Advertisement
Author: નોબત સમાચાર

નગરથી નેશન સુધી ટેકસ ટેરેરિઝમની રાવ... પોલિટિશ્યનો અને પબ્લિક પરેશાન...

દેશમાં એક તરફ લોકસભાની ચૂંટણીનો પ્રચાર ધીમે ધીમે વેગ પકડી રહ્યો છે અને રાજકીય પક્ષો દ્વારા જેમ જેમ ઉમેદવારો જાહેર થતા જાય છે, તેમ તેમ પ્રચાર અભિયાનના મંડાણ થઈ રહ્યા છે જો કે, માત્ર ભાજપ-કોંગ્રેસ જ નહીં, પરંતુ મોટાભાગના રાજકીય પ્રાદેશિક પક્ષોમાં પણ ટિકિટ વહેંચણી પછી આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે, તેથી છેલ્લી ઘડીએ ટિકિટ નહીં મળતા કેટલાક અસંતુષ્ટો બળવો પોકારે અને અપક્ષ તરીકે અથવા અન્ય પક્ષમાંથી પણ ઉમેદવારી નોંધાવે તેવી સંભાવનાને લઈને રાજકીય પક્ષો પરેશાન છે.

કેટલાક વિરોધપક્ષોની પરેશાનીનું કારણ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા થતી કાર્યવાહી પણ છે. કેજરીવાલ સામે ઈડીની કાર્યવાહી ચર્ચામાં છે, તો યુપીમાં મુખ્તાર અન્સારીના મોતના મુદ્દાએ પણ હવે રાજકીય રંગ પકડી લીધો છે, આ ઘટનાક્રમો વચ્ચે કોંગ્રેસ સૌથી વધુ પરેશાન જણાય છે કારણ કે કોંગ્રેસને ઈન્કમટેક્ષ વિભાગે ૧૮ર૩ કરોડ રૂપિયા વસુલવા માટેની નોટીસ ફટકારી દીધી છે.

કેન્દ્રીય આવકવેરા વિભાગે નવી નોટીસ વર્ષ-ર૦ર૦-ર૧ સુધીના ત્રણ વર્ષ માટે ફટકારી છે. આ પહેલા ફેબ્રુઆરીમાં આઈટી વિભાગે રૂા. ર૧૦ કરોડની પેનલ્ટી ફટકારીને કોંગ્રેસના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા હતાં. આ મુદ્દે કોંગ્રેસે દિલ્હી હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતાં, પરંતુ સફળતા મળી નહીં, તે પછી કોંગ્રેસ આ મુદ્દો જનતા સમક્ષ પ્રસ્તૂત કરી રહી છે, અને બળાપો કાઢી રહી છે.

આ મુદ્દો ચૂંટણી પ્રચારમાં અગ્રીમ સ્થાને રહેશે, તેના સંકેત કોંગ્રેસની ગઈકાલની પ્રેસ કોન્ફરન્સમાંથી મળી ગયા હતાં. કોંગ્રેસ નેતા જયરામ રમેશ અને અજય માકન આ મુદ્દે કેન્દ્ર સરકાર પર ધગધગતા પ્રહારો કર્યા હતા અને કેન્દ્રીય એજન્સીઓની પણ ઝાટકણી કાઢી હતી. એવો આક્ષેપ કરાયો કે ભાજપે ઈલેકટોરલ બોન્ડ દ્વારા આઠ હજાર કરોડથી વધુ રૂપિયા શેલ કંપનીઓનો ઉપયોગ કરીને ભેગા કર્યા અને રેડ લાંચ પ્રિ-પોસ્ટ પેઈડ જેવા નુસખા અજમાવ્યા, તેની સામે આ કેન્દ્રીય એજન્સીઓ કોઈ કદમ ઉઠાવી રહી નથી અને પક્ષપાતી વલણ અપનાવી રહી છે.

કોંગ્રેસે તીખો તમતમતો આક્ષેપ કર્યો છે કે ટેકસ ટેરેરિઝમ દ્વારા કોંગ્રેસને ખતમ કરી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે.

દિલ્હીના કોંગ્રેસના હેડકવાર્ટર પર પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કોંગી નેતાઓએ કહ્યું કે આ પ્રકારના જુલમ સામે અમે ઝુકવાના નથી, અને નોટીસોથી ડરવાના નથી. અને જનતા સમક્ષ વધુ આક્રમકતાથી આ મુદ મૂકીશું અને તાનાશાહીનો અંત લાવીશું વિગેરે.

અજય માકને આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસની સાથે રહેલા સમાન વિચારધારાના અન્ય રાજકીય પક્ષોને પણ ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ 'સિલેકટીવલી' ટાર્ગેટ બનાવીને પરેશાન કરી  રહ્યો છે.

તે પછી સુત્રોને ટાંકીને એવા અહેવાલો પણ આવ્યા કે સીપીઆઈને પણ ઈન્કમટેક્ષ વિભાગે જુના પાનકાર્ડનો ઉપયોગ કરવા બદલ મોટી રકમનો દંડ ફટકારીને જંગી રકમની ઉઘરાણી કરતી નોટીસ ફટકારી છે.

તૃણમુલ કોંગ્રેસના પ્રવકતાએ પણ કહ્યું કે ત્રણ દિવસમાં તેમના પક્ષને એક ડઝન જેટલી નોટીસો મળી છે, જે સૂચવે છે કે ભાજપના નેતૃત્વમાં ચાલી રહેલી એનડીએની સરકાર વિપક્ષોને ખતમ કરવા માંગે છે, અને ટેકસ ટેરેરિઝમ ફેલાવાઈ રહ્યો છે.

જામનગરમાં પણ ટેકસ ટેરેરિઝમ જેવી જ ફરિયાદો ઉઠી રહી છે, અને વિવિધ પ્રકારના વેરાના તોતીંગ બીલોએ નગરજનોને પરેશાન કરી દીધા છે. મિલકતો આધારિત મોટી રકમના બાકી બીલોની ફરિયાદો તો ટોક ઓફ ધ ટાઉન બની જ હતી, પરંતુ ગયા વર્ષનો વેરો ઓનલાઈન ભરપાઈ કરી દીધો હોવા છતાં તેને બાકી બતાવીને પૂરા થયેલા વર્ષના બીલમાં બાકી બતાવીને વ્યાજ સાથેના બેવડા બીલ ફટકારાયા હોય, તો તેને ટેકસ ટેરેરિઝમ જ કહેવાય ને ?

વેરા વસુલાત માટે ઝુંબેશો ચલાવતી અને ઢોલ વગડાવતી મનતા બેવડા અને જંગી બીલો સુધારીને નવા યોગ્ય બીલો મોકલવાની અથવા નગરજનોની આશંકાઓ દૂર કરવામાં તત્પરતા કેમ દેખાડતી નથી ? તેવો સવાલ ઉઠે છે.

જે નગરજનોને બીલો જંગી રકમના આવ્યા હોય કે જે નગરજનોને બેવડા બીલો આવ્યા હોય, તેઓને એડવાન્સ બીલો ભરવાની પ્રેરણા મળે, તે માટે સમયસર બીલો સુધારીને પેમેન્ટ સ્વીકારવા અને તેટલી મુદ્દત વ્યાજમાફી સ્કીમની વધારવાની જરૂર હોય, તેમ નથી લાગતું !!

આ મુદ્દે મનપાના તંત્રો ચૂપકીદી સેવે, તેના કરતા જે હકીકત હોય તે સ્વીકારીને સુધારા-વધારા કરે અને વિવાદના બદલે સંવાદનો અભિગમ અપનાવે તે અત્યંત જરૂરી છે. મહત્તમ વેરાવસુલાતની વાહવાહી કરવાની સાથે સાથે નગરજનોની ફરિયાદો આવે, તેની રાહ જોયા વગર ક્ષતિઓની સ્વયંભૂ સુધારણાની દરકાર પણ રાખવી જ જોઈએ, ખરું કે નહીં ?

એમ કહી શકાય કે દેશના મુખ્ય રાજકીય પક્ષો તથા મોટા નેતાઓ કેન્દ્રીય ટેક્ષ ટેરેરિઝમની બૂમરાણ મચાવી રહ્યા છે, જ્યારે નગરમાં ટેકસના તમામ બીલોની પુનઃ ચકાસણી કરવાની બાબતે જનમત ઘડાઈ રહ્યો છે.

રાહુલ ગાંધીએ તો ઈ.ડી. અને સીબીઆઈને વોર્નિંગ આપી રહ્યા હોય, તેમ કહી દીધુ કે ભવિષ્યમાં જ્યારે સત્તા પરિવર્તન થશે, ત્યારે આ એજન્સીઓ સામે પોતાની ફરજો યોગ્ય રીતે નહીં બજાવવા બદલ કાર્યવાહી થશે. તેમણે આ એજન્સીઓ ભવિષ્યમાં કયારેય આવું કરવાની હિંમત પણ નહીં કરી શકે તેવી ગેરંટી પણ આપી દીધી !

નેશનલ કક્ષાએ તો રાહુલ ગાંધી તથા કોંગી નેતાઓએ અવાજ ઉઠાવ્યો છે, પરંતુ નગરમાં આવી જ રીતે અવાજ કોઈ ઉઠાવશે ખરું ? તેની નગરજનો રાહ જોઈ રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh