Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુમાન, ગુસ્સો અને ગરુતાગ્રંથીને લગામ લાગે તો સફળતા સરળ બની જાય...
બાળપણથી જ અનોખી બુદ્ધિપ્રતિભા ધરાવતા વિવેકમાં નામ એવા જ ગુણ પણ હતાં અને ખૂબ જ વિવેકી, વિનમ્ર અને બધાનો વહાલો હતો. તેની કોઠાસુઝ અને કાંઈક ને કાંઈક નવું શીખવાની ધગશ તથા શાર્પ મેમરીપાવરના કારણે તે પ્રાથમિક શિક્ષણથી હાયર સેકન્ડરી સુધી હંમેશાં ટોપ પર રહેતો અને તે પછી ઉચ્ચ અભ્યાસ કરીને આઈ.એ.એસ. બન્યો હતો. એ દરમિયાન વિવેકને ઘણાં દોસ્તો મળ્યા, ગ્રુપ મોટું થયું અને પરિવાર પણ વિવેકની પ્રગતિથી ગૌરવ અનુભવતો હતો. વિવેકની આ સિદ્ધિઓના મૂળમાં જ તેની બુદ્ધિપ્રતિભાની સાથે સાથે સદ્ગુણોનું સંયોજન હતું.
વિવેકની સફળતા અને સિદ્ધિઓમાં તેના પરિવારનું બલિદાન, માતા-પિતાનો અવિરત સહયોગ અને ભાઈ-બહેનોનું પ્રોત્સાહન પણ કારણભૂત હતું. દસમું ધોરણ પાસ કર્યા પછી વિવેકે હંમેશાં હોસ્ટેલ, બોર્ડીંગ, પી.જી. વગેરેમાં રહીને અભ્યાસ કર્યો હોવાથી તે આઈ.એ.એસ. બન્યો, ત્યાં સુધીમાં તેની આજુબાજુ મોટું ફ્રેન્ડ સર્કલ સર્જાઈ ગયું હતું, પરંતુ તે વર્ષોથી પોતાના પરિવારથી દૂર રહ્યો હતો. આ કારણે પોતાના સ્વજનોની સ્નેહાળ હૂંફ અને માતા-પિતાએ પેટે પાટા બાંધીને કરાવેલા ઉચ્ચ અભ્યાસની સાથે જોડાયેલી સ્મૃતિઓ વિસરવા લાગ્યો હતો. એટલું જ નહીં, તેનામાં ધીમે ધીમે ગુરૃતાગ્રંથી પણ પનપવા લાગી હતી. તે સુપરિયાલિટી કોમ્પ્લેક્ષથી જાણે કે પીડાવા લાગ્યો હતો.
આઈ.એ.એસ.ની ઉપલબ્ધિ પછી તેની કારકિર્દી ઉજ્જવળ બની. વતનથી દૂરના રાજ્યમાં પોસ્ટીંગ મળ્યું. તેની બુદ્ધિપ્રતિભા અને કોઠાસુઝના કારણે અનેક એવોર્ડ મળ્યા, અને પોતાની દરેક ફરજો ખૂબ જ લગનથી નિભાવતો હોવાથી તેને ઘણી જવાબદારીઓ પણ સોંપાઈ. વિવેકની ઉપલબ્ધિઓ અને સફળતાઓને ધીમે ધીમે તેનામાં ગુરુતાગ્રંથી તો વધારી જ દીધી હતી, અને જીદનું મિશ્રણ થતા તેનો સ્વભાવ પણ થોડો બદલાવા લાગ્યો હતો, પરંતુ કેટલીક વર્કીંગ મોનોપોલીના કારણે તેનામાં ગુમાન-ઘમંડ અથવા અનુચિત અભિમાન પણ વધવા લાગ્યું હતું.
વિવેક હવે અવિવેકી થવા લાગ્યો હતો. બાળપણથી નામ પ્રમાણે ગુણ હતાં, પરંતુ ઉચ્ચ પોસ્ટ, મોટો હોદ્દો, સફળતાઓ, સિદ્ધિઓ, પ્રશંસાપત્રો, એવોર્ડસ, સન્માન સમારંભો અને મીડિયા-સોશ્યલ મીડિયા-અખબારોના માધ્યમથી થયેલી પબ્લિસિટીના કારણે એક તરફ તેની નામના દશે ય દિશાઓમાં વધવા લાગી હતી, તો બીજી તરફ તેમનામાં પ્રવેશેલા ઘમંડ, જીદ અને સુપરિયારિટી કોમ્પ્લેક્ષ જેવા છૂપા પરિબળોએ તેને તોછડો, અવિવેકી અને અતડો પણ બનાવી દીધો હતો.
પોતાના પરિવારથી તે હજારો કિલોમીટર દૂર હતો, અને કારકિર્દીના પ્રારંભે દરરોજ ફોન કરતો, મેસેજ મોકલતો, સોશ્યલ મીડિયાના માધ્યમથી પોતાના કોલેજકાળના મિત્રો તથા વતનના ફ્રેન્ડસર્કલ સાથે સતત સંપર્કમાં રહેતો હતો. ઘણી વખત વીડિયોકોલ કરીને પરિવાર અને માતા-પિતાના ખબર-અંતર પૂછી લેતો હતો, અને તેના ભાઈ-બહેનોના અભ્યાસ તથા અન્ય પારિવારિક બાબતોની ચર્ચા કરી લેતો હતો, પરંતુ હવે તે પોતાની સિદ્ધિઓના ગગનમાં એટલો ઊંચે ઊડી રહ્યો હતો કે તે ધીમે ધીમે પોતાના પરિવાર, વતનના મિત્રો અને સ્વજનોને ભૂલવા લાગ્યો હતો.
માતા-પિતાને વિવેકના વેવિશાળની ચિંતા હતી, અને ઘણાં લોકો આ માટે પૃચ્છા પણ કરતા હતાં. નાના ભાઈને એડમિશન માટે મદદ કે ગાઈડન્સની જરૃર હોય ત્યારે પહેલાની જેમ વિવેક તેને સહયોગ આપવાના બદલે ફોન જ ઉપાડતો નહીં. નાની બેનનું વેવિશાળ નક્કી કરવા વતનમાં આવવાનો પણ તેને 'ટાઈમ' નહોતો, અને આ માટે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવતો તો વિવેકના પી.એ. દ્વારા જ તેને ટાઈમ નહીં હોવાનો જવાબ આપી દેવામાં આવતો હતો. પરિવારનો નિભાવ હવે પિતાના પેન્શનમાંથી કરવો મુશ્કેલ હોવાથી નાના ભાઈએ પણ પોતાના ઉચ્ચ કારકિર્દીના સપનાઓ છોડીને નાની નોકરી સ્વીકારી લીધી હતી.
વિવેકને પરણાવવાના સપના જોતા માતા-પિતાને ત્યારે તીવ્ર આઘાત પહોંચ્યો, જ્યારે તેઓએ જણાવ્યું કે વિવેક તો એક ઉચ્ચ અભ્યાસ કરેલી યુવતી સાથે રહેવા લાગ્યો છે. તે લિવ-ઈન-રિલેશનશીપમાં રહે છે, અને સગાઈ કે લગન કર્યા વિના જ પતિ-પત્નીની જેમ રહે છે અને બન્ને જોબ કરે છે.
વિવેક હવે પહેલાની જેમ વિવેકી તો રહ્યો નહોતો, પરંતુ પરિવાર સાથેના સંબંધો તથા વતનના મિત્રોને પણ ભૂલી ચૂક્યો હતો, તેથી માતા-પિતાના એક વખત હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને વિવેકના જ એક મિત્ર સાથે વિવેકના નોકરીના સ્થળે પહોંચ્યા. ઓફિસમાં પી.એ.ને મળ્યા, અને ફોન પર લીધેલા સમયનો હવાલો આપ્યો. પી.એ.એ તેઓને માનભેર બોલાવ્યા અને ચા-પાણી પીવડાવ્યા.
વિવેકનો મિત્ર થોડા સમયમાં અકળાયો, કારણ કે બેલ વાગતી અને પ્યૂન જે નામ પોકારતો, તે અંદર ઓફિસમાં જતા અને બહાર આવતા, પરંતુ વિવેકના માતા-પિતાનો વારો જ આવ્યો નહીં... પી.એ. દ્વારા ઈન્ટરકોમમાં પુછવામાં આવતું ત્યારે વિવેક તેને કહેતો કે પહેલા અગત્યના કામો પતાવી લઉં... તેઓ તો ઘરના જ છે ને... તેઓ તો બેસશે... રાહ જોશે...
એકાદ કલાક સુધી વિવેક મળવા નહીં આવતા પિતાને આઘાત લાગ્યો અને બહાર નીકળી ગયા. તેની પાછળ પાછળ માતા અને મિત્ર પણ નીકળી ગયા. પિતા એ આઘાત સહન કરી શક્યા નહીં, અને ભારે હૃદયે વતનમાં પરત આવ્યા પછી બીમાર પડી ગયા... તે પછી પુત્ર વિવેક સાથેના તમામ સંપર્કો તોડી નાખ્યા... માતા પણ બીમાર રહેવા લાગ્યા...
વિવેકે તે દિવસે માતા-પિતા પરત જતા રહ્યા હોવા છતાં એકાદ ફોન કરવાનો વિવેક પણ દાખવ્યો નહીં, પરંતુ તેની સાથે લિવ-ઈન-પાર્ટનરશીપમાં રહેતી યુવતીનો ઘણાં દિવસો પછી ફોન આવ્યો કે તે હવે વિવેક સાથે લિવ-ઈન-પાર્ટનરશીપમાં રહેતી નથી, પરંતુ વિવેક સાથે પણ ડિપાર્ટમેન્ટલ ઈન્કાવયરી શરૃ થઈ છે... તેથી તેને પરિવારના સહયોગની જરૃર છે... તમે મદદ કરજો...
આમ, વિવેક પોતાના મૂળભૂત સંસ્કારો અને સદ્ગુણોમાંથી વિચલીત થઈને બરબાદીના માર્ગે વળ્યો અને અંતે ડિસમીસ થયો. બીજી તરફ તેનો નાનો ભાઈ ખાનગી પેઢીમાં નોકરી કરતો હતો, ત્યાં સૌનો વિશ્વાસ જીલી એ ઘણો આગળ વધ્યો અને નોકરી કરતાં કરતાં જમીન-મકાનની લે-વેચમાં બ્રોકરનું કામ પણ કરવા લાગ્યો હતો, અને સારૃ એવું કમાયો હતો. તે પછી તે રિયલ એસ્ટેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા લાગ્યો હતો. એટલું જ નહીં, વયોવૃદ્ધ માતા-પિતાની સારસંભાળ રાખવાની સાથે સાથે નાની-બહેનનું વેવિશાળ પણ કરાવી દીધું હતું, અને હવે ધામધૂમથી પરણાવવાની હતી.
એ પછી પરિવારના કોઈપણ સારા-માઠા પ્રસંગે વતનમાં નહીં આવનાર વિવેકને સહયોગ આપવા વયોવૃદ્ધ માતા-પિતા અને ભાઈએ તેનો સંપર્ક કર્યો, ત્યારે ખબર પડી કે ભાઈ મોટી મુશ્કેલીમાં છે, અને કોઈ બીજાએ કરેલા ષડ્યંત્રનો ભોગ બન્યો છે. તેમના ગ્રુપમાં પણ તેને કોઈ સહયોગ આપતું નથી અને તેને કાનૂની મદદ નહીં મળે તો જેલમાં જવું પડે તેમ છે.
વિવેકનો ભાઈ તરત જ માતા-પિતાના આગ્રહને લક્ષ્યમાં લઈને મદદ કરવા પહોંચ્યો, ત્યારે વિવેક ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો, અને ભાઈની સાથે વતનમાં આવીને માતા-પિતાના પગે પડ્યો. તેમણે કહ્યું કે, 'ઘમંડ, સફળતાનો નશો અને ગુસ્સો કરવાની પડી ગયેલી ટેવના કારણે જ હું બરબાદ થયો છું, અને ગુસ્સામાં આવીને ભૂતકાળમાં પરિવારજનોની અવગણના કરી, તેના ફળ ભોગવી રહ્યો છું. ગુસ્સાની ટેવના કારણે ઊભા થયેલા દુશ્મનોએ બદલો લેવા મને ષડ્યંત્રમાં ફસાવી ને કૌભાંડિયા અધિકારીનું લાંછન લગાવ્યું છે, પરંતુ હુ તદ્ન નિર્દોષ છું...'
તે પછી તેના બાળપણના મિત્રોમાંથી રાજનેતા બનેલા અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચેલા એક મિત્રનો સંપર્ક કરીને વિવેકે પોતાના પરિવારની મદદથી કાનૂની લડાઈ લડી, અને સાથે સાથે બહેનને ધામધૂમથી પરણાવી. તેમની બહેન પણ ઉચ્ચ અભ્યાસ કરીને પ્રોફેસર બની હતી અને તેમનું વેવિશાળ પણ પ્રોફેસર સાથે જ થયું હતું... કાનૂની જંગ જીતીને નિર્દોષ ઠર્યા પછી વિવેક ફરીથી માનભેર ઉચ્ચ અધિકારી બન્યો, અને ભાઈ તથા માતા-પિતાને પોતાની સાથે જ રાખવાની પેશકશ કરી, તો પરિવારે ખૂબ જ નમ્રતાપૂર્વક ઈનકાર કરીને કહ્યું કે, 'વિવેક... હવે તું પહેલાનો વિવેક બની ગયો છે, તે જ બહું છે, હવે તું પરણીને ખુશ રહે... હવે અમારી ચિંતા કરતો નહી...!
આ કહાની ઘણાં લોકોને ગમશે અને ઘણાંને નહીં ગમે, પરંતુ એક વાત ચોક્કસ છે કે સફળતાનો નશો સંબંધોને તથા સ્વાર્થી અને સિદ્ધિઓનો સમાગમ વિવેકને હાઈજેક કરી જાય છે, સંસ્કારો અને સદ્ગુણોને હરી લ્યે છે અને અંતે બરબાદીને નોતરે છે.
જે લોકો સફળતાના ગગનમાં વિહરે, સિદ્ધિઓના શિખરો સર કરે અને ઉચ્ચ હોદ્દાઓ મેળવે, તેમ છતાં પોતાનો વિવેક ચૂકતા નથી. જમીન સાથે જોડાયેલા રહે છે, સંસ્કારો છોડતા નથી કે સદ્ગુણોની સાચી મૂડી સાચવીને રાખે છે. એટલું જ નહીં, પોતાના પરિવાર, ભાઈ-બહેન, માતા-પિતા અને બાળપણના મિત્રવર્તુળની જીવનપર્યંત ખેવના કરે છે, તેઓ જ સફળતાઓને પચાવી શકે છે, સિદ્ધિઓને જાળવી શકે છે અને સંસ્કારો-સદ્ગુણોનો સંચય કરી શકે છે... અન્યથા વિવેકની જેમ અવિવેકી, અભિમાની અને અતડા થયા પછી તેના માઠા પરિણામો પણ ભોગવવા પડે છે... તોતિંગ વૃક્ષોના મૂળિયા હંમેશાં મજબૂત અને ઊંડા જ હોય છે.
વિનોદ કોટેચા
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial