Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ફ્લાય ઓવરબ્રિજ ખુલ્લો મૂકાયા પછી ટ્રાફિક નિયમન નહીં, પણ ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા અને એકાદ અકસ્માત પણ થયો, તે પુલના નિર્માણમાં રહી ગયેલી ત્રુટિઓ અને અધરૂપ ઉપરાંત નગરજનોની કુતૂહલપ્રવૃત્તિ તથા કેટલાક પરિબળોની અયોગ્ય તથા અનિચ્છનિય હરકતોનો પણ પર્દાફાશ કરે છે. મુખ્યમંત્રી બ્રિજ ખુલ્લો મૂકીને ગયા, તેની પ્રથમ બે રાત્રિ દરમ્યાન રંગીન રોશનીનો નજારો માણવા તથા લાંબા સમયથી નિર્માણધિન બ્રિજ કેવો બન્યો છે, તે નિહાળવા એટલા બધા લોકો ઉમટી પડયા હતા કે ટ્રાફિક જામ નિવારવા માટે ટ્રાફિક પોલીસને તથા તંત્રના નાકે દમ આવી ગયો , તો બીજી રાત્રિએ કેટલાક સ્થળે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવા દૃશ્યો જોવા મળ્યા, અને એકંદરે નગરના નજરાણા જેવા આ બ્રિજની સ્વચ્છતા, સુરક્ષા તથા ટ્રાફિક તથા કાયદો-વ્યવસ્થાની દૃષ્ટિએ જરૂરી એવા "ત્રીજા નેત્ર"ની વ્યવસ્થા જ હજુ થઈ નથી, તે જાણીને લોકોને તાજ્જુબ થયું. બ્રિજમાંથી ઉતરતા ઢાળીયા પાસે વળાંક પાસે વધુ ચોકસાઈ માટે વધુ ડિવાઈડરની જરૂર જણાવાઈ, તો બ્રિજ પર આવતા વળાંકો અંગે સતર્કતા રાખવાની જરૂર તથા તદ્વિષયક વધુ સાઈનીંગ બોર્ડની ચર્ચા પણ થઈ.
આપણે આપણું તદ્ન નવું મકાન આપણું પોતાનું બનાવ્યું હોય અને વાસ્તુ કરીને રહેવા જઈએ કે તરત ત્યાં દીવાલો પર થુંકીએ કે હોલ-બેડરૂમ કે ગમે ત્યાં કચરો ફેંકીએ ખરા ?...ન જ ફેંકીએ, પરંતુ નવા નકોર બ્રિજ પર આ પ્રકારની હરકતો થઈ, તેને બેશરમ અથવા નિર્લજ્જ તથા એક જવાબદાર નાગરિક તરીકે તદૃન અયોગ્ય હરકતો જ કહી શકાય...જાહેર મિલકતો પબ્લિક મનીમાંથી જ બને છે અને આપણે ભરેલા ટેકસમાંથી જ વિકાસના સંકુલો તથા માળખાકીય મિલકતો બને છે, તેવો દાવો તો આપણે હંમેશાં કરતા હોઈએ છીએ, પરંતુ આ પ્રકારની પબ્લિક પ્રોપર્ટી અથવા જનસુવિધાઓ તદૃન નવનિર્માણ પામી હોય, ત્યાં જ તેને ગંદી, ગોબરી કરવા લાગીએ, તો આપણને તંત્રની ટિકા કરવાનો કે હક્કો માંગવાનો અધિકાર ખરો ?...જરા વિચારો... દિલ પર હાથ રાખીને અંતરઆત્માને પૂછો...!
કલેકટર-એસ.પી.-મ્યુનિસિપલ કમિશનર સહિત તંત્રના ઉચ્ચ અધિકારીઓએ પણ ઉદઘાટન પછી આ બ્રિજની સ્થિતિ નિહાળવા આંટો માર્યો હશે. નગરના કેટલાક શ્રેષ્ઠીઓ તથા પ્રેસ-મીડિયા, લબ્ધ-પ્રતિષ્ઠિત લોકો દ્વારા વિવિધ પ્રતિભાવો વ્યક્ત થયા, કેટલાક ઉપયોગી સૂચનો પણ થયા, તો કેટલીક બાબતે આલોચના પણ થઈ, પરંતુ કોઈના તરફ એક આંગળી ચિંધીએ, ત્યારે બાકીની ત્રણ આંગળી આપણી તરફ હોય, અને અંગૂઠો, "ડબલ ઢોલકી" વગાડતો હોય, તેમ તદૃન વચ્ચે જ હોય છે, તે ભૂલવું ન જોઈએ !
આટલા લાંબા સમયથી બ્રિજનું નિર્માણ થતું હોવા છતાં જો મૂળભૂત જરૂરિયાતો અથવા ટ્રાફિક નિયમનની પૂરતી વ્યવસ્થાઓ કે સીસીટીવી કેમેરાઝ ગોઠવી શકાયા ન હોય, તો તે આ બ્રિજની ડિઝાઈન કરનારાઓથી લઈને એન્જિનિયરો, કોન્ટ્રાકટરો, તંત્રના ઉચ્ચ અધિકારીઓ તથા ઘણી વખત નગરમાં ઊંચો કોલર રાખીને સીનસપાટા કરતા રહેતા કેટલાક નેતાઓ, નાની-નાની બાબતોમાં પ્રેસનોટના ઢગલા કરતા રહેતા કેટલાક નિવેદનીયા "જાગૃત જનસેવકો", મહાપાલિકાના પદાધિકારીઓ અને લોકોએ ચૂંટેલા નગરસેવકો તથા જનપ્રતિનિધિઓ સહિત આપણી બધાની ભાગે પડતી જવાબદારી ગણાય, અને સહિયારી ખામી જ ગણાય, ખરૃં ને ?
આજે સવારે જ સમાચાર આવ્યા છે કે આ નવાનકોર બ્રિજમાં આગ લાગતા ફાયરબ્રિગેડને દોડવું પડ્યું હતું, અને શોટસર્કિટ થતાં વાયર બળ્યું હોવાનું સામે આવ્યુું હતું, મહાનગરપાલિકાનું તંત્ર હોય કે જિલ્લાનું વહીવટી તંત્ર હોય, કોન્ટ્રાક્ટરોનું તંત્ર હોય કે લોકતંત્રના પહેરેદારો દાવો કરતા રહેતા કેટલાક બોલકા લોકો હોય, કોઈનાય બહુ વખાણ કરવા જેવા નથી,...બ્રિજના ઉદઘાટન પછી પહેલા બે દિવસના અનુભવે જ સામે આવેલી વાસ્તવિકતાઓ માટે જવાબદાર કોણ ? તે પ્રશ્નનો જવાબ આત્મચિંતન કરીને સ્વયં જ શોધવો પડે તેમ છે.
નગરના નજરાણાં સમા બનેલા ફલાય ઓવરબ્રિજના સુશોભન, લાઈટીંગ અને ઝગહળાટ નમૂનેદાર છે અને સુંદર દૃશ્યો જોવા મળી રહ્યા છે, તે હકીકત છે, પરંતુ તેની પાછળ મૂળભૂત જરૂરિયાતો, વ્યવસ્થાઓ અને "તિસરી આંખ", તથા ટ્રાફિક નિયમન જેવી તકેદારીઓમાં કચાશ રહી ગઈ, તે ક્ષમ્ય નથી...
આ ફલાય ઓવરબ્રિજના પ્રથમ બે દિવસના અનુભવે એવું કહી શકાય કે અડધો પાણીનો ગ્લાસ ઘણાંને અડધો ભરેલો દેખાય, તો ઘણાંને અડધો ખાલી દેખાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. આ બ્રિજ અંગે ટિકા-ટિપ્પણી થાય, વાસ્તવિક ભૂલો પ્રત્યે અંગૂલી નિર્દેશ થાય કે ઉયોગી સૂચનો થાય, તે આવકાર્ય પણ છે અને જરૂરી પણ છે, પરંતુ કેટલાક સૂફિયાણી સલાહો આપતા પરિબળો ડાહી ડાહી વાતો કરતા રહેતા હોય અને પોતે જ આ બ્રિજના લોકાર્પણની પહેલી રાત્રે શું કર્યું તે ભૂલી જતા હોય, તો એવું કહી શકાય કે આ પ્રકારના લોકો હાથી જેવા હોય છે, જેના ખાવા (ચાવવા)ના દાંત જુદા અને દેખાડવાના દાંત જુદા હોય છે...!!!
ખેર, હવે ઝડપથી રેલવેની જમીનનું હસ્તાંતરણ થઈ જાય, અને અંબર ચોકડી પાસે નવા સ્લેબ જલદી બની જાય, સમગ્ર બ્રિજને આવરી લેતા સીસીટીવી કેમેરા ઝડપથી ફિટ થઈ જાય, અને વચગાળામાં ડ્રોન કેમેરાથી નિરીક્ષણનો વિકલ્પ વિચારાય, બ્રિજની ઉપર તથા બંને છેડે ટ્રાફિક વ્યવસ્થા તથા કાયદો-વ્યવસ્થા જાળવવાની રાઉન્ડ-ધ-કલોક વ્યવસ્થા ઉપરાંત અભ્યાસ કરીને ટ્રાફિક વધુ રહેતો હોય ત્યારે વિશેષ વ્યવસ્થાઓ થાય, ટ્રાફિકના સમયે બ્રિજ પર બિનજરૂરી રીતે વાહનો ઊભા રાખીને ટ્રાફિક જામ કરતા, બ્રિજ પર ગમે ત્યાં પાન-મસાલાની પિચકારી મારતા, કચરો ફેંકતા કે અયોગ્ય હરકતો કરતા પરિબળો દંડાય અને જરૂર પડ્યે તેવા રીઢા તત્ત્વોને કાયદાનું ભાન કરાવવા, તે અત્યંત જરૂરી છે...નગરને નવલું નજરાણું મળ્યુ છે, તેને જાળવીએ, અને આપણે પણ સુધરીએ અને બીજાને પણ સાચો માર્ગ બતાવીએ....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial