Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કહે છે કે લાઈફ બિગિન્સ ૬૦. કારણ કે ૬૦ વર્ષની ઉંમરે નોકરી કે ધંધામાંથી રિટાયર થઈ ગયા હોઈએ, સામાજિક જવાબદારીઓ પણ મોટેભાગે પૂરી થઈ ગઈ હોય, નાણાકીય રીતે પણ સધ્ધર હોઈએ, અને સાથે સાથે જો આપણી તંદુરસ્તી પણ સારી હોય, તો આપણે આપણી મનપસંદ પ્રવૃત્તિ કરી શકીએ. જિંદગી આખી આપણે સામાજિક કે આર્થિક જવાબદારીઓને કારણે, અને ખાસ તો સમયના અભાવે જે કોઈ પ્રવૃત્તિઓ, ઈચ્છા હોવા છતાં પણ ન કરી હોય, તે હવે કરી શકીએ છીએ.
અને અહીં જ માણસ ક્યારેક મોટી ભૂલ કરી બેસે છે. પોતાની મનપસંદ પ્રવૃત્તિ નક્કી કરવા માટે તે બીજાની સલાહ લે છે. એક નહીં પરંતુ અનેક મિત્રો અને સ્નેહીઓની સલાહ લે છે. સંસ્કૃતમાં કહ્યું છે કે *તુંડે તુંડે મતિર્ભિન્ના..* એટલે કે દરેક માણસની બુદ્ધિ અલગ અલગ રીતે ચાલે છે. તેથી જ દરેક માણસ જુદી જુદી પ્રવૃત્તિ કરવાની સલાહ આપે છે, અને સરવાળે રીટાયર થયેલો માણસ વધુ ગૂંચવાય છે. છેવટે તે માણસ મોટીવેશનલ સ્પીકરના શરણે જાય છે
જો કે, મને મોટીવેશનલ સ્પીકરો બહુ ગમે. સાચો મોટીવેશનલ સ્પીકર તો એ જ કહેવાય કે જે એકદમ નિરાશ અને નાસીપાસ થયેલા માણસને પણ ઉત્સાહથી ભરી દે. કોઈપણ કારણે જિંદગીથી હારેલા માણસને પણ નવી જિંદગી જીવવાનો ઉત્સાહ આપે. જિંદગીમાં કંઈક કરી બતાવવાની પ્રેરણા આપે.
પરંતુ આજકાલ મોટાભાગના મોટીવેશનલ સ્પીકરોને એક જ વાત આવડે છે, કે જે કોઈ તેની અડફેટે આવે તેનામાં હવા ભરી દેવાની... એટલે કે સામેના માણસમાં કેપેસિટી હોય કે ન હોય, તેને મોટી મોટી વાતો કરીને છાપરે ચડાવી દેવાનો. પછી જેવું તેનું ભાગ્ય..! સલાહ મેળવનારને કશો ફાયદો થાય કે ના થાય, પરંતુ સલાહ આપનાર, એટલે કે મોટીવેશનલ સ્પીકરનું નસીબ તો ચમકી જ જાય છે...!
જો કે આ બધા મોટીવેશનલ સ્પીકરો કરતા તો આપણા પોલિટિશિયન્સ વધારે સારા. તેઓ જાણે છે કે પોલિટિક્સમાં તો કોઈ પણ ઉંમરે કારકિર્દી બનાવી શકાય છે. એટલે તેઓ બીજાને સલાહ આપવાને બદલે, પહેલા પોતે જ તેનો અમલ કરે છે, અને બીજાને તે પ્રમાણે કરવાની પ્રેરણા આપે છે. દા.ત. આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈને જ યાદ કરોને. સામાન્ય માણસ જે ઉંમરે આ દુનિયામાંથી જ રિટાયર થઈ જતો હોય, તે ઉંમરે તેઓ ભારતના વડાપ્રધાન બન્યા, અને સફળતાપૂર્વક દેશનો વહીવટ ચલાવ્યો.
જો બહુ દૂર ન જવું હોય તો આપણા યુવા નેતા રાહુલ ગાંધીનો જ દાખલો લો. વર્ષોથી તેઓ રાજકારણમાં છે, તેઓ દેશ આખામાં જાણીતા પણ છે, અને સખત મહેનત પણ કરે છે. તેઓ દેશમાં ઠેઠ દક્ષિણથી ઉત્તર સુધીની, તેમજ પૂર્વથી પશ્ચિમ સુધીની યાત્રાઓ પણ કરે છે. પરંતુ તેમણે કદી પદનો મોહ નથી રાખ્યો. તેમને આપણા દેશના સૌથી જૂના અને ખમતીધર એવા કોંગ્રેસ પક્ષનું પ્રમુખપદ મળતું હતું તે પણ તેણે જતું કર્યું.
જો કે પોલિટિશિયન્સની તકલીફ વળી બીજા પ્રકારની હોય છે. જે ઉંમરે પોતે રિટાયર થઈને નવી પેઢીને તૈયાર કરવાની હોય, આગળ વધવાની પ્રેરણા આપવાની હોય, તે ઉંમરે તેઓ પોતાની કેરિયર શરૂ કરતા હોય છે અથવા તો જે કોઈ હોદ્દા પર તેઓ બિરાજમાન હોય ત્યાં જાણે ફેવિકોલ લગાવ્યો હોય તેમ ચીપકીને બેસી જાય છે.
વળી આ પ્રોબ્લેમ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરના દેશોમાં છે. અમેરિકન પ્રેસિડેન્ટ ૮૦+ છે, અને તેમને ફરીથી ચૂંટાવુ છે. જ્યારે રશિયાના પ્રેસિડેન્ટ પુટિન અને ચીનના પ્રેસિડેન્ટ જીન પિંગે બંધારણમાં જ એવા સુધારા કર્યા છે કે તેઓ આજીવન સત્તાસ્થાને રહે.
ખરેખર સાચું જ કહ્યું છે કે, "કાગડા બધે જ કાળા હોય.!! "
વિદાય વેળાએઃ બધું જ મેળવી લેવાના આ જમાનામાં આપણે બહુ જ ગુમાવ્યું છે.. પહેલા અભાવમાં ખુશી હતી, હવે જિંદગીમાં ખુશીનો અભાવ છે..!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial