Advertisement
Author: નોબત સમાચાર

લોકસભાની ચૂંટણી ટાણે શાસક-વિપક્ષના ગઠબંધનો અને તેની સામેના પડકારો...

'કહીં કી ઈંટ ઔર કહીં કા રોડા, ભાનુમતીને કૂનબા જોડા' તેવો કટાક્ષ કરતા રાજકીય પક્ષોએ હવે કેન્દ્રીય કક્ષાએ લોકસભાની ચૂંટણીને લઈને પોતપોતાના ગઠબંધનો વિસ્તાર્યા છે. એનડીએ અને આઈએનડીઆઈએ (ઈન્ડિયા) ગઠબંધનોમાં જે પક્ષો સામેલ નથી થયા, તેઓ ત્રીજા છુટછવાયા ગઠબંધનોની ભૂમિકામાં હશે. બન્ને મુખ્ય ગઠબંધનોમાં હજુ સીટ શેરીંગની પ્રક્રિયા સંપન્ન થઈ નથી, પરંતુ જેમ જેમ ઉમેદવારોનું લિસ્ટ જાહેર થતું જાય છે, તેમ તેમ છુપો અસંતોષ બહાર આવતા કેટલાક દિગ્ગજ નેતાઓ વિદ્રોહ કરી રહેલા પણ જણાય છે.

એક તરફ ભાજપનો ભરતી મેળો ચાલી રહ્યો છે, તો બીજી તરફ ભાજપના કેટલાક દિગ્ગજ નેતાઓ પણ પાર્ટી સાથે છેડો ફાડીને પક્ષાંતર કરી રહ્યા છે. રાજસ્થાનના ચુરૂ મત વિસ્તારમાં બે ટર્મથી ભાજપના સાંસદ રહેલા રાહુલ કસ્વા અને હરિયાણાના હિસારના ભાજપના સાંસદ બૃજેન્દ્રસિંહ ચૌધરીએ ભાજપને રામરામ કરીને કોંગ્રેસનો ખેસ ધારણ કરી લેતા ભારતીય જનતા પક્ષ અને એનડીએને બન્ને રાજ્યોમાં જબરો ફટકો પડ્યો છે અને તેની અસરો આજુબાજુની અન્ય લોકસભા બેઠકો તથા પડોશી રાજ્યોમાં પણ થવાની છે. હજુ જેમ જેમ ઉમેદવારોની યાદી જાહેર થતી જશે, અને નવા આગંતુકોને એટલે કે અન્ય પક્ષમાંથી તાજેતરમાં જ પક્ષપલટો કરીને આવેલા નેતાઓને ભાજપ ટિકિટ આપશે અથવા ભાજપના સાંસદ તરીકે કે પક્ષના કાર્યકર્તા કે નેતા તરીકે વર્ષોથી પ્રામાણિકતાથી નિષ્ઠાપૂર્વક કામ કરનારની અવગણના થશે, તો હજુ પણ ભાજપમાંથી અન્ય પક્ષમાં જોડાનાર શાસક પક્ષના નેતાઓની સંખ્યા વધશે, તેમ જણાય છે.

આ બન્ને નેતાઓએ પોતાની ટિકિટ કપાયા પછી જે વેદના વ્યકત કરી છે, અને ભાજપ સામે સવાલો ઉઠાવ્યા છે, તેનો સારાંશ એ જ નીકળે છે કે તેઓની ટિકિટ કપાઈ જતાં તેઓએ પક્ષપલટો કર્યો છે, અને તેની સેવાઓની યોગ્ય કદર થઈ નહીં હોવાનો તેઓને વસવસો છે.

બીજી તરફ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષો, તટસ્થ પક્ષો અને એનડીએની સાથે રહેલા પક્ષોમાંથી ભાજપમાં પણ ઘણાં બધા નેતાઓ પક્ષાંતર કરી રહ્યા છે, અને તેઓનો પોતાની પાર્ટી પ્રત્યેનો અસંતોષ પણ આવી જ રીતે પ્રગટ થઈ રહ્યો છે.

બીજી તરફ વડાપ્રધાન મોદી વિવિધ વર્ચ્યુલ કાર્યક્રમો તથા જનસભાઓ દરમિયાન લોકો સાથે સીધો સંવાદ કરવાની રણનીતિ અપનાવી રહ્યા છે અને પરોક્ષ રીતે એનડીએનો પ્રચાર થઈ રહ્યો હોવાના કટાક્ષો પણ થઈ રહ્યા છે, ત્યારે સોશ્યલ મીડિયામાં મિકસ માર્શલ આર્ટ ખેલાડી (એમએમએ ફાઈટર) ચૂંગરેંગ કોરેન વડાપ્રધાનને ઉદ્દેશીને કરેલ અપીલ પણ વાયરલ થઈ રહી છે, અને આ અપીલને વિપક્ષના નેતાઓ શેર અને ટેગ કરીને મોદી સરકાર પર વાક્યપ્રહારો પણ કરી રહ્યા છે, જેમાંથી એક નવી જ ચર્ચા જન્મી છે.

હકીકતે ચંુગરેંગે વડાપ્રધાનને એક વખત મણીપુરની મુલાકાત લેવાની દર્દભરી અપીલ કરતા કહ્યું હતું કે, મણીપુરમાં છેલ્લા એક વર્ષથી હિંસા થઈ રહી છે, લોકો મરી રહ્યા છે, બાળકો યોગ્ય રીતે અભ્યાસ પણ કરી શકતા નથી. મોદીજી, તમે એક વખત મણીપુર આવીને અમારી મદદ કરો, રાહત શિબિરોમાં ભોજન પાણીની પણ અછત છે, ઝડપથી મદદ કરો, પ્લીઝ !

એકસ પર આ વીડિયોને શેર કરીને વિપક્ષી નેતાઓએ ભાજપ અને વડાપ્રધાન પર નિશાન સાધ્યું છે, તો કોંગ્રેસ આ વીડિયો સંદર્ભે કહ્યું કે તેઓ મણીપુરનું દુઃખ સમજી જ શકયા નથી. આમ આદમી પાર્ટીએ પણ વડાપ્રધાનને મણીપુરની મુલાકાત લઈને કહ્યું કે ખેલ સ્પર્ધામાં વિજય મેળવીને મેડલ મેળવનાર ખેલાડીઓ પણ આ મુદ્દે રડી રહ્યા છે, આખા દેશની મોદીજીએ આવી જ હાલત કરી નાંખી છે, વગેરે.'

આ આક્ષેપો તથા ભાજપની નેતાઓના પક્ષાંતરના મુદ્દે એનડીએ તથા ભાજપના નેતાઓ વળતા પ્રહારો કરી રહ્યા છે, અને ટિકિટ નહીં મળતા કોંગ્રેસમાં જોડાનાર નેતાઓને મહત્વાકાંક્ષી ગણાવીને વધુ કાંઈ કહી રહ્યા નથી, જે ઘણું જ સૂચક છે.

કેન્દ્ર સરકારે સીએએના અમલીકરણ માટે નોટિફિકેશન બહાર પાડ્યું, તેનો શાસક અને વિપક્ષી ગઠબંધનોને કેટલો ફાયદો થશે, અને કેટલું નુકસાન થશે, તેની ચર્ચા પણ જોરશોરથી થઈ રહી છે.

ગઈકાલે સુપ્રિમ કોર્ટે આપેલા આદેશ મુજબ એસબીઆઈએ આજે સાંજ સુધીમાં ઈલેકટ્રોરલ બોન્ડની તમામ વિગતો રજુ કરવા આદેશ આપ્યો અને તે પછી ચૂંટણીપંચને તમામ વિગતો વેબસાઈટ પર મૂકવા આદેશ આપ્યો, તેથી આ બોન્ડ દ્વારા કયા રાજકીય પક્ષને કોના તરફથી કેટલું ફંડ મળ્યું, તે વિગતો જાહેર થઈ જશે. આ ભરેલા નાળિયેર જેવી સ્થિતિમાં સૌથી વધુ ચિન્તા શાસક પક્ષોના ગઠબંધનને હશે, કારણ કે સૌથી વધુ ફંડ શાસક પક્ષના ગઠબંધનને અને તેમાં પણ સૌથી વધુ ફંડ ભારતીય જનતા પક્ષને જ મળ્યું હોવાનું તો પહેલેથી જ જાહેર થઈ ગયું છે, હવે આ ફંડ કોણે આપ્યુ તેના પર સૌ કોઈની નજર મંડાયેલી હશે, જોઈએ હવે શું થાય છે તે....

યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશને ભારત સાથે મહત્ત્વપૂર્ણ કરારો કર્યા, તેને પણ વિશ્લેષકો મોદી સરકારની મોટી સિદ્ધિ ગણાવી રહ્યા છે, કારણ કે સામાન્ય ચૂંટણીઓ પહેલા આ પ્રકારના કરારો થાય, તેનો મતલબ એવો થાય કે વર્તમાન સરકાર જ ફરીથી સત્તામાં આવશે, તેવો કરાર કરનાર ફોરેન કન્ટ્રીઝ અથવા વિદેશી જૂથોને પ્રબળ વિશ્વાસ હોય....! જોઈએ, હવે શું થાય છે તે....

વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા સામે પણ પડકારો વધી રહ્યા છે. ગુજરાત જેવા રાજ્યમાં તો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના પક્ષાંતર પછી રાજકીય અસ્તિત્વ ઉપરાંત વિશ્વસનિયતાનો પડકાર પણ કોંગ્રેસ સામે ઊભો થયો છે, તો કાર્યકરો પણ મોટી સંખ્યામાં પક્ષાંતર કરી રહ્યા હોવાથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે લોકસભાની ચૂંટણી માટે ગ્રાસરૂટ લેવલ સુધી પ્રચાર અને પરિણામો સુધીનું નેટવર્ક નવેસરથી ઊભું કરવાનો પડકાર પણ ઉભો થયો છે. દેશના અન્ય કેટલાક રાજ્યોમાંથી પણ કોંગ્રેસના કાંગરા ખડી રહ્યા છે, ઈન્ડિયા ગઠબંધનને મમતા બેનર્જીએ ફટકો આપ્યા પછી અન્ય કેટલાક રાજ્યોમાં પણ સીટ શેરીંગ અટકી પડ્યું હોવાની સ્થિતિમાં એનડીએ સામે એકજૂથ થઈને એક જ સંયુકત ઉમેદવાર ઊભો કરવાનું લક્ષ્ય સિદ્ધ થશે કે કેમ, તેમાં પણ શંકા ઊભી થઈ છે, ત્યારે જોઈએ, શું થાય છે તે .....

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh