Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એવું કહેવાય છે કે કોઈપણ કામ પૈસા આપ્યા વિના થતું નથી. આ માન્યતા માત્ર સરકારી કામો પૂરતી જ મર્યાદિત નથી, પરંતુ સંસ્થાઓ, ખાનગી કંપનીઓ, બેંકીંગ સિસ્ટમ અને સામાજિક-આર્થિક ક્ષેત્રો સુધી આ બદી વ્યાપી રહી છે. એટલું જ નથી, કેટલાક આસ્થાના સ્થળો પણ તેમાંથી બાકાત રહ્યા નથી, અને ભ્રષ્ટાચારની સાથે વ્યભિચાર તથા દૂરાચારનું પણ સંયોજન થઈ રહ્યું છે, જેના અનેક કિસ્સા વખતોવખત પ્રકાશમાં આવતા જ રહે છે, જે આપણે બધા જાણીયે છીએ.
ભ્રષ્ટાચાર એટલે માત્ર લાંચ-રૃશ્વત જ નહીં, પરંતુ કોઈ લાભ મેળવવા કે પોતાનો ઉલ્લુ સિદ્ધ કરવા માટે કોઈપણ સ્વરૃપે અપાતું અને લેવાતું વળતર, ભેટસોગાદ કે દૈહિક વ્યભિચારને પણ ભ્રષ્ટાચારના સ્વરૃપો જ ગણી શકાય. હવે તો કોઈપણ સંગઠન, પક્ષ, સંસ્થા કે સત્તામંડળોમાં હોદ્દાઓ આપીને, ચૂંટણીઓમાં ઉમેદવારી માટે ટિકિટો વેંચી કે ખરીદીને અને સરકારી ફેવર મેળવવા માટે પણ ભ્રષ્ટાચાર પનપવા લાગ્યો છે. એટલું જ નહીં, 'નોટ ફોર વોટ'ની તરકીબ તો આપણા દેશમાં ઘણાં દાયકાઓથી અપનાવાતી રહી છે.
દર વર્ષે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય, ભ્રષ્ટાચાર વિરોધી દિવસ મનાવાય છે, અને દુનિયાભરમાં જુદી જુદી રીતે ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશો ચલાવાય છે. ભ્રષ્ટાચાર સામે લડવાની લોકોમાં હિંમત આવે, અને પોતાના કામો કરાવવા માટે કોઈ લાંચ માંગે તો એન્ટીકરપ્શન બ્યૂરો, સીબીઆઈ કે પોલીસ-અન્ય સંબંધિત એજન્સીઓ, વિજિલન્સ વગેરેની સહાયથી તેને ખુલ્લા પાડવાની જાગૃતિ આવે, તે પ્રકારના જનજાગૃતિના કાર્યક્રમો પણ યોજાય છે. પોતાને કાંઈ ખોટું ન કરાવવું હોય, તો પણ ધક્કા ખાવા ન પડે, સમય બચે અને લાઈનોમાં ઊભવું ન પડે, તે માટે ભારત સહિત દુનિયાના ઘણાં દેશોમાં દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો તથા ટ્રેડિશનલ મીડિયાના માધ્યમથી, પ્રેસ મીડિયાના સહયોગથી તથા તદ્વિષયક સંસ્થાઓના સંકલનથી વિવિધાસભર લોકજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે.
વિશ્વના દેશોને એક છત્ર હેઠળ લાવીને વૈશ્વિક કલ્યાણ અને સામુદાયિક અસ્તિત્વ માટે કાર્યરત સંયુક્ત રાષ્ટ્રસંઘની અસેમ્બલીમાં વર્ષ ર૦૦૩ ની ૩૧ મી ઓક્ટોબરે એક પ્રસ્તાવ પસાર કરીને દર વર્ષે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ મનાવવાનો નિર્ણય લેવાયો અને તે માટે ૯ મી ડિસેમ્બરની તારીખ નક્કી કરાઈ હતી.
હજુ સુધી ભ્રષ્ટાચારની કોઈ ચોક્કસ અને સર્વમાન્ય વ્યાખ્યા થઈ જ નથી અને તેથી જ શિષ્ટાચારની ચાદર ઓઢીને પણ ભ્રષ્ટાચાર પનપતો જ રહ્યો છે. અત્યારસુધી ભ્રષ્ટાચારના જે જાણીતા સ્વરૃપો છે, તેમાં લાંચ-રૃશ્વત લેવી અને આપવી તથા કોઈ લાભ લેવા માટે વળતર આપવું વગેરેનો સમાવેશ થતો રહ્યો છે, પરંતુ કોઈપણ પ્રકારે કોઈનો પક્ષપાત કરવો, પૈસા લઈને સંસદમાં સવાલો પૂછવા, મતો ખરીદવા, ખંડણી ઉઘરાવવી, ગેરકાયદે પ્રવૃત્તિઓથી નાણા કમાવા, દબાણો કરવા, બળજબરીથી કે ધાકધમકી કે ભય ફેલાવીને ફંડફાળો એકઠો કરવો, કોર્ટમાં ખોટી જુબાની આપવી, કે તે માટે નાણા આપવા કે લેવા, વિરોધીઓને દબાવવા એજન્સીઓનો દુરૃપયોગ કરવો, ખોટા કેસ કરવા, ખોટા આક્ષેપો લગાવીને કોઈની બદનામી કરવી, બ્લેકમેઈલીંગ કરવું, પરીક્ષાચોરી કે પેપરલીક કરીને વધુ માર્કસ મેળવવાની કોશિશ કરવી, મતો મેળવવા નાણા, ચીજવસ્તુઓ કે શરાબ વગેરે આપવા ઉપરાંત ભ્રષ્ટાચારમાં કઈ કામ કરાવી આપવા કે નોકરી અપાવવા, લોન અપાવવાના ખોટા વાયદા કરવા, નાણા લઈને રિપોર્ટ છાપવા કે નહીં છાપવા, નિર્ણાયકો તરીકે સ્પર્ધાઓમાં કે રેફરી તરીકે ખેલજગતમાં કોઈ પ્રલોભન કે દબાણ હેઠળ ખોટા જજમેન્ટ કે નિર્ણયો આપવા, બંધારણીય પદ પર રહીને ખોટી રીતે કોઈની તરફેણ કરવી કે ખોટા કદમ ઊઠાવવા સહિતના અનેક એવા કાર્યો છે, જેને ભ્રષ્ટાચાર ગણાવી શકાય.
એક દૃષ્ટિએ જોઈએ તો ભ્રષ્ટાચાર બહુરૃપિયો છે, અને જે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા નિત્ય નવા નવા રૃપો ધારણ કરતો રહે છે. હવે તો શિષ્ટાચાર પણ ભ્રષ્ટાચારનું સ્વરૃપ બનવા લાગ્યો છે, જ્યારે દિવાળીના દિવસે ખુશાલીમાં મીઠાઈઓ વહેંચવામાં આવે અને અમીર-ગરીબ સૌ કોઈ એકબીજાના મીઠા મોઠા કરાવે, ત્યારે તેને ઉજવણી કહેવાય, પરંતુ મીઠાઈની સાથે મોંઘી ગિફ્ટ, ડ્રાયફ્રૂટ્સના બોક્સ અને કોઈ ટુર પેકેજોની ટિકિટો વગેરે પણ આપવામાં આવે, ત્યારે તેમાં જ 'ભવિષ્યના વળતર'ની બુનિયાદ રચાતી હોય છે, ખરૃં કે નહીં?
કોઈ પેરેન્ટ પોતાની દીકરીને ત્યાં જાય અને તેના હાથમાં કોઈ ગિફ્ટ કે રોકડ આપે, ત્યારે તેને શિષ્ટાચાર કહેવાય, પરંતુ જ્યારે સાસરિયાના દબાણ હેઠળ દીકરી માંગણી કરે અને દીકરીના માતા-પિતા કે ભાઈ-પરિવાર મોટરકાર, બાઈક, કોઈ મોંઘી ગિફ્ટ કે રોકડના સ્વરૃપમાં દીકરીને ભેટ આપે, ત્યારે તેને દહેજ કહેવાય, આમ દહેજ પણ સામાજિક ભ્રષ્ટાચાર જ છે ને? હવે, તો દેશ-વિદેશમાં વહુઓ પણ (પુત્રવધૂઓ) પણ મોંઘી શરતો રાખીને લગ્નો કરતી હોવાના દૃષ્ટાંતો સામે આવવા લાગ્યા છે, ખરૃં ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial