Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓનું ૪ ટકા મોંઘવારી ભથ્થુ ચૂકવવાનો નિર્ણય કર્યો છે, માવઠાની આગાહી સાથે કેટલાક સ્થળે કમોસમી વરસાદ થયો છે. કોમર્શિયલ એલપીજીમાં ભાવવધારો કરાયો છે અને ઉનાળાના પ્રારંભે જ દેશના કેટલાક વિસ્તારોમાં જળસંકટના એંધાણ વર્તાયા છે, તેવા અહેવાલો વચ્ચે દેશની આબોહવા પર ગ્લોબલ વોર્મીંગ વિષે થયેલા નવા અભ્યાસના ચોંકાવનારા તારણો આવ્યા છે.
ભારતનું સરેરાશ તાપમાન જો ત્રણ ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી જશે, તો હિમાચલની મહત્તમ નદીઓ, ઝરણાં, જળસ્ત્રોતો સુકાઈ જતા આ પહાડી વિસ્તારોમાં પણ દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાશે. કલાઈમેટ ચેઈન્જ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ જે પેરિસ સમજૂતિ મુજબ દોઢ ડિગ્રી સેલ્સિયસથી વધતું નહીં અટકાવાય તો દેશમાં ભયંકર દુષ્કાળ પડવાની સંભાવના છે. આ સ્થિતિનું નિર્માણ ગ્લોબલ વોર્મીંગના કારણે થઈ શકે છે, ત્યારે કલીન ઉર્જાના નિર્માણને પ્રોત્સાહિત કરીને ગ્લોબલ વોર્મીંગ અને કલાઈમેટ ચેઈન્જના ક્ષેત્રે રાહત મળી શકે છે.
ભારતમાં કલીન ઉર્જાનું નિર્માણ કરીને ગ્લોબલ વોર્મીંગ અટકાવવા કે ઘટાડવા માટે રિન્યુએબલ એનર્જીની પોલિસી અપનાવાઈ રહી છે, અને કેન્દ્ર સરકારે આ માટે એક નવી યોજના બનાવી છે. ગઈકાલે કેન્દ્રીય કેબિનેટ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાને મંજુરી આપી દીધી છે, જે અંતર્ગત દેશના એક કરોડ ઘરો પર સોલાર પ્રોજેકટ સ્થાપીને એક કરોડ પરિવારોને ૩૦૦ યુનિટ સુધી મફત વીજળી મળશે, તેવો દાવો કરવામાં આવ્યો છે, આ યોજનાનું લોન્ચીંગ ૧૩ મી ફેબ્રુઆરીના થયુ હતું અને તે માટે રૂ. ૭પ હજાર કરોડથી વધુ રકમની જોગવાઈની માહિતી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આપી હતી. આ યોજના અંતર્ગત એક કિલોવોટની સ્કીમ માટે રૂ. ૩૦ હજાર અને બે કિલોવોટની સ્કીમ માટે રૂ. ૬૦ હજાર તથા ૩ કિલોવોટની સ્કીમ માટે રૂ. ૭૮ હજારની સબસીડીની મંજુરી ૧.૭ લાખ લોકોને રોજગારીની તકો મળશે, તેઓ દાવો પણ કરવામાં આવી રહ્યો છે. આ રૂફટોપ યોજનાનો લાભ લેવા માટે પોર્ટલ દ્વારા કેવી રીતે ઓનલાઈન અરજી કરી શકાય છે, તે અંગે પણ માર્ગદર્શન અપાઈ રહ્યું છે. બિન પરંપરાગત અને કલીન ઉર્જાના ક્ષેત્રે આ યોજના એક વિરાટ મહત્ત્વપૂર્ણ કદમ હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
કેટલાક રાજ્યોએ પણ રિન્યુએબલ એનર્જી નો અભિગમ અપનાવ્યો છે. ગુજરાતના બજેટમાં વર્ષ ર૦ર૪-રપમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ રૂ. ૮૭૩૮ કરોડની જોગવાઈ થઈ છે, જેમાં કિસાન સર્વોદય યોજના માટે રૂ. ૧પ૭૦ કરોડ તથા કૃષિવિષયક વીજ જોડાણો વધારવા માટે રૂ. ૧૦૧૦ કરોડનો સમાવેશ થાય છે. આ યોજના ઉપરાંત વીજકંપનીના સબસ્ટેશનોની આજુબાજુની સરકારી ફાજલ જમીન પર રપ૦૦ મેગાવોટની ક્ષમતાના સોલાર પી.વી. પ્રોજેકટની જોગવાઈ પણ થઈ છે, જે બિનપરંપરાગત ઉર્જાના ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ કદમ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારની નવી રિન્યુએબલ એનર્જી પોલિસી-ર૦ર૩ હેઠળ પણ સોલાર, વિન્ડ તથા હાઈબ્રીડ ટેકનોલોજી આધારિત રિન્યુએબલ એનર્જી પ્રોજેકટસની સ્થાપનાને ઉત્તેજન આપવાના દાવાઓ થયા હતાં અને આ પોલિસી હેઠળ ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર, રૂફટોપ સોલાર, ફલોટીંગ સોલાર, રૂફટોપ વિન્ડ તથા વિન્ડ-સોલાર હાઈબ્રીડ પ્રોજેકટસને આવરી લેવાયા હોવાની જાહેરાત કરવામાં આવી હતી એ તેનો ઓપરેશનલ સમયગાળો વર્ષ-ર૦ર૮ સુધીનો રાખવામાં આવ્યો છે.
જો કે, વિપક્ષી નેતાઓ કેન્દ્ર-રાજય સરકારની ઉર્જાનીતિ સહિતના દાવાઓ સામે સવાલો ઉઠાવી રહ્યા છે, અને ભાજપ સરકારના ખાવાના અને દેખાડવાના દાંત જુદા જુદા હોવાનો કટાક્ષ થઈ રહ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્ય સરકાર નાણાકીય વ્યવસ્થાપનમાં સદંતર નિષ્ફળ ગઈ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો અને ચાલુ નાણાકીય વર્ષના અંતે ગુજરાત પર રૂ. સવા ચાર લાખ કરોડને દેવુ આંબી જશે, તેમ જણાવી સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે રાજ્યની આવકના ૪પ ટકા નાણા દેવા પર વ્યાજ, કર્મચારીઓના પગાર અને પેન્શન પર ખર્ચાઈ જાય છે, ત્યારે રાજ્ય સરકાર આવક વધારવાના પ્રયાસો કરવાના બદલે ખોટ જાય, તેવા કદમ કેમ ઉઠાવી રહી છે.
રિન્યુએબલ એનર્જીના મુદ્દે મોઢવાડિયાએ આકરી ટીકા કરતા કહ્યું કે ગુજરાત સરકાર પાવર પ્લાન્ટસના આધુનિકરણ અને લિગ્નાઈટ વગેરે પાવર પ્લાન્ટ્સના તકનીકી અપગ્રેડેશનના બદલે તેને બંધ કરીને ખાનગી કંપનીઓ પાસેથી મોંઘીદાટ વીજળી ખરીદી રહી હોવાથી સરકારી તિજોરીને કરોડોની ખોટ જાય છે, જે પબ્લિક મની છે. લિગ્નાઈટ પ્લાન્ટની પ્રોડકશન કેપેસિટી ૧ર૦૦ મેગાવોટ હતી, તે ઘટાડીને ૭૦૦ મેગાવોટની આજુબાજુ કરીને તેની પૂર્તતા ખાનગી કંપનીઓની મોંઘી વીજળી દ્વારા કરવાના કારણે સરકાર પર બોજ વધ્યો છે. મોઢવાડિયાએ વિધાનસભામાં કેટલીક જાણીતી ઔદ્યોગિક કંપનીઓને હાઈડ્રોજન પ્રોજેકટ માટે બે લાખ હેકટર જમીન ફાળવી હોવા છતાં એક પણ કામ શરૂ થયું નહીં હોવાનો સણસણતો આક્ષેપ પણ કર્યો હતો.
આમ, કેન્દ્રની યોજનાઓ અને રાજ્ય સરકારે ઉર્જાક્ષેત્રે જે કાર્યપદ્ધતિ અપનાવી છે, તેના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. ઘણાં લોકો પી.એમ. સુર્યઘર યોજનાને લોકસભાની ચૂંટણીમાં રાજકીય લાભ લેવાનો કારસો ગણાવી રહ્યા છે, જ્યારે ઘણાં લોકો આ યોજનાને દૂરગામી સારા ફળો આપનારી ગ્લોબલ વોર્મીંગ ઘટાડનારી, પર્યાવરણની રક્ષક, કલાયમેટ ચેઈન્જમાં રાહત આપનારી અને મધ્યમવર્ગ માટે લાભકારી ગણાવી રહ્યા છે, બીજી તરફ અર્જુનભાઈ મોઢવાડિયા જેવા વિપક્ષી દિગ્ગજ નેતાઓ દ્વારા જે અંગૂલીનિર્દેશ કર્યો હોય, તેને લક્ષ્યમાં લઈને પણ સરકારે પોલિસીમાં જરૂરી સુધારા-વધારા કરવા જોઈએ અને ગુજરાતની જનતાના ગજવા પરથી ભાર ઓછો થાય, તેવા પારદર્શક કદમ ઉઠાવવા જોઈએ, તેમ નથી લાગતું?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial