Advertisement
Author: નોબત સમાચાર

યુક્રેન સહિતના યુદ્ધો ખતમ કરીને ત્રીજુ વિશ્વ યુદ્ધ નહીં થવા દઉં : ટ્રમ્પનો હૂંકાર

સેના અને સરકારમાંથી ડાબેરીઓને હટાવાશેઃ કડક ઈમિગ્રેશન પોલિસીનો અમલ

વોશિંગ્ટન તા. ર૦: શપથવિધિ પહેલા જ એક મેગારેલીને ઉદ્બોધન કરતા અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક મહત્ત્વપૂર્ણ જાહેરાતો સાથે ત્રીજુ વિશ્વયુદ્ધ થવા જ નહીં દેવાય, તેવો હૂંકાર પણ કર્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળની શરૂઆત પહેલા એક મોટી રેલી દરમિયાન ઘણી મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી છે. રવિવારે વોશિંગ્ટનમાં આયોજિત આ રેલીમાં ટ્રમ્પે કહ્યું કે તેઓ 'ઐતિહાસિક ગતિ અને તાકાત સાથે કામ કરશે અને દેશના દરેક સંકટનો ઉકેલ લાવશે. ટ્રમ્પે કહ્યુંકે તેઓ અમેરિકાને મહાન અને મજબૂત બનાવવામાં કોઈ કસર છોડશે નહીં. આ દરમિયાન તેમણે ઈમિગ્રેશન મામલે કડક કાર્યવાહી કરવાની વાત કરી. તેમજ વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધોને બંધ કરીને ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો દૂર કરવામાં આવશે તેવું વચન આપ્યું હતું.

એક અમેરિકા ગ્રેટ-અગેન વિજય રેલીમાં યુક્રેન અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષો પર બોલતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, હું યુક્રેનમાં યુદ્ધનો અંત લાવીશ. હું મધ્ય પૂર્વમાં અરાજક્તા પણ બંધ કરીશ અને હું ત્રીજું વિશ્વયુદ્ધને થતું અટકાવીશ અને તમને કદાચ ખબર નહીં હોય કે આપણે આમાં કેટલા નજીક છીએ.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'અમે મધ્ય પૂર્વમાં સ્થાયી શાંતિ તરફ પહેલું પગલું ભરીને એક મહત્ત્વપૂર્ણ યુદ્ધવિરામ કરાર પ્રાપ્ત કર્યો છે. આ ગાઝા કરાર ફક્ત નવેમ્બરમાં આપણી ઐતિહાસિક જીતના પરિણામે જ શક્ય બન્યો હોત. આ અંતર્ગત પહેલા બંધકોને હમણાં જ મુક્ત કરવામાં આવ્યા છે. બાઈડન કહી રહ્યા છે કે તેમણે સોદો કરી લીધો છે, પરંતુ જો હું રાષ્ટ્રપતિ હોત, તો આ (ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ) ક્યારેય શરૂ ન થાત.'

ઈહિગ્રેશનના મુદ્દા પર ટ્રમ્પે કહ્યું કે અમે ટૂંક સમયમાં અમારા સાર્વભૌમ પ્રદેશ અને સરહદો પર પર નિયંત્રણ સ્થાપિત કરીશું. અમે અમેરિકન ભૂમિ પર કાર્યરત દરેક ગેરકાયદેસર એલિયન ગેંગ સભ્ય અને સ્થળાંતર ગુનેગારને બહાર કાઢી મૂકીશું. અમે આમાં કોઈપણ પ્રકારની છૂટછાટ આપવાના નથી. આ સમય દરમિયાન ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેમની સરકાર શાળાઓમાં દેશભક્તિનો અભ્યાસક્રમ દાખલ કરશે. તેમણે સેના અને સરકારમાંથી ડાબેરી વિચારધારા ધરાવતા લોકોને હાંકી કાઢવાની પણ જાહેરાત કરી છે.

ટિકટોક પર પ્રતિબંધ અંગે ટ્રમ્પે રેલીમાં કહ્યું કે આપણે ટિકટોકને બચાવવું પડશે. તેમણે અગાઉ ટિકટોકની યુએસ પેટાકંપનીને ચીની માલિકીમાંથી છૂટા કરવાના સોદા પર પહોંચવા માટે સમય આપવા માટે પ્રતિબંધને વિલંબિત કરતો એક્ઝિક્યુટીવ ઓર્ડર જારી કરવાનું વચન આપ્યું હતું. ટ્રમ્પે ટિકટોકને રાહત આપવાનો સંકેત આપ્યો છે. રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. તેઓ અગાઉ ર૦૧૬ થી ર૦ર૦ સુધી યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી ચૂક્યા છે.

અમેરિકાના ૪૭મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા પછી ડોનાલ્ડ ટ્રમ્પ તરત જ કડક નિર્ણયો લેવાના છે. મીડિયા રિપોર્ટસ અનુસાર ટ્રમ્પ પહેલા જ દિવસે લગભગ ૧૦૦ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરવામાં આવશે. તેમાં ઈમિગ્રેશન, સરહદ સુરક્ષા, ઊર્જા અને શાસન સંબંધિત આદેશોનો સમાવેશ થઈ શકે છે. ટ્રમ્પના નજીકના એક નેતાએ દાવો કર્યો છે, નોંધનીય છે કે એક્ઝિક્યુટિવ ઓર્ડર એ રાષ્ટ્રપતિ દ્વારા જારી કરાયેલો આદેશ છે, જે કાયદા જેટલી જ શક્તિ ધરાવે છે. એક્ઝિક્યુટિવ ઓર્ડર લાગુ કરવા માટે સંસદની મંજુરી જરૂરી નથી, જો કે આને કોર્ટમાં પડકારી શકાય છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની ટીમ તેમના એજન્ડાને અમલમાં મૂકવા માટે ખૂબ જ ઉત્સુક છે અને આ અંતર્ગત તેઓ ઈમિગેશન, ઊર્જા અને સરકારી ભરતી નીતિઓમાં મોટા ફેરફારો કરતા આદેશો જારી કરવાની તૈયારી કરી રહ્યા છે. ટ્રમ્પ સરકારમાં વ્હાઈટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ પદની જવાબદારી સંભાળવા જઈ રહેલા સ્ટીફન મિલરે કહ્યું કે એક્ઝિક્યુટિવ ઓર્ડર હેઠળ દક્ષિણ સરહદ પર કટોકટી જાહેર કરવામાં આવશે. સરહદો પર સૈન્ય તૈનાત કરવામાં આવશે, દાણચોરોને 'વિદેશી આતંકવાદી સંગઠનો' જાહેર કરવામાં આવશે. આમાં 'મેક્સિકોમાં રહો' નીતિને પુનઃસ્થાપિત કરવી, 'કેચ એન્ડ રિલીઝ' નીતિનો અંત લાવવો અને ઊર્જા કટોકટી જાહેર કરવાનો પણ સમાવેશ થશે.

આ ઉપરાંત આર્કટિક ડ્રિલિંગ ખોલવું, પાઈપલાઈન લાઈસન્સિંગ/બાંધકામને વેગ આપવો, સરકારી કર્મચારીઓને દૂર કરવા માટેના સુધારાઓ વગેરેનો પણ સમાવેશ થાય છે. મિલરે કહ્યું, તેઓ (ટ્રમ્પ) હંમેશાં આપણા બધા માટે લડ્યા છે. આનો અર્થ એ છે કે આપણા લોકોનો શિકાર બનતી ગુનાહિત ગેંગ અને વિદેશી કાર્ટેલનો નાશ કરવો, આનો અર્થ એ છે કે દરેક અમેરિકન નાગરિકને ન્યાય મળે છે જેમણે ગેરકાયદેસર વિદેશીને કારણ પોતના પ્રિયજન ગુમાવ્યા છે. એક્ઝિક્યુટિવ ઓર્ડર હેઠળ ટ્રમ્પ આઉટગોઈંગ પ્રેસિડેન્ટ જો બાઈડનના કેટલાક નિર્ણયોને પણ ઉલટાવી દેશે, જેમાં કલાયમેટ ચેન્જ પર પેરિસ કરાર, અશ્મિભૂત ઈંધણ ઉત્પાદન પરના નિયંત્રણો હટાવવા અને સ્થાનિક તેલ ડ્રિલિંગનો વિસ્તાર કરવાનો સમાવેશ થાય છે.

ટ્રમ્પે કહ્યું કે હું ઈલોન મસ્કના નેતૃત્વમાં સરકારી દક્ષતાનો નવો વિભાગ બનાવીશ. ઈલોન મસ્ક કહે છે કે ઘણાં પરિવર્તનની આશા છે. આ જીતની અરૂઆત છે. અમે અમેરિકાને આગામી સદીમાં મજબૂત કરવાની દિશામાં કામ કરવા તૈયાર છીએ. અમેરિકાને ફરી મહાન બનાવવું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh