Advertisement
Author: નોબત સમાચાર

વૈદિક હોળીનો પ્રયોગ... આવી રહ્યો છે રંગ ભર્યો તહેવાર... આવો, મન ભરીને માણીએ...

હૂતાશણીનું પર્વ આવ્યુ અને હોળીની જાર બેસી ગઈ. લોકતંત્રના મહાપર્વ સમી લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે આ વખતે આચારસંહિતાના અમલ દરમિયાન જ કેટલાક તહેવારોની ઉજવણી થવાની છે.

હૂતાશણી પ્રર્વે હોલિકાદહન થતું હોય છે, અને ગામેગામ હોળી પ્રગટાવવામાં આવતી હોય છે. છાણાં અને લાકડાથી પ્રગટતી હોળીમાં લોકો શ્રીફળ વગેરે પધરાવે છે. ધાણી-દાળીયા-ખજુર વગેરેની આહૂતિ સાથે હોળીની પરિક્રમા કરે છે અને તેમાંથી ઘેર-ઘેર સળગતો દેવતા લઈ જઈને ઘરના આંગણે પણ નાની હોળી પ્રગટાવીને તેનું પૂજન કરતા હોય છે. આ પરંપરા સૌરાષ્ટ્રમાં ગામેગામ જોવા મળે છે.

આ વર્ષે ભરૂચમાં પ્રગટતી વૈદિક હોવાનું અનુકરણ રાજ્યના અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ થનાર હોવાની ચર્ચા થઈ રહી છે, ત્યારે વૈદિક હોળી અને તેના પર્યાવરણલક્ષી ફાયદાઓને લઈને પણ લોકોની ઉત્કંઠા વધી છે.

ભરૂચની એક સંસ્થા દ્વારા માત્ર ગૌવંશના ગોબરમાંથી બનાવાયેલા છાણાંઓની હોળી જ પ્રગટાવવામાં આવે છે, જેને વૈદિક હોળી તરીકે વર્ણાવવામાં આવે છે. લાકડાના બદલે માત્ર છાણાંઓ દ્વારા પ્રગટાવાતી આ હોળીના કારણે વાતાવરણ શુદ્ધ થાય છે અને વૃક્ષોના લાકડાઓની બચત થાય છે, તેવો દાવો કરવામાં આવે છે, આ પ્રકારની હોળીને વૈદિક હોળી ગણાવાય છે, જ્યારે આ પ્રકારની પર્યાવરણની સુરક્ષા સાથેના હોળી પ્રાગટ્યની દિશામાં રાજ્યમાં અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ વિવિધ પ્રયોગો થતા હોવાના અહેવાલો પણ વિવિધ માધ્યમો દ્વારા આવતા હોય છે. એકંદરે આપણી પ્રાચીન સંસ્કૃતિને અનુરૂપ પરંપરાઓ પણ જળવાઈ રહે, જંગલો કપાતા અટકે, પર્યાવરણ જળવાઈ રહે અને લોકોની આસ્થા પણ જળવાઈ રહે, તેવા પ્રેરણાત્મક સુધારાઓ હવે મોટાભાગના લોકો સ્વીકારતા થયા છે, તે શુભસંકેત છે અને ભરૂચ તથા અન્ય કેટલાક જિલ્લાઓમાં થયેલા આ દિશાના પ્રયાસોને આ વર્ષે વધુ વેગ મળશે, તેમ જણાય છે.

આપણા પ્રાચીનકાળમાં હોળીને 'નવા ન્નેષ્ટિયજ્ઞ' કહેવામાં આવતી હતી, અને ખેતીમાંથી અનાજ છૂટુ પાડ્યા પછી આ તહેવાર ઉજવાતો હતો વૈદિક કાળમાં હોળીના વિવિધ વર્ગનો છે. હોળી ઉત્સવને 'મદનોત્સ' પણ કહેવાય છે.

જો કે, વૈદિક હોળીના ગૂઢાર્થ વીતી ગયેલી બુરી વાતોને ભૂલીને અને રાગ-દ્વેષને અગ્નિમાં હોમી દઈને અચ્છાઈ તરફ આગળ વધવાનો સંદેશ પણ આપે છે. હોળીમાં બુરાઈઓ હોમી દઈને બીજા દિવસે સુંદરતા અને નિખાલસતાના રંગો ઉડાડીને જીવનને આનંદમય બનાવવાનો ગૂઢ સંદેશ પણ આ ઉજવણીમાંથી મળે છે.

દેશમાં વિવિધ રીતે હોળી રમવામાં આવે છે, ગોકુલ-મથુરાની લઠ્ઠામાર હોળી, રાજસ્થાનના જાલૌરની કાંકરામાર (પથ્થરમાર) હોળી, ઢોલવાદન હોલી, ફૂલડોલ ઉત્સવ, ફાલ્ગુનિયા હોલી વગેરે પ્રચલીત હોળી ઉત્સવો છે.

અત્યારે આપણો દેશ એક તરફ લોકસભાની ચૂંટણીઓના માહોલમાં રંગાઈ રહ્યો છે, તો બીજી તરફ રંગભર્યો હોળીનો તહેવાર પણ આવ્યો છે. હોલિકા દહન પણ થવાનું છે, ત્યારે લોકલ માર્કેટમાં પણ હૂતાશણી પર્વને લઈને ધમધમાટ વધી રહેલો જોવા મળી રહ્યો છે.

જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે, તેમ તેમ પરંપરાઓ, રીત-રિવાજો અને ઉજવણીની પદ્ધતિઓ પણ બદલતી રહી છે. વર્તમાન યુગ, હાલના સંજોગો, પ્રવર્તમાન પરિસ્થિતિઓ અને પડકારોને ધ્યાને રાખીને તમામ પ્રકારની ઉજવણીઓમાં બદલાવ થઈ રહ્યો છે, અને તે જરૂરી પણ છે, હવે પર્યાવરણને અનુરૂપ તથા બદલતા ઋતુચક્ર અને પૃથ્વી પર વધી રહેલા ભારણને ધ્યાને રાખીને જ આપણે વિવિધ ઉજવણીઓ કરવી પડશે, પરંતુ સાથોસાથ આપણી ગરિમામય પ્રાચીન સંસ્કૃતિ અને જીવોપયોગી પરંપરાઓ જળવાઈ રહે તથા જનસામાન્યની આસ્થા પણ અંકબંધ રહે, તેની કાળજી પણ રાખવી પડશે, ખરું ને ?

આપણી સહિયારી સંસ્કૃતિના તમામ તહેવારો, ઉત્સવો અને ઉજવણીઓની પાછળ મજબૂત ઉદ્દેશ્યો, આરોગ્યલક્ષી આયામો, સર્વજન હિતાય... સર્વજન સુખાય... ના હેતુઓ તથા વૈજ્ઞાનિક, સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ માનવકલ્યાણ અને જીવકલ્યાણના લક્ષ્યો રહેલા હોય છે અને તે પરસ્પર એવી રીતે સંકળાયેલા છે કે તે અંતે માનવકલ્યાણ, પૃથ્વી, પર્યાવરણ અને જીવસૃષ્ટિ માટે હિતવર્ધક જ પુરવાર થતા હોય છે, બસ, તેને પારખવાની દૃષ્ટિ હોવી જોઈએ, ખરું કે ખોટું ?

આજથી હોળી-ધૂળેટીના પર્વની ઉજવણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને તદ્દવિષયક ખરીદી માટે પણ બજારો ઉભરાઈ રહી છે ત્યારે હાલારીમાં પણ હૂતાશણી પર્વની ઉજવણીનો હર્ષોલ્લાસ વધી રહ્યો છે. દ્વારકાના જગતમંદિરમાં ફૂલડોલ ઉત્સવ માટે પદયાત્રીઓનો પ્રવાહ રાજ્યના મોટાભાગના માર્ગો પરથી વહીને દ્વારકા પહોંચી રહ્યો છે, સેવા કેમ્પો ધમધમી રહ્યા છે, અને અત્યારે તો હાલાર હૂતાશણીના રંગે રંગાવા જઈ રહ્યું છે... સૌરાષ્ટ્રમાં રંગભર્યો માહોલ સર્જાયો છે, ત્યારે આવો, આપણે પણ તહેવારોને મન ભરીને માણીએ....

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh