Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકતંત્રનો મહોત્સવ આવી ગયો, હવે ડેમોક્રેસી ફેસ્ટીવલની ઉજવણી દેશના તમામ લોકોએ સાથે મળીને કરવાની છે, એટલું જ નહીં, કોઈપણ લોભ, લાલચ, ડર, પ્રલોભન કે આળસ વગર દરેક મતદારે મતદાન અવશ્ય કરવાનું છે, કારણ કે જેટલો મતદાર જાગૃત હશે, જેટલું વધુ મતદાન થશે અને જેટલી પારદર્શક, તટસ્થ, ન્યાયી અને મૂકત વાતાવરણમાં ચૂંટણી થશે, તેટલી લોકતાંત્રિક મૂલ્યોની સફળતા ગણાશે, તથા દેશનું ઉજજવળ ભાવિ નક્કી કરી શકાશે.
લોકસભાની ચૂંટણીની સાથે સાથે કેટલાક રાજ્યોની વિધાનસભાઓ તથા ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં પેટાચૂંટણીઓ પણ થવાની છે, ત્યારે મતદારો પાસે પોતાનું જ ઉજજવળ ભવિષ્ય અને મનપસંદ શાસન સ્થાપિત કરવાની સોનેરી તક મળવાની છે, જે કોઈપણ સંજોગોમાં મતદાન કરીને ઝડપી લેવાની જ છે, તેવો નિર્ધાર આજથી જ કરી લેવો જોઈએ, ખરું કે નહીં ?
આદર્શ આચાર સંહિતાનો અમલ થાય, તે પહેલાં જ છેલ્લા એક મહિનાથી ઘણી બધી જાહેરાતો થઈ, ઉપરાછાપરી બેઠકો યોજીને ધડાધડ વિવિધ પ્રકારની મંજુરી અપાઈ, લોકર્પણો અને ખાતમુહૂર્તો થયા, હવે તંત્રો ચૂંટણીના કામે લાગી જશે અને રાજકીય પક્ષોનો ધૂંવાધાર પ્રચાર શરૂ થઈ જશે. મતદારોને રીઝવવા અનેક પ્રકારની રીતરસમો ઉપરાંત મીડિયા, સોશ્યલ મીડિયાના માધ્યમથી પણ જોરદાર પ્રચાર થશે. હવે અખબારો, ન્યૂઝચેનલો અને સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા ચૂંટણીપંચ દ્વારા થતી કામગીરી અને રાજકીય ગતિવિધિઓના અહેવાલો લોકો સુધી પહોંચશે, જેથી દેશમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ જશે.
લોકસભા ઉપરાંત કેટલીક વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ તથા કેટલાક રાજ્યોમાં પેટાચૂંટણી થવાની હોવાથી મતદારોએ રાજ્ય અને કેન્દ્ર માટે અલગ-અલગ પસંદગી કરવાની થશે, જેથી મતદારોએ પણ મતદાનનો દિવસ રિઝર્વ રાખીને પોતાનું તથા પોતાના પરિવારનું મતદાન સુનિશ્ચિત કરવાની માનસિકતા અત્યારથી જ કેળવવી પડશે, કારણ કે, અત્યંત અનિવાર્ય કારણો હોય, તે સિવાય મતદાન અહીં કરનારને તે પછીથી કોઈપણ ફરિયાદ કરવાનો 'નૈતિક' અધિકાર નથી અને હોવો પણ ન જોઈએ, ખરું કે નહીં ?
આજે ચૂંંટણીની તારીખ જાહેર થવાની છે, તેવું ગઈકાલે જાહેર થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઉદ્દેશીને જે પત્ર લખ્યો છે, તેના પણ મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. તદ્દપરાંત આજથી આદર્શ સંહિતા લાગુ થયા પછી જાહેર સહકારી કાર્યક્રમો, લોકાર્પણો, ખાતમુહૂર્તોનું સ્થાન હવે જંગી ચૂંટણી સભાઓ, રોડ-શો, રેલીઓ, યાત્રાઓ વગેરે લેશે, જો કે, તેની રાજકીય પક્ષ ઉમેદવારના ખર્ચમાં ચૂંટણીપંચ દ્વારા નોંધ અને નિગરાની પણ થશે.
આદર્શ આચાર સંહિતા લાગુ થયા પછી જિલ્લા મેજીસ્ટ્રેટો જિલ્લા ચૂંટણી અધિકારી બની જતા હોય છે અને તેની પાસે વ્યાપક સત્તાઓ આવી જતી હોય છે. આ સંજોગોમાં નાના-મોટા તમામ ચૂંટણી અધિકારીઓએ કોઈપણ રાજકીય પક્ષ, નેતા કે અન્ય પરીબળોના પ્રભાવમાં આવ્યા વગર મૂકત, ન્યાયી અને સુરક્ષિત ચૂંટણી પ્રક્રિયા કરાવવા માટે સજજ થવું પડતું હોય છે, અને તે માટે અલાયદી તાલીમ પણ વખતોવખત અને તબક્કાવાર અપાતી હોય છે. જિલ્લા ચૂંટણી અધિકારીઓની સત્તા એટલી વધી જતી હોય છે કે ચૂંટણીની સભાઓ, રોડ-શો કે રેલીઓ વગેરે માટે વડાપ્રધાન કે મુખ્યમંત્રી આવનાર હોય, તો પણ આયોજકોએ જિલ્લા ચૂંટણી અધિકારીની જ મંજુરી લેવી પડતી હોય છે. લોકસભાની ચૂંટણી સંપન્ન થયા પછી વિજેતા ઉમેદવારને ચૂંટાયેલા જાહેર કર્યા પછી સંસદસભ્ય તરીકે ચૂંટાયા હોવાનું ચૂંટણી પંચનું સર્ટિફીકેટ પણ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી જ આપતા હોય છે, આમ આજથી જિલ્લા કલેકટરોની જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની સત્તાઓની સામે જવાબદારીઓ પણ વધી જવાની છે.
ગત ચૂંટણીમાં જામનગર લોકસભાની બેઠક પરથી પૂનમબેન માડમ ર.૩૬ લાખથી વધુ મતોના માર્જીનથી જીત્યા હતા, તે સમયે પૂનમબેન સામે હારેલા ઉમેદવાર મૂળુભાઈ કંડોરિયા અત્યારે ભાજપમાં સામેલ થઈ ગયા છે, અને વિપક્ષમાંથી કોણ ફાઈટ આપશે તેની ચર્ચા થઈ રહી છે, ત્યારે હવે ચૂંટણીનો પ્રચાર આજથી જ વેગીલો બની જશે, એટલું જ નહીં, નેતાઓ તથા કાર્યકરો પણ ચૂંટણી પ્રચારની નવી નવી રીતરસમો આજમાવતા જોવા મળશે, રાજકીય પક્ષો ચૂંટણીપ્રચાર માટે અદ્યતન ટેકનોલોજી અને ઈન્ટરનેટ આધારીત માધ્યમોનો પણ ભરપૂર ઉપયોગ કરતા હોવાથી આદર્શ આચાર સંહિતા હેઠળ નિરીક્ષણ માટે એમ.સી.સી.,એમ.સી.એમ.સી. અને ફલાઈંગ સ્કવોર્ડની સામે નવા પડકારો ઊભા થવાના છે, તે નક્કી છે.
આવો, આપણે બધા આજથી જ પોતપોતાના મતદાન ઉપરાંત પરિવાર અને અડોશી-પડોશી પણ પોતાની ઈચ્છા અને અંતરાત્માના અવાજ મુજબ સ્વસ્થ મતદાન કરે, તે માટે સજજ થઈને લોકતંત્રના આ મહોત્સવને ઉમંગભેર ઉજવવાનો નિર્ધાર કરી લઈએ....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial