Advertisement
Author: નોબત સમાચાર

જોઈએ, હવે શું થાય છે તે....

આજે દેશના ૩ રાજ્યોમાં રાજ્યસભાની ૧પ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે અને સાંજ સુધીમાં પરિણામો આવી જશે. ક્રોસ વોટિંગ અને બદલતા સમિકરણો વચ્ચે આ ચૂંટણીજંગ એટલા માટે રસપ્રદ બન્યો છે કે, ઉત્તરપ્રદેશમાં 'ખેલા હોગા' ની અટકળો વચ્ચે કેટલાક ધારાસભ્યો 'ગાયબ' એટલે કે સંપર્ક વિહોણા થઈ ગયા હતા. જો કે, આજે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ભારતીય જનતા પક્ષે મહત્તમ બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે. ગુજરાત સહિત કેટલીક રાજયસભાની બેઠકો પર નિર્વિરોધ ચૂંટાયેલા સાંસદો સહિત આજની ચૂંટણી પછી રાજ્યસભામાં કયા પક્ષની કેટલી બેઠકો વધશે, તેની ચર્ચા પણ થઈ રહી છે અત્યારે તો એનડીએનું પલડુ ભારે હોય તેમ જણાય છે. કારણ કે ક્રોસ વોટિંગની સંભાવનાઓ પહેલેથી જ જણાવાઈ રહી હતી. જોઈએ, હવે શું થાય છે તે...

બીજી તરફ ભારતીય જનતા પક્ષ દ્વારા હાલાર સહિત ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે સેન્સ લેવાની કવાયત શરૃ થઈ ગઈ છે અને જામનગર બેઠક માટે નવેક નેતાઓએ ઉમેદવારી માટે દાવેદારી નોંધાવી છે, તેમ કહેવાય છે હવે હાલાર સહિત રાજ્યમાં સેન્સપ્રક્રિયા સંપન્ન થયા પછી કોને કોને ટિકિટ મળશે, તે જોવાનું રહ્યું. કેટલાક ઉમેદવારોની ટિકિટ પાક્કી થઈ ગઈ હોવાની અટકળોની સાથે સાથે નો રિપિટ થિયરી અપનાવાય તો તેમાં પણ કેટલાક અપવાદો હશે, તેમ કહેવાય છે. જો કે ભાજપમાં સર્વોચ્ચ નેતાગીરી જ અંતિમ નિર્ણય લેતી હોવાથી જ્યારે ફાઈનલ યાદી બહાર પડે.. ત્યાં સુધી બધાએ રાહ જ જોવી રહી, બીજી તરફ વિપક્ષી ગઠબંધન ઈન્ડિયામાંથી ભરૃચ અને ભાવનગર બેઠકો પરથી 'આપ' ના ઉમેદવારો ચૂંટણી લડશે, તેવી આમ આદમી પાર્ટીની જાહેરાત પછી જે કાંઈ હલચલ અને હિલચાલ થઈ રહી છે, તે આપણી સામે જ છે, પરંતુ મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ગુજરાત તથા દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં ઈન્ડિયા ગઠબંધન વચ્ચે સીટ શેરીંગ ફાઈનલ થઈ ગયા પછી હવે ધીમે ધીમે ઈન્ડિયા ગઠબંધનનું ચિત્ર પણ સ્પષ્ટ થવા લાગ્યું છે. જો કે, પં.બંગાળમાં કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરી ટીએમસી સાથે ગઠબંધન કરવાની પેરવી કરી રહ્યું છે. ત્યારે જ પં.બંગાળના કોંગી નેતા અધીરરંજન ચૌધરીએ પોતાની રીતે જ ડાબેરીઓ સાથે એક પક્ષીય રીતે સીટ શેરીંગની વાત કરતા મામલો ગુંચવાયો છે. એ પછી હવે પં.બંગાળમાં મમતા બેનર્જી સાથે કોંગ્રેસ ગઠબંધન નહીં કરે, કે પછી અધીર રંજન ચૌધરીના વલણને લઈને આંતરિક નિર્ણય લેવાશે, તે અંગે પણ અનુમાનો થવા લાગ્યા છે. જોઈએ, હવે શું થાય છે તે...

ભારતીય જનતા પક્ષ તરફથી ગુજરાતની તમામ ર૬ લોકસભા બેઠકો પર વિજય મેળવવાનું તો લક્ષ્ય હતું જ, હવે એવો દાવો કરાઈ રહ્યો છે કે મહત્તમ બેઠકો પાંચલાખ થી વધુ મતોના માર્જીનથી જીતવાનું લક્ષ્યાંક પણ રખાશે. ભાજપ દ્વારા જે રીતે સેન્સ લેવાઈ રહી છે અને પ્રિ-ઈલેકશન પ્રક્રિયાત્મક  મેરેથોન મિટિંગોનો ધમધમાટ ચાલી રહ્યો છે, તો જોતા એમ જણાય છે કે માર્ચ મહિનામાં જ કદાચ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. બોર્ડની પરીક્ષાઓ તથા અન્ય મહત્ત્વની પરીક્ષાઓ પૂર્ણ થતાં જ આચારસંહિતા લાગુ થઈ જાય, તેમ હોવાથી જયાં જેનું શાસન છે, ત્યાં તે પક્ષ દ્વારા ઝડપભેર વિકાસના કામો થઈ રહ્યા છે, અને વડાપ્રધાન તોે દેશભરમાં ફરી ફરીને જંગી રકમના શ્રેણીબદ્ધ-અસંખ્ય પ્રોજેકટોના શિલાન્યાસ અને લોકાર્પણો કરી રહ્યા છે. અને આગામી જૂન મહિનામાં ફરીથી એનડીએની સરકાર રચાશે, તેવો દાવો પણ ગઈકાલે એક ટીવી ચેનલના કાર્યક્રમમાં તેઓએ કરી દીધો છે, ત્યારે જોઈએ, હવે શું થાય છે તે...

ગઈકાલે એવા અહેવાલો પણ આવ્યા હતાં કે દ્વારકા સહિત ગુજરાતના ૧૧ સ્થળો પર એરસ્ટ્રીપ બનાવવાનું આયોજન છે, દ્વારકા માટે જે જમીન નક્કી કરાઈ છે, તેનો પ્રિ-ફિઝિબિલિટી અંગે એરપોર્ટ ઓથોરિટી કક્ષાએ પ્રક્રિયા ચાલી રહી હોવાનું પણ કહેવાય છે. દ્વારકા પાસે એરસ્ટ્રીપના મુદ્દે હજુ ફાઈનલ નિર્ણય લેવાયો નહીં હોવાની અટકળો પણ છે. આ વિસ્તારમાંથી નહીં, પણ દેશ-વિદેશના પ્રવાસીઓ દ્વારા પણ દ્વારકામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બને, તેવી આકાંક્ષા ઘણાં સમયથી રાખવામાં આવી રહી છે, જોઈએ, હવે શું થાય છે તે....

ભાજપ 'અબ કી બાર, ચારસો કે પાર' ના સુત્ર સાથે 'મોદી કી ગેરંટી'નો વ્યાપક પ્રચાર કરી રહ્યા છે, તો કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, આપખુદશાહી અને મહિલા સુરક્ષા સહિતના મુદ્દાઓની સાથે સાથે ચીન-પાકિસ્તાનની સરહદોને લગતા મુદ્દાઓ ઉઠાવી રહી છે અને ઓબીસી ઉત્થાન માટે નવા વાયદાઓ કરી રહી છે આમ આદમી પાર્ટી કેન્દ્રીય એજન્સીઓના દુરૃપયોગ અને વિપક્ષી રાજ્ય સરકારોને અસ્થિર કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની કાગારોળ મચાવી રહી છે, જ્યારે સમાજવાદી પાર્ટી, ડાબેરીઓ, એનસીપી (શરદ પવાર) શિવસેના ઉદ્ધવ, ડીએમકે સહિતના પ્રાદેશિક પક્ષો મોદી સરકાર પર વિવિધ મુદ્દે તડાપીટ બોલાવી રહ્યા છે, ત્યારે આગામી લોકસભાની ચૂંટણી પણ ઘણી જ રસપ્રદ થવાની છે, તેવા સંકેતો મળી રહ્યા છે, જોઈએ હવે શું થાય છે તે...

સૌરાષ્ટ્રની કઈ લોકસભા બેઠકો માટે કોણે ઉમેદવારી નો દાવો કર્યો અને કોને ટિકિટ મળશે, તેની અટકળો વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વમંત્રી નારણભાઈ રાઠવા કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહ્યા હોવાની ચર્ચાઓ ગઈકાલથી જ થઈ રહી હતી, જ્યારે ઉત્તરપ્રદેશના સમાજવાદી નેતા અખિલેશ યાદવે ચૂંટણીપ્રક્રિયા પર જ સંદેહ વ્યકત કરતા કહ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણીમાં તેમની પાર્ટીના ઉમેદવારો જીતે તેમ છે, પરંતુ ચૂંટણી જીતવા કોઈ પણ હદે જઈ શકતો ભાજપ ' ચંદીગઢ' ફેઈમ ગરબડ ન કરે તો સારું, તેમ જણાવી અખિલેશે પરોક્ષ રીતે તો ચૂંટણી પ્રક્રિયા સામે જ આશંકા ઊભી કરી દીધી, જોઈએ હવે શું થાય છે તે...

રાજકારણમાં જેવી રીતે દિવસે દિવસે માહોલ બદલી રહ્યો છે, તેવી જ રીતે કુદરતી ઋતુચક્ર પણ બદલાઈ રહ્યું હોય તેમ અત્યારે કમોસમી વરસાદની શકયતાઓ વચ્ચે ગરમી-ઠંડીના સંયોજનના કારણે અને પલટાતા રહેતા હવામાનના કારણે વાયરલ બીમારીઓ પણ વધી રહી છે અને સરકારી આરોગ્ય કેન્દ્રો તથા હોસ્પિટલો ટૂંકા પડી રહ્યા છે... જોઈએ, હવે શું થાય છે તે...

અત્યારે તો દેશભરમાં લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર-પ્રસારની આંધી શરૃ થવા જઈ રહી છે અને દેશવ્યાપી રાજકીય રણનીતિઓ બદલાઈ રહી છે, ત્યારે ચૂંટણી આવતા સુધીમાં કાંઈ પણ થઈ શકે છે, જોઈએ, હવે શું થાય છે તે....

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh