારા વીર જવાનો ઘણી વખત મોટી ઉંમરે ગંભીર બીમારીઓમાં સપડાઈ જતા હોય છે. યુદ્ધ કે વધતી ઉંમરની બીમારીઓના કારણે દિવ્યાંગ થઈ જતા હોય છે, શહીદોની શહીદી પછી અનેક પડકારોનો સામનો કરતા કરતા દેશ માટે બલિદાન આપનાર વીર જવાનોના પરિવારોને અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. આ પ્રકારના તમામ જવાનો કે તેના પરિવારજનોની મદદ માટે સશસ્ત્ર ધ્વજ દિવસના દિવસે ઉઘરાવેલા ફંડનો ઉપયોગ કરવામાં આવે છે, તેથી પ્રત્યેક દેશવાસીઓ પાસે જવાનો પ્રત્યેનું ઋણ ઉતારવાનો ઉમદા અવસર આપણે પણ ગુમાવવા જેવો નથી, તો, ચાલો, જવાનોને મદદરૂપ થવા ઉદાર હાથે ફંડ આપીએ...
દેશના જવાનો જેટલી જ ઈજ્જત અને મદદના હક્કદાર કિસાનો પણ છે, અને તેથી જ આપણે ખેડૂતોને જગતના તાત પણ કહીએ છીએ. જય જવાન, જય કિસાનના નારાની સાથે હવે જય વિજ્ઞાન જોડીને દેશના વૈજ્ઞાનિકો પ્રત્યે પણ દેશવાસીઓની કાંઈક ફરજ હોય છે, તે યાદ કરાવવું પડે ખરૃં?
જો કે, હવે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ, આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે અથવા સશસ્ત્ર બલ ઝંડા દિનની ઉજવણી માત્ર ફોર્મોલિટી જેવી બનતી જાય છે. પરંપરાગત રીતે કાર્યક્રમો યોજાય છે, જિલ્લાના સ્થાનિક અધિકારીઓના હસ્તે ફંડ અપાતું હોય કે ખિસ્સા પાસે શર્ટમાં નાનો ફ્લેગ લગાવવાનો હોય, તેવી તસ્વીરો ખેંચવામાં આવે છે, થોડું-ઘણું ફંડ પણ એકત્ર થતું હશે, પરંતુ આ ઉજવણીની પાછળનો મૂળ ઉદ્દેશ્ય અને ભાવના પહેલા જેવી રહી છે ખરી?... જરા વિચારો..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial