Advertisement
Author: નોબત સમાચાર

ચંદા કા ધંધા.... એક હાથ દો, દુસરે હાથ લો.. હમામ મે સબ નંગે હૈ...!

'હમામ મે સબ નંગે હૈ..' જેવી જ ગુજરાતીમાં તળપદી કહેવત છે, 'આવ ભાઈ હરખા, આપણે બેય સરખા' અથવા 'કાચના ઘરમાં રહેનારા બીજા પર પથ્થર ન ફેંકે'...

અત્યારે કાંઈક આવું જ દેશ અને દુનિયાની રાજનીતિમાં બની રહ્યું છે. રશિયામાં ચૂંટણી થાય છે, રાષ્ટ્રપતિ પુતિનનો વિજય થાય છે, તેને અમેરિકા ડ્રામેબાજી ગણાવે છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થવાનું નામ જ  લઈ રહ્યું નથી. ચીનની અવળચંડાઈ અને પાકિસ્તાનની અકડાઈની અસરો દક્ષિણ એશિયાના દેશો પર વિપરીત રીતે પડી રહી છે, આ વૈશ્વિક અસમંજસની સ્થિતિ વચ્ચે કેટલાક દેશોમાં ચૂંટણીઓ થતાં સત્તા પરિવર્તનો કે પછી સત્તા પુનરાવર્તનોની સંભવિત અસરો પણ વૈશ્વિક રાજકરણ પર પડવાની જ છે, આ કારણે જ પાકિસ્તાનમાં ગઠજોડ કરીને રચાયેલી શાહબાજ સરકાર પણ અનેક પડકારોનો સામનો કરી રહી છે.

ભારતમાં તો હવે ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે અને પ્રચાર-યુદ્ધના મંડાણ થઈ ચુક્યા છે, ત્યારે દેશમાં કોઈપણ ક્ષેત્રે કોઈપણ ઘટના ઘટે, તો તેની રાજનૈતિક અસરો પણ થવાની જ છે અને ચૂંટણી પ્રચારના સમયગાળામાં મુદ્દાઓ પણ રોજ-બ-રોજ ફરતા જ રહેવાના છે, નેતાઓની બયાનબાજી પણ હવે મહત્ત્વપૂર્ણ બનવાની છે, અને એકાદ શબ્દપ્રયોગ કે વાક્યને પકડીને સમગ્ર ચૂંટણીસંગ્રામ તેના આધારે લડાયો હોય, તેવા અનેક દૃષ્ટાંતો આપણા લોકતાંત્રિક ઈતિહાસમાં મોજુદ છે, જેથી રાજનેતાઓ તથા તેના પ્રવકતાઓએ અને ખાસ કરીને સ્ટારપ્રચારકોએ ઘણું જ સમજી વિચારીને બોલવાની ટેવ પાડવી પડશે. અને ચૂંટણીના સમયગાળા દરમિયાન આચાર-વિચાર-વ્યવહાર અને રોજીંદી પ્રચાર શૈલીમાં પણ સાવધાની રાખવી પડશે.

અત્યારે પહેલેથી જ ઘણી બાબતો જુદા જુદા ન્યાયલયોમાં પેન્ડીંગ હશે, અને પીઆઈએલના માધ્યમથી કેટલીક અરજીઓ પણ વિચારાધિન હશે, કે પછી આગામી સમયમાં થશે. આ તમામ અરજીઓ, કેસો વગેરેની સુનાવણી અદાલતોમાં ચાલશે, અને જે કાંઈ નિર્ણયો આવશે, દલીલો થશે કે ટિપ્પણીઓ કે ઓફિડેવીટ થશે, તેની સીધી અસર રાજનીતિ પર પણ પડવાની છે, અને રાજકીય પક્ષો તેના આધારે પોતાના પ્રચારની રણનીતિ બદલતા રહેવાના છે, તે પણ નક્કી જણાય છે.

દૃષ્ટાંત તરીકે સુપ્રિમ કોર્ટની સૂચના મુજબ એસબીઆઈએ ચૂંટણીપંચને ઈલેકટોરલ બોન્ડ અથવા ચૂંટણી બોન્ડની વિગતો તો આપી, પણ અધુરી આપી, તેથી સુપ્રિમ કોર્ટે તેને ફટકાર લગાવી, હવે ફરીથી ચૂંટણીપંચને વિગતો આપવાની સાથે સાથે સર્વોચ્ચ અદાલતમાં એવું એફિડેવીટ પણ કરવું પડશે કે ચૂંટણીબોન્ડને લગતી કોઈ જ માહિતી આપવાની હવે બાકી રહી જતી નથી. એસબીઆઈ ગુરૃવાર સુધીમાં તમામ માહિતી પૂરી પાડે, તે પછી ચૂંટણીપંચ તે માહિતી વેબસાઈટ પર મૂકશે, તે પછી સ્પષ્ટ થશે કે કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યુ છે, અને કયારે મળ્યુ છે. આ માહિતી એટલી વિસ્ફોટક હશે કે ભારતીય રાજનીતિની બુનિયાદ હલાવી દેશે, તેવા દાવા પણ થઈ રહ્યા છે.

કેન્દ્ર અને રાજ્યોમાં સત્તામાં રહેલા રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડ દ્વારા ફંડ મળ્યુ છે અને એકાદ-બે અપવાદ સિવાય તમામ મુખ્ય મુખ્ય પક્ષોને આ પદ્ધતિ હેઠળ ફંડ  મળ્યુ છે, તેને લઈને મીડિયામાં 'ચંદા કા ધંધા' ની થીમ હેઠળ ચર્ચા પણ શરૃ થઈ ગઈ છે.

એવી ચર્ચા થઈ રહી છે કે કેન્દ્ર અને રાજ્યોની તપાસ અને અન્ય એજન્સીઓના વ્યાપક દરોડા પડ્યા હોય, અને તે પછીના સમયમાં તરત જ જેને ત્યાં દરોડા પડ્યા હોય, તે કંપનીઓ, વ્યક્તિઓ કે સંસ્થાઓ ઈલેકટોરલ બોન્ડના માધ્યમથી જંગી ચૂંટણી ફંડ જમા કરાવે, તો તેને શું સમજવું ?

જો ચૂંટણીબોન્ડ દ્વારા મોટી રકમ કોઈ રાજકીય પક્ષને દાનમાં આપી હોય અને તે પછી તેને જાયન્ટ કોન્ટ્રાકટ મળ્યા હોય તો તેને શું સમજવું ?

આ પ્રકારની ઘટનાઓ દરેક વખતે યોગાનુયોગ ન હોઈ શકે, અને તેમાં રાજ્યો અને કેન્દ્ર સરકારમાં સત્તામાં રહેલા રાજકીય પક્ષોનું કોઈ દબાણ કે પ્રભાવ બીલકુલ હોય જ નહીં, તેવું બની શકે ખરું ?

દેશવ્યાપી ચર્ચાઓ દરમિયાન એક એવો વેધક સવાલ પણ ઉઠી રહ્યો છે કે જો રાજકીય પક્ષો એટલા બધા ચોખ્ખાચણક હોય તો પોતે જ તેઓને મળેલા ફંડની વિગતો જાહેર કરી દેવાની પહેલ કેમ નથી કરી રહ્યા ? તમામ રાજકીય પક્ષોને પોતાને ચૂંટણીફંડ દ્વારા કોના તરફથી કેટલું ફંડ કયારે મળ્યુ તે તો ખબર જ હશે ને ? પરંતુ હમામ મેં સબ નંગે હૈ...

આ પહેલા એસબીઆઈએ જે કાંઈ માહિતી આપી છે, તેના આધારે પણ વિવિધ રાજ્યોમાં કેન્દ્રીય અને રાજ્યોની એજન્સીઓ દ્વારા પડેલા દરોડા પછી થયેલું ફંડીંગ, અપાયેલા કોન્ટ્રાકટરો, અન્ય લાભો તેમજ રાજકીય ક્ષેત્રે થયેલી ઉથલપાથલોને સાંકળીને જે અનુમાનો થઈ રહ્યા છે, તે જોતા એમ ચોક્કસ કહી શકાય કે એસબીઆઈ દ્વારા અપાયેલી સંપૂર્ણ માહિતી ચૂંટણીપંચ જાહેર કરે, તે પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે, પરંતુ યક્ષપ્રશ્ન એ પણ છે કે તે પછી શું થશે ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh