Advertisement
Author: નોબત સમાચાર

ધગધગતા તડકા... ચૂંટણી પ્રચારની ગરમી... ગુનાખોરો પર તવાઈ...

હુતાશણી પછી હવે ગરમી વધી રહી છે અને બપોરે ધગધગતા તડકા પડી રહ્યા છે. ગુજરાત સહિત દેશના ઘણાં વિસ્તારોમાં હીટવેવની આગાહીઓ થઈ રહી છે અને વિવિધ પ્રકારના એલર્ટ અપાઈ રહ્યા છે. બીજી તરફ ચૂંટણી પ્રચારની ગરમી પણ વધી રહી છે અને જેમ જેમ ઉમેદવારોની યાદીઓ જાહેર થતી જાય છે, તેમ તેમ કેટલાક રાજકીય પક્ષોનો આંતરકલહ પણ સપાટી પર આવી રહ્યો છે. કુદરતી ગરમીની સાથે ચૂંટણી પ્રચારની ગરમી ભળી જતા માહોલ વધુને વધુ ગરમાઈ રહ્યો છે, ત્યારે હાલાર સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં ચૂંટણી પ્રચારની ગતિવિધિઓ જેટ ગતિએ વધી રહી છે. આ ગરમીના દિવસોમાં ચૂંટણી પ્રચાર માટે રેલીઓ યોજવી, ઘેર-ઘેર જઈને પ્રચાર કરવો અને મતદારોને રિઝવવાનું કામ પડકારરૂપ બનવાનું છે, એ નક્કી છે.

અત્યારે ચૂંટણી પ્રચાર અને કુદરતી ગરમીમાં કેટલીક તપાસ એજન્સીઓ દ્વારા ઠેર ઠેર પડી રહેલા દરોડાઓ તથા વીવીઆઈપી આરોપીઓ સામે ચાલી રહેલી અદાલતી કાર્યવાહીના અહેવાલો વધારો કરી રહ્યા છે, અને કાનૂની કાર્યવાહી તથા રાજકીય પ્રવૃત્તિઓની ભેળસેળ થઈ રહી છે, કારણ કે આ કાર્યવાહીની સીધી અસર દેશની રાજનીતિ પર પણ પડતી હોય છે, જો કે ન્યાયતંત્રની કાર્યવાહીને દેશની રાજનીતિ સાથે લેવાદેવા હોતી નથી, પરંતુ અદાલતી ફેંસલાઓને મુદ્દો બનાવીને ચૂંટણી પ્રચાર થતો હોવાથી અત્યારે ચાલી રહેલા હાઈ પ્રોફાઈલ કેસો પણ સતત ચર્ચામાં રહે છે, અને લોકતંત્રમાં તે સ્વાભાવિક પણ છે.

અત્યારે બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, તે ઉપરાંત કેટલીક અન્ય પરીક્ષાઓ પણ દેશના વિવિધ રાજ્યોમાં ચાલી રહી છે. શાળા-કોલેજોની પરીક્ષાઓ પૂરી થઈ જાય, તે પછી ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને મતદાન મથકો, વગેરેની તૈયારીઓ ઝડપી બની જશે. ચૂંટણીઓની આદર્શ આચારસંહિતાનો અમલ, ચૂંટણી પ્રચારના કાર્યક્રમોમાં બંદોબસ્ત, વીઆઈપી, વીવીઆઈપી અને અન્ય સુરક્ષા વ્યવસ્થાઓ, અદાલતી કાર્યવાહી દરમિયાન જરૂરી સુરક્ષા અને રાજકીય પક્ષો દ્વારા યોજાતા રહેતા ધરણાં-પ્રદર્શનો તેમજ જુદા જુદા મુદ્દે જનઆંદોલનો વગેરેની સુરક્ષા વ્યવસ્થાઓમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ વ્યસ્ત રહે છે, તથા આ માટે વ્યૂહાત્મક સ્થળે અર્ધલશ્કરી દળો પણ તૈનાત કરવામાં આવતા હોય છે. આ કારણે રાજ્યો તથા દેશની સુરક્ષા એજન્સીઓની કામગીરી વધી જતી હોય છે.

દેશના જુદા જુદા વિસ્તારોમાં હમણાંથી માર્ગ-અકસ્માતના ગમખ્વાર કિસ્સાઓ પણ વધી રહ્યા છે. એટલું જ નહીં, ગુજરાતમાં સ્વાઈનફ્લૂનો રોગચાળો વકર્યા પછી કેટલાક કોરોનાના કેસો નોંધાયા છે. તે ઉપરાંત સિઝનલ અને વાયરન બીમારીઓના કારણે તમામ દવાખાના-હોસ્પિટલો-આરોગ્ય કેન્દ્ર દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.

આ પ્રકારના પડકારો વચ્ચે ચૂંટણી તંત્ર લોકસભાની ચૂંટણીઓની તૈયારીમાં વ્યસ્ત છે. ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી કેટલીક બેઠકો માટે પણ મતદાન થવાનું છે, ત્યારે આપણે સૌએ (ખાસ કરીને મતદારોએ) મતદાનના દિવસે પ્રાયોરિટીમાં મતદાન કરવાનું જ છે,તે અત્યારથી જ યાદ રાખી લેવાનું છે, તે ભૂલાય નહીં...

જો કે, હાલાર-સૌરાષ્ટ્ર સહિત રાજ્ય અને દેશમાં કેટલાક સ્થળે ગુનાખોરી વધી રહી છે. હમણાંથી ઘરફોડ ચોરીના બનાવો પણ સતત નોંધાઈ રહ્યા છે, અને આજે જ અમદાવાદમાં જાહેરમાં ફાયરીંગની ઘટના બની છે, તો મારામારી, જીવલેણ હુમલા, જુથ અથડામણો, હત્યા કે હત્યાનો પ્રયાસ, આત્મહત્યા, મહિલાઓ સંબંધિત અપરાધો ઉપરાંત સાયબર ક્રાઈમના કિસ્સાઓ પણ નોંધાઈ રહ્યા છે. તેથી ચૂંટણી ટાણે આ પ્રકારની ઘટનાઓ પણ ચર્ચાના ચાકડે ચડી રહી છે. આ પ્રકારની ઘટનાઓ વધી રહી હોય, તો તેના પર અંકુશ લાવવાની જવાબદારી પણ સંબંધિત તંત્રોની જ હોય છે, ખરૂ ને?

ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચારસંહિતાનો અમલ થઈ રહ્યો છે, ત્યારે સુરક્ષા બંદોબસ્તો પણ વધુ કડક બની જતા હોય છે, તેથી વિદેશી શરાબના જંગી જથ્થા કે દેશીદારૂના અડ્ડાઓ પર તૂટી પડવાની સાથે સાથે નશો કરીને રાજપાઠમાં નીકળી પડતા નશાબાજો ઉપરાંત નિશાચરો-તસ્કરો પર પણ કડક અંકુશ જરૂરી છે, ખરૂ કે નહીં?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh